Home તાજા સમાચાર gujrati ગુજરાત : આઠમા માળે ફ્લૅટમાં વનસ્પતિ ઉગાડી ઘેર બેઠાં કેવી રીતે વ્યવસાય...

ગુજરાત : આઠમા માળે ફ્લૅટમાં વનસ્પતિ ઉગાડી ઘેર બેઠાં કેવી રીતે વ્યવસાય જમાવ્યો?

2
0

Source : BBC NEWS

ગુજરાત, અમદાવાદ, ફ્લૅટમાં શાકભાજી, વ્યવસાય, બીબીસી ગુજરાતી, માઇક્રોગ્રીન્સ, કમાણી

ઇમેજ સ્રોત, tejas Vaidya/BBC

અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઈવે પર ફલૅટમાં રહેતાં અદિતિબહેન માલીએ ઘરમાં જ વ્યવસાય શરૂ કર્યો છે અને ઘેર બેઠાં જ રૂપિયા કમાય છે.

તેમના ઘરે જઈએ તો એમ લાગે કે ઘરની અંદર કોઈ બગીચો છે કે નાનકડું વન ફ્લૅટમાં ઊભું કર્યું છે.

વિવિધ ખાનાંમાં તેમણે મૂળા, મેથી, ગાજર વગેરેના ખૂબ જ નાના એટલે કે માઇક્રો છોડ ઉગાડ્યા છે. આ એવા છોડ છે જેમાંથી મૂળા કે ગાજર ઊગવાના નથી, બલકે એ છોડ જ ખોરાકમાં લેવાય છે, જેને કહે છે માઇક્રોગ્રીન્સ.

આઠમા માળે ફ્લૅટમાં વિવિધ ઘોડામાં ગોઠવેલા ઝીણા ઝીણા છોડ પર માથે ગોઠવેલી ટ્યૂબલાઇટના પ્રકાશને સેટ કરતાં કરતાં અદિતિ માલી બીબીસીને કહે છે કે, હું ચાર વર્ષથી આ વ્યવસાયમાં છું. અમદાવાદમાં હજાર કરતાં વધુ ઘરમાં અમારા આ માઇક્રોગ્રીન્સ પહોંચે છે. એંશી જેટલી રેસ્ટોરાંમાં પણ અમારા માઇક્રોગ્રીન્સ જાય છે. અમદાવાદ ઉપરાંત ભાવનગર, રાજકોટ અને મહેસાણાની રેસ્ટોરાંમાં પણ મોકલીએ છીએ.

‘માઇક્રોગ્રીન્સ એ કોથમીર કે ભાજી નથી’

ગુજરાત, અમદાવાદ, ફ્લૅટમાં શાકભાજી, વ્યવસાય, બીબીસી ગુજરાતી, માઇક્રોગ્રીન્સ, કમાણી

ઇમેજ સ્રોત, tejas Vaidya/BBC

માઇક્રોગ્રીન્સ પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે અને વિવિધ પ્રકારના પર્યાવરણમાં તેને ઉગાડી શકાય છે. અદિતિ માલી પોતે મેથી, મૂળા, પાલક, મગ સહિત 15 જેટલા પ્રક્રારના માઇક્રોગ્રીન્સ ઉગાડે છે.

માઇક્રોગ્રીન્સ એટલે અંકુરિત બીજ જેને સીધે સીધા ખાઈ શકાય છે.

અદિતિબહેન સમજાવે છે કે, “માઇક્રોગ્રીન્સ વિશે ઘણા લોકોને પૂરતી માહિતી નથી. તેમને એમ લાગે છે કે શું એ કોથમીર કે ભાજી છે? પણ એવું નથી. માઇક્રોગ્રીન્સ એટલે બીજપત્ર. અંકુરિત થયેલા બીજનાં પહેલા બે પાન. જે કોઈ કઠોળ કે વનસ્પતિના બીજને રોપીને તેનાં બે પાંદડાં ઊગે તે બીજપત્ર એ માઇક્રોગ્રીન્સ છે.”

“ઘરમાં જે શણગા કે ફણગાવેલા મગ ગૃહિણી તૈયાર કરે છે તે માઇક્રોગ્રીન્સ જ છે. તેને કચૂંબર – સલાડની જેમ ખાઈ શકાય છે, તેમજ શાક – દાળ, દાળભાત વગેરે પર કોથમીરની જેમ ભભરાવીને પણ ખાઈ શકાય છે. લોટમાં નાખીને તેના થેપલાં પણ બનાવી શકાય છે.”

‘માક્રોઇગ્રીન્સ પાંચથી દશ દિવસમાં ઊગી જાય છે’

ગુજરાત, અમદાવાદ, ફ્લૅટમાં શાકભાજી, વ્યવસાય, બીબીસી ગુજરાતી, માઇક્રોગ્રીન્સ, કમાણી

અદિતિ માલી મૂળે પ્રોફેસર છે. તેઓ અર્બન ઍગ્રીકલ્ચર એટલે કે શહેરમાં ખેતીવાડી કઈ રીતે થઈ શકે તે વિષય અમદાવાદની કેટલીક કૉલેજમાં ભણાવે છે. માઇક્રોગ્રીન્સ પણ નગર આયોજન અંતર્ગત ભણાવવામાં આવતો એક વિષય છે.

માઇક્રોગ્રીન્સનું સ્ટાર્ટઅપ એટલે કે વ્યવસાય શરૂ કરવાનો ખ્યાલ કઈ રીતે આવ્યો?

આ સવાલના જવાબમાં અદિતિ માલી કહે છે કે, “માઇક્રોગ્રીન્સ પાંચથી દશ દિવસમાં ઊગી જાય છે. વિદ્યાર્થીઓને પ્રાયોગિક અને વ્યાવહારિક સમજ મળે તેમજ વિભાવના – કૉન્સેપ્ટ મનમાં સ્પષ્ટ થઈ જાય તે માટે હું કોર્સ દરમ્યાન માઇક્રોગ્રીન્સ ઉગાડતી હતી. એ દરમ્યાન મેં એને વ્યવસાય તરીકે અપનાવવાનું વિચાર્યું અને કામ શરૂ કરી દીધું.”

“મેં જ્યારે વ્યવસાય તરીકે માઇક્રોગ્રીન્સને અપનાવ્યું ત્યારે ઘણા સવાલ મનમાં હતા કે લોકો આને ખરીદશે કે નહીં? કેમ કે, માઇક્રોગ્રીન્સ શાકમાર્કેટમાં વેચાતા નથી. શરૂમાં અમે વિવિધ ટેકાણે સ્ટોલ્સ મૂકતા તો લોકો એમ સમજતા કે અમે છોડ કે રોપ વેચવા બેઠ છીએ. કેટલાકને એમ લાગતું કે અમે ભાજી કે કોથમીર વેચીએ છીએ.”

તેઓ કહે છે, “અમદાવાદમાં દર વર્ષે ખાણીપીણીનો મહોત્સવ થાય છે. એમાં અમારો સ્ટોલ હતો તેમાં પાટિયું લગાવ્યું હતું કે આ જે આ કોથમીર કે ભાજી નથી. પાંદડાં ચાખો અને કહી બતાવો કે કઈ વનસ્પતિ છે? ચખાડીએ એટલે તેઓ કહે કે આ તો મૂળો છે. ત્યાંથી લોકોને સમજાય કે મૂળાનાં આવાં પણ નાનાં પાન હોય છે અને તે ખાઈ શકાય છે. એ રીતે લોકો ચાખતા તો કોઈને ગાજર કે મેથીનો સ્વાદ આવતો અને આશ્ચર્ય પણ થતું. પછી લોકો ખરીદતા થયા અને આજે તો અમે અમદાવાદની બહાર પણ માઇક્રોગ્રીન્સ પહોંચાડીએ છીએ.”

માઇક્રોગ્રીન્સ એટલે એવી ખેતી જે એક રૂમમાં થઈ શકે

ગુજરાત, અમદાવાદ, ફ્લૅટમાં શાકભાજી, વ્યવસાય, બીબીસી ગુજરાતી, માઇક્રોગ્રીન્સ, કમાણી

માઇક્રોગ્રીન્સને કાણાવાણી પ્લૅટ કે ટ્રેમાં માટી પર બીજ છાંટીને ઉગાડી શકાય છે. તેમાં પ્રકાશ અને પાણીનું સંતુલન જાળવું પડે છે. તેને સૂર્યપ્રકાશ સાથે તેમજ સૂર્યપ્રકાશની મદદ વગર ઘરની ચાર દીવાલની અંદર લાઇટના પ્રકાશથી પણ ઉગાડી શકાય છે. એમાં બે પાંદડાં ઊગે તેને કાપીને તેને ખોરાકમાં લઈ શકાય છે.

અદિતિ માલી કહે છે કે, “અમદાવાદના ગરમ વાતાવરણમાં બહાર ખુલ્લામાં ઉગાડવું શક્ય નથી. તેથી હું ઘરની અંદર વર્ટિકલ ફાર્મિંગ કરું છું. જેમાં નાની જગ્યામાં વધારે ફાર્મિંગ થઈ શકે છે. અમે બેથી ત્રણ હજાર સ્કેવર ફૂટમાં અલગ-અલગ ઘોડામાં છ લેવલ પર ફાર્મિંગ કરીએ છીએ તે બાર હજાર સ્ક્વેર ફૂટ થઈ ગયું કહેવાય. તે જ અર્બન ફાર્મિંગ છે. અર્બન ફાર્મિંગની વિભાવના એ જ છે કે ઓછામાં ઓછી જમીનમાં ફાર્મિંગ કઈ રીતે થઈ શકે.”

‘વ્યવસાય શરૂ કરવામાં પુરુષોની સરખામણીએ સ્ત્રીને વધારે અડચણ આવે છે’

ગુજરાત, અમદાવાદ, ફ્લૅટમાં શાકભાજી, વ્યવસાય, બીબીસી ગુજરાતી, માઇક્રોગ્રીન્સ, કમાણી

પુરુષપ્રધાન કે પિતૃસત્તાક સમાજમાં એક પુરુષની અપેક્ષા સ્ત્રીને અનેક પડકારોનો સામનો કરવો પડતો હોય છે. આ સ્થિતિનો સામનો અદિતિ માલીને પણ કરવો પડ્યો હતો.

તેઓ જણાવે છે કે, “હું રેસ્ટોરાંમાં માઇક્રોગ્રીન્સ પહોંચાડું છું. મેં હોટલ કે રેસ્ટોરાંમાં એકાઉન્ટ કે પર્ચેસ વિભાગમાં ક્યારેય કોઈ મહિલાને નથી જોઈ. મહિલા ત્યાં ફક્ત રસોડામાં હોય છે. મેં એક વખત રેસ્ટોરાંમાં ઑર્ડર માટે ફોન કર્યો તો તેમને આશ્ચર્ય થયું કે ઑર્ડર માટે કોઈ લૅડી વાત કરે છે.”

“આજે પણ આપણા સમાજમાં એ માનસિકતા છે કે મહિલાઓ આવા વ્યવસાયમાં ન હોય. સમાજની આ માનસિકતાને લીધે કોઈ મહિલા નવોસવો વ્યવસાય કરે ત્યારે તેને પૂરતો સહકાર મળતો નથી. તે ડરી જાય છે.”

મહિલાઓના વ્યવસાય અંગે તેઓ કહે છે, “આપણા પુરુષપ્રધાન સમાજની આ મોટી નબળાઈ છે કે એક મહિલાએ ધંધો-વ્યવસાય શરૂ કરવો હોય તો પુરુષની સરખમાણીએ એને વધારે અડચણમાંથી પસાર થવું પડે છે. હું મહિલાઓને એક જ વાત કહું છું કે આ બધી બાબતોને ધ્યાન જ નહીં આપવાનું અને કામધંધા પર ફોકસ કરીને આગળ વધતા જવાનું. ધીમે ધીમે જગ્યા બનતી જશે અને વ્યવસાય વિકસતો જશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS