Source : BBC NEWS

ઇમેજ સ્રોત, UN Photo/Loey Felipe
અપડેટેડ એક કલાક પહેલા
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ચરમપંથી હુમલા પર નિવેદન જારી કર્યું છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે જારી કરેલા નિવેદનમાં કહેવાયું છે, “સુરક્ષા પરિષદના સભ્યોએ જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી છે.”
સુરક્ષા પરિષદના સભ્યોએ પીડિતોના પરિવારો પ્રત્યે પોતાની ઊંડી સંવેદના અને શોક વ્યક્ત કર્યો.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઘાયલ લોકોને પૂર્ણ સ્વસ્થ હોવાની કામના પણ કરી.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યોએ કહ્યું, “આતંકવાદ પોતાનાં તમામ રૂપો અને અભિવ્યક્તિઓમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે સૌથી ગંભીર ખતરા પૈકી એક છે.”
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ચરમપંથી હુમલામાં 26 લોકોનાં મોત થયાં છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્ય દેશ- ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકા છે. આ ઉપરાંત તેમાં કેટલાક અસ્થાયી દેશો પણ હોય છે અને તેઓ સમય-સમય પર બદલાતા રહે છે.
અમદાવાદમાં કથિત રીતે ગેરકાયદે રહેતા 400 વિદેશીઓને પોલીસે પકડ્યા

ઇમેજ સ્રોત, @AhmedabadPolice
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજિત રાજિયનના હવાલેથી સમાચાર સંસ્થા એએનઆઈએ જણાવ્યું છે કે અમદાવાદમાં 400 જેટલા વિદેશીઓ વગર દસ્તાવેજો વગર રહેતા હતા તેમને પકડી લેવામાં આવ્યા છે.
અજિત રાજિયને કહ્યું કે સવારે ત્રણ વાગ્યાથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને અન્ય પોલીસની ટીમે ઑપરેશન હાથ ધર્યું હતું. જેમાં અમદાવાદ શહેરમાં ગેરકાયદે પ્રકારે રહેતા હોય તેવા વિદેશીઓની શોધખોળ કરવામાં આવી હતી.
તેમણે કહ્યું, “આ ઑપરેશનમાં અમે 400 જેટલા શંકાસ્પદ માઇગ્રન્ટ્સની અટકાયત કરી છે.”
કાશ્મીરનો ઉલ્લેખ કરીને ભારત અને પાકિસ્તાન પર શું બોલ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ચરમપંથી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી તણાવ વધ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પ્રતિક્રિયા આપી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “હું ભારતની નજીક છું અને પાકિસ્તાનની પણ નજીક છું. તેઓ કાશ્મીરને લઈને હજારો વર્ષોથી લડી રહ્યાં છે. કાશ્મીરનો મુદ્દો હજારો વર્ષથી ચાલ્યો આવે છે, કદાચ તેનાથી પણ વધારે સમયથી.”
“એક ખરાબ હુમલો (પહલગામનો ચરમપંથી હુમલો) હતો અને તેને કારણે સરહદ પર 1500 વર્ષથી તણાવ છે. આવું (વર્ષોથી) આમ જ થઈ રહ્યું છે. પરંતુ મને ખાતરી છે કે તેઓ કોઈકને કોઈક દિવસ તેને ઉકેલી નાખશે. બંને નેતાઓને હું જાણું છું. પાકિસ્તાન અને ભારત વચ્ચે ઘણો તણાવ છે. તે હંમેશાંથી છે.”
બ્રિટિશ રાજથી 1947માં આઝાદી મળ્યા બાદ ભારતનું વિભાજન થયું હતું. ભારતને બે સ્વતંત્ર રાષ્ટ્રો- ભારત અને પાકિસ્તાનમાં વિભાજીત કરી દેવામાં આવ્યાં હતાં. ત્યાર પછી આ બંને દેશોનો કાશ્મીરને લઈને વિવાદ ચાલી રહ્યો છે.
ઈરાને ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરવાની વાત કરી

ઇમેજ સ્રોત, Getty Images
જમ્મુ-કાશ્મીરમાં પહલગામમાં મંગળવારે થયેલા ચમરપંથી હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે કેટલાંક કડક પગલાં ઉઠાવ્યાં છે. બંને દેશોના સંબંધો હવે પહેલાં કરતાં વધારે ખરાબ થઈ ગયા છે.
આ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ બંને દેશો વચ્ચે મધ્યસ્થતા કરીને શાંતિ લાવવાની વાત કરી છે.
તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ડ ઍક્સ પર લખ્યું, “ભારત અને પાકિસ્તાન સાથે ઈરાનનો સદીઓ જૂનો સાંસ્કૃતિક અને સભ્યતાનો સંબંધ અને ભાઈચારો છે. અમે તેને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીએ છીએ. આ કઠિન સમયમાં તહેરાન નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે સારા સંબંધોની મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે. તે ફારસી કવિ સાદી દ્વારા શિખવાડવામાં આવેલી ભાવનાને અનુરૂપ છે.”
તેમણે આ કવિતાનો ઉલ્લેખ પણ તેમની પોસ્ટમાં કર્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS