Source : BBC NEWS

ઇમેજ સ્રોત, LAKSHMI PATEL
3 કલાક પહેલા
અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદા સોસાયટીમાં રવિવારે લાગેલી આગમાં એક માતા અને પુત્રનું મૃત્યુ થયું છે. આ મકાનમાં ઍરકંડિશનમાં વપરાતા ગૅસના સિલિન્ડર અને ટિન રાખવામાં આવ્યાં હોવાની માહિતી મળી છે.
નજરે જોનારાઓનું કહેવું છે કે આગ લાગતા જ ગૅસનાં ટિન ધડાકા સાથે ફૂટવાં લાગ્યાં હતાં.
બે માળ સુધી ફેલાયેલી આગના ધુમાડા સિવાય કશું જ દેખાતું ન હતું. આ આગમાં સોસાયટીના લોકોની છ ગાડીઓ અને છ ટુવ્હિલર વાહનો સળગી ગયાં હતાં. તેમજ કેટલાંય વાહનોને નુકશાન પહોચ્યું છે.
સ્થાનિકોએ કહ્યું કે આસપાસનાં ઘરો પણ આગની ચપેટમાં આવી ગયાં હતાં. બ્યુટેન ગૅસનાં ટિન 500 મીટર સુધી ઊડીને પડ્યાં હતાં.

ઇમેજ સ્રોત, LAKSHMI PATEL
મળતી માહિતી અનુસાર જે જગ્યાએ આગ લાગી તેના ગ્રાઉન્ડ ફ્લોર પર સામાન રાખવામાં આવતો હતો અને પહેલા માળ પર પરિવાર રહેતો હતો.
ઘટના સમયે માતા પુત્ર પહેલા માળ પર હતા. ફાયરના જવાનોએ માતા અને પુત્રને રેસ્ક્યુ કરીને હૉસ્પિટલ પહોંચાડ્યાં હતાં. જોકે માતા અને પુત્રનો જીવ બચાવી શકાયો ન હતો.
આ મકાન જગદીશ મેઘાણીનું હતું.
ઘટના સમયે જગદીશભાઈનાં પત્ની રેખાબહેન અને પુત્ર કર્તવ્ય ગાંધીનગર ગયાં હતાં. કર્તવ્યનાં પત્ની સરસ્વતી અને તેમનો દીકરો જ ઘરે હતો. સોસાયટીના સ્થાનિકો અનુસાર સરસ્વતી ગર્ભવતી હતાં.
સોમવારે જ્ઞાનદા સોસાયટીમાં કેવો માહોલ હતો?

ઇમેજ સ્રોત, LAKSHMI PATEL
સોમવારે બીબીસી ગુજરાતીની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી.
જે મકાનમાં આગ લાગી હતી તે આગને કારણે આખું કાળું થઈ ગયું હતું. ઘરમાં અને બહાર ટિનના ઢગલા હતા. આસપાસનાં ઘરોમાં પણ આગની ઝાળના કાળા નિશાન દેખાઈ રહ્યાં હતાં.
પોલીસ અને એફએસએલની ટીમ તપાસ કરી રહી હતી. સોસાયટીની ગાડીઓ સળગેલી હાલતમાં પડી હતી. રસ્તા પર આવતા જતા લોકો ફોટો અને વીડિયો લઈ રહ્યા હતા.
સોસાયટીના રહીશોને તેમના સગા સંબંધીઓ મળવા આવ્યા હતા. તો કોઈકના ઘરે વાહનોના વીમા કંપનીના કર્મચારીઓ તપાસ કરવા માટે આવ્યા હતા. સોસાયટીના ગેટને ક્વૉર્ડન કરી દેવામાં આવ્યો હતો.
આસપાસનાં ઘરોમાં રહેતા કેટલાક લોકો તો સગા સંબંધીના ઘરે પણ જતા રહ્યા હતા.
આગ લાગી હતી તે ઘરની બાજુના ઘરમાં ગોદડામાંથી ધુમાડો નીકળતો હોવાથી સોમવારે બપોરે ફાયરની ટીમ બોલાવવામાં આવી હતી. ફાયરની ટીમ દ્વારા ગોદડાઓને બહાર કાઢીને પાણી છાંટવામાં આવ્યું હતું.
આગમાં મૃત્યુ પામનાર સરસ્વતીની અંતિમયાત્રા સોમવારે બપોરે નીકાળવાની હોવાથી તેમનાં સગાં સંબંધી સ્થળ પર પહોચ્યાં હતાં.
આસપાસમાં ટોળે ટોળાં વળેલાં હતાં અને તેઓ ઘટના અંગે જ વાત કરી રહ્યા હતા.
અમદાવાદમાં એસીના ગોડાઉનમાં આગ લાગી ત્યારે શું થયું હતું?

ઇમેજ સ્રોત, LAKSHMI PATEL
બીબીસી ગુજરાતીએ સોસાયટીના લોકો સાથે આગની ઘટના અંગે વાત કરી હતી.
સોસાયટીના લોકો ઘટના સમયે ગભરાઈ ગયા હતા. તેમજ તેમના આંખની સામે તેમનાં ઘર અને વાહનોને સળગતાં જોયાં હતાં. સોસાયટીના રહીશોનું કહેવું હતું કે આગ એટલી વિકરાળ હતી કે ધુમાડા સિવાય કંઈજ દેખાતું ન હતું.
રવિવારે ઘટનાસ્થળ પર ટોળેટોળાં વળ્યાં હતાં. ફાયર વિભાગે સુરક્ષાના ભાગરૂપે ગેસ લાઇન અને વિજ લાઈન બંધ કરાવી દીધી હતી.
આગની ઘટના બની તેના નજીકમાં જ પેટ્રોલ પંપ હતો. સુરક્ષાના ભાગરૂપે પેટ્રોલપંપને એક કલાક માટે બંધ કરવામાં આવ્યો હતો.
સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે તેમને એએમસીને આ મકાનમાં ગૅસનાં ટીન રાખતાં હોવાનું જોખમી છે તો તે અંગે કાર્યવાહીની માંગ કરી હોવા છતાં કોઈ એએમસી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
જ્ઞાનદા સોસાયટીની નજીકમાં રહેતાં શારદાબહેન જે મૃતક સરસ્વતીનાં સાસુનાં મિત્ર છે. તેઓ ઘટનાની પાંચ મિનિટ પહેલાં જ તેમના ઘરના દરવાજાએ આવ્યાં હતાં.
શારદાબહેને બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, “હું તેમના ઘરના દરવાજાએ પહોંચી અને મને થયું કે ગરમીમાં સૂતાં હશે તો થોડીકવાર રહીને આવું. હું તેમના ઘરના દરવાજાથી 200 મીટર જેટલું જ પહોંચીને ધડાકાનો અવાજ આવ્યો હતો. જો હું તેમના ઘરે ગઈ હોત તો કદાચ મારું પણ મૃત્યુ જ થઈ ગયું હતું. ધડાકા સાથે જોત જોતામાં આગ વિકરાળ થઈ ગઈ હતી.”
‘મેં મારી આંખ સામે મારી ગાડીઓ સળગતી જોઈ’

ઇમેજ સ્રોત, LAKSHMI PATEL
બીબીસી ગુજરાતીએ સોસાયટીના લોકો સાથે આગની ઘટના બની તે અંગે વાત કરી હતી. સોસાયટીના લોકો ઘટના સમયે ગભરાઈ ગયા હતા. તેમજ તેમના આંખની સામે તેમના ઘર અને વાહનોને બળતાં જોયાં હતાં. સોસાયટીના રહીશોનું કહેવું હતું કે આગ એટલી વિકરાળ હતી કે ધુમાડા સિવાય કંઈ જ દેખાતું ન હતું.
સોસાયટીનાં રહેવાસી હેમલબહેન ઉપાધ્યાયે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “મેં મારા આંખની સામે મારી બે ગાડીઓને સળગતી જોઈ છે. અમારા ઘર પર 30 કરતાં વધારે ટિન ઊડીને આવ્યાં હતાં.”
“આગ એટલી વિકરાળ હતી કે અમે જોઈને ગભરાઈ ગયાં હતાં. અમારા ઘરની સામેની બાજુથી જ નીકળી શકાય તેવી સ્થિતી જ ન હતી અમે ઘરની પાછળથી નીકળીને દોડ્યાં હતાં. આગ લાગી તેની બાજુના ઘરના લોકો તો વિદેશમાં રહે છે તેમનું ઘર બંધ જ હોય છે. તેમના ઘરને પણ આગે ચપેટમાં લીધું હતું. તેમના ઘરનું તાળું તોળીને આગ બુઝાવવામાં આવી હતી.”
હેમલ ઉપાધ્યાય આગ અંગે વાત કરતાં કહે છે કે, “શરૂઆતમાં ધડ ધડ અવાજ આવ્યો તો મને લાગ્યું કે આમારું પૅટ છે. જે બહાર જવા માટે દરવાજો ખખડાવે છે. જોકે વધારે અવાજ આવતા અમે અમારી ગૅલરીમાંથી જોયું તો ખબર પડી કે આગ લાગી છે. પવનની દિશા અમારી સોસાયટીનાં ઘરો તરફ હતી. જેથી આગળ પાછળ ત્રણ-ત્રણ ઘરો સુધી ટિન ઊડીને પડ્યાં હતાં.”
સોસયટીમાં રહેતા પાર્થ શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, “અમારી એક ગાડી આ આગ લાગી તે ઘરની પાસે પડી હતી અને અન્ય એક ગાડી બહાર પડી હતી. બન્ને ગાડીઓને આગને કારણે નુકસાન થયું છે.”
“ફટાકડા ફૂટતા હોય તેવો અવાજ આવવા લાગ્યો હતો. ટિન ઊડી-ઊડીને આવી રહ્યાં હતાં. હું મારી ગાડી લેવા જતો હતો. પરંતુ આગને કારણે ગાડી ગરમ થઈ ગઈ હોવાને કારણે સેન્ટ્રલ લૉક થઈ ગઈ હતી. આગ ધીમી થતા અમે ગાડી હટાવી હતી.”
આગ લાગી તે ઘરની બાજુના જ ઘરમાં 75 વર્ષના વૃધ્ધ લાલજીભાઈ પ્રજાપતી અને તેમનાં પત્ની રહેતાં હતાં.
તેમને ઘરની બહાર પણ આગ પ્રસરી ગઈ હતી. સોસાયટીના લોકો તેમના ઘરની બહાર લાવ્યા હતા.
લાલજીભાઈનાં દીકરીએ કિંજલબહેને બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, “ગૅસનાં ટિન ઊડીને વાગતાં મારા પિતા પગમાં દાઝી ગયા હતા. જોકે હાલ મારા માતા પિતા અમારી સાથે છે અને સ્વસ્થ્ય છે. અમારા ઘરને નુકસાન થયું છે તે તમે જોઈ જ શકો છો.”
ફાયર વિભાગે શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, LAKSHMI PATEL
રવિવારે જે મકાનમાં આગ લાગી હતી તેની જાણ થતાં ફાયર બ્રિગેટની ટીમ આવી પહોંચી હતી અને તેના પહેલા માળ પર બાળક અને તેમનાં માતાને રેસક્યુ કરીને હૉસ્પિટલ પહોંચાડ્યાં હતાં.
ફાયર ઑફિસર પંકજ રાવલ બાળકને લઈને રસ્તા પર દોડ્યા હતા. જોકે બાળક અને માતાને બચાવી શકાયાં ન હતાં.
ફાયર અધિકારી જયેશ ખડીયાએ રવિવારે સ્થળ પરથી મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે સાંજે ચાર વાગ્યાની આસપાસ કંટ્રોલરૂમમાં આગની ઘટના અંગેનો કૉલ મળ્યો હતો. કૉલ મળતા જ પ્રહ્લાદનગરની ફાયર ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. આગ વિકરાળ હોવાથી નવરંગપુરા અને જમાલપુરની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. તેમજ આઠથી 10 ગાડીઓ બોલાવવામાં આવી હતી.
આગના કારણ અંગે જયેશ ખડીયાએ જણાવ્યું હતું કે, “એફએસએલના રિપાર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે આગ લાગવાનું કારણ શું હતું.”
સોસાયટીના ચૅરમૅને એએમસી અંગે શું કહ્યું?

ઇમેજ સ્રોત, LAKSHMI PATEL
સોસાયટીના ચૅરમૅને ફેબ્રુઆરી 2024માં તેમને નોટિસ આપી હતી. તેમજ 2024માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેખિતમાં અરજી કરી હતી.
સોસાયટીના ચૅરમૅન રાજુભાઈ જોશીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યુ કે, “આ ગેસનાં ટિન જ્વલનશીલ હોય છે અને તે રહેણાક વિસ્તાર માટે જોખમી છે. આ પ્રકારનો સામાન ઘરમાં ન રાખવા માટે અમે ઘરના માલિક જગદીશભાઈને નોટિસ આપી હતી. તેમ છતાં તેઓ માનતા ન હતા.”
“જેથી અમે આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના ડીવાયએમસીને લેખિતમાં અરજી કરીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી.. તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કર્મચારીઓએ આ અંગે કોઈ પગલાં લીધાં ન હતાં.”
રાજુભાઈ જોશીએ માંગ કરી હતી કે, “સોસાયટીના જે લોકોને મકાન અને ગાડીઓનું નુકસાન થયું છે તેમને સરકાર વળતર ચૂકવે.”
એએમસીમાં સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન દેવાંગ દાણીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “આગની ઘટના બની હતી તે જ્ઞાનદા સોસાયટીના રહીશોએ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને પત્ર લખ્યો હતો.”
“પરંતુ તે અંગે કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી ન હતી એ વિશે વેજલપુર વૉર્ડના આસિસ્ટન્ટ ઍસ્ટેટ ટીડીઓ અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરને નોટિસ પાઠવવામાં આવી છે. આ અંગે કોણે કાર્યવાહી કરી ન હતી કોણ જવાબદાર છે તે અંગે તપાસ શરૂ કરી છે.”
પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS