Home તાજા સમાચાર gujrati 10 મહિનાની બાળકીએ પાંચ લોકોના જીવ કેવી રીતે બચાવી લીધા, શું છે...

10 મહિનાની બાળકીએ પાંચ લોકોના જીવ કેવી રીતે બચાવી લીધા, શું છે સમગ્ર મામલો?

13
0

Source : BBC NEWS

10 મહિનાની આલિન

ઇમેજ સ્રોત, Amrita institute of medical sciences, Kochi

10 મહિનાની એક બાળકીના અંગદાનથી પાંચ બાળકોના જીવ બચશે. માનવતાનું આ ઉદ્દાત દૃષ્ટાંત તે બાળકીના પિતાને કૉલેજના દિવસો દરમિયાનના એક વ્યાખ્યાનની યાદ આવતાં લેવાયેલા નિર્ણયથી પ્રેરિત હતું.

ડૉક્ટરોએ બાળકીને ‘બ્રેઇન ડેડ’ જાહેર કરતાં તેના પિતા અરુણ અબ્રાહમે મહત્ત્વની ક્ષણે અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો, જેને પગલે આલિન શેરિન અબ્રાહમ કેરળની સૌથી નાની વયની અંગ દાતા બની હતી.

એક કાર અકસ્માતમાં આલિન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.

આલિનના લીવર અને કિડનીનું ગંભીર રીતે બીમાર બે બાળકોમાં પ્રત્યારોપણ કરાઈ ચૂક્યું છે. જ્યારે તેનો હાર્ટ વાલ્વ, બીજી કિડની અને આંખો કૉચ્ચી તથા તિરુવનંતપુરમની ત્રણ હૉસ્પિટલોમાં રાખવામાં આવ્યાં છે, જ્યાં જરૂરિયાતમંદો સાથે તે અંગોના મૅચિંગની પ્રક્રિયા કરવામાં આવશે.

33 વર્ષના અબ્રાહમે બીબીસી હિંદીને જણાવ્યું હતું, “જ્યારે ડૉક્ટરોએ અમને જણાવ્યું કે, આલિન બ્રેઇન ડેડ છે, ત્યારે અમે ભયંકર આઘાતમાં સરી પડ્યાં હતાં. નિર્ણય લેવો મુશ્કેલ હતો, પણ મેં મારાં પત્નીને (શેરિન ઍન જ્હોન) પૂછ્યું અને તેઓ સંમત થયાં કે, અમારે અમારી પુત્રીનાં અંગો અન્ય લોકોનાં જીવન બચાવવા માટે દાનમાં આપવાં જોઈએ.”

આગળ તેમણે જણાવ્યું હતું, “2013માં હું બીકોમમાં અભ્યાસ કરી રહ્યો હતો, ત્યારે કિડની ફાઉન્ડેશનના ફાધર ડેવિસે મારી કૉલેજમાં અંગ દાન અંગે આપેલા વ્યાખ્યાન પરથી મને પ્રેરણા મળી હતી. તે દિવસે મેં સંકલ્પ કર્યો હતો કે, જો મારી સાથે કંઈ થાય, તો હું મારાં તમામ અંગોનું દાન કરીશ.”

શ્રી ચિત્રા તિરુનાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિઝ ઍન્ડ ટૅકનૉલૉજી (એસસીટીઆઈએમએસટી), તિરુવનંતપુરમના પ્રોફેસર ઑફ ન્યૂરોસર્જરી ડૉક્ટર ઇશ્વર એચ. વી.એ બીબીસી હિંદીને જણાવ્યું હતું: “આ મૃત ડોનર દ્વારા અંગદાન અને પ્રત્યાર્પણ માટેનું ઘણું મોટું પ્રોત્સાહન છે. આલિને દેશમાં અંગ પ્રત્યારોપણ અંગેનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો છે. “

યોગાનુયોગે, ગયા મહિને જ તિરુવનંતપુરમ સરકારી મેડિકલ કૉલેજ હૉસ્પિટલ ખાતે નવી સ્થપાયેલી કેરળ સ્કીન બૅન્કમાં 91 વર્ષનાં આનંદવલ્લી અમ્માલ ત્વચા અને કોર્નિયાનાં મૃત દાતા બન્યાં હતાં.

હાર્ટ વૉલ્વ અને લીવર તિરુવનંતપુરમના અલગ અલગ હૉસ્પિટલોમાં મોકલાયા

ઇમેજ સ્રોત, Amrita institute of medical sciences, Kochi

આલિનને શું થયું હતું?

આલિનને “શરીરની અંદર ગંભીર રીતે ઈજાઓ થઈ હતી, પણ શરીરની બહાર તેને એક ઉઝરડો પણ નહોતો થયો,” એમ અબ્રાહમે જણાવ્યું હતું. આલિન પાંચમી ફેબ્રુઆરીના રોજ તેનાં માતા અને નાના-નાની સાથે કારમાં કોટ્ટાયમ-તિરુવલ્લા રોડ પર પ્રવાસ ખેડી રહી હતી, ત્યારે સામેથી આવી રહેલી કારની ટક્કર વાગી હતી. આ અકસ્માતમાં બાકીના પ્રવાસીઓને સામાન્ય ઈજાઓ થઈ હતી.

ગંભીર હાલતમાં આલિનને પહેલાં ચંગાનાસ્સેરી અને તિરુવલ્લાની હૉસ્પિટલોમાં લઈ જવાઈ. તે પછી તેને કૉચ્ચીની અમૃતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયિન્સઝમાં ખસેડવામાં આવી હતી.

પણ, તેને બચાવવાના ડૉક્ટરોના સઘળા પ્રયત્નો નિષ્ફળ ગયા અને છઠ્ઠી ફેબ્રુઆરીના રોજ ડૉક્ટરોએ તેને “બ્રેઇન ડેડ” જાહેર કરી હતી. તે જ દિવસે તેનાં માતા-પિતાએ અંગદાન માટેનાં સંમતિપત્રો પર હસ્તાક્ષર કર્યા હતા.

તેની બંને કિડનીઓ તિરુવનંતપુરમ મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં, હાર્ટ વાલ્વ તિરૂવનંતપુરમસ્થિત એસસીટીઆઇએમએસટી અને લીવર તિરુવનંતપુરમની કેઆઇએમએસ હેલ્થમાં મોકલવામાં આવ્યાં તથા આંખો કૉચ્ચીની અમૃતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિઝની આઇ બૅન્કને સોંપવામાં આવી.

પ્રથમ લાભાર્થી છ માસની ધ્રિયા હતી, જે લીવર ફેઇલ્યોરથી પીડાતી હતી. કેઆઇએમએસહેલ્થે એક યાદીમાં જણાવ્યા પ્રમાણે, “ધ્રિયા ત્રણ માસની હતી, ત્યારે અન્ય હૉસ્પિટલમાં તેનો ઈલાજ કરવામાં આવ્યો હતો, પણ સફળતા નહોતી મળી. આ દરમિયાન તેનું લીવર ફેઇલ થતાં જીવ બચાવવા માટે લીવરના પ્રત્યારોપણની સલાહ આપવામાં આવી હતી.”

13મી ફેબ્રુઆરીના રોજ રાત્રે 10.30 વાગ્યે શરૂ થયેલી ટ્રાન્સપ્લાન્ટ સર્જરી બીજા દિવસે સવારે છ વાગ્યે સંપન્ન થઈ હતી. તેની હાલત સ્થિર જણાવવામાં આવી હતી, પણ ડૉક્ટરો હાલના તબક્કે કોઈ ટિપ્પણી કરવા માગતા નથી, કારણ કે, પ્રત્યારોપિત અંગને નવા શરીર સાથે અનુકૂલન સાધવામાં સમય લાગે છે.

ધ્રિયાના કાકા વિનોદ શ્રમિક છે. તેમણે બીબીસી હિંદીને જણાવ્યું હતું, “તેના જન્મના એક મહિનાની અંદર જ તેની આંખો પીળી પડી ગઈ હતી. સ્કેનિંગમાં લીવર ફેઇલ્યોર હોવાનું માલૂમ પડ્યું. ધ્રિયાના પિતા પથ્થરની ખાણમાં કામ કરે છે.”

આલિનની એક કિડની તિરુવનંતપુરમ સરકારી મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં 10 વર્ષના એક બાળકને પ્રત્યારોપિત કરવામાં આવી હતી.

પાંચ ફેબ્રુઆરીએ કોટ્ટાયમ-તીરુવલ્લા રોડ પર આલિન એક માર્ગ અકસ્માતમાં ઘાયલ થઈ હતી

ઇમેજ સ્રોત, Amrita institute of medical sciences, Kochi

કોઈ દર્દીને કેટલા સમય પછી બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવે છે?

ડૉક્ટર ઇશ્વર કહે છે, “પુખ્ત લોકોની તુલનામાં બાળકોને બ્રેઇન ડેડ જાહેર કરવાં વધુ જટિલ હોય છે. પુખ્તોના મામલામાં છ કલાકની અંદર નિર્ણય લઈ શકાય છે.”

તેમણે જણાવ્યું હતું, “જો શિશુની વય એક વર્ષ કરતાં ઓછી હોય, તો તેમને બ્રેઇન ડેડ ઘોષિત કરવામાં આશરે 12 કલાકનો સમય લાગે છે. જો શિશુ એક મહિનાનું હોય, તો 24 કલાકનો સમય લાગે છે.”

તેમણે તેમનાં માતાનું ઉદાહરણ પણ ટાંક્યું હતું, જેમનું 91 વર્ષની વયે તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેમણે અગાઉ જ તેમની ત્વચા અને કોર્નિયાનું દાન કરવાનો સંકલ્પ લીધો હતો.

તેમણે કહ્યું હતું કે, તેમના અવસાનના છ કલાકની અંદર સ્કીન બૅન્કના પ્લાસ્ટિક સર્જન્સે તેમના ઘરે પહોંચીને બંને સાથળમાંથી એક મીમી જાડાઈની 20 સેમી ત્વચા સલામત રીતે નિકાળી હતી. તે ત્વચા દાઝવાથી ઈજાગ્રસ્ત થયેલા દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાય છે.

ડૉક્ટર ઈશ્વરે આગળ જણાવ્યું હતું, “તે ત્વચાને સ્કીન બૅન્કમાં માઇનસ છ ડિગ્રી તાપમાન પર લિક્વિડ નાઇટ્રોજનમાં સુરક્ષિત રાખવામાં આવે છે. ગંભીર રીતે દાઝી ગયેલા દર્દીના ઈજાગ્રસ્ત ભાગ ઉપર પ્રોસેસ કરેલી ત્વચા પ્રત્યારોપિત કરવામાં આવે છે. તે અમુક મહિનાઓ સુધી તે ભાગ પર રહે છે અને કુદરતી ચામડી ઊગતાં પોતાની મેળે હટી જાય છે.”

તેમણે કહ્યું હતું કે, ડોનરની વય મહત્ત્વની નથી હોતી, પણ હા, વ્યક્તિ ડિહાઇડ્રેશન કે ત્વચાના સંક્રમણથી પીડાતી ન હોવી જોઈએ.

આલિનને રાજકીય સન્માન

સમાજના તમામ વર્ગોમાંથી આલિન માટે શ્રદ્ધાંજલિનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે, ત્યારે કેરળ સરકારે આલિનને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવાનો આદેશ આપ્યો હતો.

રવિવારે તેના વતન પથનમથિટ્ટાના સીએસઆઇ કબ્રસ્તાન ખાતે તેની દફનવિધિ સંપન્ન થઈ હતી. ઘણા મંત્રીઓએ તેને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

મંત્રી વીએસ વાસવને જણાવ્યું હતું કે, આલિનના પરિવારે તેમના નિર્ણય થકી વૈશ્વિક માનવતાનું દૃષ્ટાન્ત પૂરું પાડ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS