Home તાજા સમાચાર gujrati શૅરબજાર : શૅર ખરીદવા ડીમેટ ખાતું હોવું જોઈએ? કેવી રીતે ખોલવું અને...

શૅરબજાર : શૅર ખરીદવા ડીમેટ ખાતું હોવું જોઈએ? કેવી રીતે ખોલવું અને શું છે ફાયદા?

1
0

Source : BBC NEWS

ડીમેટ, બેંક, રોકાણ, શેરબજાર, ફંડ, ભંડોળ, બચત

ઇમેજ સ્રોત, Getty Images

હાલમાં દેશમાં ડીમેટ ખાતાંની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તાજેતરના આંકડા અનુસાર, આ સંખ્યા 17 કરોડને વટાવી ગઈ છે.

તો ડીમેટ ખાતું શું છે? બૅન્ક ખાતાં અને ડીમેટ ખાતાં વચ્ચે શું તફાવત છે? ડીમેટ એકાઉન્ટનો ઉપયોગ શું છે?

ડીમેટ ખાતું એટલે શું?

ડીમેટ એકાઉન્ટ એ ડીમટિરિયલાઇઝેશન ઍકાઉન્ટનું ટૂંકું સ્વરૂપ છે. તે પણ બૅન્ક ખાતા જેવું છે. તમારા પૈસા બૅન્કમાં રાખવાની જેમ, તમે આ ખાતામાં કંપનીના શૅર, બૉન્ડ, મ્યુચ્યુઅલ ફંડ, વીમો, ઈટીએફ અને સિક્યૉરિટી માર્કેટમાંથી ખરીદેલી અન્ય સિક્યૉરિટીઝ, ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જમા કરાવી શકો છો.

સિક્યૉરિટી માર્કેટમાં રોકાણ કરવા ઇચ્છુક લોકો માટે ડીમેટ ખાતું જરૂરી છે.

અગાઉ રોકાણકારો દ્વારા ખરીદવામાં આવેલા શૅર પેપર સ્વરૂપે મોકલવામાં આવતા હતા, જેને લીધે પોતે પાછળ રહી જશે એવો રોકાણકારને ભય રહેતો હતો. તેમાં સમય પણ વધુ લાગે છે.

સેકન્ડરી માર્કેટ કામગીરી ક્યારેક સહીઓમાં વિસંગતતા અને નકલી પ્રમાણપત્રોમાં પરિણમે છે.

મોડેથી આવવાને કારણે રોકાણકારોનો તેના પર ભરોસો ઓછો થઈ ગયો હતો. શૅર પ્રમાણપત્રોને પ્રિન્ટ કરાવવા અને રોકાણકારોને મોકલવામાં પૈસા પણ ખૂબ લાગતા હતા.

તેથી ભારતમાં ડીમેટ ખાતાની પદ્ધતિ 1996માં શરૂ કરવામાં આવી હતી. તેની સાથે જ કાગળ સ્વરૂપે શૅર મોકલવાની પ્રક્રિયા બંધ થઈ ગઈ હતી.

ડીમેટ ખાતું કેવી રીતે ખોલાવશો?

ડીમેટ, બેંક, રોકાણ, શેરબજાર, ફંડ, ભંડોળ, બચત

ઇમેજ સ્રોત, Getty Images

જે લોકો માર્કેટમાં રોકાણ કરવા માગે છે તેમણે સૌથી પહેલા એ જાણવું જોઈએ કે ડીમેટ ખાતું કેવી રીતે ખોલાવવું.

અગાઉ ડીમેટ ખાતું ખોલવું એ સમય માગી લેતી પ્રક્રિયા હતી. ડિપૉઝિટરી પાર્ટિસિપન્ટ (ડીપી) પર અરજી કરો. ડીપી કરાર પર સહી કરો અને જરૂરી દસ્તાવેજ જમા કરો. સરનામું, તમારી ઓળખનો પુરાવો, બૅન્ક ખાતાની વિગતો, પાન કાર્ડની નકલ બધું જ સ્વ-પ્રમાણિત હોવું જોઈએ અને ડીપીને આપવું જોઈએ.

નિરીક્ષણ સમયે, ડીપી અધિકારીઓ આ તમામ દસ્તાવેજોની મૂળ પ્રત તપાસે છે વગેરે. ડીપી ખાતાને શરૂ થતાં પાંચથી છ દિવસ લાગતા હતા જે બધું હવે ઑનલાઇન થઈ ગયું છે.

ડીમેટ ખાતું ખોલ્યા પછી શું કરવાનું હોય?

ડીમેટ, બેંક, રોકાણ, શેરબજાર, ફંડ, ભંડોળ, બચત

ઇમેજ સ્રોત, Getty Images

ડીમેટ ખાતું ખોલ્યા પછી તમારા ડિપૉઝિટરી ભાગીદાર પાસેથી નીચેની વિગત એકત્રિત કરો.

1. ડીમેટ એકાઉન્ટ નંબર, જેને ‘લાભાર્થી આઈડી’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

2. ડિપૉઝિટરી પાર્ટીસિપન્ટ આઇડી. ડીપી આઇડી પણ ડીમેટ એકાઉન્ટ નંબરનો એક ભાગ છે.

3. પાવર ઑફ ઍટર્ની એગ્રિમેન્ટ (પીઓએ) નંબર. રોકાણકાર સ્ટૉક બ્રોકરને આ કરારમાં લેખિત સૂચનાઓ અનુસાર તેનું એકાઉન્ટ ચલાવવા માટે માન્ય ઠેરવે છે. તમે ડીમેટ અને ટ્રેડિંગ ખાતાં માટે યુનિક લૉગીન આઇડી અને પાસવર્ડ પણ મેળવી શકો છો.

સેબીના નિયમ શું છે?

ડીમેટ, બેંક, રોકાણ, શેરબજાર, ફંડ, ભંડોળ, બચત

ઇમેજ સ્રોત, Getty Images

ડિપૉઝિટરી સહભાગીઓ ઉપરોક્ત બે સંસ્થાઓ અને રોકાણકારો વચ્ચે સેતુ તરીકે કામ કરે છે.

ડીમેટ ખાતું ડીપી પર ખોલી શકાય છે, તેમજ બૅન્ક ખાતાની જેમ રોકાણકાર એકથી વધુ પણ ખોલાવી શકે છે. જોકે બધાં ડીમેટ ખાતાં એક જ પાન કાર્ડ સાથે જોડવામાં આવે છે. ડીમેટ ખોલાવતી વખતે પણ પાન કાર્ડ રજૂ કરવું પડે છે.

ડીમેટ એકાઉન્ટના કયા ફાયદા છે?

ડીમેટ, બેંક, રોકાણ, શેરબજાર, ફંડ, ભંડોળ, બચત

ઇમેજ સ્રોત, Getty Images

ડીમેટ ખાતાના ઘણા ફાયદા છે. બૅન્કો અને સ્ટૉક બ્રોકિંગ ફર્મ્સ પણ તેમની વેબસાઇટ પર તેને લગતી વિગતોનો સમાવેશ કરે છે.

આ ખાતામાં તમે ઇચ્છો તેટલા શૅર જમા કરાવી શકો છો. શૅરના ઝડપી ટ્રાન્સફર માટે ડીમેટ એકાઉન્ટ પર આધાર રાખી શકાય છે.

સ્માર્ટફોન અથવા લૅપટૉપની મદદથી ડીમેટ એકાઉન્ટનો ઉપયોગ કરી શકાય છે. શૅરની લેણદેણ ગમે ત્યાંથી, કોઈ પણ સમયે થઈ શકે છે.

ડીમેટ ખાતામાં નૉમિનેશનની સુવિધા છે. નૉમિનેશન પ્રક્રિયા ડિપૉઝિટરી દ્વારા નિર્ધારિત કરવામાં આવશે. જો રોકાણકાર પાસે કંઈ હશે તો નૉમિનીને ખાતું મળી જશે. જેનાથી કાયદાકીય વિવાદોની પણ બચી શકાય છે.

ઇક્વિટી, ડિબેન્ચર્સ, બૉન્ડ, સરકારી સિક્યૉરિટીઝ, સોવરિન ગોલ્ડ બૉન્ડ, મ્યુચ્યુઅલ ફંડ્સ જેવી વિવિધ પ્રકારની સિક્યૉરિટીઝ એક જ ખાતામાં રાખી શકાય છે.

શું મારી પાસે ટ્રેડિંગ ખાતું હોવું જરૂરી છે?

ડીમેટ, બેંક, રોકાણ, શેરબજાર, ફંડ, ભંડોળ, બચત

ઇમેજ સ્રોત, Getty Images

જે લોકો બજારમાં રોકાણ કરવા માગે છે તેમની પાસે બૅન્ક ખાતું, ડીમેટ ખાતું, ટ્રેડિંગ ખાતું હોવું જરૂરી છે.

જ્યારે તમે કંપનીઓમાં શૅર ખરીદો છો, ત્યારે તે તમારા ડીમેટ ખાતામાં જમા થઈ શકે છે. સ્ટૉક ઍક્સચેન્જમાં શૅરની લેવડ-દેવડ કરવા માટે માત્ર આ ખાતું પૂરતું નથી. એના માટે ટ્રેડિંગ એકાઉન્ટની પણ જરૂર પડે છે.

દાખલા તરીકે, જો તમે કોઈ કંપનીના શૅર ખરીદો છો, તો તે ડીમેટ ખાતામાં જમા થાય છે. જો તમે થોડા મહિના પછી તેને વેચવા માગતા હો, તો એ તમારા ડીમેટ ખાતામાંથી ડેબિટ કરવામાં આવે છે. તમે તેને તમારા ટ્રેડિંગ એકાઉન્ટ દ્વારા બજારમાં વેચી શકો છો. તે લેણદેણ સંબંધિત ભંડોળ તેના સંબંધિત બૅન્ક ખાતામાં જમા કરવામાં આવે છે.

હાલમાં જ રોકાણકારોના લાભાર્થે થ્રી ઇન વન ખાતાની રજૂઆત કરવામાં આવી છે. મતલબ કે, ડીમેટ ખાતું, ટ્રેડિંગ અને બૅન્ક ખાતું ત્રણેય એકસાથે.

જોકે, ડીમેટ ખાતા વગર પણ ટ્રેડિંગ ખાતું ખોલી શકાય છે. ટ્રેડિંગ એકાઉન્ટ ખાસ કરીને વાયદા અને વિકલ્પ (ફ્યુચર્સ અને ઑપ્શન્સ ટ્રેડિંગ) કારોબાર માટે ખોલવામાં આવે છે. જોકે, ધ્યાનમાં રાખવું જરૂરી છે કે આ એકાઉન્ટ એકલું, તમને સ્ટૉક્સનો વેપાર કરવાની મંજૂરી આપતું નથી.

ચાર્જની ચુકવણી

ડીમેટ, બેંક, રોકાણ, શેરબજાર, ફંડ, ભંડોળ, બચત

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં ડીમેટ એકાઉન્ટ ચાર્જીસમાં વાર્ષિક જાળવણી ચાર્જ, કસ્ટડી ચાર્જ અને ટ્રાન્ઝેક્શન ચાર્જનો સમાવેશ થાય છે.

ડીમેટ ખાતું ખોલાવતી વખતે પણ ફી લેવામાં આવે છે.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, તમે પસંદ કરેલા ડિપૉઝિટરી સહભાગીના આધારે વાર્ષિક મૅનેજમૅન્ટ ફી રૂપિયા 300થી રૂપિયા 800ની વચ્ચે હશે.

સેબીના નવા દિશાનિર્દેશ મુજબ, જો તમારો પૉર્ટફોલિયો 4 લાખ રૂપિયા સુધીનો છે, તો બેઝિક સર્વિસ ડીમેટ એકાઉન્ટ પર કોઈ વાર્ષિક મૅનેજમૅન્ટ ચાર્જ લાગશે નહીં.

જો 4 લાખથી 10 લાખ વચ્ચે હશે તો 100 રૂપિયા ચૂકવવાના રહે છે. રૂપિયા 10 લાખ પછી, બેઝિક સર્વિસ ડીમેટ ખાતું નિયમિત ડીમેટ ખાતામાં રૂપાંતરિત થશે.

મૂળભૂત સેવાઓ માટે ડીમેટ એકાઉન્ટ લેવાના કિસ્સામાં, ઇલેક્ટ્રોનિક સ્ટેટમેન્ટ માટે કોઈ ચાર્જ લાગુ થશે નહીં. જો તમારે સ્ટેટમેન્ટની નકલ જોઈએ તો તમારે સ્ટેટમેન્ટ દીઠ 25 રૂપિયા ચૂકવવા પડશે.

ડીપી કેવી રીતે પસંદ કરશો?

ડીમેટ, બેંક, રોકાણ, શેરબજાર, ફંડ, ભંડોળ, બચત

ઇમેજ સ્રોત, Getty Images

બચત ખાતું ખોલતી વખતે બૅન્ક પસંદ કરવાની જેમ જ ડીપી પસંદ કરી શકાય છે. ડીપી પસંદગીમાં મુખ્ય બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે.

જેમ કે, તેમની ઑફિસ તમારા ઘર કે ઑફિસથી નજીક છે કે નહીં?

આપણે ડીપી દ્વારા પૂરા પાડવામાં આવતી સર્વિસ અને તેના માટેના ચાર્જીસ જાણવા જોઈએ.

શું ડીમેટ ખાતામાં સિક્યૉરિટીઝ માટે લઘુતમ બેલેન્સ છે?

કોઈ જરૂર નથી. ડિપૉઝિટમાં કોઈ લઘુતમ રકમ (બેલેન્સ) રાખવી જરૂરી નથી. તમારી પાસે તમારા ડીમેટ ખાતામાં શૂન્ય બેલેન્સ પણ હોઈ શકે છે.

ડીમેટ એકાઉન્ટ કેવી રીતે બંધ કરાવશો?

ડીમેટ, બેંક, રોકાણ, શેરબજાર, ફંડ, ભંડોળ, બચત

ઇમેજ સ્રોત, Getty Images

ડીમેટ ખાતું બંધ કરવા માટે ખાતામાં રહેલી સિક્યૉરિટીઝ અને ભંડોળ અગાઉથી ક્લિયર કરવું જોઈએ. આ પછી ડીમેટ ખાતું ખોલાવનાર ડીપીનો સંપર્ક કરવો જોઈએ અને અરજી ફૉર્મ ભરવું જોઈએ.

જો તમારે ડીમેટ ખાતું બંધ કરાવવું હોય અને એમાં રકમ રહેલી હોય તો એના નિવેડા માટે પાન કાર્ડની નકલ, રહેઠાણનો પુરાવો જેવા જરૂરી દસ્તાવેજ જમા કરાવવા પડે છે.

ડીપી ક્લૉઝર ફોર્મ અને દસ્તાવેજની ચકાસણી કરશે અને બધું સમૂસુતરું પાર પડશે તો ખાતું બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરશે.

ડીમેટ ખોલાવનારાની સંખ્યા કેમ વધી રહી છે?

એસબીઆઈ સિક્યૉરિટીઝ દ્વારા પોતાના બ્લૉગમાં આપેલી જાણકારી મુજબ કોરોના મહામારી પછી ભારતમાં ડીમેટ ખાતા ખોલાવનારાની સંખ્યા વધી ગઈ છે.

મ્યુચ્યુઅલ ફંડ કંપનીમાં બ્રાન્ચ મૅનેજર તરીકે કામ કરતા કલ્યાણે જણાવ્યું હતું કે, “કોરોના વખતે ઘણા લોકોમાં બજાર અને રોકાણ પ્રત્યે જાગરૂકતા વધી ગઈ હતી.”

“કોરોના પછી કેટલાય કર્મચારીઓએ ઘરેથી કામ કર્યું છે. તે દરમ્યાન ઘણા સંજોગ એવા સર્જાયા કે તેમની માર્કેટ અને રોકાણમાં રસ-રુચિ વધ્યાં. એ વખતે તેમણે આવકના અન્ય સ્રોત તરીકે શૅરબજાર પસંદ કર્યું. તેમણે જોયું કે રોકાણ દ્વારા પણ પૈસા કમાઈ શકાય છે. નવા આઇપીઓ અને સોશિયલ મીડિયા પર પણ જાગરૂકતાને લીધે બજારમાં રોકાણ વધ્યું છે. આ તમામ સમીકરણ સાંકળીએ તો એને પરિણામે ડીમેટ ખાતાં વધ્યાં છે.”

તેમણે એવું પણ કહ્યું હતું કે, “ઘણા એવું પણ વિચારે છે કે બજારોને કારણે ઓછા સમયમાં પૈસા કમાઈ શકાય છે. આવે વખતે ક્યારેક તેઓ લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી. બજારમાં લાંબા સમયના રોકાણે જ સારો નફો મેળવી શકાય છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, Twitter અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS