Home તાજા સમાચાર gujrati ’48 કલાકમાં હોર્મુઝ ખોલો, નહીંતર…’, ટ્રમ્પે ઈરાનને કઈ ધમકી આપી?

’48 કલાકમાં હોર્મુઝ ખોલો, નહીંતર…’, ટ્રમ્પે ઈરાનને કઈ ધમકી આપી?

9
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ટ્રમ્પે ઈરાનના વીજમથકો ઉડાવી દેવા ડેડલાઇન આપી, ઈઝરાયલના 'પરમાણુ મથકો' પર ઈરાનનો હુમલો હોર્મુઝની સામુદ્રધુની

ઇમેજ સ્રોત, Chip Somodevilla/Getty Images

22 માર્ચ 2026, 10:39 IST

વાંચવાનો સમય: 5 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની સામુદ્રધુની ખોલવા માટે ઈરાનને એક નવી ડેડલાઇન આપી છે.

તેમણે કહ્યું કે હોર્મુઝને સંપૂર્ણ ખોલવા માટે ‘ઈરાન પાસે 48 કલાક’ છે.

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરી કે “જો ઈરાન કોઈ પણ ધમકી વગર આગામી 48 કલાકમાં હોર્મુઝની સામુદ્રધુની નહીં ખોલે, તો અમેરિકા તેના અનેક પાવર પ્લાન્ટ પર હુમલો કરીને તેને નષ્ટ કરી નાખશે અને તેની શરૂઆત તેમના સૌથી મોટા પ્લાન્ટથી થશે.”

શનિવારે ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી એવા સમયે આવી જ્યારે કેટલાક કલાક પહેલાં જ ઈરાનની બે મિસાઇલોએ દક્ષિણ ઇઝરાયલને નિશાન બનાવ્યું હતું, જેમાં ઇઝરાયલનાં અઘોષિત પરમાણુ મથકો પણ સામેલ છે. આ હુમલામાં 100થી વધુ લોકોને ઇજા થઈ હતી. યુદ્ધ શરૂ થયા પછી આ સૌથી મોટો હુમલો માનવામાં આવે છે.

ટ્રમ્પે ભારતીય સમય પ્રમાણે રવિવારે લગભગ પાંચ વાગ્યે આ પોસ્ટ કરી હતી.

હોર્મુઝની સામુદ્રધુની એ રસ્તો છે જ્યાંથી દુનિયાનો લગભગ 20 ટકા ઑઇલનો પુરવઠો પસાર થાય છે.

ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલા પછી હોર્મુઝમાંથી ઑઇલની સપ્લાય લગભગ અટકી ગઈ છે.

હોર્મુઝની સામુદ્રધુનીનું મહત્ત્વ

બીબીસી ગુજરાતી ટ્રમ્પે ઈરાનના વીજમથકો ઉડાવી દેવા ડેડલાઇન આપી, ઈઝરાયલના 'પરમાણુ મથકો' પર ઈરાનનો હુમલો હોર્મુઝની સામુદ્રધુની

ઇમેજ સ્રોત, Getty Images

હોર્મુઝની સામુદ્રધુની એ ઑઇલ શિપિંગ માટે દુનિયાના સૌથી વ્યસ્ત માર્ગો પૈકી એક છે. 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યા પછી ઈરાને આ રસ્તો બંધ કરી દીધો છે.

આ જળમાર્ગ ઉત્તરમાં ઈરાન અને દક્ષિણમાં ઓમાન તથા યુએઈથી ઘેરાયેલું છે. પ્રવેશ અને બહાર નીકળવાના ભાગે તેની પહોળાઈ 50 કિલોમીટર અને સૌથી સાંકડા ભાગમાં લગભગ 33 કિલોમીટર છે.

આ સામુદ્રધુની અખાતના દેશોને અરબી સમુદ્ર સાથે જોડે છે.

દુનિયાના લગભગ 20 ટકા ઑઇલ અને એલએનજી (લિક્વિફાઇડ નૅચરલ ગૅસ)નું પરિવહન મોટા ભાગે આ સ્ટ્રેટમાંથી જ થાય છે.

તેમાં માત્ર ઈરાન જ નહીં, પરંતુ કતાર, ઇરાક, કુવૈત અને યુએઈ જેવા અન્ય અખાતના દેશોનું ઑઇલ પણ સામેલ છે.

હોર્મુઝ બંધ થવાની અસર

સામાન્ય રીતે દર મહિને લગભગ ત્રણ હજાર જહાજ આ રસ્તેથી પસાર થાય છે, પરંતુ તાજેતરમાં તેની સંખ્યા ઘણી ઘટી ગઈ છે. કારણ કે ઈરાને ટૅન્કરો અને અન્ય જહાજ પર હુમલાની ધમકી આપી છે.

સમાચાર એજન્સી એએફપી મુજબ 18 માર્ચ સુધીના આંકડા પ્રમાણે યુદ્ધ શરૂ થયું ત્યાર પછી ઓછામાં ઓછા 21 જહાજો પર હુમલો થયો છે, તેને નિશાન બનાવાયાં છે અથવા તેમને હુમલાની સૂચના અપાઈ છે.

યુદ્ધ પછી ગ્લોબલ ઍનર્જીના ભાવોમાં ઝડપી ઉછાળો આવ્યો છે. ક્રૂડઑઇલનો ભાવ 100 ડૉલર પ્રતિ બેરલને પાર કરી ગયો છે જે ચાલુ વર્ષમાં 70 ટકા અને ગયા વર્ષની તુલનામાં 50 ટકા વધારો દર્શાવે છે.

ઈરાન વિશે ટ્રમ્પે શું કહ્યું?

બીબીસી ગુજરાતી ટ્રમ્પે ઈરાનના વીજમથકો ઉડાવી દેવા ડેડલાઇન આપી, ઈઝરાયલના 'પરમાણુ મથકો' પર ઈરાનનો હુમલો હોર્મુઝની સામુદ્રધુની

ઇમેજ સ્રોત, AFP via Getty Images

છેલ્લા કેટલાક કલાકોમાં ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર ઈરાન અંગે નવાં નિવેદન આપ્યાં છે.

ટ્રમ્પે ‘ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સ’ના એક અહેવાલના જવાબમાં પોસ્ટ કરી કે “અમેરિકાએ ઈરાનને નકશા પરથી મિટાવી દીધું છે.”

આ રિપોર્ટમાં ટ્રમ્પના યુદ્ધ રેકૉર્ડનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેનું મથાળું છે – ‘ઈરાન યુદ્ધ વિશે ટ્રમ્પ હકીકત છુપાવી રહ્યા છે’.

ટ્રમ્પ ઈરાનમાં પોતાનાં લક્ષ્ય પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યા છે તેવા આરોપોને ટ્રમ્પે ફગાવી દીધા છે અને તેમણે કહ્યું કે “હા, મેં પ્રાપ્ત કર્યાં છે અને નિર્ધારિત સમય કરતાં ઘણાં સપ્તાહ પહેલાં.”

તેમણે આગળ લખ્યું કે, “તેમનું (ઈરાનનું) નેતૃત્વ ખતમ થઈ ગયું છે, તેમની નેવી અને ઍરફોર્સ ખતમ થઈ ગયાં છે. તેમની પાસે કોઈ રક્ષણ રહ્યું નથી અને તેઓ સમાધાન કરવા માંગે છે. હું નથી ઈચ્છતો.”

ઈરાનનો જવાબ

બીબીસી ગુજરાતી ટ્રમ્પે ઈરાનના વીજમથકો ઉડાવી દેવા ડેડલાઇન આપી, ઈઝરાયલના 'પરમાણુ મથકો' પર ઈરાનનો હુમલો હોર્મુઝની સામુદ્રધુની

ઇમેજ સ્રોત, Morteza Nikoubazl/NurPhoto via Getty Images

સમાચાર એજન્સી ફાર્સ મુજબ ટ્રમ્પની ધમકી અંગે ઈરાનની સેનાએ કહ્યું છે કે તે આ ક્ષેત્રમાં અમેરિકા અને તેના સહયોગી દેશોનાં ઊર્જા કેન્દ્રો, ડિસેલિનેશન પ્લાન્ટ (પાણી શુદ્ધ કરવાના પ્લાન્ટ) પર હુમલા કરશે.

અગાઉ ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાગરી ગાલિબાફે એક પોસ્ટ પર લખ્યું કે, “એવું લાગે છે કે ઇઝરાયલ અને અમેરિકા સાથે યુદ્ધને લઈને પહેલેથી નિર્ધારિત રણનીતિઓ લાગુ કરવાનો સમય આવી ગયો છે.”

ગાલિબાફે કહ્યું કે “ઇઝરાયલ અત્યંત સુરક્ષા ધરાવતા ડિમોના ક્ષેત્રમાં પણ મિસાઇલો રોકી શકતું નથી, તેથી આ ઑપરેશન એ વાતનો સંકેત છે કે આ સંઘર્ષ એક નવા તબક્કામાં પ્રવેશી ચુક્યો છે. ઇઝરાયલનું આકાશ હવે અસુરક્ષિત છે.”

ઇઝરાયલનાં ‘અણુ મથકો’ પર ઈરાનનો હુમલો

બીબીસી ગુજરાતી ટ્રમ્પે ઈરાનના વીજમથકો ઉડાવી દેવા ડેડલાઇન આપી, ઈઝરાયલના 'પરમાણુ મથકો' પર ઈરાનનો હુમલો હોર્મુઝની સામુદ્રધુની

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઈરાનના નવા હુમલાએ ઇઝરાયલની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પાર કરી અને રહેણાંક ઇમારતોના બહારના ભાગોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ત્યાં જમીનમાં મોટા મોટા ખાડા બની ગયા.

રૅસ્ક્યૂ ટીમ પ્રમાણે અરદ શહેરમાં 88 લોકોને ઈજા થઈ છે જેમાં 10 લોકોની હાલત ગંભીર છે. તેનાથી કેટલાક કલાક અગાઉ ડિમોનામાં 33 લોકો ઘાયલ થયા હતા. એએફપીટીવીનાં ફૂટેજમાં જમીનમાં મોટો ખાડો, કાટમાળ અને ભારે નુકસાન જોવા મળે છે.

ડિમોનામાં એક એવું કેન્દ્ર છે, જેને મધ્યપૂર્વમાં એકમાત્ર પરમાણુ હથિયાર ભંડારનું સ્થળ માનવામાં આવે છે. જોકે ઇઝરાયલે ક્યારેય સત્તાવાર રીતે પોતાની પાસે અણુ હથિયારો હોવાની વાત સ્વીકારી નથી.

ઇઝરાયલી સેનાએ એએફપીને જણાવ્યું કે ડિમોનામાં એક ઇમારત પર ‘સીધો મિસાઇલ હુમલો’ થયો છે. ઘણી જગ્યાએ લોકોના ઈજા થયાના અહેવાલ છે, જેમાં 10 વર્ષનું એક બાળક સામેલ છે, જેની હાલત ગંભીર છે.

અરદમાં રાહત કર્મચારીઓ ભારે નુકસાન વેઠનાર ઇમારતોના કાટમાળમાં શોધખોળ ચલાવે છે.

બીબીસી ગુજરાતી ટ્રમ્પે ઈરાનના વીજમથકો ઉડાવી દેવા ડેડલાઇન આપી, ઈઝરાયલના 'પરમાણુ મથકો' પર ઈરાનનો હુમલો હોર્મુઝની સામુદ્રધુની

ઇમેજ સ્રોત, Getty Images

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ‘દરેક મોરચે’ જવાબ આપવાની વાત કહી હતી.

નેતન્યાહૂએ હુમલાઓને ‘સૌથી મુશ્કેલ સાંજ’ ગણાવી અને ઈરાન પર હુમલા ચાલુ રાખવાની વાત કરી હતી. કેટલાક કલાક પછી ઇઝરાયલી સેનાએ જણાવ્યું કે તહેરાન પર હુમલાની એક સિરીઝ શરૂ કરી છે.

ઈરાને જણાવ્યું કે ડિમોના પર હુમલો એ નતાંઝ પરમાણુ મથક પર ઇઝરાયલી હુમલાનો જવાબ છે. ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ કૉર્પ્સે કહ્યું કે તેમના દળોએ સાઉથ ઇઝરાયલનાં અન્ય શહેરોની સાથે કુવૈત અને યુએઈમાં સૈન્ય ઠેકાણાંઓને પણ નિશાન બનાવ્યાં.

નતાંઝ હુમલા પછી સંયુક્ત રાષ્ટ્રના ન્યુક્લિયર મૉનિટરિંગના પ્રમુખ રાફેલ ગ્રાસીએ સૈન્ય સંયમ રાખવાની અપીલ દોહરાવી હતી જેથી કોઈ પણ પરમાણુ દુર્ઘટનાનો ખતરો ટાળી શકાય.

નતાંઝ કેન્દ્રમાં ભૂમિગત સેન્ટ્રીફ્યુઝ હાજર છે, જેનો ઉપયોગ ઈરાનના વિવાદાસ્પદ પરમાણુ કાર્યક્રમમાં યુરેનિયમના સંવર્ધન માટે થાય છે. જૂન 2025ના યુદ્ધમાં પણ આ કેન્દ્રને નુકસાન થયું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS