Home તાજા સમાચાર gujrati ‘હું 40 મિનિટ માટે મરી ગયો હતો’… એ ‘મૃત્યુ’ પછી ખરેખર તો...

‘હું 40 મિનિટ માટે મરી ગયો હતો’… એ ‘મૃત્યુ’ પછી ખરેખર તો જીવતાં શીખ્યો

9
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ

મૃત્યુ સામાન્ય રીતે વ્યક્તિને નવજીવન આપતું નથી, પરંતુ પેટ્રિક ચાર્નલી સાથે કંઈક આવું બન્યું હતું.

તેઓ એક ઉચ્ચ કક્ષાના વકીલ હતા, જે નવરાશને “સમયનો બગાડ” માનતા અને સફળ બનવા માટે અથાક મહેનત કરતા હતા.

2021ના રોગચાળા દરમિયાન લાંબા સમય સુધી કામ કરતા, બે બાળકોના પિતાને 39 વર્ષની વયે હૃદયરોગનો હુમલો આવ્યો હતો.

તેમની એ સાંજ સોફા પર બેસીને સોસેજ તથા ચિપ્સ ખાતાં-ખાતાં શરૂ થઈ હતી અને આખરે તેઓ બેભાન થઈ ગયા હતા.

વારસાગત સ્થિતિને કારણે તેમનું હૃદય બંધ થઈ ગયુ હતું. પેટ્રિક 40 મિનિટ સુધી ક્લિનિકલી મૃત અવસ્થામાં રહ્યા હતા. તેમનાં પત્નીએ સીપીઆર તરીકે ઓળખાતી બંધ હૃદયને ફરી ધબકતું કરવાની સારવાર તેમને આપી હતી, જ્યારે તેમના નવ અને સાત વર્ષની વયનાં બે સંતાનો મદદ મેળવવા દોડ્યાં હતાં.

પેટ્રિકના કહેવા મુજબ, પેરામેડિક્સના ડિફિબ્રલેશનના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. “રમતના છેલ્લા દાવ તરીકે” તેમને એડ્રેનાલિનનાં ઇન્જેક્શન આપવામાં આવ્યાં હતાં.

પેટ્રિક ઉમેરે છે, “તેઓ મને એક પછી એક શૉક આપતા રહ્યા હતા.” તેમનાં પત્નીને અંદેશો થયો કે પેટ્રિક મૃત્યુ પામ્યા છે.

પછી અચાનક પેટ્રિકનું હૃદય ફરીથી ધબકવા લાગ્યું હતું.

પેટ્રિક હવે પહેલાંની જેમ કામ કરી શકતા નથી અને જીવી શકતા નથી. તેમને લાગે છે કે એ ઘટનાને કારણે તેમને જીવનનું અને સંબંધોનું મહત્ત્વ સમજાયું છે.

તેમણે એમ્મા બાર્નેટના પૉડકાસ્ટ રેડી ટુ ટૉકમાં કહ્યું હતું, જૂના જીવનમાં પાછા ફરવાની તક ફરી આપવામાં આવશે તો પણ તેઓ “બદલાશે નહીં.”

‘જાગ્યો ત્યારે દૃષ્ટિહિન’

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ

ઇમેજ સ્રોત, Patrick Charnley

ઘટનાની સ્વીકૃતિની અત્યાર સુધીની સફર ખૂબ જ આઘાતજનક બની રહી છે.

મૃત્યુ પછી અચાનક જાગવાની સ્મૃતિ વિશે પેટ્રિક કહે છે, “હું દૃષ્ટિહીન અવસ્થામાં જાગ્યો હતો. હું વસ્તુઓ અનુભવી શકતો હતો, પરંતુ તેની સાથે ખરેખર સંધાન સાધી શકતો ન હતો.”

દૃષ્ટિ ગુમાવવાથી આભાસ થતો હતો. ચાર્લ્સ બોનેટ સિન્ડ્રોમ તરીકે ઓળખાતી એ ઘટના અચાનક ગૂમ થયેલા દૃશ્ય ડેટાને “ભરવાની” મગજની રીત છે.

એ પૈકીનાં કેટલાંક “ભયાનક” હતાં, એમ કહેતાં પેટ્રિકે જણાવ્યું હતું કે એ બાબત અન્ય લોકોને “ભવ્ય” અને વિચિત્ર રીતે સુંદર લાગી હતી.

ઓપન હાર્ટ સર્જરી પછીની એક ઘટનામાં તેમને ખાતરી થઈ ગઈ હતી કે એક અમેરિકન નર્સ તેમને મારી નાખવાના પ્રયાસ કરી રહી છે.

એ ભ્રમણા તેમને શાંતિ આપી શકે તેમ હતી. તેમને આલ્પ્સના સેનિટોરિયમમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે બરફીલા પર્વતોની પાર જોયું ત્યારે પરિચારિકાઓ વાતો કરી રહી હતી. એ અનુભવે તેમને “આનંદદાયક” સલામતીની અનુભૂતિ કરાવી હતી.

તેમની દૃષ્ટિ ધીમે ધીમે પાછી આવી તેમ તેમ ડૉક્ટરોને ખ્યાલ આવ્યો હતો કે તેમની દૃષ્ટિની સમસ્યાઓ મગજની ઈજા સાથે જોડાયેલી છે. તેમની દૃષ્ટિ આંશિક રીતે નબળી પડી ગઈ છે, જે “ટેલિસ્કૉપમાંથી જોવા” જેવી છે.

પ્રારંભિક જ્ઞાનાત્મક પરીક્ષણોમાં તેમની મેમરી અને પ્રોસેસિંગ સ્પીડ માત્ર બે ટકા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, તેમાં ઘણો સુધારો થયો છે. તેમ છતાં તેમને હજુ પણ નોંધપાત્ર પ્રમાણમાં જ્ઞાનાત્મક સમસ્યાઓ છે.

જોકે, ઈજાની સંપૂર્ણ અસરનો ખ્યાલ તેઓ ઘરે પાછા ફર્યા પછી જ સ્પષ્ટ થયો હતો.

‘હું સમૃદ્ધ જીવન જીવું છું’

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ

ઇમેજ સ્રોત, Patrick Charnley

પારાવાર થાકનો અર્થ એ છે કે તેમણે તેમની ઊર્જાનો ઉપયોગ કરકસરપૂર્વક કરવો પડે છે. તેઓ કહે છે, “હું જાગું ત્યારે ક્યારેય તાજગીનો અનુભવ થતો નથી. હું દરરોજ થાકેલી અવસ્થામાં જાગું છું અને દિવસ પસાર થાય છે તેમ તેમ થાક વધતો જાય છે.”

માનસિક ફેરફારો પણ થયા છે અને તેની સાથે સમાયોજન કરવું પડે છે. સ્વસ્થ થયા પછી શરૂઆતમાં પેટ્રિકને લાગ્યું હતું કે તેમને “કોઈની પરવા નથી.” એ ડિપ્રેશન ન હતું, પરંતુ પેથોલૉજિકલ ઍપથી તરીકે ઓળખાતી સ્થિતિ હતી, જેને પેટ્રિક “સમયમાં વહેતાં જવાની” મજબૂત પાયાવિહોણી લાગણી તરીકે વર્ણવે છે.

ઉપચાર અને દવાઓએ તેમની જીવતા રહેવાની ઝંખનાને પુનર્જીવિત કરવામાં મદદ કરી છે. એક મનોવિજ્ઞાનીએ તેમને ગુમાવેલા જીવનનો શોક મનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, તેમ છતાં પેટ્રિક જણાવે છે કે તેમને જીવનની સહજતા અને અપેક્ષા અનુસાર સમાજમાં ભાગીદાર બનીને તેમની વયના લોકો સાથે હળવા-મળવાની તેમજ બાળકો સાથે સક્રિય થઈને રમવાની ખોટ સાલે છે.

તેઓ તેમનાં પત્ની માટે પણ ખેદ અનુભવે છે, જેમને લાગે છે કે તેમણે તેમની યાદોને “આઉટસોર્સ” કરી દીધી છે. તેઓ સ્વીકારે છે કે “વાસ્તવમાં મારાં પત્ની મારી બહુ જ સંભાળ રાખે છે.”

“હું ખરેખર બહુ જ વૃદ્ધ થઈ ગયો હોઉં એવી રીતે જીવું છું.”

આટલા વ્યાપક પરિવર્તન છતાં પેટ્રિક જણાવે છે કે તેમને આવું જીવન અનેક રીતે પસંદ છે. તેમણે લેખક બનવા માટે કારકિર્દી બદલી છે અને જિંદગીની મજા માણવા માટે હવે તેમની પાસે વધારે સમય છે, એવું તેઓ કહે છે.

તેઓ કહે છે, “મારી મરજીથી નહીં, પરંતુ મારે જીવવું પડે છે એટલા માટે હું હવે ધીમે-ધીમે જિંદગી જીવું છું, પણ હું તેને ખરેખર વખાણું છું. મને આસપાસ અગાઉ કરતાં અનેક ગણી વધારે સુંદરતા દેખાય છે. મને લાગે છે કે ધીમે-ધીમે જિંદગી જીવીને હું બહુ ખુશહાલ જીવન જીવી રહ્યો છું.”

“મારો દૃષ્ટિકોણ ધરમૂળથી બદલાઈ ગયો છે. જીવતો હોવા બદલ હું કૃતજ્ઞ છું.”

પેટ્રિકના પરિવારજનો સાથેના સંબંધ પણ બહેતર બન્યા છે.

તેઓ પોતાની હાલતની વિચિત્ર વાતો વિશે પરિવારજનો સાથે મજાક કરી શકે છે. તેઓ ઉમેરે છે, “મને લાગે છે કે અમે પહેલાં કરતાં અનેક ગણા વધુ મજબૂત થઈ ગયા છીએ. જે થયું તેને કારણે અમારો સંબંધ વધારે ગાઢ બન્યો છે.”

પેટ્રિક કહે છે, “મારા માટે મારો પરિવાર સૌથી વધુ મહત્ત્વનો બની રહ્યો છે, પરંતુ હવે હું તેમને મારું ઘણુંબધું આપી શકું છું. અગાઉ હું માત્ર ઉપરછલ્લું જીવતો હતો.”

પેટ્રિકની આવી અનોખી પરિસ્થિતિએ તેમને રોજિંદી ભાગદોડમાંથી આઝાદ થવાની તક આપી છે.

“ઘણા લોકોને એવું લાગે છે. હું મારી જિંદગી જીવવામાં બહુ જ વ્યસ્ત છું. જે થયું તેને હું બદલવાનો નથી.”

“મર્યાદાઓ હોવા છતાં મને મારી જિંદગી પસંદ છે. બાળકો સ્કૂલેથી આવે ત્યારે ઘરમાં રહેવાનું મને ગમે છે. મને એકથી બીજી બાબત માટે દોડાદોડી કરવાનું ગમતું નથી.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS