Home તાજા સમાચાર gujrati વાવ-થરાદ: પ્રેમલગ્નને લઈને રબારી અને ચૌધરી સમાજ વચ્ચે શું વિવાદ ચાલી...

વાવ-થરાદ: પ્રેમલગ્નને લઈને રબારી અને ચૌધરી સમાજ વચ્ચે શું વિવાદ ચાલી રહ્યો છે

17
0

Source : BBC NEWS

ઉન ગામ હિંસા, બનાસકાંઠા અને વાવ થરાદ, 64 ગોળ ચૌધરી આંજણા સમાજ અને રબારી સમાજ, બીબીસી ગુજરાતી, કિંજલ રબારી, કાની બાપુ,

ઇમેજ સ્રોત, Paresh Padhiyar/BBC

એક કલાક પહેલા

વાંચવાનો સમય: 3 મિનિટ

બુધવારે વાવ-થરાદ જિલ્લાના ભાભર તાલુકાના રૂણી ગામ ખાતે 64 ગોળના આંજણા ચૌધરી સમાજનું એક સંમેલન મળ્યું હતું.

જેમાં ચૌધરી સમાજે જે રીતે ગાયિકા કિંજલ રબારીને ‘પરત કર્યાં’ એવી જ રીતે રબારી સમાજ દ્વારા પણ રુણી ગામની યુવતીને પણ ‘પરત’ કરવામાં આવે, એવી માગ કરી હતી.

આ બેઠકમાં સમાજના આગેવાનોએ રબારી સમાજના અગ્રણીઓ સાથે ‘વાતચીત’ કરીને પાંચથી અગિયાર દિવસમાં ચૌધરી સમાજની દીકરીને પરત લાવશે એવી ‘જવાબદારી’ લીધી હતી.

જોકે, આ પછી સેંકડો યુવાનો પાસેના ઊન ગામ પહોંચ્યા હતા અને હિંસા થઈ હતી, જેના કારણે ભયનું વાતાવરણ ફેલાયું હતું.

બનાસકાંઠાનાં રેન્જ આઇજી (ઇન્સ્પેક્ટર જનરલ) પરીક્ષિતા રાઠોડે કહ્યું હતું કે એક ટોળું ઊન ગામે પહોંચ્યું હતું અને ત્યાં વાહનોની તોડફોડ કરી હતી અને ભયનું વાતાવરણ ફેલાવ્યું હતું.

પોલીસે હિંસક ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટિયરગૅસના સેલ છોડ્યા હતા અને બળપ્રયોગ કર્યો હતો.

આ ઘટના પછી ગુરુવારે સાંજે આ વિસ્તારમાં તણાવભરી શાંતિ જોવા મળી રહી છે.

પોલીસની કાર્યવાહી

ઉન ગામ હિંસા, બનાસકાંઠા અને વાવ થરાદ, 64 ગોળ ચૌધરી આંજણા સમાજ અને રબારી સમાજ, બીબીસી ગુજરાતી, કિંજલ રબારી, કાની બાપુ,

ઇમેજ સ્રોત, Paresh Padhiyar/BBC

બુધવારની હિંસાને પગલે બનાસકાંઠાનાં રેન્જ આઈજી (ઇન્સ્પેક્ટર જનરલ) પરીક્ષિતા રાઠોડ તથા પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો.

મીડિયા સાથે વાત કરતાં આઈજી પરીક્ષિતા રાઠોડે કહ્યું હતું, “ચૌધરી સમાજનો કાર્યક્રમ યોજાયો હતો. એ પછી કેટલાક લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો.”

“જેમાં ચાર પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી. પોલીસ દ્વારા 35-40 શખ્સોની અટક કરવામાં આવી છે.”

આઈજી રાઠોડે અટકાયતીઓ તથા અન્ય જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી હતી.

પોલીસ દ્વારા આ ઘટનાને પગલે ચાંપતો સુરક્ષાબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. નવગઠિત વાવ-થરાદ જિલ્લા ઉપરાંત બનાસકાંઠાની પોલીસ બોલાવવામાં આવી હતી.

પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી તથા લોકોને સોશિયલ મીડિયા ઉપર અફવા તથા ઘૃણાસ્પદ મૅસેજ નહીં ફેલાવવા અપીલ કરી છે સાથે અફવા ફેલાવનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવાની વાત કરી છે.

ગામમાં શાંતિના કેવા પ્રયાસ કરવામાં આવ્યા

બીજી તરફ રબારી સમાજના અગ્રણી ઠાકરશી રબારીએ “જો કોઈ ચૌધરી સમાજની યુવતીએ રબારી સમાજમાં આવી હોય, તો તેને સન્માનપૂર્વક પરત મોકલવા” માટે દરમિયાનગીરી કરવાની વાત કરી છે.

સાથે જ ઠાકરશી રબારીએ “ચૌધરી સમાજના અગ્રણીઓ પણ રબારી સમાજની યુવતીને પરત મોકલવામાં મદદ કરે” એવી માગ તેમણે કરી હતી.

ઠાકરી રબારીએ ઉમેર્યું હતું કે જે કોઈ તાજેતરના કિસ્સા હોય, તેમાં બંને સમાજના આગેવાનોની ‘દરમિયાનગીરી કે સમજાવટ’ શક્ય છે, પરંતુ જેમાં લગ્નને બે-ત્રણ વર્ષ થઈ ગયાં હોય, કે સંતાન થઈ ગયું હોય, તેવા કિસ્સામાં ‘દરમિયાનગીરી’ મુશ્કેલ છે.

બુધવારના સંમેલન બાદ ચૌધરી સમાજે જો અગિયાર દિવસમાં ઉકેલ ન આવે તો ફરીથી બેઠક બોલાવીને ‘આગળની કાર્યવાહી’ અંગે ચર્ચા કરવાની વાત કરી હતી.

આ વિવાદને જોતાં અખિલ ભારતીય રબારી સમાજના જગતગુરુ તથા વડવાળા મંદિરના (દૂધરેજ) મહંત કનીરામ બાપુએ શાંતિ જાળવવાની અપીલ કરતા કહ્યું, “બંને સમાજ ખોટાં ઝગડા-તોફાનમાં ન જશો. મહેરબાની કરીને આનો અંત લાવીને સમજૂતિ કરીને બંને સમાજના આગેવાનો, સમજદાર વ્યક્તિઓ બેસીને રસ્તો કરો. ટોળા થાય અને તોફાન થાય, એનાં પરિણામ સારાં ન આવે.”

કનીરામ બાપુએ સનાતન ધર્મના અગ્રણી તરીકે જો દરમિયાનગીરીમાં કોઈ મદદની જરૂર હોય તો તે પણ કરવા માટે તૈયારી દાખવી હતી.

ગાયિકા કિંજલ રબારીનાં લગ્ન પછી ચર્ચા

ઉન ગામ હિંસા, બનાસકાંઠા અને વાવ થરાદ, 64 ગોળ ચૌધરી આંજણા સમાજ અને રબારી સમાજ, બીબીસી ગુજરાતી, કિંજલ રબારી, કાની બાપુ,

ઇમેજ સ્રોત, thekinjalrabari/instagram

ગત સપ્તાહે ઉત્તર ગુજરાતનાં ગાયિકા કિંજલ રબારીએ ચૌધરી સમાજના યુવક સાથે લગ્નની જાહેરાત કરતો વીડિયો સોશિયલ મીડિયા ઉપર મૂક્યો હતો.

એ પછી આંતરજ્ઞાતિય લગ્નનો વિવાદ વકર્યો હતો. એ પછી કથિત રીતે સમાજના આગેવાનોની ‘દરમિયાનગીરી’થી કિંજલ તેમના પતિના ઘરેથી પરત ફર્યાં હતાં.

એ તબક્કે સમાજના આગેવાનોએ ‘ઘીના ઠામમાં ઘી પડી ગયું’ હોવાની તથા વિવાદ સમી ગયો હોવાની જાહેરાત કરી હતી.

એવામાં ચૌધરી સમાજના એક પુરુષનો વીડિયો ચર્ચામાં આવ્યો હતો. જેમાં ઉણ ગામનો રબારી સમાજનો યુવક તેમની સગીર દીકરીને ‘ભગાડી ગયો’ હોવાની વાત કરી હતી.

સાથે જ અપીલ કરી હતી કે જેવી રીતે ચૌધરી સમાજે કિંજલ રબારીને પરત મોકલ્યાં, એવી રીતે રબારી સમાજ પણ ચૌધરી સમાજની દીકરીને પરત મોકલે.

એવામાં જેમણે બે-ત્રણ વર્ષ અગાઉ આંતરજ્ઞાતિય લગ્ન કર્યાં હતાં એવાં પ્રેમલગ્નો પણ ચર્ચામાં આવી ગયાં છે અને પોત-પોતાના સમાજની દીકરીઓને પરત લાવવા કવાયત હાથ ધરી છે.

જેમાં લગભગ બે વર્ષ પહેલાં રબારી સામાજના યુવક સાથે લગ્ન કરનાર તથા એક સંતાનનાં માતા એવાં ચૌધરી સમાજનાં મહિલાને પણ પરત લાવવાની ચર્ચા શરૂ થઈ છે. આ મહિલાને પરત લાવવા સમાજને અપીલ કરતો વીડિયો તેમનાં માતા-પિતાએ સાર્વજનિક કર્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS