Home તાજા સમાચાર gujrati સમ્રાટ અશોક: ભાઈઓની હત્યા કરીને ગાદી મેળવનાર રાજાના જીવનમાં એવું શું થયું...

સમ્રાટ અશોક: ભાઈઓની હત્યા કરીને ગાદી મેળવનાર રાજાના જીવનમાં એવું શું થયું કે ભારતના ‘મહાન’ રાજા બની ગયા?

4
0

Source : BBC NEWS

સમ્રાટ અશોક, મૌર્યવંશ, અશોકના શિલાલેખો, ભારતનો ઇતિહાસ, ઇતિહાસ, ભારતવર્ષ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images/MAPLE PRESS

  • લેેખક, રેહાન ફઝલ
  • પદ, બીબીસી
  • 4 મે 2025, 21:16 IST

    અપડેટેડ એક કલાક પહેલા

અશોક વિશે એવું કહેવાય છે કે તેમણે પોતાનાં 40 વર્ષના શાસનમાં લગભગ સંપૂર્ણ ભારતીય ઉપખંડને એક સરકાર નીચે જોડી દીધો હતો.

તામિલનાડુ અને કેરળને છોડીને આજનું સંપૂર્ણ ભારત, આજનું સંપૂર્ણ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો ઓછામાં ઓછો પૂર્વ ભાગ અશોકના અધિકારક્ષેત્ર નીચે હતો.

એટલું જ નહીં, તેઓ એક એવા ધર્મને વિશ્વવ્યાપી ધર્મની હરોળમાં મૂકવામાં સફળ રહ્યા જેના અનુયાયીઓ એ સમયમાં ખૂબ ઓછા હતા.

તેમણે એવી નૈતિક અવધારણાઓને સૂત્રમાં લાવ્યા જેની અસર આજ સુધી જોઈ શકાય છે.

ચાર્લ્સ એલન તેમના પુસ્તક ‘અશોકા: ધી સર્ચ ફૉર ઇન્ડિયાઝ લૉસ્ટ એમ્પરર’માં લખે છે કે અશોકને ખરેખર ભારતના સંસ્થાપક જનક કહી શકાય છે.

તેઓ ભારતને એક રાષ્ટ્ર તરીકે એકીકૃત કરનાર પ્રથમ શાસક હતા. એટલું જ નહીં, તેમણે મહાત્મા ગાંધી પહેલાં અહિંસાની વિભાવનાની શરૂ કરી હતી.

તેઓ કદાચ વિશ્વના પહેલા રાજા હતા જેમણે કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરી હતી.

અશોક અનેક લોકોને અનેક સ્વરૂપોમાં દેખાય છે.

એક વિજેતા જેમણે યુદ્ધની ભયાનકતા જોઈને વિજયનો ત્યાગ કર્યો. સંત કહીએ તો સંત, અથવા તો સંત અને સમ્રાટનું અદ્ભુત સંયોજન. અશોક એક એવી રાજકીય પ્રતિભા હતા જેમને માનવીય મૂલ્યોની ઊંડી સમજ હતી.

રોમિલા થાપર તેમના પુસ્તક ‘અશોક ઍન્ડ ધ ડિક્લાઈન ઑફ મૌર્યાસ’ માં લખે છે, “અશોકે તેમના સમયનું ઘણી રીતે પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમની સૌથી મોટી સિદ્ધિ એ હતી કે તેઓ પોતાના કાળખંડને સમજતા હતા અને ભારતીય સંદર્ભમાં તેની જે જરૂરિયાતો હતી, તેને પૂર્ણ કરતા હતા.”

મૌર્યવંશના ત્રીજા શાસક

સમ્રાટ અશોક, મૌર્યવંશ, અશોકના શિલાલેખો, ભારતનો ઇતિહાસ, ઇતિહાસ, ભારતવર્ષ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, OXFORD UNIVERSITY PRESS

સમ્રાટ અશોકની કહાણી તેમના દાદા ચંદ્રગુપ્ત મૌર્ય અને તેમને મગધના સિંહાસન પર બેસાડનાર ચાણક્યથી શરૂ થાય છે.

અશોક એ ચંદ્રગુપ્ત મૌર્યના પૌત્ર હતા. 323 ઇસુ પૂર્વેમાં સિકંદરના મૃત્યુ પછી એકાદ-બે વર્ષમાં, સિંધુ નદીની પૂર્વે ગ્રીક આધિપત્યનો અંત આવવા લાગ્યો.

ચાણક્યના માર્ગદર્શન હેઠળ, ચંદ્રગુપ્ત મૌર્યને શરૂઆતમાં ધનાનંદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ બાદમાં તેમને હરાવીને તેઓ ઉત્તર ભારતના નિર્વિવાદ શાસક બન્યા.

ચંદ્રગુપ્ત મૌર્યની સેના તેમનાં 24 વર્ષના શાસન દરમિયાન અજેય રહી. 305 ઇસુ પૂર્વમાં, જ્યારે બેબીલોન અને પર્શિયાના નવા શાસક સેલ્યુકસે સિકંદરે ગુમાવેલી જમીનો પર વિજય મેળવવાનો પ્રયાસ કર્યો, ત્યારે ચંદ્રગુપ્ત મૌર્યએ તેમને હરાવ્યા.

ચંદ્રગુપ્ત મૌર્ય પછી બિંદુસાર મગધના રાજા બન્યા. ચાણક્ય બિંદુસારના પણ માર્ગદર્શક બન્યા. તેમના પૌત્ર અને શિષ્ય રાધાગુપ્તે અશોકના મગધના રાજા બનવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

એએલ બાશમ તેમના પુસ્તક ‘ધ વન્ડર ધેટ વૉઝ ઇન્ડિયા’ માં લખે છે, “બિંદુસારનો પુત્ર સુસીમા તેમના સિંહાસનનો વારસદાર હતો અને એવું માનવામાં આવતું હતું કે તે તેમના પછી મગધનો રાજા બનશે.”

“બિંદુસારના ઉત્તરાધિકારીઓના ક્રમમાં અશોકનું નામ ઘણું જ નીચું હતું. તે ઊંચાઈમાં નાના હતા અને જાડા પણ હતા. તેને ચામડીનો રોગ પણ હતો જેના કારણે તે કદરૂપા દેખાતા હતા.”

“આ જ કારણ હોઈ શકે છે કે તેમના પિતાએ તેમને ટાળ્યા હતા અને તેમને સંભવિત ઉત્તરાધિકારીઓની યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા.”

વિદિશામાં વેપારીની છોકરી સાથે પ્રેમ થયો

સમ્રાટ અશોક, મૌર્યવંશ, અશોકના શિલાલેખો, ભારતનો ઇતિહાસ, ઇતિહાસ, ભારતવર્ષ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SITGWICK & JACKSON

આ જ કારણ હતું કે જ્યારે રાજધાની પાટલીપુત્રથી દૂર તક્ષશિલામાં બળવો થયો, ત્યારે તેમના પિતા બિંદુસારે અશોકને આ વિદ્રોહ કચડી નાખવા માટે મોકલ્યા.

ત્યારબાદ તેમને મધ્ય ભારતના ઉજ્જૈનમાં સમ્રાટના પ્રતિનિધિ તરીકે મોકલવામાં આવ્યા. ત્યાં વિદિશામાં, તેમને એક સ્થાનિક વેપારીની સુંદર પુત્રી મહાદેવી શાક્યાકુમારી સાથે પ્રેમ થયો.

રોમિલા થાપર તેમના પુસ્તક ‘અશોક ઍન્ડ ધ ડિક્લાઇન ઑફ મૌર્યાસ’ માં લખે છે, “દીપવામસામાં આ લગ્નનો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ તેનાથી અશોકને બે બાળકો, મહિન્દા અને સંઘમિત્તા થયાં, જેમને પાછળથી બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે શ્રીલંકા મોકલવામાં આવ્યાં હતાં.”

“જ્યારે અશોક સમ્રાટ બન્યા, ત્યારે મહાદેવીએ પાટલીપુત્ર જવાને બદલે વિદિશામાં રહેવાનું પસંદ કર્યું. એવું કહેવાય છે કે દેવી બૌદ્ધ હતાં અને તે સમયે વિદિશા બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું.”

“બીજું, તેઓ એક વેપારીનાં પુત્રી હતાં અને તેમનો સામાજિક દરજ્જો રાજવી પરિવારના સ્તર જેટલો નહોતો.”

પોતાના ભાઈઓને મારી નાખ્યા અને ગાદી સંભાળી

સમ્રાટ અશોક, મૌર્યવંશ, અશોકના શિલાલેખો, ભારતનો ઇતિહાસ, ઇતિહાસ, ભારતવર્ષ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ALLEN LANE

બિંદુસારે અશોકના મોટા ભાઈ સુસિમાને પોતાના ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા હતા.

પરંતુ 274 ઈસુ પૂર્વમાં બીજો બળવો ફાટી નીકળ્યો અને આ વખતે રાજકુમાર સુસિમાને તેનો સામનો કરવા મોકલવામાં આવ્યા.

આ બળવો પહેલાં કરતાં વધુ ગંભીર હતો તેથી રાજકુમાર સુસિમાને લાંબા સમય સુધી તક્ષશિલામાં રહેવું પડ્યું.

આ જ સમયગાળામાં રાજા બિંદુસાર ગંભીર રીતે બીમાર પડ્યા.

તેમણે સુસિમાને પાછા આવવાનો અને અશોકને તેમના સ્થાને તક્ષશિલા જવાનો આદેશ આપ્યો.

દરમિયાન, અશોકના સમર્થક મંત્રી રાધાગુપ્તે દરમિયાનગીરી કરી અને રાજકીય આદેશો અટકાવવાનો પ્રયાસ કર્યો.

ચાર્લ્સ એલન લખે છે, “અશોકે બીમારીનો ઢોંગ કર્યો અને માગ કરી કે તેના પિતા તેને કામચલાઉ રાજા જાહેર કરે.”

આ સાંભળીને બિંદુસારને વાઈનો હુમલો આવ્યો અને તેમનું મૃત્યુ થયું. જ્યારે સુસિમા પાટલીપુત્ર પાછા ફર્યા, ત્યારે તેમણે જોયું કે તેમના નાના ભાઈ અશોકે પાટલીપુત્ર પર નિયંત્રણ સ્થાપિત કરી લીધું છે અને તેના મુખ્ય દરવાજાની રક્ષા ગ્રીસથી લાવવામાં આવેલા ભાડૂતી સૈનિકો દ્વારા કરવામાં આવી રહી હતી.

પાટલીપુત્રના પૂર્વ દરવાજા પર સુસિમાની હત્યા એ ચાર વર્ષના સત્તા સંઘર્ષનો પહેલો તબક્કો હતો. આ સમયગાળા દરમિયાન, અશોકે તેના 99 અન્ય સાવકા ભાઈઓને પણ મારી નાખ્યા, ત્યારે જ તેઓ પોતાને મગધનો રાજા જાહેર કરી શક્યા.

સુનિલ ખિલનાની તેમના પુસ્તક ‘ઇન્કારન્સ ઇન્ડિયા ઇન ફિફ્ટી લાઇવ્સ’ માં લખે છે, “માર્યા ગયેલા ભાઈઓની સંખ્યા ખરેખર છ હતી.”

“પરંતુ એમાં કોઈ શંકા નથી કે સિંહાસન માટેનો લોહિયાળ સંઘર્ષ ઘણાં વર્ષો સુધી ચાલ્યો. તે સમયે અશોકની ઉંમર 34 વર્ષ હતી.”

અશોકની છ પત્નીઓ

તેમણે બીજી રાજકુમારી સાથે લગ્ન કરીને પોતાનો રાજ્યાભિષેક ઉજવ્યો.

અશોકના રાણીવાસમાં ઘણી સ્ત્રીઓ હતી, પરંતુ તેમાંથી ઘણી સ્ત્રીઓ તેમને અરુચિકર માનતી હતી. એવું કહેવાય છે કે અશોકે તે સ્ત્રીઓને જીવતી સળગાવી દીધી હતી.

એટલા માટે તેમને ‘કંડાશોકા’ પણ કહેવામાં આવતા હતા. પાટલીપુત્રના સિંહાસન પર આરોહણ કર્યા પછી, અશોકે વિદિશાથી તેમનાં પત્ની અને બે બાળકોને બોલાવી લીધા હતા.

અશોકને ઓછામાં ઓછી છ પત્નીઓ હતી. અલ્હાબાદમાં સ્થાપિત શિલાલેખમાં, કરુવાકીનો ઉલ્લેખ અશોકની બીજી પત્ની તરીકે કરવામાં આવ્યો છે.

અશોકની મુખ્ય પત્ની અસંધિમિત્રા હતાં જેનું મૃત્યુ અશોકના શાસનનાં 13મા વર્ષે થયું હતું.

265 ઇસુ પૂર્વમાં અશોક બૌદ્ધ બન્યા, જોકે તેમણે પોતે સ્વીકાર્યું છે કે તેમણે પહેલા દોઢ વર્ષ દરમિયાન ધર્મને ગંભીરતાથી લીધો ન હતો.

બૌદ્ધ ધર્મ અપનાવ્યાનાં બે વર્ષમાં, તેમનાં બાળકો મહિન્દા અને સંઘમિત્રા પણ બૌદ્ધ સાધુ અને સાધ્વી બન્યાં.

કલિંગનું લોહિયાળ યુદ્ધ

સમ્રાટ અશોક, મૌર્યવંશ, અશોકના શિલાલેખો, ભારતનો ઇતિહાસ, ઇતિહાસ, ભારતવર્ષ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, HARPERCOLLINS

અશોક વિશે એવું કહેવાય છે કે અંગ્રેજો પહેલાં તેમણે ભારતના સૌથી મોટા વિસ્તાર પર શાસન કર્યું હતું.

જ્યારે અશોક સિંહાસન પર બેઠા ત્યારે રોમ અને કાર્થેજ વચ્ચે પહેલું પ્યુનિક યુદ્ધ ચાલી રહ્યું હતું. પર્શિયામાં એક લોહિયાળ સંઘર્ષ ચાલી રહ્યો હતો અને ચીની સમ્રાટ તેની મહાન દિવાલ બનાવી રહ્યો હતો.

362 ઇસુ પૂર્વેમાં અશોકે કલિંગ સામે યુદ્ધ કર્યું.

આ યુદ્ધમાં એક લાખ લોકો માર્યા ગયા હતા અને યુદ્ધ પછી ઉદ્ભવેલા સંજોગોને કારણે એટલા જ લોકો માર્યા ગયા હતા.

દોઢ લાખથી વધુ લોકોને કાં તો કેદ કરવામાં આવ્યા હતા અથવા દેશનિકાલ કરવામાં આવ્યા હતા. માર્યા ગયેલા મોટાભાગના લોકો સામાન્ય નાગરિકો હતા.

પેટ્રિક ઓલિવેલ તેમના તાજેતરમાં પ્રકાશિત પુસ્તક ‘અશોક પૉટ્રેટ ઑફ અ ફિલોસોફર કિંગ’ માં લખે છે, “સુમિત ગુહા તે સમયે કલિંગની વસ્તી 9 લાખ 75 હજાર જણાવે છે. જો વસ્તી 10 લાખ માનવામાં આવે તો પણ, માર્યા ગયેલા લોકોની સંખ્યા કુલ વસ્તીના 20 ટકા હતી અને જો આપણે કેદીઓની સંખ્યાનો સમાવેશ કરીએ, તો કુલ વસ્તીના 35 ટકા લોકો આ યુદ્ધથી પ્રભાવિત થયા હતા. આ દૃષ્ટિકોણથી, આ યુદ્ધને નરસંહાર કહેવું અયોગ્ય નહીં કહેવાય.”

ગૌતમ બુદ્ધના અનુયાયી બન્યા

આ વિજયથી અશોકનું સામ્રાજ્ય બંગાળના અખાત સુધી વિસ્તર્યું અને તેમણે આગામી 37 વર્ષ સુધી તેના પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. પરંતુ આ વિજય એટલો લોહિયાળ હતો કે તેણે અશોકના અંતરાત્માને હચમચાવી નાખ્યો.

તેમણે જાહેરમાં તેના વિશે પોતાનો અફસોસ વ્યક્ત કર્યો અને તેમના જીવનમાં મોટો ફેરફાર આવ્યો. અશોકે ગૌતમ બુદ્ધના વિચારો અપનાવ્યા, જે ભારતમાં હજુ નવા હતા.

અશોકના શાસનકાળ દરમિયાન ભારતીય સમાજમાં ઘણી વિવિધતા હતી. પહેલાં ક્યારેય આટલી નહોતી. આટલા વૈવિધ્યસભર સમાજને એકસાથે રાખવા માટે, એક એવો વિશ્વ દૃષ્ટિકોણ જરૂરી હતો જે પૂરતો લવચીક હોય.

ચાર્લ્સ એલન લખે છે, “કલિંગ યુદ્ધે અશોકને નામ પૂરતાં બૌદ્ધમાંથી એક ધાર્મિક બૌદ્ધમાં પરિવર્તિત કરી દીધા. ત્યારથી, સમ્રાટ અશોકે બુદ્ધના ઉપદેશો અનુસાર નૈતિક મૂલ્યો અનુસાર તેમના શાસનને ઘડ્યું.”

“એક સારા શાસકની જેમ, અશોકે પોતાની જાતને લોકો માટે ઉપલબ્ધ કરાવી. પરંતુ તેમના શબ્દો ફક્ત થોડાઘણા લોકો જ સાંભળી શકે છે એવું તેમને લાગ્યું. અશોક ઇચ્છતા હતા કે આખી દુનિયા તેમને સાંભળે. તેથી જ તેમણે તેમને લેખિત ભાષામાં કહેવાની પહેલ કરી જેથી તેઓ હંમેશા જીવંત રહે.”

લોકોની ભાષામાં સંદેશ

સમ્રાટ અશોક, મૌર્યવંશ, અશોકના શિલાલેખો, ભારતનો ઇતિહાસ, ઇતિહાસ, ભારતવર્ષ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, HARPER COLLINS

તેમણે પોતાના સંદેશાઓ પ્રાકૃત ભાષામાં લખાવ્યા હતા જે તેમના સમગ્ર સામ્રાજ્યમાં બોલાતી હતી.

સુનિલ ખિલનાની લખે છે, “મૌર્ય સમ્રાટોમાં અશોકની વાતચીત શૈલી અનોખી હતી. તેમનાં સાતમા આદેશમાં, અશોકે સૂચના આપી હતી કે જ્યાં પણ પથ્થરના સ્તંભો અથવા ખડકો હોય ત્યાં તેમના શબ્દો કોતરવા જોઈએ, જેથી તે લાંબા સમય સુધી સચવાઈ રહે.”

જ્યાં સુધી મારા પુત્રો કે પૌત્રો શાસન કરે, અથવા સૂર્ય અને ચંદ્ર ચમકે ત્યાં સુધી, લોકો આ શબ્દો વાંચી શકે છે. મોટાભાગના શિલાલેખોમાં, અશોકનો ઉલ્લેખ અન્ય વ્યક્તિ અથવા ‘તે’ તરીકે કરવામાં આવ્યો છે.

પરંતુ કેટલાક શિલાલેખોમાં, પ્રથમ વ્યક્તિ એટલે કે ‘હું’ નો પણ ઉપયોગ થાય છે, જે આપણને આ શિલાલેખોમાં વ્યક્તિની સંવેદનશીલતાની ક્ષણિક ઝલક આપે છે.

અશોકના મોટાભાગના શિલાલેખ પ્રાકૃત ભાષાની બ્રાહ્મી લિપિમાં છે. કેટલાક શિલાલેખ ગ્રીક અને અરામાઇક લિપિમાં પણ મળી આવ્યા છે.

સહિષ્ણુતા અને અહિંસા પર ભાર

સમ્રાટ અશોક, મૌર્યવંશ, અશોકના શિલાલેખો, ભારતનો ઇતિહાસ, ઇતિહાસ, ભારતવર્ષ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

અશોકે ‘ધમ્મ’ ની વિભાવનાને આત્મસાત કરી.

‘ધમ્મ’ આધ્યાત્મિક શુદ્ધતા કે પવિત્ર વિધિઓ પર આધારિત નહોતો, પરંતુ સાંસારિક આચરણ પર આધારિત હતો.

આ વિચાર સહિષ્ણુતાને ટેકો આપતો હતો અને હિંસાનો વિરોધ કરતો હતો. રોમિલા થાપર કહે છે, “અશોક જે સિદ્ધાંતોને સૌથી વધુ મહત્ત્વ આપે છે તેમાંનો પહેલો સિદ્ધાંત વિવિધ ધર્મોનાં સહઅસ્તિત્વનો છે. તેમનું માનવું હતું કે દરેક વ્યક્તિએ સહઅસ્તિત્વની ભાવના સાથે સાથે રહેવાનું શીખવું પડશે.”

“તમારે બીજા લોકોના ધર્મોનો આદર કરવો જોઈએ, કારણ કે બીજાના ધર્મોનો આદર કરીને જ તમે તમારા પોતાના ધર્મનો આદર કરી શકશો.”

“આ ધમ્મનો મૂળભૂત સિદ્ધાંત છે. મને એ રસપ્રદ લાગે છે કે આના પર કેટલો ભાર મૂકવામાં આવ્યો છે. તે સમયે સંપ્રદાયો વચ્ચે ઘણી દુશ્મનાવટ હતી.”

ધમ્મ અનુસાર, શાસકનું કર્તવ્ય છે કે તે લોકોનાં કલ્યાણ, તેમનાં સ્વાસ્થ્ય અને ખુશી વિશે વિચારે અને આ દિશામાં કાર્ય કરે.

રાજાની ફરજ એ પણ છે કે તે રસ્તાના કિનારે વડ કે આંબાનાં ઝાડ વાવે અને મુસાફરોનાં ભોજન અને આરામની વ્યવસ્થા કરે.

અશોકના સૌથી પ્રભાવશાળી વિચારો 12મા શિલાલેખમાં સમાયેલા છે. જેમાં ધાર્મિક સહિષ્ણુતા પર ભાર મૂકવામાં આવ્યો છે. અશોક તેને વાણી સંયમ કહે છે.

શિલાલેખમાં કહેવામાં આવ્યું છે કે, “જે કોઈ પોતાના ધર્મની પ્રશંસા કરે છે અને અતિશય ભક્તિભાવથી બીજા ધર્મોની ટીકા કરે છે, તે ફક્ત પોતાના ધર્મને નુકસાન પહોંચાડે છે. તેથી, વિવિધ ધર્મો વચ્ચે સુમેળ હોવો જોઈએ. દરેક વ્યક્તિએ બીજાના વિચારો સાંભળવા જોઈએ અને તેમનો આદર કરવો જોઈએ.”

અશોકનું મૃત્યુ

અશોકના મૃત્યુ પછી, મૌર્ય સામ્રાજ્યનું પતન શરૂ થયું. તેમના અંતિમ વર્ષોમાં જ્યારે તેમની ધાર્મિક શ્રદ્ધા ચરમસીમાએ હતી.

તેમની ધાર્મિક ભક્તિ એટલી વધી ગઈ કે તેમણે પોતાનો આખો ખજાનો ખાલી કરી દીધો. બૌદ્ધ કથાઓ અનુસાર, તેમણે પોતાની પાસે જે કંઈ હતું તે બધું દાન કરી દીધું.

લી રોંગઝી તેમના પુસ્તક ‘ધ ગ્રેટ તાંગ ડાયનેસ્ટી રેકૉર્ડ્સ ઑફ ધી વેસ્ટર્ન રિજિયન્સ’ માં લખે છે, ‘જ્યારે અશોક બીમાર હતા અને મૃત્યુશય્યા પર હતા.’ તેમને ખબર હતી કે હવે તેઓ બચી શકશે નહીં. તેઓ પોતાનાં બધાં રત્નો અને ઝવેરાત સારાં કાર્યો માટે દાન કરવા માંગતા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેના મંત્રીઓ સત્તામાં આવી ગયા હતા. આ મંત્રીઓએ તે જે કંઈ કરવા માંગતા હતા તે કરવા દીધું નહીં.

અશોકનું મૃત્યુ 232 ઇસુ પૂર્વેમાં થયું હતું.

મૌર્ય વંશનો અંત

સમ્રાટ અશોક, મૌર્યવંશ, અશોકના શિલાલેખો, ભારતનો ઇતિહાસ, ઇતિહાસ, ભારતવર્ષ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બૃહદ્રથ મૌર્ય વંશના છેલ્લા રાજા હતા. 181-180 ઇસુ પૂર્વેમાં તેમના સેનાપતિ પુષ્યમિત્ર દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.

બાદમાં તેમણે શુંગ રાજવંશની સ્થાપના કરી. મૌર્ય વંશ કુલ 137 વર્ષ સુધી ચાલ્યો.

રોમિલા થાપર લખે છે, “હાન અને રોમન જેવા અન્ય રાજવંશોની તુલનામાં, મૌર્ય વંશ ખૂબ જ ટૂંકા સમય સુધી ચાલ્યો. ચંદ્રગુપ્ત મૌર્યના વિજય સાથે તેનો ઉદય થયો. તે તેમના પૌત્ર અશોકના સમયમાં તેની ટોચ પર પહોંચ્યો હતો પરંતુ તે પછી તેનું ઝડપથી પતન થવા લાગ્યો. અશોકના પુત્રો અને પૌત્રો તેમના દાદા અને પરદાદા જેવા સ્તરના નહોતા. તેમનું શાસન પણ ખૂબ જ ટૂંકા સમય માટે હતું. અશોકનું સમગ્ર સામ્રાજ્ય તેના ઘણા દાવેદારોમાં વહેંચાયેલું હતું.”

તેમનામાં તેમના પિતા અને દાદા જેવી લેખન ક્ષમતા નહોતી. અશોકની જેમ તેમણે કોઈ શિલાલેખ છોડ્યો ન હતો.

સ્વતંત્ર ભારતે અશોકના વારસાને અપનાવ્યો

સમ્રાટ અશોક, મૌર્યવંશ, અશોકના શિલાલેખો, ભારતનો ઇતિહાસ, ઇતિહાસ, ભારતવર્ષ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

તેમના મૃત્યુ પછી મૌર્ય સામ્રાજ્યનું પતન શરૂ થયું.

આખરે, ભારતીયોએ અશોકને ભૂલાવી દીધા. ધીમે ધીમે પ્રાકૃત ભાષા અને બ્રાહ્મી લિપિનો ઉપયોગ બંધ થયો અને લોકો શિલાલેખો પર લખેલા સંદેશાઓ વાંચવાનું ભૂલી ગયા.

કુદરત અને નસીબનો ખેલ જુઓ: અશોકની 19મી સદીમાં બ્રિટિશ ઇતિહાસકારો વિલિયમ જૉન્સ અને જેમ્સ પ્રિન્સેપ દ્વારા ફરીથી ખોજ કરવામાં આવી હતી.

તેમણે લોકોને બ્રાહ્મી લિપિનો અર્થ સમજાવ્યો.

ભારતની સ્વતંત્રતાના એક મહિના પહેલાં, જુલાઈ 1947માં બંધારણ સભામાં ભાષણ આપતા, જવાહરલાલ નહેરુએ રાષ્ટ્રીય ધ્વજની રચના કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો જેમાં ભારતીય ત્રિરંગાના કેન્દ્રમાં અશોક ચક્ર મૂકવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું કે મને ખૂબ જ આનંદ છે કે અમે અશોકના આ પ્રતીકને ફક્ત આ ધ્વજ સાથે જ જોડ્યું નથી, પરંતુ તેમને એવા વ્યક્તિ સાથે પણ જોડ્યા છે જે ફક્ત ભારતીય જ નહીં પરંતુ વિશ્વ ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિત્વ હતા.

અશોક ભારતીય લોકો માટે એટલા પ્રેરણાદાયી વ્યક્તિ હતા કે ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ લગભગ અશોકને નવા રાષ્ટ્રના સંરક્ષક સંતનો દરજ્જો આપ્યો.

અશોકના ચાર સિંહો ફક્ત ભારતીય ટપાલ ટિકિટો પર જ છપાયેલા નથી, પરંતુ ભારતનું આ રાજ્ય પ્રતીક સમગ્ર ભારતીય જીવનનું અભિન્ન પ્રતીક બની ગયું છે.

તે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનું પ્રતીક પણ છે. સમ્રાટ અશોકનો જાહેર જીવનમાં સંયમ અને આત્મનિયંત્રણનો સંદેશ આજે ભારતીયો માટે ચેતવણી અને પ્રેરણા બંને છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS