Home તાજા સમાચાર gujrati 1971 યુદ્ધ: બૉમ્બમારા વચ્ચે જ્યારે કચ્છની મહિલા હોમગાર્ડ્સે ઉપાડી જવાબદારી, કેવા હતા...

1971 યુદ્ધ: બૉમ્બમારા વચ્ચે જ્યારે કચ્છની મહિલા હોમગાર્ડ્સે ઉપાડી જવાબદારી, કેવા હતા બ્લૅકઆઉટના દિવસો?

3
0

Source : BBC NEWS

કચ્છ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Jyotiben Bhatt

પહલગામમાં પર્યટકો પર થયેલા હુમલાનો જવાબ આપતા ભારતે ઑપરેશન સિંદૂર લૉન્ચ કર્યું હતું.

આ ઑપરેશનને કારણે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે.

બે દેશો વચ્ચે છેલ્લા 15 દિવસના તંગ માહોલ વચ્ચે તારીખ 7 મેના રોજ ભારતના કેટલાંય જિલ્લાઓમાં એક મૉકડ્રિલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત સહિતનાં રાજ્યોમાં મૉકડ્રિલ દરમિયાન વિવિધ શહેરોના લોકોને યુદ્ધની સ્થિતિમાં શું કરવું તેની સમજ આપવામાં આવી હતી.

મૉકડ્રિલ દરમિયાન સાયરનો વગાડવામાં આવી હતી અને સાંજે બ્લૅક આઉટ પણ કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર માહોલે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયની યાદોને તાજી કરી હતી.

1971ના યુદ્ધમાં કચ્છના હોમગાર્ડ યુનિટની પણ નોંધપાત્ર ભૂમિકા રહી હતી. હોમગાર્ડના ભૂતપૂર્વ જવાનો 1971ના યુદ્ધની કામગીરી આજે પણ ગૌરવથી સંભારે છે.

દેશના સીમાડે રક્ષણ કરતા જવાનોની સાથે સિવિલ એરિયામાં કામગીરી કરતા હોમગાર્ડ જવાનોની પણ બહુ મહત્ત્વની ભૂમિકા હોય છે. 1971ના યુદ્ધ સમયે કચ્છમાં હોમગાર્ડની કામગીરી આજે પણ નોંધપાત્ર માનવામાં આવે છે.

મહિલા હોમગાર્ડની રચના કરવામાં આવી

કચ્છ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Jyotiben Bhatt

તારીખ 6 ડિસેમ્બર 1947ના રોજ બૃહદ્ મુંબઈ રાજ્યમાં ગૃહ રક્ષક દળની સ્થાપના કરવામાં આવી હતી.

ગુજરાતમાં રાજ્યની સ્થાપનાના સમયથી આ દળ કાર્યરત છે. સમાજના વિવિધ વર્ગના જાગૃત નાગરિકો કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં પોલીસને મદદરૂપ થાય તેમ જ કુદરતી અને માનવસર્જિત આપત્તિમાં લોકોને વ્યવસ્થિત રીતે સહાયભૂત થાય તે માટે હોમગાર્ડઝની સ્થાપના કરવામાં આવી છે.

વર્ષ 1971ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ પછી દેશની સરહદોની રખેવાળી માટે હોમગાર્ડ્ઝની સેવા લેવા હોમગાર્ડ્ઝની સરહદી પાંખની સ્થાપ્ના કરવામાં આવી હતી.

ગુજરાતમાં જમીન સરહદ વિસ્તારોમાં ચોકી માટે ભુજ (કચ્છ) અને પાલનપુર (બનાસકાંઠા)માં 1979થી એક એક બટાલિયન તથા દરિયાકાંઠાના સરહદી વિસ્તારોમાં ચોકી માટે નલિયા (કચ્છ) અને જામનગરમાં 1997થી એક એક બટાલિયન કાર્યરત છે. હોમગાર્ડના જવાનો બીએસએફ અને લશ્કર સાથે ખભેખભા મિલાવી દેશ માટે ફરજ બજાવે છે.

1965ના સમયે ભુજ શહેર હોમગાર્ડ યુનિટમાં પુરુષોનું યુનિટ ચાલતું તેમાં મહિલાઓ ભરતી થવા માટે સંકોચ અનુભવતી હતી.

જેથી મહિલાઓ આગળ આવે અને શિસ્તબદ્ધ તાલીમ મેળવે તેવી જરૂરિયાત જણાતા 1965થી એક મહિલા યુનિટ શરૂ કરાયું અને તેમને રાઇફલ, પીટી, સ્ક્વૉડ ડ્રિલ, ફર્સ્ટ એઇડ અને લાઠીદાવ વિવિધ પ્રકારની તાલીમ અપાઈ હતી.

1971ના યુદ્ધ સમયે આ મહિલાઓએ પોતાની કામગીરી જેવી કે બ્લૅક આઉટના સમયે શહેરના અનેક વિસ્તારોમાં ઘરોઘર ફરી લાઇટો બંધ કરાવવી, પાકિસ્તાનના પ્લેનો કચ્છ તરફ આવતા ત્યારે સાયરન વગાડવાની અને ત્યાર બાદ સબ સલામતીની પણ સાયરન વગાડવાની ફરજ બજાવી હતી અને કલેક્ટર કચેરીએથી આવતાં સૂચનોનો અમલ કર્યો હતો.

કચ્છનાં પ્રથમ મહિલા હોમગાર્ડ તરીકે જેમનું નામ નોંધાયું

ભુજનાં પ્રથમ મહિલા હોમગાર્ડ તરીકે જેમનું નામ નોંધાયું છે એવાં સ્વ.મનોજબહેન ભટ્ટ વિશે એમનાં દીકરી જ્યોતિબહેન ભટ્ટે બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરી હતી.

તેઓ બીબીસી ગુજરાતીને જણાવે છે, “વર્ષ 1965માં મારાં માતા સ્વ. મનોજબહેન ભટ્ટ હોમગાર્ડમાં જોડાયા હતા. કચ્છમાં એ સમયે મહિલા પોલીસ પણ ન હતી. એ પહેલાં હોમગાર્ડમાં મહિલા યુનિટ શરૂ થયું હતું. હોમગાર્ડમાં મહિલા યુનિટ બન્યું ત્યારે મારાં માતાએ પહેલું નામ નોંધાવ્યું હતું. આમ તેઓ કચ્છના પ્રથમ મહિલા હોમગાર્ડ કહેવાય છે.”

એ સમયે રૂઢિચુસ્ત માહોલ હતો. પરિણિત મહિલાઓએ ફરજિયાતપણે એમના સસરાંની લાજ કાઢવી પડતી હતી અને સાડી પહેરવી પડતી હતી.

જ્યોતિ ભટ્ટ કહે છે કે, “આ સ્થિતિમાં હોમગાર્ડની મહિલાઓ પાટલુન-બુસ્કોટ, માથે ટોપી અને પગમાં ભારે વજનવાળા બૂટ પહેરીને, હાથમાં બંદૂક લઈને એક નવો ચીલો ચાતર્યો હતો. મારી માતા પર મારા દાદા( મનોજબહેનના સસરા) સહિતના સૌ પરિવારજનોને ગૌરવ હતું.”

યુદ્ધ વખતે જ્યારે જવાનો ઘાયલ થયા અને લોહીની જરૂરિયાત ઊભી થઈ ત્યારે મનોજબહેને રક્તદાન પણ કર્યું હતું.

જ્યોતિબહેને આપેલી માહિતી પ્રમાણે મનોજબહેન ભટ્ટનો જન્મ 3 સપ્ટેમ્બર 1936ના રોજ અવિભાજિત ભારતના કરાચી ખાતે થયો હતો. ત્યાં જ એમણે પ્રાથમિક સુધીનો અભ્યાસ કર્યો હતો.

ભારત-પાક ભાગલા સમયે પહેરેલે કપડે તેમનો પરિવાર ભારત આવી ગયો હતો. એ સમયે પરિવાર પાસે ખાવા-પીવાની પણ કોઈ વ્યવ્સથા ન હતી. બાદમાં મનોજબહેન ભટ્ટનો પરિવાર કરાચી બંદરેથી નવલખી બંદર અને ત્યાર બાદ મોરબી, રાજકોટ, જામનગર થઈને કચ્છમાં સ્થાયી થયો હતો.

વર્ષ 1962માં મનોજબહેને હિન્દી વિશારદની પ્રથમ, દુસરી અને તીસરી પરીક્ષા પાસ કરી હતી અને તે દરમ્યાન ભુજ નગરપાલિકામાં બાલવાડી શિક્ષિકા તરીકે તેઓ ફરજ બજાવતાં હતાં.

તબેલાનું પતરું ચાળણી બની ગયું

મનોજબહેને હોમગાર્ડમાં જોડાઈને નાગરિક સંરક્ષણની પણ વિવિધ પ્રકારની તાલીમ મેળવી હતી.

મનોજબહેનનાં દીકરી જ્યોતિબહેન ભટ્ટ કહે છે, “1971 ભારત પાક યુદ્ધ સમયે મનોજબહેનની સાથે તાલીમબદ્ધ મહિલા હોમગાર્ડઝ સભ્યોએ જિલ્લા મેજિસ્ટ્રેટ હસ્તક ચાલતા કન્ટ્રોલ રૂમમાં સતત 24 કલાક સેવા આપી હતી”

“1971ના સમયે મારી ખુદની ઉંમર તેર વર્ષની હતી. એ સમયે ભુજમાં ખૂબ બૉમ્બમારો થયો હતો. અમુક વિસ્તારમાં ભડકા પણ દેખાતા હતા. એક તબેલા પાસે બૉમ્બ ફૂટ્યો હતો જેના છરા ઉડવાને કારણે તબેલાનું પતરું ચાળણી જેવું થઈ ગયું હતું જોકે સદનસીબે તબેલામાં રહેલા ભેંસના પાડરાને કોઈ આંચ આવી ન હતી.”

તેઓ આગળ કહે છે, “હું પાણી ભરવા ગઈ ત્યારે આકાશમાં બે વિમાન આવી ગયાં હતાં અને ભયજનક સાયરન વાગી હતી. હું હિંમત હાર્યા વગર તુરંત ત્યાંથી નીકળી ગઈ. કોઈ પણ પરિસ્થિતીમાં હિંમત નહીં હારવાનો ગુણ અમને વારસામાં મળ્યો છે. અમને અમારાં માતા-પિતા તરફથી તમામ પ્રકારની તાલીમ આપવામાં આવી હતી.”

જ્યોતિબહેન અનુસાર તેમનાં માતા મનોજબહેન ભટ્ટ અચૂક નિશાનેબાજ હતાં. તેઓ કુશળ રીતે બંદૂક ચલાવી જાણતાં હતાં.

ઉલ્લેખનીય છે કે માતાનો વારસો જાળવી રાખતાં 68 વર્ષીય જ્યોતિ ભટ્ટ પોતે એનસીસી કૅડેટ રહી ચૂક્યાં છે. માતાની જેમ તેઓ બંદૂક ચલાવી જાણે છે. આ ઉપરાંત હોર્સરાઇડિંગ અને તલવારબાજી પણ કરી શકે છે.

ભુજ શહેરમાં જ્યારે બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા

કચ્છ, 1971, ભારત, પાકિસ્તાન, યુદ્ધ, બીબીસી

ઇમેજ સ્રોત, Getty

1971ના યુદ્ધની વાત થાય ત્યારે વધુ એક મહિલાનું નામ આવે છે.

એ મહિલાનું નામ છે જ્યોતિબહેન ઉપાધ્યાય. તેઓ 1971ના યુદ્ધ સમયે મહિલા હોમગાર્ડમાં જોડાયાં હતાં.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જ્યોતિબહેન ઉપાધ્યાય જણાવે છે એ પ્રમાણે 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધના થોડા સમયે પહેલાં હોમગાર્ડમાં જોડાયાં ત્યારે એમને દરેક પ્રકારની તાલીમ આપવામાં આવી હતી.

એમને નાગરિક સંરક્ષણ-ફર્સ્ટ એઇડની તાલીમ આપવામાં આવી હતી આ ઉપરાંત જિલ્લા હોમગાર્ડના વડા રૂદ્રસિંહ જાડેજા સાહેબે યુનિટને થ્રીનૉટ થ્રી રાઇફલ ચલાવવાની પણ તાલીમ આપી હતી.

જ્યોતિબહેન ઉપાધ્યાય 1971ના માહોલને યાદ કરતા કહે છે, “એ સમયે ખૂબ ડરામણો માહોલ હતો. અમારા ભુજ શહેરની આસપાસ એક દિવસમાં પંદરથી વધું બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા. બૉમ્બ પડતા ત્યારે આખી ધરા ધ્રુજી ઊઠતી હતી અને મકાનો ખળભળી ઊઠતા હતા.”

“એ માહોલ યાદ કરીએ છીએ ત્યારે અમે પણ ગભરાઈ જઈએ છીએ કે હવે પછી આવો માહોલ ન સર્જાય. એ સમયે બ્લૅક આઉટ હતું. છતાં અમે ડર્યા વગર ભુજની શેરીઓમાં અને ગલીઓમાં ફરીને ડરી ગયેલા લોકોને સમજાવ્યા હતા અને એમનામાંથી ડર ભગાડવાનો પ્રયાસ કર્યો હતો.”

બ્લૅક આઉટ: બીડીનો પ્રકાશ પણ દેખાતો ન હતો!

કચ્છ, હોમગાર્ડ, ભારત, પાકિસ્તાન,1971, બીબીસી

ઇમેજ સ્રોત, Naranjibhai Rathod

હોમગાર્ડ યુનિટે રાત-દિવસ જોયા વગર, ઘર-બાર ભૂલીને પોતાની ફરજને પ્રાથમિકતા આપી રહી હતી. પૂર્વ હોમગાર્ડ સાર્જન્ટ નારાણજી રાઠોડના માનસપટ પર 1971ના યુદ્ધની યાદો હજુ તાજી છે.

1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન નારણજીભાઈ અને તેમના ભાઈને કલેક્ટર ઑફિસમાં ખાસ ડ્યૂડી સોંપવામાં આવી હતી.

તેઓ બીબીસી ગુજરાતીને જણાવે છે, “1971ની લડાઈ સમયે અમે ભુજ કંટ્રોલરૂમમાં તહેનાત હતા. એ સમયે માહોલ એવો હતો કે અમે ઘરની જવાબદારી પણ ભૂલી ગયા હતા. એ સમયે માહોલ એવો હતો કે અમારી આંખમાં ઊંઘને કોઈ સ્થાન ન હતું.”

“અમે ખાવા-પીવાનું કે સૂવાનું પણ ભાન નહોતું. એ જ સમયે મારા ઘરે દીકરાનો જન્મ થયો હતો, પરંતુ મારી પાસે તેને રમાડવા માટે પણ સમય નહોતો. જોકે આ સમયે પરિવારે મારા દીકરાની જવાબદારી સંભાળીને મને ટેકો આપ્યો હતો.”

નારણજીભાઈ કહે છે, “મોટાભાગે પાકિસ્તાન દ્વારા રાતના અંધારામાં હુમલા કરવાનો પ્રયત્ન કરવામાં આવતો. એટલે જેવું પણ કોઈ રડારમાં વિમાન પકડાય કે, તરત જ તેમની ડ્યૂટી સિક્યૉરિટી અલાર્મ આપવાની રહેતી.”

“તે સિક્યૉરિટી અલાર્મ વગાડે તેની સાથે જ ભુજ અને સમગ્ર કચ્છ વિસ્તારમાં બ્લૅક આઉટ કરી દેવામાં આવતું. બ્લૅક આઉટમાં બીડીનો પ્રકાશ પણ અમને દેખાતો ન હતો.”

મનોજબહેનનાં દીકરી જ્યોતિબહેન ભટ્ટ બીબીસી ગુજરાતીને કહે છે, “કોઈ ઘરમાં ચૂલો ચાલુ થાય ત્યારે તેનો પ્રકાશ બહાર ન જાય એ માટે મહિલા હોમગાર્ડ જવાન લોકોને સમજાવતાં હતાં.”

આકાશમાં એક પ્રકાશપુંજ દેખાયો, બે શંકાસ્પદ શખ્સો ઝડપાયા

કચ્છ, હોમગાર્ડ, ભારત, પાકિસ્તાન,1971, બીબીસી

ઇમેજ સ્રોત, Naranjibhai Rathod

નારણભાઈ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, “એકવાર ભુજ પાસેની એક નદીના સૂકા પટને હાઈવે સમજી પાકિસ્તાની વિમાનોએ સંખ્યાબંધ બૉમ્બ નાખ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો.”

જ્યારે લોકોમાં ભયનો માહોલ સર્જાય ત્યારે લોકોમાંથી ડરને ભગાડીને એમની અંદર જોશ જગાડવાની જવાબદારી મહિલા હોમગાર્ડ યુનિટના શીરે રહેતી હતી.

મનોજબહેનનાં દીકરી જ્યોતિબેન ભટ્ટ બીબીસી ગુજરાતીને કહે છે, “જ્યારે યુદ્ધ ચાલતું હતું ત્યારે મારાં માતા ફળિયામાં બધાને એકઠા કરતાં હતાં અને લોકોને ભય છોડીને નિડર બનવા આહ્વાન કરતાં હતાં.”

નાગરિકોમાં જાગૃતિ જગાવવા ઉપરાંત 1971ના યુદ્ધમાં હોમગાર્ડના જવાનો શંકાસ્પદ ગતિવિધિઓ પર પણ ચાંપતી નજર રાખતા હતા.

જ્યોતિબહેન ઉપાધ્યાય બીબીસી ગુજરાતીને એક કિસ્સો જણાવતા કહે છે, “એકવાર બ્લૅક આઉટ હતું ત્યારે ભુજના દરબારગઢ ચોક પાસે હું અને મારા સાથી હોમગાર્ડ જવાનો સાથે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે બે યુવકો અમને શંકાસ્પદ લાગ્યા. અમે તાત્કાલિક અમારા લીડરને જાણ કરી. અમે વ્હીસલ મારી એટલે એ છોકરાઓ ગભરાઈ ગયા અને અમે લોકોએ દોડીને એ બંનેને પકડી લીધા અને ઉપરી અધિકારીઓને સોંપી દીધા હતા.”

અત્યારે 83 વર્ષના નારણજીભાઈએ લગભગ 2018 સુધી સેવા આપી છે. એમની પાસે પણ આવો એક કિસ્સો છે.

તેઓ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “1971માં તણાવભરી સ્થિતિ હતી ત્યારે રાત્રે લોકોને આકાશમાં પ્રકાશપુંજ દેખાયો હતો. તત્કાલીન કલેકટર એન. ગોપાલસ્વામીએ ત્રણ જણની સમિતી રચી આ પ્રકાશની તપાસ કરાવી હતી જેમાં એક નારાયણભાઈ રાઠોડ પણ સામેલ હતા.”

“નારાયણભાઈ રાઠોડ અને તેમના સાથીદારોએ તપાસ કરતા જણાયું હતું કે પાકિસ્તાનનું જાસૂસી વિમાન સર્ચલાઇટની મદદથી ફોટા ક્લિક કરી રહ્યું હતું. કલેકટર કચેરીના કંટ્રોલરૂમમાં આ ઘટના અને તારણની નોંધ લેવામાં આવી અને કલેકટરે સમિતિના ત્રણેય સભ્યોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS