Home તાજા સમાચાર gujrati ‘નથી સેના કે નથી સેનાપતિ’ – ગુજરાતમાં કૉંગ્રેસ સામે કેવા પડકારો છે...

‘નથી સેના કે નથી સેનાપતિ’ – ગુજરાતમાં કૉંગ્રેસ સામે કેવા પડકારો છે અને નવસર્જન કેટલું અઘરું છે?

4
0

Source : BBC NEWS

ગુજરાત, રાહુલ ગાંધી, કૉંગ્રેસ, ગુજરાતમાં કૉંગ્રેસ, ગુજરાતમાં કૉંગ્રેસનું નવસર્જન, રાજકારણ, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ, અમદાવાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

“ગુજરાતની કૉંગ્રેસમાં બે પ્રકારના લોકો છે. એક એવા લોકો છે જે દિલથી અને ઇમાનદારી કૉંગ્રેસ માટે લડે છે, અને જનતા સાથે જોડાયેલા છે. બીજા એવા પ્રકારના લોકો છે જેમનો પ્રજા સાથેનો સંપર્ક તૂટી ગયો છે તથા તેઓ ભાજપ સાથે મળેલા છે. જરૂર પડે તો આવા પાંચ-પચ્ચીસ નેતાઓને કૉંગ્રેસમાંથી હાંકી કાઢવા જોઈએ.”

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવીને કૉંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે જાહેરમાં આવી વાત કરી હતી.

રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે, “ગુજરાત એક નવો વિકલ્પ શોધી રહ્યું છે, પરંતુ કૉંગ્રેસ પાર્ટી તેને દિશા બતાવવામાં અસમર્થ છે. આ સત્ય છે અને મને આ કહેવામાં કોઈ શરમ કે ડર નથી.”

એ પહેલાં પણ રાહુલ ગાંધી સંસદમાં કહી ચૂક્યા છે કે, “અમે તમને અયોધ્યામાં હરાવ્યા છે અને 2027માં ગુજરાતમાં હરાવીને પણ દેખાડીશું.”

લોકસભા ચૂંટણી પછી રાહુલ ગાંધી ગુજરાતની બે વાર મુલાકાત લઈ ચૂક્યા છે અને હવે કૉંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન પણ બે દિવસ માટે ગુજરાતમાં યોજાઈ રહ્યું છે. જેમાં રાષ્ટ્રીયસ્તરના કૉંગ્રેસના નેતાઓ ગુજરાતમાં આવ્યા છે.

ગુજરાતમાં કૉંગ્રેસે છેલ્લું અધિવેશન 1961માં ભાવનગરમાં યોજ્યું હતું એ યાદ કરીએ તો 64 વર્ષ પછી કૉંગ્રેસે ગુજરાત તરફ મીટ માંડી છે.

ત્યારે સવાલ એ છે કે ગુજરાતમાં કૉંગ્રેસે અધિવેશન યોજવાનું કેમ નક્કી કર્યું? તેનાથી પક્ષને કોઈ મોટો ફાયદો થશે કે કેમ? ગુજરાતમાં કૉંગ્રેસની પરિસ્થિતિ ખરેખર કેવી છે? કૉંગ્રેસ માટે પક્ષનું ગુજરાતમાં નવસર્જન કેટલું અઘરું છે અને કેવા પડકારો છે? રાહુલ ગાંધી વારંવાર ગુજરાત કેમ આવી રહ્યા છે અને આવાં નિવેદનો કેમ કરી રહ્યા છે? જાણીશું આ અહેવાલમાં…

કૉંગ્રેસ ગુજરાતમાં અધિવેશન કેમ યોજી રહી છે?

ગુજરાત, રાહુલ ગાંધી, કૉંગ્રેસ, ગુજરાતમાં કૉંગ્રેસ, ગુજરાતમાં કૉંગ્રેસનું નવસર્જન, રાજકારણ, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ, અમદાવાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SHUKDEV BHACHECH/KALPIT BHACHECH

ગુજરાતમાં કૉંગ્રેસ બે દિવસ માટે રાષ્ટ્રીય અધિવેશન યોજી રહી છે. તે અંતર્ગત તેમાં વિવિધ કાર્યક્રમોની જાહેરાત થઈ છે. કૉંગ્રેસનું રાષ્ટ્રીય નેતૃત્વ ગુજરાતમાં પક્ષની સ્થિતિ અંગે પણ મંથન કરશે.

આ અધિવેશનની સ્વાગત સમિતિના ચૅરમૅન શક્તિસિંહ ગોહિલ તથા કન્વીનર અમિત ચાવડા છે. શક્તિસિંહ હાલ ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ છે અને તેમના પર હાલ રાજ્યમાં કૉંગ્રેસને ફરી ઊભી કરવાની જવાબદારી આવેલી છે.

પીઢ સમાજશાસ્ત્રી અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર ડૉ. વિદ્યુત જોશી કહે છે, “કૉંગ્રેસના નેતૃત્ત્વને એ ખબર છે કે જ્યારે પણ દેશમાં નવી રાજકીય સંસ્કૃતિ ઊભી થાય છે એ ગુજરાતથી શરૂ થાય છે. એટલે તમે જો ગુજરાતના મૉડલને તોડો તો સમગ્ર દેશમાં એની અસર થાય. આથી, અહીંથી એક નવું મૉડલ ઊભું કરવું એ આ અધિવેશન યોજવા પાછળનો પાયાનો વિચાર હોઈ શકે.”

પરંતુ તેમનું કહેવું છે કે કૉંગ્રેસ એટલી સક્ષમ નથી અને ગુજરાતમાં તેની પાસે એવો શક્તિશાળી વિચારધારાને વળગેલો નેતા નથી જે આ બધું કરી શકે.

આ મામલે બીબીસીએ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી સુરેશ મહેતા સાથે વાત કરી હતી. તેઓ કહે છે કે, “એવું લાગે છે કે કૉંગ્રેસની નવી ઊગતી પેઢીને અંદરથી એવું લાગે છે કે આપણે કંઇક કરી છૂટવું છે. કૉંગ્રેસને ગુજરાતમાં તે સંભાવનાઓ દેખાય છે કારણ કે ગુજરાત હંમેશાં નેતૃત્ત્વ પૂરું પાડવાની સ્થિતિમાં રહ્યું છે, પછી એ સારું નેતૃત્વ હોય કે ખરાબ. પ્રજામાનસનું જે મતિભ્રમ થયું છે તેને ઠેકાણે લાવવા માટે પણ ગુજરાત એક યોગ્ય જગ્યા છે એવું કૉંગ્રેસ નેતૃત્ત્વને લાગ્યું હશે.”

પરંતુ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં રાજનીતિવિજ્ઞાનના પ્રોફેસર અમિત ધોળકિયાને આ અધિવેશન માત્ર પ્રતીકાત્મક લાગે છે.

તેઓ કહે છે, “કાર્યકર્તાઓ માટે આ અધિવેશન ઉત્સાહજનક બની શકે પરંતુ તેનાથી આગળ જતાં કોઈ મોટી રાજકીય અસરો આવશે તેવું હું માનતો નથી. ગુજરાતમાં છેલ્લા છ દાયકામાં કૉંગ્રેસ સંપૂર્ણપણે ધરમૂળથી બદલાઈ ગઈ છે અને અતિશય નબળી થઈ ગઈ છે.”

ગુજરાત, રાહુલ ગાંધી, કૉંગ્રેસ, ગુજરાતમાં કૉંગ્રેસ, ગુજરાતમાં કૉંગ્રેસનું નવસર્જન, રાજકારણ, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ, અમદાવાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Vidyut Joshi/FB

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક હરેશ ઝાલા માને છે કે અધિવેશન યોજવાનો મુખ્ય હેતુ કાર્યકર્તાઓને સક્રિય કરવાનો છે.

તેઓ કહે છે કે, “મીડિયા કૉંગ્રેસના અધિવેશનને લાઇમલાઇટ આપે કે ન આપે, પરંતુ તેનાથી કાર્યકર્તાઓમાં સંદેશ જશે કે હવે પક્ષ ગુજરાતમાં સક્રિય થયો છે અને પક્ષની રાષ્ટ્રીય નેતાગીરીને ગુજરાતમાં રસ છે. તેનાથી એવી શક્યતા છે કે ઘણા નિષ્ક્રિય કાર્યકર્તાઓ પણ ફરીથી સક્રિય થશે અને આવું થાય તો તેની મોટી અસર પડી શકે. વળી, ગુજરાતના જનમાનસ સુધી પણ સંદેશ જશે કે કૉંગ્રેસનું અધિવેશન ગુજરાતમાં થયું. આથી, જે લોકો કૉંગ્રેસને ગુજરાતમાં ગંભીરતાથી લેતા નથી તેમની માનસિકતા પણ બદલાઈ શકે છે.”

કર્મશીલ અને ગાંધીવાદી પ્રકાશ ન. શાહ કહે છે, “કૉંગ્રેસ મોવડીમંડળનો તર્ક એવો છે કે ગાંધીજી કૉંગ્રેસપ્રમુખ 1924માં થયા તેની આ શતાબ્દીનું વર્ષ છે. એટલે આપણે ગાંધીજીની કર્મભૂમિ ગુજરાતમાં જવું જોઈએ.”

‘કાર્યકર્તાઓને સંદેશ આપવાની રાહુલની કોશિશ’

ગુજરાત, રાહુલ ગાંધી, કૉંગ્રેસ, ગુજરાતમાં કૉંગ્રેસ, ગુજરાતમાં કૉંગ્રેસનું નવસર્જન, રાજકારણ, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ, અમદાવાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AMIT DHOLAKIYA

પ્રો. વિદ્યુત જોશી કહે છે, “ભાજપ પોતે જ ગુજરાતના એક મૉડલ તરીકે ઊભરી આવ્યો છે. જેનો આધાર બહુમતીવાદ, નવઉદારવાદ અને પ્રભાવી જાતિઓનો સહારે રહ્યો છે. તેના સહારે જ ‘ગુજરાત મૉડલ’ ઊભું થયું. મારું માનવું છે કે આ મૉડલ આટલાં વર્ષ ચાલ્યું તેને હવે ચૅલેન્જ કરવાનો સમય આવી જાય છે.”

વિદ્યુત જોશી આગળ સમજાવતાં ભારતની આઝાદી પછીનાં 75 વર્ષોને ત્રણ વિભાગમાં વહેંચે છે.

તેઓ કહે છે, “પહેલાં 25 વર્ષમાં સંસ્થાઓ-ઉદ્યોગોનું નિર્માણ થયું, દેશનું માળખું બંધાયું. આ સિસ્ટમ ઊભી કરવાનો સમય હતો આથી રાજકારણ સ્થિર રહ્યું. પહેલાં 25 વર્ષોમાં આપણે ત્રણ વડા પ્રધાન અને એક જ પક્ષનું શાસન જોયું. પછીનાં વર્ષોમાં તેના આધારે નવું નેતૃત્ત્વ ઊભું થાય છે. લોકો રાજકારણમાં ભાગ લેવા, નેતૃત્ત્વ કરવા આગળ આવે છે, મિશ્ર અર્થતંત્રનો સમયગાળો આવે છે. તેને કારણે પછીનાં 25 વર્ષમાં 11 વડા પ્રધાન, સાત પક્ષો અને 14 મોટાં આંદોલનો થયાં. આ પ્રવાહ સામે જે વળતો પ્રતિભાવ ઊભો થાય છે એ હિંદુવાદ અને બહુમતીવાદ હતો, જે 99 પછી આપણને જોવા મળ્યો. બહુમતીવાદ સાથે બજારવાદ આવ્યો અને આપણે માત્ર ત્રણ જ વડાપ્રધાન અને બે જ પક્ષો જોયા. આ 25 વર્ષ હવે પૂરાં થાય છે અને હવે ફરીથી માહોલ બદલાવાનો સમય આવ્યો છે અને કૉંગ્રેસના નેતૃત્ત્વને આ સમજાઈ રહ્યું છે.”

હરેશ ઝાલા કહે છે કે, “2017માં આપણે જોયું છે કે ભાજપને હરાવવો અઘરો નથી, લોકો પણ ઇચ્છે છે પરંતુ કૉંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સક્ષમ નથી.”

તેઓ કહે છે કે, “રાહુલ ગાંધીએ આ વાત જાહેરમાં અમદાવાદમાં આવીને સ્વીકારી કારણ કે તેઓ કાર્યકર્તાઓને મૅસેજ આપવા માગતા હતા કે પક્ષનું મોવડીમંડળ અંધારામાં નથી. ભાજપ સાથે મળેલા નેતાઓને પક્ષ ઓળખે છે.”

કૉંગ્રેસના પીઢ કાર્યકર્તાઓનું શું કહેવું છે?

ગુજરાત, રાહુલ ગાંધી, કૉંગ્રેસ, ગુજરાતમાં કૉંગ્રેસ, ગુજરાતમાં કૉંગ્રેસનું નવસર્જન, રાજકારણ, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ, અમદાવાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, HARESH JHALA

સાત દાયકા કરતાં વધુ સમયથી કૉંગ્રેસના કાર્યકર્તા રમણીકભાઈ પંડ્યા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, “ગુજરાતમાં કૉંગ્રેસનું અધિવેશન યોજાશે એ આનંદની ક્ષણ છે. મને આશા છે કે મોટી સંખ્યામાં ગુજરાતના લોકો પણ તેમાં ભાગ લેશે.”

તેઓ કહે છે, “ગુજરાતના લોકોમાં હજુ કૉંગ્રેસ પ્રત્યે આદર છે. જૂના કાર્યકર્તાઓ નિષ્ક્રિય થઈ ગયા છે. યુવાનોને દોરવામાં આવે તો કૉંગ્રેસ બેઠી થઈ શકે. કૉંગ્રેસે જનસંપર્ક વધારવાની જરૂર છે અને પોતાની વિચારસરણી લોકોને સમજાવવી જોઈએ.”

1946થી કૉંગ્રેસ સાથે જોડાયેલા 91 વર્ષીય બાલુભાઈ કૉંગ્રેસના આ અધિવેશનમાં પણ સભાસ્થળની કમિટીના કન્વીનર છે. તેમનું માનવું છે કે રાહુલ ગાંધી જે કરી રહ્યા છે એ સાચી દિશા છે.

“અધિવેશન એ સ્વ-મૂલ્યાંકન માટે યોજાય છે. હું સ્વીકારું છું કે પરિસ્થિતિએ કૉંગ્રેસને અસર કરી છે, છેલ્લા દાયકાઓમાં સમાજમાં પણ પરિવર્તન આવ્યું છે, તેની અસર રાજકારણમાં પણ પડી છે. પરંતુ એક કાર્યકર્તા તરીકે હું કહેવા માગું છું કે કૉંગ્રેસે નિરાશ થવાની જરૂર નથી.”

બીબીસીએ આદિવાસી વિસ્તાર દાહોદથી કૉંગ્રેસના પૂર્વ સાંસદ ડૉ. પ્રભાબહેન તાવિયાડ સાથે પણ વાત કરી હતી.

70 વર્ષીય પ્રભાબહેન કહે છે કે તેઓ જન્મથી જ કૉંગ્રેસમાં છે કારણ કે તેમના પિતા પણ કૉંગ્રેસમાં આઝાદી પહેલાંથી જોડાયેલા હતા.

તેઓ કહે છે કે, “ગુજરાતમાં કૉંગ્રેસનું અધિવેશન યોજાશે તેની અસર સકારાત્મક જ થશે. ગુજરાતમાં નફરત, ધાક-ધમકીના રાજકારણથી લોકો કંટાળ્યા છે જ્યારે સામે પક્ષે કૉંગ્રેસની વિચારસરણી એ કાયમથી છેવાડાના માણસ સુધી પહોંચવાની છે.”

તેઓ ગુજરાતમાં કૉંગ્રેસના શાસનને યાદ કરતાં કહે છે કે, “એવું કહી શકાય કે અમને તો કૉંગ્રેસે જ ભણાવ્યા છે. આદિવાસી વિસ્તારોમાં આજે જે કંઈ શિક્ષણનું પ્રમાણ છે એ કૉંગ્રેસને આભારી છે. આદિવાસી વિસ્તારોમાં ભાજપ સામ-દામ, દંડ-ભેદનું રાજકારણ કરીને પોતાની જગ્યા બનાવવામાં સફળ થયો છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય ગુજરાતના આદિવાસી વિસ્તારોની હજુ પણ મુખ્ય સમસ્યા છે.”

રાહુલ ગાંધીના ભાષણ અંગે તર્ક-વિતર્ક

ગુજરાત, રાહુલ ગાંધી, કૉંગ્રેસ, ગુજરાતમાં કૉંગ્રેસ, ગુજરાતમાં કૉંગ્રેસનું નવસર્જન, રાજકારણ, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ, અમદાવાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Dr.Prabha kishor Taviyad/FB

કૉંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ રાહુલ ગાંધીના ભાષણ અંગે સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના પ્રતિભાવો જોવા મળે છે.

કૉંગ્રેસના કાર્યકર્તા સતીષ ચાવડા કહે છે, “ગુજરાત કૉંગ્રેસના નેતાઓમાં જૂથવાદ એ આજનો નથી, પણ ચાર દાયકા કરતાં પણ જૂનો છે. ગુજરાતમાંથી તમે કેટલા નેતાઓને કાઢશો? આવા સમયમાં જે લોકો પક્ષ સાથે વૈચારિક રીતે જોડાયેલા રહ્યા છે તેને પક્ષે કેવી રીતે સાચવવા અને કામે લગાડવા એ વિચારવાનું છે. જો એમ કરવામાં આવે તો મને એવું લાગે છે કે કૉંગ્રેસ હજુ પણ બેઠી થઈ શકે છે.”

પ્રો. અમિત ધોળકિયા કહે છે, “રાહુલ ગાંધીએ પક્ષના અમુક નેતાઓને જાહેરમાં હાંકી કાઢવાની વાત કરી હતી. જાહેરમાં આ રીતે સ્વીકાર કરવો એ બોલ્ડ પગલું હતું, પરંતુ તેમની નિષ્ફળતા અને હતાશાને પણ સૂચવતું હતું. આ નેતાઓને કાઢી મૂકશે તો શું તેમની પાસે કોઈ નવું નેતૃત્ત્વ છે? ગુજરાતમાં કૉંગ્રેસ ખૂબ દયનીય અને કફોડી સ્થિતિમાં છે.”

તેઓ કહે છે, ” કૉંગ્રેસ સામે સૌથી મોટો પડકાર એ છે કે તેમની પાસે પ્રજા સાથે જોડાયેલું કોઈ નેતૃત્ત્વ નથી. વધુમાં પક્ષમાં અતિશય જૂથવાદ છે. કાર્યકર્તાઓ પણ ઓછા થઈ ગયા છે. વિરોધપક્ષ તરીકે કોઈ અસરકારક ભૂમિકા નથી.”

કૉંગ્રેસના પૂર્વ સાંસદ ડૉ. પ્રભાબહેન તાવિયાડ રાહુલ ગાંધીના ભાષણને સકારાત્મક રીતે જુએ છે.

તેઓ કહે છે કે, “જે લોકો કૉંગ્રેસમાં રહીને ભાજપ સાથે સંબંધ રાખે છે તેઓ હવે ખુલ્લા પડી જશે.”

વરિષ્ઠ પત્રકાર હરેશ ઝાલા કહે છે કે, “જો રાહુલ ગાંધી નેતાઓને કાઢે તો તેનો સીધો મોટો સંદેશ કાર્યકર્તાઓમાં જશે અને તેની મોટી અસર પક્ષના હિતમાં થશે. પણ જો તેઓ હવે બોલ્યા પછી કોઈ ઍક્શન નહીં લે તો પહેલેથી નિરાશ કાર્યકર્તાઓ વધુ નિરાશ થાય તેવી શક્યતા છે.”

કૉંગ્રેસના કાર્યકર્તા બાલુભાઈ પટેલે રાહુલ ગાંધીના ભાષણ વિશે કહ્યું કે, “તેમણે કૉંગ્રેસની ખામીઓને સ્વીકારી છે. આત્મનિરીક્ષણ કરવું એ ગાંધીજીએ આપેલો મંત્ર છે. આપણામાં શું ખામી છે અને આપણે શું કરવાનું છે એ પહેલાં જોવું જોઈએ.”

કૉંગ્રેસ સામે પડકારોની કમી નથી

ગુજરાત, રાહુલ ગાંધી, કૉંગ્રેસ, ગુજરાતમાં કૉંગ્રેસ, ગુજરાતમાં કૉંગ્રેસનું નવસર્જન, રાજકારણ, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ, અમદાવાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Balubhai Patel

ગુજરાતમાં કૉંગ્રેસ સતત જૂથવાદથી ઘેરાયેલી હોવાનો અને નવું નેતૃત્વ ઝંખતી હોવાની ચર્ચા થતી રહે છે.

પૂર્વ મુખ્ય મંત્રી સુરેશ મહેતા કહે છે, “ગુજરાતના રાજકારણમાં બંને પક્ષોની સરખામણી કરીએ તો સુધારાનો અવકાશ એ કૉંગ્રેસ પાસે છે, પણ જો એ પ્રજા સુધી નહીં જાય તો કશું શક્ય નથી. કૉંગ્રેસને સર્કિટ હાઉસ મેન્ટાલિટીમાંથી બહાર નીકળવું પડશે.”

વરિષ્ઠ પત્રકાર હરેશ ઝાલા કહે છે, “રાહુલ ગાંધી ઇચ્છે છે કે ગુજરાતમાં કૉંગ્રેસ મજબૂત થાય. પરંતુ તેના માટે તમારી પાસે સેના અને સેનાપતિ બંને મજબૂત હોવા જોઈએ. દુર્ભાગ્યવશ ગુજરાત કૉંગ્રેસ પાસે બંને નથી.”

“ગુજરાત કૉંગ્રેસને એવા નેતાની જરૂર છે જે ફાઇટર હોય. કૉંગ્રેસ પાસે સંગઠન ચલાવવા માટે પૈસા જ નથી એ પણ અન્ય એક વાસ્તવિકતા છે.”

તેઓ કહે છે, “ગુજરાતીઓના માનસપટ પર એક જ ડર સવાર છે કે મુસ્લિમોથી આપણને કોણ બચાવે. વિકાસની વાતો ગુજરાતીઓના દિલોદિમાગ પર છવાયેલી છે. ગુજરાત ભાજપ પણ મોદીના નેતૃત્ત્વને કારણે ફાયદામાં છે. આથી, કૉંગ્રેસ માટે આ પડકારોને પાર કરવા અઘરા છે. પરંતુ દરેક બ્રાન્ડ ઘસાય, એમ આ (મોદી) બ્રાન્ડ પણ ઘસાઈ રહી છે.”

કૉંગ્રેસના કાર્યકર્તા બાલુભાઈ પટેલ કહે છે, “ગુજરાતમાં કૉંગ્રેસ જનસંપર્કથી જ બેઠી થશે. ગુજરાતમાં એક આખી પેઢીને ખ્યાલ નથી કે કૉંગ્રેસનું નેતૃત્ત્વ કેવું હતું, કૉંગ્રેસના લોકોએ કેવી યાતનાઓ વેઠી છે. કૉંગ્રેસે નવી પેઢી સુધી પહોંચવાની જરૂર છે, યુવાનોને તાલીમ આપવાની જરૂર છે.”

ડૉ. પ્રભાબહેન તાવિયાડ કહે છે, “કૉંગ્રેસે મહિલાઓ અને યુવાનોને મોટી સંખ્યામાં જોડવા પડશે, તેના વગર છૂટકો નથી. લોકો ભાજપનો વિકલ્પ ઇચ્છે છે, પરંતુ કૉંગ્રેસ એ વિકલ્પ આપવામાં સક્ષમ નીવડતી નથી. જિલ્લાસ્તરે કૉંગ્રેસના તમામ હોદ્દેદારોને સમયાંતરે બદલતા રહેવા જોઈએ અને હવે નિષ્ઠાવાન કાર્યકરોની નિમણૂક થવી જોઈએ.”

કૉંગ્રેસના કાર્યકર્તા સતીષ ચાવડા કહે છે, “કૉંગ્રેસ પાસે ગુજરાતમાં 30 વર્ષથી સત્તા નથી. ભાજપ પાસે અતિશય પૈસા અને મીડિયા પાવર છે. આવી પરિસ્થિતિમાં કૉંગ્રેસને બેઠી કરવી એ ખૂબ અઘરું કામ છે.”

ફ્રન્ટલ સંગઠનો ખૂબ નબળાં, એવામાં કૉંગ્રેસનું નવસર્જન કેવી રીતે થશે?

ગુજરાત, રાહુલ ગાંધી, કૉંગ્રેસ, ગુજરાતમાં કૉંગ્રેસ, ગુજરાતમાં કૉંગ્રેસનું નવસર્જન, રાજકારણ, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ, અમદાવાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, LALJI DESAI/FB

એક જમાનામાં સેવાદળ એ કૉંગ્રેસનું મજબૂત અંગ ગણાતું હતું તથા વિદ્યાર્થી સંગઠનો પણ મજબૂત હતા. પરંતુ ગુજરાતમાં તેની સ્થિતિ અતિશય ખરાબ છે.

કૉંગ્રેસના સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ સાથે પણ બીબીસીએ વાત કરી હતી.

લાલજી દેસાઈ કહે છે, “2018થી સેવાદળને ફરીથી સ્વાયત્ત અને ક્રાંતિકારી બનાવવાનું નક્કી થયું અને ફરીથી સેવાદળને બેઠું કરવા તરફ અમે દિશા પકડી છે.”

“ઘણાં બધાં રાજ્યોમાં કૉંગ્રેસમાં તાજેતરમાં જે પદયાત્રાનો દોર શરૂ થયો છે તેના મૂળમાં સેવાદળ છે. 2019માં સેવાદળનું અધિવેશન થયું એ પણ 35 વર્ષ પછી થયું. ગુજરાતમાં પણ સેવાદળે જનતાની લડાઈને લઈને સક્રિયતા વધારી છે. સેવાદળ જે ‘નેતાસેવા’ની ભૂમિકામાં આવી ગયું હતું એ હવે ‘જનસેવા’ તરફ ફરીથી પાછું ફરી રહ્યું છે. અમે ગાર્ડ ઑફ ઓનર હઠાવીને તિરંગો ફરકાવવાની પ્રથા શરૂ કરી છે.”

“સેવાદળનો અમે ડ્રેસકોડ પણ બદલ્યો છે, જીન્સની ઍન્ટ્રી થઈ છે. યુવાનોને આકર્ષવા અમે દરેક તાલુકામાં કાર્યક્રમોની શરૂઆત થઈ છે અને પહેલો પ્રયાસ એ છે કે દરેક તાલુકામાં અમે સેવાદળની નવી મજબૂત ટીમ ઊભી કરીએ.”

લાલજી દેસાઈ કહે છે કે, “ગુજરાતમાં સેવાદળના અત્યારે બે હજાર કાર્યકર્તાઓ છે તેમાંથી 500 કાર્યકર્તાઓ વિચારધારાને વરેલા મજબૂત કાર્યકર્તાઓ છે. અમારું પહેલું લક્ષ્ય છે કે અમે આ 500ની સંખ્યાને 5000 સુધી લઈ જઈએ. દરેક બૂથ પર તેમની નોંધપાત્ર હાજરી હોય તેવો પ્રયત્ન રહેશે.”

વરિષ્ઠ પત્રકાર હરેશ ઝાલા કહે છે કે, “ફ્રન્ટલ સંગઠનોને મજબૂત કરવા અઘરાં નથી, પરંતુ ફંડની કમી છે. જેની અસર વિદ્યાર્થી પાંખ, સેવાદળ પર પણ પડી છે.”

ડૉ. વિદ્યુત જોશી કહે છે, “1980માં ઇન્દિરા ગાંધી જ્યારે ફરી સત્તા પર આવ્યાં ત્યારે તેમને લાગ્યું કે સેવાદળ મોરારજી દેસાઈને ટેકો કરે છે, મને કરતું નથી. એટલે તેમણે સેવાદળને વિખેરી નાખ્યું. સેવાદળના વિખેરાવાથી કૉંગ્રેસમાં ધીમે ધીમે નવયુવાનોને ભરતી બંધ થઈ ગઈ. તેની અસર એ થઈ કે કૉંગ્રેસ પાસે હવે કાર્યકર્તાઓ નથી, પરંતુ નેતાઓનાં સંતાનો જ છે.”

“નવયુવાનોને જોડવાની તમે ફરીથી શરૂઆત ન કરો, ત્યાં સુધી પક્ષને બેઠો કરવો અઘરો છે. આ કામમાં ઓછામાં ઓછાં પાંચ વર્ષ લાગે. કૉંગ્રેસ તેની શરૂઆત કરી રહી છે એવું દેખાય છે પણ કામ અતિશય કપરું છે.”

પ્રો. ધોળકિયા કહે છે, “ગુજરાતના યુવા મતદારોને કૉંગ્રેસના નેતૃત્ત્વ વિશે, કૉંગ્રેસની નીતિઓ વિશે તેમને ખ્યાલ જ નથી. તેમણે કાયમ મોદી કે ભાજપનું શાસન જ જોયું છે. તેમની સાથે જોડાણ ઊભું કરવા કૉંગ્રેસે કોઈ પ્રયત્ન કર્યો નથી. ગામડે-ગામડે ફરીને કૉંગ્રેસને લોકસંપર્ક ઊભો કરવો પડશે. મને લાગે છે કે ગુજરાતમાં કૉંગ્રેસનું પુન:નિર્માણ ખૂબ અઘરું છે. “

ગુજરાતમાં કૉંગ્રેસની અતિશય નબળી સ્થિતિ

ગુજરાત, રાહુલ ગાંધી, કૉંગ્રેસ, ગુજરાતમાં કૉંગ્રેસ, ગુજરાતમાં કૉંગ્રેસનું નવસર્જન, રાજકારણ, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ, અમદાવાદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં કૉંગ્રેસે 1985માં સૌથી વધુ બેઠકો જીતવાનો રેકૉર્ડ નોંધાવ્યો હતો. ‘ખામ’ થિયરીને આધારે કૉંગ્રેસે 182માંથી 149 બેઠકો જીતી હતી.

1990ની ચૂંટણીમાં કૉંગ્રેસના ચીમનભાઈ પટેલ જનતા દળ બનાવીને લડ્યા અને કૉંગ્રેસને ફાળે માત્ર 33 બેઠકો જ આવી. આ ચૂંટણીથી ગુજરાતમાં ભાજપની પણ જબરદસ્ત એન્ટ્રી થઈ અને તેને 67 બેઠકો મળી. એ પહેલાં ભાજપને ગુજરાતમાં 1980 અને 1985માં મોટી સફળતા મળી નહોતી.

1995માં ભાજપે ગુજરાતમાં પહેલીવાર પૂર્ણ બહુમતીથી ચૂંટણી જીતી અને 121 બેઠકો સાથે સરકાર બનાવી.

એ પછી કાળક્રમે કૉંગ્રેસ નબળી પડતી ગઈ અને 1998માં કૉંગ્રેસે 53, 2002માં 51, 2007માં 59 અને 2012માં 61 બેઠકો જીતી હતી.

2017ની ચૂંટણી પહેલાં ગુજરાતમાં પાટીદાર આંદોલન થયું અને હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરની ત્રિપુટીએ ગુજરાતમાં ભાજપ સામે તીવ્ર સત્તાવિરોધી લહેર ઊભી કરી હતી. તેમ છતાં કૉંગ્રેસને 77 બેઠકો મળી હતી અને સરકાર નહોતી બનાવી શકી. પરંતુ ભાજપ 99 બેઠકો સાથે માંડ સરકાર બનાવી શક્યો નહોતો.

પણ આ ચૂંટણીમાં કૉંગ્રેસ મજબૂત વિપક્ષ બન્યો હોવા છતાં પક્ષમાં તીવ્ર જૂથવાદ દેખાતો હતો. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જેવા નેતાઓ કૉંગ્રેસ છોડી ગયા.

2012થી 2023 સુધીમાં કૉંગ્રેસના 45થી વધુ ધારાસભ્યો કે સાંસદોએ પક્ષ છોડી દીધો. કૉંગ્રેસમાં 40 વર્ષથી રહેલા અને પૂર્વ કૉંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પણ પક્ષ છોડી દીધો.

2022ની ચૂંટણીમાં તેની એટલી ખરાબ અસર પડી કે કૉંગ્રેસ માત્ર 17 બેઠકો પર સમેટાઈ ગઈ. ગુજરાતના ઇતિહાસમાં કૉંગ્રેસે જીતેલી આ સૌથી ઓછી બેઠકો છે. વધુમાં ગુજરાતમાં ત્રીજા પક્ષ આમ આદમી પાર્ટીનો ઉદય થયો અને તેણે પાંચ બેઠકો જીતી અને કૉંગ્રેસને ભારે નુકસાન પહોંચાડ્યું.

એ જીતેલા 17 ધારાસભ્યોમાંથી પણ પાંચ ધારાસભ્યો કૉંગ્રેસ છોડીને ચાલ્યા ગયા અને હવે તેની પાસે માત્ર 12 ધારાસભ્યો છે.

2009માં કૉંગ્રેસ પાસે લોકસભામાં ગુજરાતમાંથી 26માંથી 11 સાંસદો હતા. 2014 અને 2019માં તેની સંખ્યા શૂન્ય થઈ ગઈ. જ્યારે 2024માં કૉંગ્રેસે એક બેઠક જીતી છે.

ગત મહિને થયેલી સ્થાનિક સ્વરાજ્યની 68 નગરપાલિકાઓની ચૂંટણીમાં કૉંગ્રેસ માત્ર એક જ નગરપાલિકા જીતી શકી છે. અને હવે તેની સામે આમ આદમી પાર્ટીનો પણ રાજ્યમાં પડકાર છે.

ગુજરાત ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેનું સ્પષ્ટ કહેવું છે કે અધિવેશન યોજવાથી કૉંગ્રેસની સ્થિતિમાં કોઈ સુધારો નહીં થાય.

તેમણે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે, “ગુજરાતમાં અધિવેશન યોજવું એ કૉંગ્રેસનો આંતરિક મામલો છે. ગુજરાતમાં આપણે સૌએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું તાજેતરમાં આવેલું પરિણામ જોયું છે. કૉંગ્રેસ માત્ર એક જ નગરપાલિકા જીતવામાં સફળ રહી છે. કૉંગ્રેસની સ્થિતિ ગુજરાતમાં કેવી છે એ સૌ જાણે છે.”

કૉંગ્રેસ પાસે હવે રસ્તો શું છે?

ગુજરાત, રાહુલ ગાંધી, કૉંગ્રેસ, ગુજરાતમાં કૉંગ્રેસ, ગુજરાતમાં કૉંગ્રેસનું નવસર્જન, રાજકારણ, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ, અમદાવાદ, બીબીસી ગુજરાતી

ગાંધીવાદી અને કર્મશીલ પ્રકાશ ન. શાહ કહે છે કે, “કૉંગ્રેસ પોતે નવજીવન તરફ જવા માગતી હોય તો તેણે માત્ર ભાવનગરના અધિવેશનને યાદ ન કરતાં, 1969માંથી કૉંગ્રેસથી છૂટ્ટાં પડીને જે લોકોએ અધિવેશન કર્યું હતું તેને પણ યાદ રાખવું જોઈએ અને એ તમામ નેતાઓની સહિયારી વિચારધારાને, સંયુક્ત વારસો આગળ લઈને ચાલવું જોઈએ.”

“આ સંયુક્ત વારસામાં ગાંધી, નહેરુ અને પટેલ સાથે જયપ્રકાશ નારાયણ, કૃપલાણી અને લોહિયાની વિચારધારા પણ સમાવિષ્ટ છે.”

પીઢ કાર્યકર્તા બાલુભાઈ પટેલ કહે છે, “રાહુલ ગાંધીએ જેની વાત કરી અને જે દિશા કૉંગ્રેસે પકડી છે તેને પકડી રાખવાની જરૂર છે. કદાચ એ દિશામાં શાસન મોડું મળે તો વાંધો નહીં.”

પૂર્વ મુખ્ય મંત્રી સુરેશ મહેતા કહે છે, “ગુજરાતની પ્રજા હંમેશાં લાગણી, લાલચ અને ભય- એ ત્રણેય બાબતોમાં સંવેદનશીલ રહી છે. હાલની ભાજપની સરકાર પણ અતિશય નિમ્ન ધોરણોએ પહોંચી ગઈ છે. એવું લાગે છે કે તેમને પ્રજામાનસની કંઈ પડી નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ પોતાનાં હક્કો કે ફરજો જાણતા નથી એટલા ખરાબ સ્તરે આપણું રાજકીય સ્તર ચાલ્યું ગયું છે.”

તેઓ કહે છે, “ભય અને લાલચના માહોલમાં ગુજરાતની પ્રજાનું ચિત્તભ્રમ થઈ ચૂક્યું છે. રાજકીય પક્ષોએ ન માત્ર એ વાત સ્વીકારવી પડશે, પરંતુ લોકોને ખુલ્લેઆમ કહેવું પડશે કે તમારું ચિત્તભ્રમ થઈ ગયું છે. આ કામ લાંબાગાળાનું છે પરંતુ એ કરવું પડશે. જો આપણે ખરેખર લોકશાહીને બચાવવા માગતા હોઈએ તો કોઈપણ રાજકીય નફા નુકસાનનો ડર રાખ્યા વગર પ્રજાને ઢંઢોળવી પડશે, જગાડવાનો પ્રયત્ન કરવો પડશે. વાત બહુ આગળ વધી ચૂકી છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS