Home તાજા સમાચાર gujrati સુરત આત્મહત્યા કેસ : પોલીસે કહ્યું, “છેલ્લા 20 દિવસમાં આ બંને દીકરીઓનાં...

સુરત આત્મહત્યા કેસ : પોલીસે કહ્યું, “છેલ્લા 20 દિવસમાં આ બંને દીકરીઓનાં થયાં હતાં બ્રેકઅપ”

5
0

Source : BBC NEWS

સુરતમાં સાથે ભણતી બે યુવતીઓના મૃતદેહ એક સ્વામીનારાયણ મંદિરના બાથરૂમમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા

ઇમેજ સ્રોત, Rupesh Sonwane

9 માર્ચ 2026, 20:14 IST

અપડેટેડ 2 કલાક પહેલા

વાંચવાનો સમય: 3 મિનિટ

સુરતમાં સાથે ભણતી બે યુવતીઓના મૃતદેહ એક સ્વામીનારાયણ મંદિરના બાથરૂમમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા જેની જાણ 7 માર્ચે સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી.

સુરતની કૉલેજમાં ભણતી બે યુવતીઓના મૃતદેહો ડિંડોલીમાં આવેલા સ્વામીનારાયણ મંદિરના બાથરૂમમાંથી મળી આવ્યા હતા.

શહેરની અલગ-અલગ કૉલેજોમાં અભ્યાસ કરતી બે યુવતીઓ સવારે ઘરેથી કૉલેજ જવા નીકળી હતી, પરંતુ બપોર થવા છતાં પરત ન આવતાં પરિવારે શોધખોળ શરૂ કરી હતી.

આખરે પોલીસે તપાસ કરતા ડિંડોલી વિસ્તારમાં સંસ્કારધામ સ્વામીનારાયણ મંદિરના બાથરૂમમાંથી બંને વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળી આવ્યા હતા.

તેમના મૃતદેહોની આસપાસ ઇન્જેક્શન અને ઝેરી દવાની બૉટલો પણ મળી હોવાથી બંને યુવતીઓએ આત્મહત્યા કરી હોવાનું પોલીસનું પ્રાથમિક દૃષ્ટિએ માનવું હતું.

સુરતની યુવતીઓની કથિત આત્મહત્યા મામલે પોલીસને હવે શું કહ્યું

ત્યારે 9 માર્ચે સુરતના આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસે એનપી ગોહિલે સમગ્ર ઘટનાને લઈને પ્રેસ કૉન્ફરન્સ કરી હતી.

એસીપી એનપી ગોહિલે કહ્યું હતું કે, 7 માર્ચ 2026ના રોજ ડીંડોલી પોલીસ સ્ટેશન ખાતે એક ઘટનાની નોંધ લેવાઈ હતી, જેમાં 20 અને 18 વર્ષની બે યુવતીઓના મૃતદેહ સ્વામિનારાયણ મંદિરના મહિલા વૉશરૂમમાંથી મળી આવ્યા હતા.

પોલીસ અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે, મૌખિક, સાંકેતિક અને ઇલેક્ટ્રૉનિક પુરાવા સાથે સ્વતંત્ર સાક્ષીઓનાં નિવેદનો પણ લેવામાં આવ્યાં છે.

“તેમાં સામે આવ્યું છે કે, બંને યુવતીઓ અલગ અલગ યુવકો સાથે પ્રેમસંબંધમાં હતી.”

“એક યુવતી એક કે દોઢ વર્ષથી અને બીજી યુવતી એક કે દોઢ માસથી પ્રેમમાં હતી.”

એસીપી એનપી ગોહિલે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, “યુવતીઓના પ્રેમસંબંધ તૂટી જતાં માઠું લગતા યુવતીઓએ આત્મહત્યા કરી છે.”

“18 વર્ષીય યુવતીનું છેલ્લા એક કે બે મહિનાથી પ્રેમ પ્રકરણ ચાલતું હતું જ્યારે 20 વર્ષીય યુવતી દોઢ વર્ષથી પ્રેમમાં હતી.”

પોલીસનો દાવો છે કે આ યુવતીઓ પ્રેમમાં હતાશ થઈ હતી. તેના કારણે જ યુવતીઓએ આત્મહત્યા કરી છે તેવા પુરાવા મળી આવ્યા છે.

અત્યાર સુધી પોલીસે શું તપાસ કરી ?

 સુરતના આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસે એનપી ગોહિલ

ઇમેજ સ્રોત, Rupesh Sonwane

એસીપી એનપી ગોહિલે જણાવે છે, યુવતીઓને જે યુવકો સાથે પ્રેમસંબંધ હતો તેમની પણ પ્રાથમિક તબક્કે પૂછપરછ કરવામાં આવી છે.

“તેમાં સામે આવ્યું છે કે, પ્રેમી યુવકો દ્વારા યુવતીઓને ત્રાસ અપાતો હોય તેવા કોઈ પુરાવા હજુ સુધી તપાસમાં મળ્યા નથી.”

પોલીસ અનુસાર, સામાન્ય બાબતે બોલાચાલી બાદ મૈત્રી સંબંધ તોડી નાખવામાં આવ્યો હતો.

એનપી ગોહિલ કહે છે, “છેલ્લા 20 દિવસમાં આ બંને દીકરીઓના બ્રેકઅપ થયાં હતાં.”

પોલીસ અનુસાર પ્રેમીઓની પૂછપરછ, પરિવારની પૂછપરછની મૌખિક પૂછપરછમાં માનસિક ત્રાસ આપ્યો હોય તેવા પુરાવા મળ્યા નથી.

પોલીસનું કહેવું છે કે, આ તપાસ સંવેદનશીલ છે, અને હજુ પ્રારંભિક તબક્કામાં છે. તેમણે કહ્યું કે હજુ આ મામલે પોલીસની તપાસ ચાલુ જ છે. તેથી દરેક બાબતની સહાનુભૂતિ રાખી અમુક બાબતની ચર્ચા કરી શકાય તેમ નથી.

આખી ઘટના કેવી રીતે બની

સુરતમાં સાથે ભણતી બે યુવતીઓના મૃતદેહ એક સ્વામીનારાયણ મંદિરના બાથરૂમમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા

ઇમેજ સ્રોત, Rupesh Sonwane

બીબીસીના સહયોગી રૂપેશ સોનવણેએ આપેલી માહિતી પ્રમાણે બંને યુવતીઓ બાળપણથી મિત્ર હતી અને 12મા ધોરણ સુધી શાળામાં સાથે ભણતી હતી તેવું પરિવારનું કહેવું છે. પરંતુ હાલમાં બંનેની કૉલેજો અલગ હતી.

આ બંને યુવતી કૉલેજે જવાનું કહીને ઘરેથી નીકળી હતી. બપોર સુધી તેઓ પરત ન આવતા પરિવારજનોએ ફોન કર્યા હતા જે રિસિવ કરાયા ન હતા. ત્યાર પછી પરિવારજનોએ ડિંડોલી પોલીસનો સંપર્ક કર્યો હતો જેમણે લોકેશનના આધારે શોધખોળ શરૂ કરી હતી.

પરિવારજનોના કહેવા પ્રમાણે સ્વામિનારાયણ મંદિર પાસે યુવતીઓનું છેલ્લું લોકેશન મળી આવ્યું હતું. મંદિરના પરિસર નજીકથી યુવતીઓનું ટુ-વ્હીલર પણ મળી આવ્યું હતું.

તેથી તેમણે મંદિરમાં તપાસ કરી અને આ દરમિયાન એક બાથરૂમમાંથી યુવતીના મૃતદેહો મળી આવ્યા હતા.

આ ઘટના પછી યુવતીઓના પરિવારજનો શોકમગ્ન છે અને આવું કેમ બન્યું તે તેમને સમજાતું નથી.

એક વિદ્યાર્થિનીના પિતાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, “બંને છોકરીઓ બાળપણથી મિત્ર હતી. બંનેની ઉંમર 19 વર્ષ હતી.”

“તેમાંથી એક બહેનપણી ઉધના સિટિઝન કૉલેજમાં અને બીજી અન્ય કૉલેજમાં ભણતી હતી. તેમણે ઝેર શા માટે લીધું તે સમજાતું નથી.”

નોંધ : આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની ‘જિંદગી હેલ્પલાઇન 1096’ પર કે ભારત સરકારની ‘જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330’ પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS