Home તાજા સમાચાર gujrati સલાલ ડૅમ: ભારત-પાકિસ્તાન તણાવની વચ્ચે બગલિહાર બાદ આ ડૅમ વિશે ચર્ચા કેમ?

સલાલ ડૅમ: ભારત-પાકિસ્તાન તણાવની વચ્ચે બગલિહાર બાદ આ ડૅમ વિશે ચર્ચા કેમ?

2
0

Source : BBC NEWS

સલાલ ડૅમની ફાઇલ તસવીર ભારત પાકિસ્તાન તણાવ, પહલગામ હુમલો, બગલિહાર ડૅમ, સલાલ ડૅમ, સિંધુ જળ સંધિ, ચિનાબ અને ઝેલમ નદીનું પાણી ભારતે અટકાવ્યું, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, NHPC

એક કલાક પહેલા

ભારત-પાકિસ્તાન વચ્ચે પ્રવર્તમાન તણાવની વચ્ચે જમ્મુ-કાશ્મીર નદી ઉપર બંધાયેલો સલાલ ડૅમ ફરી ચર્ચામાં છે. ચિનાબ નદીનું પાણી આ બંધમાંથી થઈને પાકિસ્તાન તરફ આગળ વધે છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, સલાલ ડૅમનો માત્ર એક દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો છે અને પાકિસ્તાન તરફ જતાં પાણીના પ્રવાહને અટકાવવામાં આવ્યો છે.

ભાજપની આઈટી (ઇન્ફર્મેશન ટેકનૉલૉજી) સેલના વડા અમિત માલવીયએ સલાલ ડૅમના દરવાજા બંધ કરવા સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર શૅર કર્યો હતો અને લખ્યું:

“ભારતના હિતમાં કડક નિર્ણયો લેવાની રાજકીય ઇચ્છાશક્તિ હોવી જોઈએ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિર્ણયો દ્વારા આ વાત કરી દેખાડી છે.”

આ મુદ્દે સરકારે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આપી. પાકિસ્તાનનું કહેવું છે કે ભારત દ્વારા તેને ત્યાં આવતાં પાણીનો પ્રવાહ અટકાવી કે વાળી શકે છે.

તા. 22 એપ્રિલના જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે 25 પર્યટકો અને એક સ્થાનિક સહિત 26 લોકોનાં ઉગ્રવાદી હુમલામાં મૃત્યુ થયાં હતાં. મૃતકોમાં ગુજરાતના ત્રણ પર્યટકનો પણ સમાવેશ થતો હતો.

સલાલ ડૅમ પરિયોજના શું છે?

ભારત પાકિસ્તાન તણાવ, પહલગામ હુમલો, બગલિહાર ડૅમ, સલાલ ડૅમ, સિંધુ જળ સંધિ, ચિનાબ અને ઝેલમ નદીનું પાણી ભારતે અટકાવ્યું, એનએચપીસી, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, NHPC

એક વીડિયો દ્વારા ન્યૂઝ એજન્સી એએનઆઈએ દાવો કર્યો છે કે સલાલ ડૅમના દરવાજા બંધ થવાને કારણે ચિનાબ નદીના જળસ્તરમાં ભારે ઘટાડો થયો છે.

સલાલ ડૅમ 690 મૅગાવોટની જળવિદ્યુત ઇલેક્ટ્રિક પરિયોજના છે, જેનું સંચાલન જાહેરસાહસની કંપની એનએચપીસી (નૅશનલ હાઇડ્રો પાવર કૉર્પોરેશન) દ્વારા કરવામાં આવે છે.

આ ડૅમમાં ઉત્પાદિત થતી વીજળી જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને ચંદીગઢને મળે છે.

આ ડૅમ જમ્મુના રિયાસી જિલ્લાના વડામથકથી લગભગ 23 કિલોમીટર દૂર છે. તે રૉકફિલ એટલે કે શીલાઓ દ્વારા બાંધવામાં આવેલો ડૅમ છે.

સલાલ પ્રોજેક્ટ જમ્મુના રામબનમાં ચિનાબ નદીની ઉપર બાંધવામાં આવેલા બગલિહાર ડૅમના નીચાણવાસમાં આવે છે.

સલાલ ડૅમ સંબંધિત જૂનો વિવાદ

ભારત પાકિસ્તાન તણાવ, પહલગામ હુમલો, બગલિહાર ડૅમ, સલાલ ડૅમ, સિંધુ જળ સંધિ, ચિનાબ અને ઝેલમ નદીનું પાણી ભારતે અટકાવ્યું, એનએચપીસી, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, ANI

કેટલાક વીડિયો રિપોર્ટ્સમાં બગલિહાર ડૅમના તમામ દરવાજા બંધ જોઈ શકાય છે.

સિંધુ જળ સંધિ હેઠળ ભારત પશ્ચિમી નદીઓ ઉપર જળવિદ્યુત પરિયોજનાઓ શરૂ કરી, ત્યારે આ સંધિમાં પહેલી વખત અડચણ ઊભી થઈ હતી.

પાકિસ્તાનને ચિંતા હતી કે આ પરિયોજનાઓને કારણે તેને મળતો જળપ્રવાહ ઓછો થઈ જશે.

વર્ષ 1978માં બંને દેશના નિષ્ણાતોએ વાટાઘાટો દ્વારા સલાલ ડૅમનો વિવાદ ઉકેલ્યો હતો.

વર્ષ 2005માં ભારતે બગલિહાર જળવિદ્યુત મથક માટે ડૅમ બાંધવાનો નિર્ણય કર્યો હતો. આ અંગે પણ વિવાદ થયો હતો.

પાકિસ્તાનની ફરિયાદ હતી કે ચિનાબ નદી ઉપર બંધનું નિર્માણ કરીને ભારત આ નદીઓના પાણી ઉપર નિયંત્રણ મેળવી શકે છે. આ વિવાદને વર્ષ 2007માં વર્લ્ડ બૅન્કના તટસ્થ મધ્યસ્થ દ્વારા ઉકેલવામાં આવ્યો હતો.

એ પછી એનએચપીસીના કિશનગંગા પરિયોજના ઉપર પણ વિવાદ થયો હતો. જેનો ઉકેલ આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતાથી વર્ષ 2013માં આવ્યો હતો. સિંધુ જળ પંચની બેઠકોએ પણ આ વિવાદોને ઉકેલવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

કિશનગંગા ઝેલમની સહાયક નદી છે, જે જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં મળે છે.

ભારત સરકારના ડેટા મુજબ બગલિહાર-1 પ્રોજેક્ટ વર્ષ 2008માં અને બગલિહાર-2 પરિયોજના વર્ષ 2015માં પૂર્ણ થયાં હતાં.

સલાલ-1 અને 2 પ્રોજેક્ટ વર્ષ 1987માં તૈયાર થયા હતા. કિશનગંગા પ્રોજેક્ટનું કાર્ય વર્ષ 2018માં પૂર્ણ થયું હતું. બગલિહાર રાજ્ય સરકારની પરિયોજના છે તથા કિશનગંગા કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે.

સિંધુ જળ સંધિ અને પૃષ્ઠભૂમિ

ભારત પાકિસ્તાન તણાવ, પહલગામ હુમલો, બગલિહાર ડૅમ, સલાલ ડૅમ, સિંધુ જળ સંધિ, ચિનાબ અને ઝેલમ નદીનું પાણી ભારતે અટકાવ્યું, એનએચપીસી, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, ANI

ન્યૂઝ એજન્સી રૉઇટર્સના રિપોર્ટ મુજબ, સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કર્યા બાદ વર્તમાન તણાવની વચ્ચે ભારતે કેટલાક જળવિદ્યુત પ્રોજેક્ટ ઉપર કામ ચાલુ કર્યું છે.

વર્ષ 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળકરાર થયા હતા. એ સમયે વર્લ્ડ બૅન્કે આ સંધિ માટે મધ્યસ્થતા કરી હતી.

આ કરારમાં સિંધુ તથા તેની સહાયક નદીઓ ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજ નદીઓના જળવિભાજન અંગે સહમતિ સધાઈ હતી.

આ નદીઓ હિમાલયમાંથી નીકળે છે અને ભારતીય હદવિસ્તારમાં પાંચ સહાયક નદીઓ સિંધુ નદીમાં ભળે છે. એ પછી તે પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રાંતમાંથી પસાર થઈને કરાચીની દક્ષિણે અરબ સાગરમાં સમાય જાય છે.

આ કરાર મુજબ, સિંધુ, ઝેલમ તથા ચિનાબ જેવી પશ્ચિમી નદીઓનું પાણી તથા રાવી, બિયાસ અને સતલજ જેવી પૂર્વીય નદીઓનું પાણી ભારતને મળે છે.

આ કરાર મુજબ ભારત તેના ફાળે આવેલી નદીઓના પાણીનો અમુક અપવાદોને બાદ કરતા અમર્યાદ ઉપયોગ કરી શકે છે.

બીજી બાજુ, પાકિસ્તાને તેના ભાગમાં આવેલી નદીઓના પાણીના વપરાશ અંગે ભારતને મર્યાદિત અધિકાર આપ્યા હતા. જેમ કે, જળવિદ્યુત ઉત્પાદન, ખેતી અને પીવાના પાણી તરીકે વપરાશ.

વર્ષ 1965 અને વર્ષ 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ કે વર્ષ 1999ના કારગીલ સંઘર્ષ કે વર્ષ 2001ના ‘ઑપરેશન પરાક્રમ’ દરમિયાન ઊભા થયેલા તણાવ દરમિયાન પણ આ સંધિ હેઠળ પાકિસ્તાનને મળતું પાણી અટકાવવામાં નહોતું આવ્યું, પરંતુ પહલગામના ઉગ્રવાદી હુમલા બાદ ભારતે આ કરારને મોકૂફ કરી દીધો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS