Source : BBC NEWS

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા, ગુગરિયાણા (કચ્છ)થી
-
20 એપ્રિલ 2025, 21:02 IST
અપડેટેડ એક કલાક પહેલા
છૂટાંછવાયાં મકાનો, મોટાં ચોખ્ખાં ફળિયાં, તે ફળિયાઓમાં કુદરતી દૃશ્યોનાં ચિત્રોમાં જોવા મળે તેવા ઘાસ અને લાકડાંથી બનાવેલાં ઝૂંપડાં, તેની આજુબાજુ બાંધેલી ભેંસો અને બકરીઓ, છૂટાંછવાયાં ખેતર અને દૂર સુધી દેખાતો વગડો, પરંપરાગત કચ્છી પોશાક પહેરી દૂધ દોહી રહેલ મહિલાઓ અને ઝૂંપડામાં બેસી ચાની ચુસ્કી લેતા માલધારીઓ…
અરબ સાગરના કાંઠે કોટેશ્વર નજીક આવેલું કચ્છના ગુગરિયાણા ગામનું જીવન પરોઢિયાના પ્રકાશમાં કાવ્યાત્મક લાગે છે.
એક ઝાકળ-ભરેલ સવારે ગુગરિયાણાના લેયાર સિધિક જત નામના 55 વર્ષના માલધારી પોતાની બકરીઓને ચારવા માટે લઈને નીકળી પડ્યા. હાથમાં એક સોટી અને કુહાડી હતી.
ચોમાસું પૂરું થયાને પાંચેક મહિના થઈ ગયા હોવાથી ગૌચરમાં કોઈ ખાસ હરિયાળી દેખાતી ન હતી.
બકરીઓ માટે મોટે ભાગે દેશી બાવળ અને બોરડીનાં પાંદડાં જ ચરવાં માટે વધ્યાં છે. બકરીઓ ચારતાં ચારતાં લેયારની નજર સીમમાં આવેલી એક તળાવડીની માટીની પાળમાં ઊગેલા એક છોડ પર પડે છે.
ઉતાવળી ચાલવાળા લેયાર તે તરફ ધસી જાય છે અને જુએ છે કે આંકડાના થડમાં એક ગાંડો બાવળ (prosopis juliflora ) ઊગેલો છે અને આંકડાની આડમાં મોટો થઈ રહ્યો છે.
“આ તો જમીનના કેન્સલ (કૅન્સર) છે,” એમ બબડતા લેયાર તેમના દીકરા અલીને સાદ પાડે છે અને કોદાળી લઈને આવવા કહે છે. કોદાળી હાથમાં આવતા જ લેયાર ક્રોધે ભરાયેલા હોય તેમ ગાંડા બાવળ પર તૂટી પડે છે.
રમધાન ભુલા જત નામના અન્ય એક માલધારીની મદદથી લેયાર તે ચારેક ફૂટના ગાંડા બાવળને મૂળસોતો ઊખેડી નાખે છે. તળાવડીની પાળ પરના એ બાવળને ખોદીને લેયાર તિરસ્કાર સાથે તેને એક મોટી બોરડીના જાળા પર ફેંકી દે છે.
‘ગાંડો બાવળ જમીનનું કૅન્સર છે’

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
ગુગરિયાણાના લોકો ગાંડા બાવળને ‘ઝેરી બાવળ’ કે ‘ગાંડા ઝાડ’ તરીકે ઓળખે છે.
નિશાળે ભણવા જવાનું જેનું નસીબ ન હતું તેવા લેયાર કચ્છી, ગુજરાતી અને હિન્દીનું મિશ્રણ કરી ગાંડા બાવળથી થતા નુકસાનને સમજાવે છે.
તેઓ કહે છે, “એ ગાંડા ઝાડી બકરી કે ખતમ કરી દે છે. આજ નહીં છોડીએ. ખતમ કરી દઈએ. એ કૅન્સલ થા જમીનના. જમીન ખરાબ થી. આદમીને ક્યુ કેન્સલ થાય એમ ગાંડા ઝાડ જમીનના કેન્સેલ થા. એ ન છોડી શકીએ.”
ગૌચરમાં એકાદ કિલોમીટર દૂર ઇસાક જાનુ જત તેમની ભેંસોને ચારવા પહોંચી ગયા છે. તેમના હાથમાં પણ કુહાડી અને લાકડી છે. તેમની નજર પણ ઘેરા લીલા રંગનાં પાંદડાંવાળા ગાંડા બાવળને શોધતી રહે છે. બકરીઓની એક જૂની આખળીમાં તેમને કેટલાક ગાંડા બાવળના છોડ દેખાય છે.
ગાંડા બાવળના વેંતક જેવડા કેટલાક છોડને હાથથી જ ખેંચતાં ખેંચતાં ઈસાક બીબીસી ગુજરાતીને જણાવે છે, “બકરીઓ બાજુના ગામમાં ચરવા જાય ત્યારે ત્યાં ઝેરી બાવળની ફળી (શિંગ) ખાય છે અને પછી બીજે લીંડી કરતા તે લીંડીમાંથી આ છોડ ઊગ્યા કરે છે. પણ, તેને અહીં થવા ન દેવાય. તે અમારી લાખ રૂપિયાની ભેંસના આંચળ બંધ કરી દે છે.”
કચ્છમાં ગાંડા બાવળનું સામ્રાજ્ય કેવું છે?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
આજે કચ્છના કોઈ પણ ભાગમાં જાઓ, ગાંડા બાવળ અચૂક નજરે પડે. તે કચ્છમાં સૌથી વધારે દેખાતાં વૃક્ષ બની ગયાં છે. કચ્છના પશ્ચિમ ભાગમાં કોઈ ટેકરી ઉપર ચડીને નજર કરો તો ગાંડા બાવળની કાંટ માઈલો સુધી નજરે પડે છે.
ગામડાંના રોડને તો જાણે ગળી જવા હોય તે રીતે ગાંડા બાવળ ઊગી નીકળેલા છે. ખેતરને શેઢે તે વાડનું કામ કરે છે અને વગડામાં નીલગાય વગેરેને છાંયો પૂરો પાડતા દેખાય છે.
ઘેટાં-બકરાં અને ગાય-ભેંસ સહિતનાં પાલતુ પશુ તેની શીંગો ખાતાં પણ દેખાય છે. ચૂલો સળગાવવા માટે લોકો તેના લાકડાનો બળતણ તરીકે પણ મોટા પાયે ઉપયોગ કરે છે.
ગુગરિયાણા એ પીપર જૂથ ગ્રામપંચાયતનો એક ભાગ છે. પરંતુ, પીપર ગામ લગભગ ગાંડા બાવળથી છવાઈ ગયું છે. ગામના રહેણાક વિસ્તારમાં ગાંડા બાવળ નજરે પડે છે. ગાંડા બાવળે રોડ પરનું ગામનું બોર્ડ પણ આંશિક રીતે ઢાંકી દીધું છે, ગાંડા બાવળની કાંટ્ય જૂથ પંચાયતના નવા બની રહેલા ભવન સુધી પહોંચી ગઈ છે.
પીપર જૂથ ગ્રામપંચાયતના સરપંચ માવજીભાઈ માહેશ્વરી બીબીસી ગુજરાતીને જણાવે છે. “સ્થિતિ કાબૂ બહાર છે. ગાંડો બાવળ બધે ફેલાઈ ગયો છે અને તેને પરિણામે ગૌચરમાં ઘાસ થતું નથી. સમસ્યા વિકટ છે પણ ગાંડા બાવળને દૂર કરવા અમારી પાસે પૂરતાં નાણાં નથી.”
કંઈક આવી જ સ્થિતિ ગુગરિયાણાના બાજુના ગામ રોડાસરમાં પણ છે.
‘અડધું બન્ની ગાંડા બાવળથી ઢંકાઈ ગયું છે’

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
કચ્છ જિલ્લામાં 2500 ચોરસ કિમીમાં ફેલાયેલા બન્ની એક સમયે એશિયાનાં સૌથી સારાં ઘાસિયાં મેદાનોમાં ગણાતું હતું. પરંતુ ગાંડા બાવળના આક્રમણે તેની સિકલ ફેરવી નાખી છે અને આ ઘાસિયાં મેદાનના કેટલાય વિસ્તાર હવે ગાંડા બાવળથી છવાયેલા જંગલ વિસ્તાર જેવા વધારે લાગે છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ભુજમાં આવેલા ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેઝર્ટ ઇકૉલૉજી (GUIDE ) સંસ્થાના ડાયરેક્ટર વિજયકુમાર કહે છે કે, “આજે કચ્છમાં ગાંડા બાવળનો ફેલાવો ખૂબ વધી ગયો છે.”
તેઓ કહે છે, “બન્નીનાં ઘાસિયાં મેદાનમાં અડધાથી વધારે વિસ્તાર ગાંડા બાવળે ઢાંકી દીધો છે. ગાંડો બાવળ શુષ્ક અને મરુભૂમિ તેમ જ ખારાશ વળી જમીનમાં પણ ઊગી શકે છે. તે દુષ્કાળને પણ ખામી જાય છે અને મોટા ભાગે તેને કોઈ રોગ નડતા નથી. તેનાં મૂળ જમીનમાં ઊંડે અને દૂર સુધી ફેલાતા હોવાથી ગાંડો બાવળ ખૂબ ઝડપથી વૃદ્ધિ પામે છે. વળી, તેનાં પાંદડાં કડવાશવાળા હોવાથી કોઈ તૃણભક્ષી તેને ખાતા નથી.”
તેઓ સમજાવે છે કે, ”ગાંડો બાવળ વાવ્યા પછી તેની ખાસ કંઈ કાળજી રાખવી પડતી નથી. તેનું લાકડું ઊર્જાથી ભરપૂર હોવાથી ચૂલો સળગાવવા તેમ જ કોલસા બનાવવા મોટા પાયે વપરાય છે. ગાંડા બાવળમાં વર્ષમાં બે વાર શીંગો/પૈડિયા આવે છે. આવી શીંગોમાં રહેલા બીજ ફરતે એક સખત કોચલું હોય છે જે કુદરતી રીતે તૂટતાં પાંચ વર્ષ લાગી શકે છે.”
તેઓ વધુમાં જણાવે છે કે, ”આ શીંગોમા ગળપણ હોવાથી પાલતુ પશુઓ અને જંગલી તૃણભક્ષીઓ તેને ખાય છે. આવા પશુનાં આંતરડાંમાં રાસાયણિક પ્રક્રિયા થવાથી બીજને ઢાંકતું કોચલું તૂટી જાય છે. પછી તે પશુઓના છાણ સાથે બહાર ફેંકાય છે ત્યારે છાણમાં રહેલા ભેજ અને પોશાક દ્રવ્યોના કારણે બીજ ઝડપી ઊગી જાય છે.”
એ ગામ જેણે ગાંડા બાવળને ફેલાતો અટકાવ્યો

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
પણ કચ્છના લખપત તાલુકાના ગુગરિયાણા ગામે કચ્છમાં ગાંડા બાવળના વિસ્તરી રહેલા સામ્રાજ્યને અટકાવ્યું છે.
કોટેશ્વર-નારાયણ સરોવરથી પીપર ગામ જતો રસ્તો પણ ગાંડા બાવળથી ઘેરાયેલો છે. પરંતુ આ રોડથી અલગ પડતો ગુગરિયાણાનો બે કિમી લાંબો અપ્રોચ રોડ ચોખ્ખો અને ખુલ્લો છે.
રસ્તાની બંને બાજુ બોરડી અને દેશી બાવળ છે પણ તે ગાંડા બાવળની જેમ રસ્તાને ગળી જવા મોં ફાડીને બેઠા હોય તેમ નથી લાગતું.
ગુગરિયાણા ગામની ખુલ્લી જમીન, કોઈ ઘરના ફળિયામાં કે પશુ રાખવાના વાડામાં ગાંડા બાવળનું કોઈ નિશાન નથી. દક્ષિણે છેક દરિયા સુધી, ઉત્તરે નારાયણ સરોવર-પીપર રોડ સુધી, પૂર્વમાં ધ્રગવાંઢ અને પશ્ચિમમાં લક્કી ગામ સુધી ગુગરિયાણા ગામની સીમ વિસ્તરેલી છે અને તેમાં ગાંડા બાવળ દેખાતા નથી.
ગામનાં છૂટાંછવાયાં ખેતરોની વાડમાં પણ ગાંડા બાવળ નથી. ગામની સીમ અને ગૌચરમાં કચ્છી બોલીમાં ધામણ, ગંઢીર, લણો, શણ વગેરે તરીકે ઓળખાતા ઘાસ, ખિપ જેવા ક્ષુપ અને દેશી બાવળ, હરમા, ગોરડ, આંકડા વગેરે ઝાડ અને છોડ છે.
ગાંડા બાવળ ન હોવાથી અને અન્ય વૃક્ષોની સંખ્યા મર્યાદિત હોવાથી ગૌચર ખુલ્લું છે અને તેથી તેમાં ઘાસના થુમડા વધારે દેખાય છે.
ઈસાક જત કહે છે, “ગાંડો બાવળ ન હોવાથી અમારા ગામના ગૌચરમાં ઘાસ વધારે થાય છે. તેથી, આજુબાજુના ગામના માલધારી પણ તેમના પશુઓને ચરાવવા ગુગરિયાણા આવે છે અને ગૌચર સાર્વજનિક હોવાથી અમે તેમને ના પડી શકતા નથી.”
ગુગરિયાણા ગામ ગાંડો બાવળ કેમ થવા નથી દેતું?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
ગુગરિયાણામાં ચાલીસેક પરિવારના અંદાજે 250 લોકો રહે છે. ગામની જમીન બહુ ફળદ્રુપ નથી અને ભૂગર્ભજળ ખારા હોવાથી ખેતી વરસાદ આધારિત છે. પરિણામે, લોકો પશુપાલન પર જ નિર્ભર છે. ગામમાં લગભગ 450 ભેંસો અને 400 જેટલાં ઘેટાં-બકરાં છે.
ઈસાક જત જણાવે છે કે, “ગુજરાત સરકારના વનવિભાગે 1980ના દાયકાની શરૂઆતમાં રોડાસર નજીક આવેલા હનુમાન ખુદી રાખાલ તરીકે ઓળખાતા આરક્ષિત વનની બૉર્ડર પર ગાંડા બાવળ વાવ્યા અને તેનાં થોડાંક જ વર્ષોમાં તે પાંચેક કિલોમીટર દૂર આવેલા ગુગરિયાણામાં ફેલાઈ ગયા.”
પરંતુ, લેયાર અને ઈસાક જણાવે છે કે ગાંડા બાવળ આવતા ગુગરિયાણાના ગૌચરમાં ઘાસ ઓછું થવા માંડ્યું અને ગાંડા બાવળના કાંટા ભેંસો અને ગાયોના આંચળમાં ખૂંપી જતા તેમાંથી દૂધ આવવાનું બંધ થવા લાગ્યું.
ગાંડા બાવળની ગૌચર અને પશુઓ પર અવળી અસર થતા ગામલોકોની આવકના મુખ્ય સ્રોત સામે જ જોખમ ઊભું થયું. તેથી, લોકોએ છેક 1990ના દાયકાથી ગાંડા બાવળને કાઢવાનું ચાલુ કર્યું અને નવા ગાંડા બાવળ ન થાય તેના પ્રયત્નો આજ દિન સુધી ચાલે છે.
ઈસાક જણાવે છે કે, “અમારા ગામના તે વખતના વડા હાજી મામદ ભાગિયા જતે કહ્યું કે આ વસ્તુ ખરાબ છે અને તેને ગામમાં ન વાવવાની સલાહ આપી. બીજા ગામના લોકો સજાગ ન થયા અને તે ગામડાં ઝેરી બાવળ હેઠે દટાઈ ગયાં.”
તેઓ કહે છે, ”બધાને એકઠા કરીને નક્કી કર્યું કે જેને પણ ઝેરી બાવળ જોવામાં આવે તો તરત જ કાપી નાખવો, કારણ કે તેના લીધે આપણું ઘાસ નહીં થાય, અને ઘાસ નહીં થાય તો ભેંસોને ચારો નહીં મળે, અને ચારો નહીં મળે તો દૂધ-પાણી નહીં મળે. બીજી અમારી કોઈ આવક નથી એટલે 1990થી અમે આ શરૂ કર્યું.”
‘ચા પીવી હોય તો ગાંડા બાવળ કાપો’

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
હાજી મામદ ભાગિયા જત એ લેયારના મામા હતા અને લેયારે જ સૌથી પહેલા ગાંડા બાવળ સામે કુહાડી ઉગામી હતી તેમ ગામલોકો કહે છે.
લેયાર કહે છે કે, “હું પહેલાંથી જ બકરીઓ ચારું છું. બકરીને ગમે ત્યારે દોહી શકાય છે. પણ અમારા ગામમાં વધારે લોકો ભેંસો રાખે છે અને તે માત્ર સવાર-સાંજ જ દૂધ આપે છે. તેથી, ભેંસો ચારતાં ચારતાં માલધારીઓને ચા પીવાની ઇચ્છા થાય તો તેઓ મારી પાસે આવતા અને દૂધ માગતા.”
”તો હું કહેતો કે ઝેરી બાવળ કાપો તો ચા પાઉં.”
તેઓ કહે છે કે, “ઝેરી બાવળથી બકરીઓના આંચળને નુકસાન થાય છે, તેનાં જડબાં જડાઈ જાય છે અને મૃત્યુ પામે છે.”
લેયારની વાત સાથે સંમત થતા GUIDEના ડિરેક્ટર વિજયકુમાર કહે છે કે, “ગાંડા બાવળની શીંગમાં રહેલ કેટલાક અલકલોઇડ્સના કારણે અમુક પશુઓનાં જડબાં લાંબે ગાળે જડાઈ જાય છે અને આવા પશુને ખોરાક ગળવામાં તકલીફ પડતા મૃત્યુ પામે છે.”
ગાંડા બાવળને અટકાવવા કેવા પ્રયાસો થઈ રહ્યા છે?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
અમૂલના ઉપ-પ્રમુખ અને કચ્છની સરહદ ડેરીના પ્રમુખ વલમજી હુંબલ કહે છે કે, “સૂકા કચ્છમાં ઘાસચારાની આમ પણ તંગી રહેતી હતી તેવામાં ગાંડા બાવળના ફેલાવાએ આ સમસ્યાને વધારે વિકટ બનાવી છે.”
તેઓ કહે છે કે, “ગાંડા બાવળના ફેલાવાને કારણે કચ્છમાં ગૌચરમાં પૂરતું ઘાસ થતું નથી અને તેથી માલધારીઓને મોટા જથ્થામાં ઘાસચારો ખરીદવો પડે છે અને કચ્છ બહારથી પણ ચારો મંગાવવો પડે છે.”
ગુજરાતના અગ્ર મુખ્ય વનસંરક્ષક અને ફૉરેસ્ટ ફોર્સના હેડ એ.પી. સિંહ જણાવે છે કે, “ઇન્ટરનૅશનલ યુનિયન ફૉર કન્ઝર્વેશન ઑફ નૅચર સંસ્થાએ ગાંડા બાવળને સ્થાનિક પ્રજાતિઓ સામે ભય ઉભો કરે તેવી વિદેશી આક્રમણકારી પ્રજાતિઓની યાદીમાં મૂક્યો છે.”
“રણને આગળ વધતું અટકાવવા કચ્છના રાજાએ જ ગાંડા બાવળનું વાવેતર કરાવેલું. અને તેનાં સારાં પરિણામો પણ મળેલાં. પરંત, એક હદથી વધારે સંખ્યામાં ગાંડા બાવળ સ્થાનિક પ્રજાતિનાં વૃક્ષો, ક્ષુપો અને ઘાસ માટે જગ્યા રહેવા દેતા નથી અને તેથી ઇકૉલૉજી માટે ભય ઊભો કરે છે. પરિણામે, અમે તેને બન્નીમાંથી કાઢી રહ્યા છીએ.”
કચ્છ પશ્ચિમ વનવિભાગના નાયબ વનસંરક્ષક યુવરાજસિંહ જાડેજા કહે છે કે, “વનવિભાગ રેવન્યુ વિસ્તારમાંથી ગાંડો બાવળ દૂર કરવા ટેકનિકલ માર્ગદર્શન પૂરું પડે છે જ્યારે જિલ્લા પંચાયત ગામડાંને આર્થિક સહાય પણ પૂરી પડે છે.”
“વનવિભાગ દ્વારા ગાંડા બાવળમાંથી કોલસા બનાવવાની નીતિ પણ અમલમાં છે. વનવિભાગ કોલસા બનાવવા માટેની ભઠ્ઠી અને કોલસાના ટ્રાન્સપૉર્ટેશન માટે મંજૂરી આપે છે. વનવિભાગ આ સમસ્યામાંથી લોકોને આર્થિક ફાયદો પણ થાય તેવા પ્રયાસ કરી રહ્યું છે.”
ગાંડા બાવળ દક્ષિણ અમેરિકાથી ભારતમાં લવાયાં
રણને આગળ વધતું રોકવા લાવેલા ગાંડા બાવળ એ મૂળ તો ભારતના નથી.
યુનાઇટેડ નૅશન્સના નેજા હેઠળ ચાલતી ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન (FOA ) નામની વૈશ્વિક સંસ્થા અનુસાર, “1877માં રણને આગળ વધતું અટકાવવા અને સૂકી જમીનોને હરિયાળી કરવા ગાંડા બાવળને દક્ષિણ અમેરિકાથી લાવીને સિંધ અને ભારતીય ઉપખંડમાં તેનું વાવેતર કરવામાં આવ્યું હતું.”
દેશના શુષ્ક પ્રદેશો પર સંશોધન કરતી ભારત સરકારની સંસ્થા ઍરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CAZRI) દ્વારા પ્રકાશિત એક અહેવાલ અનુસાર, “કચ્છ રજવાડાના તત્કાલીન શાસકે 1985-86માં કચ્છમાં ગાંડા બાવળની વાવણી કરાવી હતી. પાછળથી, ગુજરાત રાજ્યના વનવિભાગે રણને આગળ વધતું રોકવા માટે કચ્છના બન્ની ઘાસના મેદાનના લગભગ 315 ચોરસ કિલોમીટરમાં ગાંડા બાવળનું વાવેતર કર્યું હતું.”
ગુજરાતના અગ્ર મુખ્ય સંરક્ષક અને ફૉરેસ્ટ ફૉર્સના વડા ડૉ. એ.પી. સિંહ કહે છે કે, “રાજ્યમાં ગ્રીન બેલ્ટ બનાવવા માટે રસ્તાના અને હાઈવેની બંને બાજુ ગાંડા બાવળનાં બીજ વેરવામાં આવ્યા હતા અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ખારાશને આગળ વધતી રોકવા માટે એક કવચ ઊભું કરવા ગાંડા બાવળનું વાવેતર કરવામાં આવ્યું હતું.”

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
કચ્છ (પશ્ચિમ) વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ જાડેજા કહે છે, “તેને રક્ષિત વનોની સરહદો પર પણ વાવવામાં આવ્યું હતા જેથી કરીને આવા વનોની સરહદો પર રક્ષણ મળી રહે. તેમાં ગુગરિયાણા નજીકના આરક્ષિત જંગલ હનુમાન ખુદી રાખલનો પણ સમાવેશ થતો હતો.”
પરંતુ FOA જણાવે છે કે ગાંડા બાવળ એ હદે ફેલાઈ ગયા છે કે તે સ્થાનિક પ્રજાતિના વૃક્ષો, ક્ષુપો અને ઘાસને પણ ઉગવા દેતા નથી.
FOA અનુસાર, “સૂકા વાતાવરણમાં ઢળી જવાની, દુષ્કાળમાં પણ ખમી જવાની અને રોગો સામે પણ ટકી રહેવાની ક્ષમતાને કારણે સૂકા અને અર્ધ-સૂકા વિસ્તારોમાં ફેલાવાની બાબતમાં તેણે (ગાંડા બાવળે) દેશી પ્રજાતિઓને પાછળ રાખી દીધી છે.”
સેન્ટ્રલ ઍરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો અહેવાલ જણાવે છે કે, “1980 થી 1988 દરમિયાન બન્નીના ઘાસિયા મેદાનમાં ગાંડા બાવળે દર વર્ષે લગભગ 42 ચોરસ કિમી વિસ્તાર ઢાંકી દીધો હતો.”
FOA પ્રમાણે, ગાંડા બાવળ ગુજરાત, રાજસ્થાન અને હરિયાણાના લગભગ તમામ જિલ્લાઓમાં પ્રસરી ગયા છે.
કેટલાક સંશોધનો એ તારણ પર આવ્યા છે કે વધારે પડતા ગાંડા બાવળ ભૂગર્ભજળની ઉપલબ્ધતા પર પણ અવળી અસર કરી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS