Source : BBC NEWS
ચૂંટણી હાર્યાંનાં દોઢ વર્ષ પછી, 1977માં જ્યારેમાં ઇદિંરા ગાંધી કર્ણાટકના ચિકમંગલૂરથી લોકસભાની ચૂંટણી લડ્યાં, ત્યારે મતદાનના દિવસે સમગ્ર વિસ્તારમાં મુશળધાર વરસાદ પડ્યો હતો.
તેમ છતાં, લગભગ ત્રણચતુર્થાંશ મતદારો મત આપવા પહોંચ્યા હતા. ઇંદિરા ગાંધી તે જ દિવસે દિલ્હી પાછાં આવી ગયાં હતાં.
બે દિવસ પછી જ્યારે તેઓ વિપક્ષના નેતા તરીકે સોવિયત સંઘના રાષ્ટ્રીય દિવસ સમારંભમાં ભાગ લેવા માટે સોવિયત દૂતાવાસ ખાતે જઈ રહ્યાં હતાં, ત્યારે તેમને સમાચાર મળ્યા કે તેઓ 70 હજાર મતથી લોકસભાની પેટાચૂંટણી જીતી ગયાં છે.
ઇંદિરા ગાંધીની જીતની ખુશીમાં સોવિયત રાજદૂતે સમારંભમાં જામ ઉઠાવ્યો.
ચાર દિવસ પછી ઇંદિરા ગાંધીએ લંડન જવા રવાના થવાનું હતું. તેમની સાથે સોનિયા ગાંધી પણ લંડન ગયાં. ત્યાંથી દિલ્હી પાછાં આવ્યાં પહેલાં ઇંદિરા અને સોનિયા લંડનની પ્રખ્યાત ઑક્સફર્ડ સ્ટ્રીટ પર રાહુલ અને પ્રિયંકા માટે ખરીદી કરવા નીકળ્યાં હતાં.
તે સમયે તેમણે કલ્પના પણ નહીં કરી હોય કે, દિલ્હીમાં તેમને સંસદમાંથી નિષ્કાસિત કરવાની અને તેમની ધરપકડની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.
સંસદની વિશેષાધિકાર સમિતિને તેઓ, વડા પ્રધાન પદ પર રહીને મારુતિ કેસની તપાસ કરી રહેલા ઉદ્યોગ મંત્રાલયના ચાર અધિકારીઓને પરેશાન કરવાના દોષિત જણાયાં હતાં.
એ રિપોર્ટ સંસદમાં રજૂ કરાય તે પહેલાં જનતા પાર્ટી સંસદીય બોર્ડે એ નક્કી કરી નાખ્યું કે ઇંદિરા ગાંધી આ કેસમાં દોષિત છે અને તેમને આની સજા કરવી જોઈએ.
આ આરોપો માટે કોઈ અદાલતમાં સુનાવણી થાય તે પહેલાં જ, જનતા પાર્ટીના નેતાઓએ ગૃહમાં પોતાના બહુમતનો ઉપયોગ કરીને તેમને સંસદનું સત્ર પૂરું થાય ત્યાં સુધી જેલમાં મોકલવાનો અને તેમનું લોકસભા સભ્યપદ રદ કરવાનો નિર્ણય લઈ લીધો હતો.
પુપલ જયકરે ઇંદિરા ગાંધીના જીવનચરિત્રમાં લખ્યું છે, “શાહ પંચની તપાસ, ધરપકડના પ્રયાસ અને સીબીઆઇની પૂછપરછના પ્રયાસ નિષ્ફળ થયા બાદ, ઇંદિરાને ખબર હતી કે, વિશેષાધિકાર સમિતિનો ઉપયોગ તેમના રાજકીય ભવિષ્યને બરબાદ કરવા માટે કરાશે. તેથી તેમણે નક્કી કર્યું કે તેઓ લોકસભાના પટલ પર પોતાના પર કરવામાં આવેલા આરોપોનો જવાબ આપશે.”
લોકસભામાં ઇંદિરા ગાંધીનું ભાષણ
ઇંદિરા ગાંધીએ જેવું સંસદમાં બોલવાનું શરૂ કર્યું કે જનતા પાર્ટીના સાંસદોએ ઘોંઘાટ કરીને તેમને ચૂપ કરવાની કોશિશ કરી.
ઇંદિરા ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું, “જનતા પાર્ટી સંસદીય બોર્ડે પહેલાંથી જ આ કેસમાં મને દોષિત માની લીધી છે, તેથી મારા માટે, મારા બચાવમાં કશું બોલવાનો કશો અર્થ નથી. પરંતુ, શું મને સ્પષ્ટ પણે એમ કહેવાનો અધિકાર છે કે મેં સંસદના કોઈ વિશેષાધિકારનું ઉલ્લંઘન નથી કર્યું?”
“આ વિષય પર દેશની અદાલતોમાં પહેલાંથી ગુનાખોરીના કેસ દાખલ કરવામાં આવ્યા છે. તેમ છતાં, આ મુદ્દે મને અહીં સજા કરીને આખા કેસને પ્રી-જજ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.”
તેમણે કહ્યું, “સરકારના આ પગલાનો હેતુ બદલો છે. કોઈ પણ લોકશાહી દેશના ઇતિહાસમાં વિરોધ પક્ષના નેતાનું આ રીતે ચરિત્રહનન કરવાની કોશિશ કરવામાં નથી આવી.”
‘હું પાછી આવીશ’
ઇંદિરાએ કહ્યું, “કટોકટીકાળના અત્યાચારો માટે હું અગાઉ ઘણા મંચો પર માફી માગી ચૂકી છું અને અહીંયાં પણ હું ફરી એક વાર માફી માગું છું.”
તેમણે કહ્યું, “હું એક સામાન્ય માણસ છું, પરંતુ, હું હંમેશાં કેટલાંક મૂલ્યો અને લક્ષ્યો પ્રતિ નિષ્ઠાવાન રહી છું. તમારી આપેલી દરેક સજા મને વધારે મજબૂત બનાવશે. મારી સૂટકેસ પહેલાંથી જ પૅક કરેલી છે. તેમાં મારે માત્ર ગરમ કપડાં જ મૂકવાનાં છે.”
ભાષણ સમાપ્ત કરીને ઇંદિરા ગાંધી પોતાની જગ્યાએથી ઊભાં થયાં અને સાંસદો તરફ પીઠ ફેરવીને બહાર નીકળી ગયાં.
સ્પૅનિશ લેખક હાવિએ મોરોએ પોતાના પુસ્તક ‘ધ રેડ સારી’માં લખ્યું છે, “ત્યાંથી એક વાર પાછા વળીને તેમણે ગૃહ પર એક લાંબી તીક્ષ્ણ નજર ફેરવી અને પોતાનો હાથ ઊંચો કરીને બોલ્યાં, ‘હું પાછી આવીશ’.”
તે રાત્રે સોનિયાએ ભોજનમાં પાસ્તા બનાવ્યા હતા. ગળ્યું ખાવા માટે સફરજનની ક્રીમ અને અલાહાબાદના પ્રખ્યાત આમ-પાપડ હતા.
આમ-પાપડ તેમને હંમેશાં પોતાનું બાળપણ યાદ કરાવતા. ભોજન બાદ તેમણે પ્રિયંકાને બોલાવ્યાં અને કહ્યું, “મારી સાથે સ્ક્રૅબલ રમ.”
ઇંદિરાની ધરપકડના વિરોધમાં વિમાન હાઇજૅક કરવામાં આવ્યું
બીજા દિવસે ઇંદિરાની ધરપકડ કરીને તેમને તિહાડ જેલમાં મોકલી દેવાયાં.
સાગરિકા ઘોષે ઇંદિરા ગાંધીના જીવનચરિત્ર ‘ઇંદિરા, ઇન્ડિયાઝ મોસ્ટ પાવરફુલ પ્રાઇમ મિનિસ્ટર’માં લખ્યું છે, “હજારો કૉંગ્રેસ કાર્યકર્તાઓએ ઇંદિરાને જેલમાં મોકલવાના વિરોધમાં ધરપકડ વહોરી.”
“બે વ્યક્તિઓ—દેવેન્દ્ર અને ભોલાનાથ પાંડે—એ રમકડાની પિસ્તોલ અને ક્રિકેટના દડાની મદદથી ઇન્ડિયન એરલાઇન્સના એક વિમાનને હાઇજૅક કરવાની કોશિશ કરી. તેઓ લખનઉથી દિલ્હી જતી ફ્લાઇટને બળજબરીથી બનારસ લઈ ગયા.”
ત્યાં તેમણે ઇંદિરા ગાંધીને તરત જ છોડી મૂકવાની અને સંજય ગાંધી સામેના બધા કેસ પાછા ખેંચી લેવાની માગ કરી.
બે વર્ષ પછી ઉત્તરપ્રદેશ વિધાનસભા માટે એ બંનેને કૉગ્રેસની ટિકિટ આપવામાં આવી અને તેમણે ચૂંટણીમાં જીત પણ નોંધાવી.
જેલના સળિયા પર ધાબળો બાંધ્યો
તિહાડ જેલમાં તેમને એ જ ઓરડીમાં રાખવામાં આવ્યાં જ્યાં કટોકટીકાળ દરમિયાન જ્યૉર્જ ફર્નાન્ડીઝને રાખવામાં આવ્યા હતા. ત્યાં તેમની દિનચર્ચા સવારે પાંચ વાગ્યે શરૂ થઈ જતી હતી.
પુપુલ જયકરે લખ્યું છે, “જાગતાંની સાથે જ તેઓ યોગાસન અને પ્રાણાયામ કરતાં હતાં. ત્યાર બાદ તેઓ આગલી સાંજે લવાયેલું ઠંડું દૂધ પીતાં હતાં, જે સોનિયા ગાંધી લાવતાં હતાં. ત્યાર પછી તેઓ ફરી સૂવા જતાં રહેતાં હતાં.”
“જાગ્યા પછી તેઓ નહાતાં હતાં. થોડી વાર માટે ધ્યાનમાં બેસતાં હતાં અને પુસ્તક વાંચતાં હતાં. જેલમાં તેમને છ પુસ્તક લાવવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમનું ભોજન તેમના ઘરે બનતું હતું, જેને સોનિયા ગાંધી જોતે દરરોજ સવારે અને સાંજે આપી જતાં હતાં.”
કૅથરીન ફ્રૅન્કે ઇંદિરા ગાંધીના જીવનચરિત્રમાં લખ્યું છે, “સૂવા માટે ઇંદિરા ગાંધીને લાકડાનો એક પલંગ આપવામાં આવ્યો હતો. પરંતુ, તેના પર ગાદલું નહોતું. બારીઓ પર ન તો પડદા હતા કે ન તો કાચ હતા; માત્ર સળિયા હતા.”
“ડિસેમ્બર મહિનામાં રાત્રે ખૂબ ઠંડી પડે છે. ઇંદિરા ઠંડીથી બચવા માટે બારીના સળિયા પર ધાબળો બાંધી દેતાં હતાં અને પોતે રજાઈ ઓઢીને સૂઈ જતાં હતાં.”
ચરણસિંહને ગુલદસ્તો મોકલ્યો
બીજા દિવસે જેલના વૉર્ડને તેમને જણાવ્યું કે રાજીવ ગાંધી અને સોનિયા તેમને મળવા આવ્યાં છે.
તેમને એ જોઈને ખૂબ ખરાબ લાગ્યું કે ઇંદિરાએ આ પરિસ્થિતિઓમાં જેલમાં રહેવું પડે છે.
ઇંદિરાએ તેમને પોતાનાં પૌત્રપૌત્રી વિશે પૂછ્યું.
હાવિએ મોરોએ લખ્યું છે, “રાજીવે ઇંદિરાને કહ્યું, ‘પ્રિયંકા તમને મળવા આવવા માગતી હતી’. પ્રિયંકાનું નામ સાંભળતાં જ ઇંદિરાનો ચહેરો ચમકી ઊઠ્યો.”
“તેઓ બોલ્યાં, ‘ફરી વાર આવો ત્યારે તેને પણ લેતા આવજો. તેના માટે એ જોવું સારું રહેશે કે જેલ કેવી હોય છે. નહેરુ પરિવારમાં શરૂઆતથી જ પોતાના પરિવારજનોને મળવા જેલ જવાની પ્રથા છે.”
ફરી વાર જ્યારે રાજીવ અને સોનિયા તેમને મળવા ગયાં ત્યારે તેઓ પોતાની સાથે પ્રિયંકાને પણ લઈ ગયાં.
જતાં જતાં ઇંદિરાએ સોનિયાને વિનંતી કરી કે તેઓ તેમના તરફથી ચરણસિંહને એક ગુલદસ્તો અને જન્મદિવસના અભિનંદન આપતી એક નોટ મોકલી આપે.
ઇંદિરા ચરણસિંહના ઘરે પહોંચ્યાં
જનતા પાર્ટી સરકારનો કાર્યકાળ સમાપ્ત થવામાં હજી ત્રણ વર્ષ બાકી હતાં. પરંતુ, ઇંદિરા ગાંધીને અંદાજ આવી ગયો હતો કે જનતા પાર્ટીના ટોચના નેતાઓ વચ્ચે નેતૃત્વ બાબતે જબરજસ્ત ખેંચતાણ ચાલી રહી છે.
ચરણસિંહ વડા પ્રધાન મોરારજી દેસાઈથી ખૂબ નારાજ હતા. ઇંદિરાએ વિચાર્યું કે ચરણસિંહની મહત્ત્વાકાંક્ષાને પ્રોત્સાહિત કરીને તેમની અને મોરારજી દેસાઈ વચ્ચે ઊભા થયેલા અંતરને થોડું વધારી શકાય તેમ છે.
કદાચ ચરણસિંહને ફૂલ મોકલવા પાછળનો હેતુ આ જ હતો.
તેઓ જેલમાંથી જેવા બહાર આવ્યાં કે ચરણસિંહનો એક પત્ર તેમની રાહ જોતો હતો. જેમાં તેમને તેમના પૌત્રના જન્મદિવસે ઘરે આવવા માટેનું આમંત્રણ આપ્યું હતું.
પુપુલ જયકરે લખ્યું છે, “જ્યારે ઇંદિરા ગાંધી ચરણસિંહના ઘરે પહોંચ્યાં તો ચરણસિંહ અને તેમનાં પત્નીએ ઘરના ઉંબરે જ તેમનું સ્વાગત કર્યું. રસપ્રદ વાત એ હતી કે તે સમારંભમાં મોરારજી દેસાઈને પણ આમંત્રિત કરાયા હતા. ઇંદિરા અને દેસાઈ એક જ સોફા ઉપર બેઠાં.”
“આ દરમિયાન મોરારજી બિલકુલ અસહજ દેખાયા. તેમણે ઇંદિરા સાથે એક પણ શબ્દની વાતચીત ન કરી. ઇંદિરાએ ચરણસિંહ અને તેમનાં પત્ની સાથે ખૂબ ઉત્સાહથી વાતો કરી. તેમણે મીઠાઈ ખાધી અને નવજાત બાળકને ખોળામાં લઈને તેને આશીર્વાદ આપ્યા.”
ચરણસિંહ પ્રત્યે ઇંદિરા ગાંધીની નારાજગી
જેલમાંથી છૂટ્યાના એક અઠવાડિયા પછી ઇંદિરા ચિકમંગલૂર ગયાં.
ત્યાં તેમણે મતદારોને સંબોધતાં કહ્યું, “તમારા નિર્ણયને જનતા સરકારે ગેરકાયદેસર અને જાણીબૂઝીને નામંજૂર કરી દીધો છે.”
દરમિયાનમાં, ઇંદિરા ગાંધીએ મોરારજી સરકારને ઊથલાવવા માટે ચરણસિંહને પોતાનો ટેકો જાહેર કર્યો. ચરણસિંહે 28 જુલાઈ 1979એ વડા પ્રધાનપદના સોગંદ લીધા.
સોગંદવિધિ થતાંની સાથે જ તેમણે આભાર વ્યક્ત કરવા માટે ઇંદિરા ગાંધીને ફોન કર્યો. તેમણે કહ્યું કે તેઓ તેમને મળવા આવશે.
પહેલાં તેઓ બીજુ પટનાયકના ખબરઅંતર પૂછવા વિલિંગ્ટન હૉસ્પિટલ જશે અને ત્યાંથી પાછા વળતાં ઇંદિરા ગાંધીના નિવાસ 12 વિલિંગ્ટન ક્રેસેન્ટ આવશે.
સત્યપાલ મલિકે યાદ કર્યું, “પરંતુ, ચરણસિંહના કોઈ સંબંધીએ અંતિમ ઘડીએ તેમની કાનભંભેરણી કરી કે, હવે તમે વડા પ્રધાન છો. તમે શા માટે તેમના ત્યાં જઈ રહ્યા છો, તેમણે તમને મળવા આવવું જોઈએ.”
નીરજા ચૌધરીએ પોતાના પુસ્તક ‘હાઉ પ્રાઇમ મિનિસ્ટર્સ ડિસાઇડ’માં લખ્યું છે, “ઇંદિરા ગાંધી પોતાના ઘરના આંગણામાં હાથમાં ગુલદસ્તો લઈને ચરણસિંહની રાહ જોતાં રહ્યાં. તેમની સાથે કૉંગ્રેસના લગભગ 25 વરિષ્ઠ નેતાઓ પણ ઊભા હતા.”
“ઇંદિરા ગાંધીએ જોયું કે ચરણસિંહની ગાડીઓનો કાફલો તેમના ઘર સામેથી, દરવાજા તરફ જોયા વગર જ, પસાર થઈ ગયો. ઇંદિરા ગાંધીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેમણે ગુલદસ્તો જમીન પર ફેંકી દીધો અને ઘરમાં જતાં રહ્યાં.”
સત્યપાલ મલિકે મને જણાવ્યું કે હું એ જ સમયે સમજી ગયો કે ચરણસિંહની સરકાર વધુ દિવસ ચાલવાની નથી.
ત્યાર પછી ચરણસિંહે ઇંદિરા ગાંધી સાથે વાત કરવાની કોશિશ કરી, પરંતુ, તેમનો જવાબ હતો, ‘અત્યારે નહીં’.
ઇંદિરાનો જબરજસ્ત ચૂંટણીપ્રચાર
19 ઑગસ્ટે ઇંદિરા ગાંધીએ ચરણસિંહ સરકારને આપેલો પોતાનો ટેકો પાછો ખેંચી લીધો અને ચરણસિંહે એક વાર પણ સંસદનો સામનો કર્યા વગર પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું પડ્યું.
રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ લોકસભા ભંગ કરીને નવી સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી.
હાવિએ મોરોએ લખ્યું છે, “ઇંદિરા ગાંધી બે સૂટકેસમાં અડધો ડઝન સુતરાઉ સાડીઓ, બે થર્મોસ – એક ગરમ પાણી માટે અને બીજું ઠંડા દૂધ માટે, બે ઓશીકાં, મગફળી, થોડાં ડ્રાયફ્રૂટ અને તડકાથી બચવા માટે એક છત્રી લઈને આખા દેશમાં ચૂંટણીપ્રચાર માટે નીકળી પડ્યાં.
“તેમણે કુલ 70 હજાર કિલોમીટરની મુસાફરી કરી અને દરરોજની સરેરાશ લગભગ 20 ચૂંટણીસભાઓ સંબોધી.”
મોરોએ અનુમાન કર્યું કે ભારતના દરેક ચાર મતદારમાંથી એકે તેમને સાંભળ્યાં અથવા જોયાં.
ઇંદિરાએ ડુંગળી અને બટેકાના ભાવને ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનાવ્યો. તેમના ચૂંટણીપ્રચારનો મુખ્ય સંદેશ હતો, ‘ચૂંટો તેમને જે સરકાર ચલાવી શકે’.
વડાં પ્રધાન તરીકે ઇંદિરા ગાંધીનું પુનરાગમન
6 જાન્યુઆરીએ મતગણતરીના કલાક પહેલાંથી જ એવા સંકેત મળવા લાગ્યા હતા કે જે મહિલાને જનતાએ 33 મહિના પહેલાં ‘ઇતિહાસની કચરાપેટી’માં ફેંકી દીધાં હતાં, ‘તે જ મહિલાને જનતાએ ફરી એક વાર વડાં પ્રધાન બનાવવાનો નિર્ણય’ કરી લીધો હતો.
ઇંદિરા કૉંગ્રેસને કુલ 353 સીટો મળી.
બે વર્ષ પહેલાં સત્તામાં આવેલી જનતા પાર્ટી માત્ર 31 બેઠકો જીતી શકી.
14 જાન્યુઆરી 1980એ તેમણે ચોથી વાર રાષ્ટ્રપતિ ભવનના અશોક હૉલમાં વડા પ્રધાન પદના સોગંદ લીધા.
જ્યારે એક વિદેશી પત્રકારે તેમને પૂછ્યું કે ફરી એક વાર ભારતનાં વડાં પ્રધાન બન્યાં છો, ત્યારે તમને કેવી અનુભૂતિ થઈ રહી છે? ઇંદિરાનો જવાબ હતો, “હું પહેલાંથી જ ભારતની નેતા રહી છું”
(જેમ્સ મેનોર, ‘નહેરુ ટૂ ધ નાઇન્ટિઝ, ધ ચેન્જિંગ ઑફિસ ઑફ પ્રાઇમ મિનિસ્ટર ઇન ઇન્ડિયા’, પૃષ્ઠ ૮).
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS