Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
એક તરફ મધ્યપૂર્વમાં યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે રશિયાનું એક ઑઇલ ટૅન્કર ભૂમધ્ય સાગરમાં અનિયંત્રિત થઈને તરી રહ્યું છે.
રશિયન જહાજ પ્રતિબંધોનો સામનો કરે છે અને તેમાં મોટા પ્રમાણમાં એલએનજી ગૅસ ભરેલો છે. આ જહાજ પર ચાલકદળના કોઈ સભ્ય પણ નથી. તેમાં એક તરફ એટલું મોટું બાકોરું પડ્યું છે કે ગમે ત્યારે એક પર્યાવરણીય આફત પેદા થઈ શકે છે.
ઇટાલી સહિત યુરોપિયન યુનિયનના નવ સભ્ય દેશોએ યુરોપિયન કમિશનને પત્ર લખીને તાત્કાલિક કાર્યવાહી કરવા માંગણી કરી છે.
ઇટાલીના એક અધિકારીએ ટિપ્પણી કરી કે આર્કટિક મેટાગાઝ નામનું ટૅન્કર એક ‘ઇકોલૉજિકલ બૉમ્બ’ છે જે ગમે ત્યારે ફાટી શકે છે.
ડ્રોન હુમલાથી જહાજની દીવાલમાં ગાબડું પડ્યું
ઇમેજ સ્રોત, Getty Images
આ ટૅન્કર પ્રતિબંધોથી બચવા માટે ઑઇલની તસ્કરી કરતા જહાજોના એક ગુપ્ત કાફલાનો હિસ્સો છે. પરંતુ આ મહિનાની શરૂઆતમાં માલ્ટાના જળક્ષેત્રમાં આ જહાજ પર ડ્રોન હુમલો થયો હોવાની આશંકા છે.
રશિયા દ્વારા ઑઇલ અને ગૅસના પ્રતિબંધિત પરિવહન દરમિયાન તેના પર હુમલો થયો અને ગંભીર રીતે નુકસાન પહોંચ્યું હતું.
યુક્રેન દ્વારા ટૅન્કર પર હુમલો થવાના સમાચાર છતાં રશિયાએ આ વિશે કોઈ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો છે.
આ ટૅન્કર ઇટાલીના સમુદ્રકિનારાથી દક્ષિણ તરફ અને લીબિયાના સમુદ્રકિનારે સ્થિત લેમ્પેડુસા ટાપુ તરફ આગળ વધી રહ્યું છે. ઇટાલી અને માલ્ટાના અધિકારીઓ સતત આના પર નજર રાખી રહ્યા છે.
ઇટાલીના રેડિયો 24 સાથે વાત કરતા ઇટાલિયન મંત્રીપરિષદના સચિવ આલ્ફ્રેડો મંટાવોનેએ કહ્યું કે “આ ટૅન્કરથી ઘણા જોખમો ઝળુંબી રહ્યા છે અને ગમે ત્યારે તેમાં વિસ્ફોટ થઈ શકે છે.”
આ ટૅન્કરમાં મોટા પ્રમાણમાં લિક્વિફાઇડ નૅચરલ ગૅસ લઈ જવાઈ રહ્યો છે. આ ઉપરાંત તેમાં 450 ટન ઑઇલ અને 250 ટન ડીઝલનો પણ જથ્થો છે, તેમ રોમના એક અધિકારીએ જણાવ્યું હતું.
મંગળવારે બપોર સુધીમાં ટૅન્કર ઇટાલીના જળક્ષેત્રથી 45 નૉટિકલ માઇલ (લગભગ 83 કિલોમીટર) અને લીબિયાના સર્ચ અને રૅસ્ક્યુ ક્ષેત્રથી 25 નૉટિકલ માઇલ (લગભગ 40 કિલોમીટર) દૂર જોવા મળ્યું હતું.
યુક્રેનના કારણે આવું થયું, પુતિનનો દાવો
ઇમેજ સ્રોત, Getty Images
રશિયાના મરમાસ્ક પૉર્ટ પરથી ફેબ્રુઆરીમાં રવાના થયેલું આર્કટિક મેગાટાઝ નામનું આ જહાજ માર્ચની શરૂઆતમાં આગની ઝપટે ચઢી ગયું હતું.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ ઘટના પર પ્રતિક્રિયા આપતા આરોપ લગાવ્યો કે યુક્રેન દ્વારા કરવામાં આવેલા ‘આતંકવાદી હુમલા’ના કારણે જહાજમાં આગ લાગી છે.
જોકે, યુક્રેન આ ગુપ્ત રશિયન ટૅન્કરોને કાયદેસરના લક્ષ્ય ગણે છે.
યુક્રેનનો આરોપ છે કે આ જહાજ પશ્ચિમી પ્રતિબંધોથી બચવા માટે ઘણી વખત પોતાના ટ્રાન્સપોન્ડર બંધ કરીને સફર કરે છે. રશિયાના ઑઇલ અને ગૅસનો ઉપયોગ યુદ્ધને ફાઇનાન્સ કરવા માટે થાય છે.
રિપોર્ટ પરથી સંકેત મળ્યા છે કે તાજેતરમાં રશિયન ટૅન્કરો પર ડ્રોન હુમલાની સંખ્યા અને તીવ્રતા બંનેમાં વધારો થયો છે.
જહાજની ખતરનાક સ્થિતિ
ડિસેમ્બરમાં યુક્રેનની જાસૂસી એજન્સી એસબીયુએ જાહેરાત કરી કે તેમણે બે અઠવાડિયાંમાં કાળા સમુદ્રમાં ત્રણ જહાજોને નિશાન બનાવ્યાં છે, જેમાં દાશાન પણ સામેલ છે.
તેમણે તેને ગંભીર ક્ષતિ પહોંચાડ્યાનો દાવો કર્યો છે. એક અઠવાડિયા પછી ભૂમધ્ય સાગરમાં ઑઇલ ટૅન્કર ક્વેન્ડેલ પર હુમલો કરવામાં આવ્યો.
હુમલા વખતે આ જહાજ ખાલી હતું તેમ કહેવાય છે.
ઇમેજ સ્રોત, Getty Images
બે અઠવાડિયાં અગાઉ વિસ્ફોટો અને આગ લાગવાથી આર્કટિક મેટાગાઝને ભારે નુકસાન થયું હતું.
લીબિયાના કોસ્ટ ગાર્ડે તરત જહાજના ચાલકદળનો પતો લગાવ્યો અને તેમને સુરક્ષિત રીતે કિનારે લઈ ગયા.
લીબિયાના પૉર્ટ અધિકારીઓએ શરૂઆતમાં કહ્યું કે જહાજ ડૂબી ગયું છે. પરંતુ હાલમાં આ જહાજ કોઈ પણ ચાલકદળ વગર સમુદ્રમાં તરતું હોય અને ખતરનાક સ્થિતિમાં હોય તેવું જણાય છે.
વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડે આ અંગે સતર્કતા રાખવાની વાત કરી છે. તેમણે ચેતવણી આપી છે કે ઇકોલૉજીની દૃષ્ટિએ સંવેદનશીલ અને અનેક સંરક્ષિત પ્રજાતિઓના ઘર સમાન આ સમુદ્રમાં આર્કટિક મેટાગાઝમાંથી ઑઇલ લીકેજના કારણે આગ લાગવાનો અને લાંબા ગાળા માટે પ્રદૂષણ ફેલાવાનો ખતરો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



