Home તાજા સમાચાર gujrati શેખ હસીનાના દીકરાએ તેમનાં માતાના ભારતમાંથી પ્રત્યાર્પણ વિશે શું કહ્યું? – ન્યૂઝ...

શેખ હસીનાના દીકરાએ તેમનાં માતાના ભારતમાંથી પ્રત્યાર્પણ વિશે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

3
0

Source : BBC NEWS

શેખ હસીના, ભારતમાં આશ્રય, બાંગ્લાદેશને પ્રત્યાર્પણ, સજીબ વાજિદ, બીબીસી ગુજરાતી

2 કલાક પહેલા

વાંચવાનો સમય: 3 મિનિટ

બાંગ્લાદેશનાં પૂર્વ વડાં પ્રધાન તથા અવામી લીગના નેતા શેખ હસીનાના દીકરા સજીબ વાજિદે બીબીસીના ‘ન્યૂઝઆવર’ કાર્યક્રમમાં પોતાનાં માતાના બાંગ્લાદેશ પરત ફરવા, તાજેતરમાં યોજાયેલી ચૂંટણી તથા અન્ય મુદ્દે વાતચીત કરી હતી.

સજીબ વાજિદને પૂછવામાં આવ્યું હતું કે બાંગ્લાદેશની ચૂંટણી મહદંશે શાંતિપૂર્ણ રહી તથા રાજકીય દળો વચ્ચે પ્રતિસ્પર્ધાનો ભાવ જોવા મળ્યો હતો. ત્યારે અવામી લીગે જે રાજકારણને પ્રોત્સાહન આપ્યું હતું, તેને બાજુએ નથી હડસેલી દેવાયું?

સજીબ વાજિદે કહ્યું, “મને નથી લાગતું કે ચૂંટણીમાં કોઈ મુકાબલો હતો, કારણ કે દેશની સૌથી મોટી અને જૂની પાર્ટીના (અવામી લીગ) ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો. ખરેખર તો આ કોઈ ટક્કર ન હતી.”

બાંગ્લાદેશમાં જુલાઈ ચાર્ટર તથા બંધારણીય સુધાર મુદ્દે જનમત સંગ્રહનું મોટી સંખ્યામાં લોકોએ સમર્થન કર્યું, એનો મતલબ એવો નથી કે લોકો જૂના સમયથી સંપૂર્ણપણે આઝાદ થવા માંગે છે.

સજીબ વાજિદના કહેવા પ્રમાણે, બાંગ્લાદેશની ચૂંટણીમાં અવામી લીગ મોટું પરિબળ છે. તેમની પાસે 40 ટકા વોટ છે, જ્યારે જાતીય પાર્ટી પાસે પાંચથી 10 ટકા મત છે. તેમની અવગણના ન થઈ શકે.

સજીબ વાજિદને પૂછવામાં આવ્યું હતું કે જો બીએનપી ઔપચારિક રીતે શેખ હસીનાના પ્રત્યાર્પણની વિનંતી કરે, તો તેઓ બાંગ્લાદેશ પરત ફરશે ?

તેના વિશે વાજિદે કહ્યું, “ભારતમાં કાયદાનું રાજ છે. બીએનપી પ્રત્યાર્પણ માટે વિનંતી કરી શકે છે, પરંતુ એના માટે કેટલીક પ્રક્રિયા હોય છે. તથા બીએનપીએ તે અવરોધોને પાર કરવાની રહેશે. એટલે એવો કોઈ માર્ગ જ નથી કે તે પ્રત્યાર્પણ કરાવડાવી શકે.”

“હા તે એક દિવસ ચોક્કસથી પરત ફરશે. મારાં માતા નિવૃત્ત થવા ઇચ્છે છે અને પોતાના દેશમાં રહેવા માંગે છે. તેઓ અન્ય દેશમાં નથી રહેવા માંગતાં. એક દિવસ તે વતન ચોક્કસથી પરત ફરશે.”

પાકિસ્તાની સ્પિનર ઉસ્માન તારિક વિશે હરભજનસિંહે શું કહ્યું?

હરભજનસિંહ, આમ આદમી પાર્ટી સંસદસભ્ય, તારિક ઉસ્માન, ભારત-પાકિસ્તાન ક્રિકેટ મૅચ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આઇસીસી ટી20 વર્લ્ડકપમાં રવિવારે શ્રીલંકા ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે. જેની ખેલપ્રેમીઓ ઉત્કંઠાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

ત્યારે ભારતના પૂર્વ ક્રિકેટર તથા સ્પિનર હરભજનસિંહે પાકિસ્તાનની ટીમ વિશે પ્રતિક્રિયા આપી છે.

તેમણે કહ્યું, “અગાઉ આ મૅચ થશે કે નહીં, વગેરે જેવી સમસ્યાઓ હતી, પરંતુ હવે તે વાત વીતી ગઈ છે. હવે મુખ્ય વાત એ છે કે ક્રિકેટ ઉપર ફૉકસ રહેવું જોઈએ.”

હરભજનસિંહે કહ્યું, “પાકિસ્તાન પણ ખૂબ જ મજબૂત ટીમ છે. તેના સ્પિનર મોટાં મેદાનો ઉપર સારી બૉલિંગ કરે છે, જે ખાસ વાત છે. આ ખૂબ જ સારો મૅચ હશે. મને આશા છે કે ભારતની ટીમ સારી રમત રમશે તથા આપણને બધાને ગર્વની અનુભૂતિ કરાવશે.”

પાકિસ્તાની સ્પીનર ઉસ્માન તારિક વિશે હરભજનસિંહે કહ્યું, “તે વિશેષ પ્રકારના સ્પીનર છે, એ સૌથી અલગ છે. તેમની પાસે ખૂબ જ વૅરિએશન છે. તેમની સામે રમવું સરળ નથી. જેની સામે અગાઉ તમે રમ્યા ન હો, તેને સારી રીતે ફેસ ન કરી શકો. જોકે, અભિષેક શર્મા ભારતીય ટીમમાં પરત ફર્યા છે, તેઓ સ્પીન બૉલરો સામે સારી રીતે રમે છે.”

બ્રિટનનો દાવો – રશિયાના વિપક્ષના નેતાને ડાર્ટ ફ્રૉગ ટૉક્સિનથી મારવામાં આવ્યા હતા

ઍલેક્સી નવેલની, રશિયા, પુતિન, ડાર્ટ ફ્રોગ ટોક્સિન, બ્રિટન, કિએર સ્ટાર્મર, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

બ્રિટન તથા તેના યુરોપિયન મિત્રદેશોએ આરોપ મૂક્યો છે કે રશિયાના વિપક્ષના નેતા ઍલેક્સી નવેલનીને ડાર્ટ ફ્રૉગ ટૉક્સિનથી બનેલાં ઝેરથી મારવામાં આવ્યા હતા.

બીબીસી સંવાદદાતા ઍડમ ગોલ્ડસ્મિથ તથા ટૉમ મૅકઆર્થરના અહેવાલ પ્રમાણે, સાઇબેરિયન પીનલ કૉલોનીમાં મૃત્યુનાં બે વર્ષ બાદ બ્રિટન તથા તેમના સાથીઓએ મૃતકના શરીર ઉપરથી મળેલાં મટિરિયલ સૅમ્પલનાં વિશ્લેષણ બાદ રશિયાને દોષિત ઠેરવ્યું છે.

બ્રિટનના વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, નવેલનીના શરીરમાંથી એપિબેટિડાઇન નામનું ટૉક્સિમ મળવાને કોઈ સાધારણ કારણ નથી.

મ્યૂનિચ સિક્યૉરિટી કૉન્ફરન્સમાં બ્રિટનના વિદેશ મંત્રી યવેટ કૂપરે કહ્યું, “એલેક્સી નવેલની જેલમાં હતા, માત્ર ત્યારે જ રશિયાની સરકાર પાસે નવેલની ઉપર જીવલેણ ટૉક્સિનનો ઉપયોગ કરવાની રીત, હેતુ અને તક હતી.”

આ પહેલાં બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મરે એક ઍક્સ પોસ્ટમાં લખ્યું, “ઍલેક્સી નવેલનીએ અત્યાચાર વિરુદ્ધ ભારે હિંમત દાખવી. સત્યને બહાર લાવવાના દ્રઢ ઇરાદાનો અમર વારસો છોડી ગયા છે. મારી પ્રાર્થનાઓ એમના પરિવાર સાથે છે.”

તેમણે કહ્યું, “હું રશિયા તથા પુતિનના જીવલેણ ઇરાદાના જોખમથી આપણા લોકો, આપણા મૂલ્યો તથા આપણી જીવનપ્રણાલીની સુરક્ષા કરવા માટે જે કંઈ કરવું પડે, તે કરી રહ્યો છું.”

નવેલની રશિયાના ભ્રષ્ટાચાર વિરોધી ચળવળકર્તા તથા રશિયાના સૌથી આક્રમક વિપક્ષી નેતા હતા. તા. 16 ફેબ્રુઆરી 2024ના રોજ જેલમાં તેમનું અચાનક જ મૃત્યુ થઈ ગયું હતું. એ સમયે તેમની ઉંમર 47 વર્ષની હતી.

વર્ષ 2020માં તેમને નોવિચોક નર્વ મારફત ઝેર આપવામાં આવ્યું હતું. જર્મનીમાં તેમની સારવાર થઈ હતી અને રશિયા પરત ફર્યા ત્યારે ઍરપૉર્ટ ઉપર તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS