Home તાજા સમાચાર gujrati 1 એપ્રિલથી ઇન્કમટૅક્સ, FASTag, પગાર, રેલવે ટિકિટ સહિત 8 નિયમોમાં ફેરફાર...

1 એપ્રિલથી ઇન્કમટૅક્સ, FASTag, પગાર, રેલવે ટિકિટ સહિત 8 નિયમોમાં ફેરફાર થશે

3
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી પહેલી એપ્રિલથી ઇન્કમટૅક્સ ગ્રેચ્યુઈટી પગાર રેલવે ટિકિટ ફાસ્ટેગ ફેરફાર

ઇમેજ સ્રોત, Getty Images

30 માર્ચ 2026, 15:58 IST

અપડેટેડ 6 કલાક પહેલા

વાંચવાનો સમય: 5 મિનિટ

દરેક નાણાકીય વર્ષની શરૂઆતમાં દેશમાં કેટલાક નિયમોમાં ફેરફાર થતો હોય છે અને આ વર્ષે પણ એવું જ થશે.

પહેલી એપ્રિલ 2026થી ઇન્કમટૅક્સ, પગાર, રેલવે ટિકિટ, ફાસ્ટેગ અને ક્રૅડિટ સ્કોર સહિતની કેટલીક બાબતોના નિયમો બદલાશે જેની સામાન્ય લોકો પર અસર પડશે.

અહીં એવી આઠ બાબતો જણાવી છે જેમાં 1 એપ્રિલથી નવા નિયમો લાગુ થશે.

ઇન્કમટૅક્સના નવા નિયમો

બીબીસી ગુજરાતી પહેલી એપ્રિલથી ઇન્કમટૅક્સ ગ્રેચ્યુઈટી પગાર રેલવે ટિકિટ ફાસ્ટેગ ફેરફાર

ઇમેજ સ્રોત, Getty Images

સૌથી પહેલાં તો ઇન્કમટૅક્સ અને આઈટીઆર ફાઇલ કરવાના નિયમો બદલાશે.

પહેલી એપ્રિલથી નવો ઇન્કમટૅક્સ ઍક્ટ, 2025 લાગુ થવાનો છે, જે 1961ના જૂના આઈટી ઍક્ટની જગ્યાએ આવશે.

1 એપ્રિલથી નોન-ઓડિટ કરદાતાઓ માટે ITR-3 અને ITR-4 ફાઇલ કરવાની તારીખ વધારીને 31 ઑગસ્ટ કરવામાં આવી છે.

ભારતમાં અત્યાર સુધી જૂની ટૅક્સ સિસ્ટમમાં નાણાકીય વર્ષ (જે વર્ષમાં કમાણી કરી હોય) અને આકારણીનું વર્ષ (જે વર્ષમાં રિટર્ન ફાઈલ કરવામાં આવ્યું હોય) એમ બે અલગ વર્ષ હતા જેનાથી ઘણી ગુંચવણ થતી હતી.

હવે નવા ઇન્કમટૅક્સ ઍક્ટમાં આ બંનેને દૂર કરીને માત્ર ટૅક્સ વર્ષ રાખવામાં આવ્યો છે. એટલે કે 1 એપ્રિલ 2026થી 31 માર્ચ 2027ને ટૅક્સ વર્ષ 2026-27 તરીકે ઓળખવામાં આવશે.

પહેલી એપ્રિલથી ટીડીએસનાં ફૉર્મ પણ બદલાઈ રહ્યાં છે.

હાથમાં આવતા પગારમાં ઘટાડો

બીબીસી ગુજરાતી પહેલી એપ્રિલથી ઇન્કમટૅક્સ ગ્રેચ્યુઈટી પગાર રેલવે ટિકિટ ફાસ્ટેગ ફેરફાર

ઇમેજ સ્રોત, Getty Images

પહેલી એપ્રિલથી નવા ચાર લેબર કોડ અમલમાં આવશે તો કંપનીઓએ તમારા પગારનો ઓછામાં ઓછો 50 ટકા હિસ્સો બેઝિક પેમાં રાખવો પડશે. તેનાથી તમારું પ્રોવિડન્ટ ફંડમાં યોગદાન વધશે અને દર મહિને હાથમાં આવતો પગાર ઘટશે.

અત્યાર સુધી કંપનીઓ પગાર નક્કી કરતી વખતે બેઝિક સેલેરીનો હિસ્સો નીચો રાખતી હતી. સામાન્ય રીતે તે કુલ પગારના 20થી 40 ટકા વચ્ચે રહેતો હતો. જેના કારણે કર્મચારીના પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઇટીમાં ઓછી રકમ જમા થતી હતી.

ગ્રેચ્યુઈટીની રકમ વધશે

બીબીસી ગુજરાતી પહેલી એપ્રિલથી ઇન્કમટૅક્સ ગ્રેચ્યુઈટી પગાર રેલવે ટિકિટ ફાસ્ટેગ ફેરફાર

ઇમેજ સ્રોત, Getty Images

પહેલી એપ્રિલથી કેન્દ્ર સરકાર નવા ચાર કામદાર કાયદાનો અમલ કરે તેવી શક્યતા છે. હજુ સુધી કોઈ નિશ્ચિત જાહેરાત નથી થઈ. પરંતુ નવા લેબર લૉ અમલમાં આવશે તો દેશમાં ગ્રેચ્યુઈટીની સિસ્ટમ પણ બદલાશે. હવેથી પગારના માળખામાં બેઝિક પે અને ડીએ (મોંઘવારી ભથ્થું)ના હિસ્સામાં વધારો થશે, જેથી ગ્રેચ્યુઇટીનો લાભ વધશે.

કામદારોને એચઆરએ (મકાન ભાડાનું ભથ્થું) મળશે પરંતુ કર્મચારીઓએ પોતાના મકાનમાલિકના પાન અને ભાડાની ચુકવણીના પુરાવા આપવા પડશે.

ફાસ્ટેગનો વાર્ષિક પાસ મોંઘો પડશે

બીબીસી ગુજરાતી પહેલી એપ્રિલથી ઇન્કમટૅક્સ ગ્રેચ્યુઈટી પગાર રેલવે ટિકિટ ફાસ્ટેગ ફેરફાર

ઇમેજ સ્રોત, Getty Images

નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એનએચએઆઈ) એ ફાસ્ટેગના વાર્ષિક પાસના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી વાર્ષિક ફી 3000 રૂપિયા હતી જે પહેલી એપ્રિલથી વધીને 3075 રૂપિયા થશે.

આ પાસની વાર્ષિક ફી નોન-કોમર્શિયલ વાહનો માટે છે જેનો ઉપયોગ લગભગ 1150 ટોલ પ્લાઝા પર કરી શકાય છે. એક વખત આ ફી ભર્યા પછી એક વર્ષ સુધી અથવા 200 ટોલ પ્લાઝા ક્રોસિંગ સુધી તેનો ઉપયોગ કરી શકાય છે.

રેલવે ટિકિટ કેન્સલેશન ચાર્જમાં બદલાવ

બીબીસી ગુજરાતી પહેલી એપ્રિલથી ઇન્કમટૅક્સ ગ્રેચ્યુઈટી પગાર રેલવે ટિકિટ ફાસ્ટેગ ફેરફાર

ઇમેજ સ્રોત, Getty Images

પહેલી એપ્રિલથી રેલવે ટિકિટના કેન્સલેશનના નિયમો બદલાઈ રહ્યા છે. હવેથી ટ્રેન રવાના થવાથી 8 કલાકથી 24 કલાક વચ્ચે ટિકિટ કેન્સલ કરવામાં આવશે તો 50 ટકા રિફંડ મળશે. 24થી 72 કલાક વચ્ચે ટિકિટ કેન્સલ કરવાથી 25 ટકા રકમ કપાઈ જશે અને બાકીનું રિફંડ મળશે.

જે પ્રવાસીઓ ટ્રેનના ડિપાર્ચર ટાઈમથી 72 કલાક કરતાં વધુ સમય અગાઉ ટિકિટ કેન્સલ કરાવશે તેમને મહત્તમ રિફંડ મળશે અને માત્ર એક ફ્લેટ કેન્સલેશન ચાર્જ વસુલવામાં આવશે.

8 કલાકથી ઓછા સમય અગાઉ ટિકિટ કેન્સલ કરવા પર કોઈ રિફંડ નહીં મળે.

આ ઉપરાંત રેલવેએ જણાવ્યું છે કે ટ્રેનના નિર્ધારિત ડિપાર્ચર ટાઇમથી 30 મિનિટ અગાઉ સુધી પ્રવાસીઓ પોતાનું બૉર્ડિંગ પોઇન્ટ બદલી શકશે. જે શહેરોમાં એક કરતાં વધુ સ્ટેશનો હોય ત્યાં પ્રવાસીઓને આનાથી સગવડ રહેશે એવું માનવામાં આવે છે.

પાન કાર્ડ માટે નવા નિયમો

પાન કાર્ડની અરજી કરવામાં માત્ર આધાર કાર્ડને જન્મતારીખનો પુરાવો માનવામાં નહીં આવે. તેના માટે જન્મનું પ્રમાણપત્ર (બર્થ સર્ટિફિકેટ), ધોરણ 10નું સર્ટિફિકેટ અથવા પાસપૉર્ટ પણ આપવાં ફરજિયાત બનશે.

આ ઉપરાંત આધાર કાર્ડ પ્રમાણે જ પાન કાર્ડ પર નંબર આવી શકશે. તેથી આધારની વિગતો સચોટ હોવી જરૂરી છે. પાન કાર્ડની અરજી માટે પહેલી એપ્રિલથી ફૉર્મ પણ નવાં આવશે.

ક્રૅડિટ સ્કોરના નિયમો બદલાશે

પહેલી એપ્રિલ, 2026થી ક્રૅડિટ સ્કોરને લગતા નિયમોમાં પણ ફેરફાર થઈ રહ્યો છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ)એ ક્રૅડિટ ઇન્ફોર્મેશન કંપનીઓને લોનના ડેટાનો રિપોર્ટ સાપ્તાહિક ધોરણે આપવા બૅન્કોને આદેશ આપ્યો હતો. તેનો અમલ પહેલી એપ્રિલથી થશે.

અત્યાર સુધી આ રિપોર્ટ દર પખવાડિયે આપવામાં આવતો હતો. બૅન્કો સહિતની ધિરાણકારોએ દર મહિને નિશ્ચિત તારીખે લોનના ડેટાને અપડેટ કરવો પડશે.

બીબીસી ગુજરાતી પહેલી એપ્રિલથી ઇન્કમટૅક્સ ગ્રેચ્યુઈટી પગાર રેલવે ટિકિટ ફાસ્ટેગ ફેરફાર

ઇમેજ સ્રોત, Getty Images

સોવેરિન ગોલ્ડ બૉન્ડ પર કર?

પહેલી એપ્રિલથી સોવેરિન ગોલ્ડ બોન્ડ (એસજીબી) પર ટૅક્સના નિયમો પણ બદલાઈ રહ્યા છે.

હવેથી જેમણે રિઝર્વ બૅન્કના બદલે સેકન્ડરી માર્કેટ, એટલે કે શૅરબજારમાંથી આ બૉન્ડ ખરીદ્યા હશે તેમના પર 12.5 ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટૅક્સ લાગુ પડશે.

જે લોકોએ આરબીઆઈ પાસેથી બૉન્ડ ખરીદ્યા હોય અને તેની મુદત પૂરી થાય ત્યાં સુધી હૉલ્ડ કરશે, તેમને જ કેપિટલ ગેઇન્સમાં મુક્તિ મળશે.

બીજું શું બદલાવાનું છે?

બીબીસી ગુજરાતી પહેલી એપ્રિલથી ઇન્કમટૅક્સ ગ્રેચ્યુઈટી પગાર રેલવે ટિકિટ ફાસ્ટેગ ફેરફાર

ઇમેજ સ્રોત, Getty Images

આ ઉપરાંત પહેલી એપ્રિલથી કેન્દ્ર સરકાર એલપીજી સિલિન્ડરના ભાવ વધારે તેવી ધારણા છે, પરંતુ હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.

બૅન્કો પણ એટીએમમાંથી રોકડ ઉપાડવા પર મર્યાદા લાગુ કરવાની છે. ઉદાહરણ તરીકે એચડીએફસી બૅન્કના એટીએમ પર પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન કર્યા પછી યુપીઆઈ કેશ વિડ્રોઅલ પર પ્રતિ ટ્રાન્ઝેક્શન 23 રૂપિયા ચાર્જ કરશે.

બંધન બૅન્કના ગ્રાહકો દર મહિને ત્રણથી પાંચ ટ્રાન્ઝેક્શન ફ્રીમાં કરી શકશે. ત્યાર પછી દરેક ટ્રાન્ઝેક્શન પર 23 રૂપિયા ચાર્જ લાગશે. અપૂરતા ફંડના કારણે ટ્રાન્ઝેક્શન ફેઇલ થાય તો 25 રૂપિયા ચાર્જ લાગશે.

પંજાબ નૅશનલ બૅન્ક (પીએનબી)એ કેટલાક ડેબિટ કાર્ડ પર ઉપાડની લિમિટ ઘટાડી છે જે પહેલી એપ્રિલથી લાગુ થશે.

રિઝર્વ બૅન્કે ડિજિટલ પેમેન્ટના નિયમો પણ બદલ્યા છે. પહેલી એપ્રિલથી યુપીઆઈ, કાર્ડ અથવા વોલેટથી પેમેન્ટ કરતી વખતે સિક્યોરિટી ચેક વધી જશે. હવેથી માત્ર ઓટીપીથી કામ નહીં ચાલે, પરંતુ ટુ-ફેક્ટર ઑથેન્ટિકેશન કરવું ફરજિયાત બનશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS