Home તાજા સમાચાર gujrati વજન ઘટાડતી દવાઓ કેટલી સુરક્ષિત છે, કોણ લઈ શકે અને બંધ કરવાથી...

વજન ઘટાડતી દવાઓ કેટલી સુરક્ષિત છે, કોણ લઈ શકે અને બંધ કરવાથી અસર એકદમ ખતમ થઈ જાય?

12
0

Source : BBC NEWS

વજન ઉતારવા માટે ગોળીઓ અને ઇન્જેક્સન લેવાય, ડાયાબિટીસ ટાઇપ-2, વજન કેટલું હોવું જોઈએ બીએમઆઈ, ઓઝેમ્પિક અને માઉન્જારો, બીબીસી ગુજરાતી સાથે સમજો,

ઇમેજ સ્રોત, Getty Images

સારા લે બ્રોક વજન ઉતારનારી દવાઓની કાયાપલટ કરી દેનારી અસરોનો સારો એવો અનુભવ ધરાવે છે.

યુવાનીના તેમનાં મોટાભાગનાં વર્ષો મેદસ્વીતા સાથે વીત્યાં છે અને તેમણે જાતભાતનાં ડાયટ અજમાવી જોયાં હતાં.

તેમણે બીબીસીના ઇનસાઇડ હેલ્થને જણાવ્યા પ્રમાણે, “જે કંઈપણ નવું આવે, ત્યારે મને થતું કે તે અજમાવી જોઉં, કદાચ કામ કરી જાય. પણ, દુર્ભાગ્યે મારું વજન પાછું વધી જતું હતું.”

બે વર્ષ કરતાં વધુ સમય સુધી વજન ઘટાડવાની દવાઓ લીધા પછી તેમણે લગભગ 51 કિલો (112 પાઉન્ડ) જેટલું વજન ઉતારી દીધું છે.

તેઓ કહે છે, “અચાનક જ, મેં ખોરાક વિશે વિચારવાનું સદંતર બંધ કરી દીધું. હવે મારામાં વધુ ઊર્જા છે. અગાઉ જે કામો હું નહોતી કરી શકતી, તે હવે કરી શકું છું… એક રીતે આ દવાએ મને જીવનમાં નવી સ્વતંત્રતા આપી છે.”

સારા જેવા લાખો લોકો હવે સેમાગ્લુટાઇડ અને ટિર્ઝેપેટાઇડ જેવી દવાઓ વાપરી રહ્યા છે, જે ઓઝેમ્પિક અને મૉન્જારો જેવાં લોકપ્રિય બ્રાન્ડ નેમથી વધુ જાણીતી છે.

બજારમાં નવી દવાઓનું આગમન થઈ રહ્યું છે, તે જોતાં વજન ઉતારતી દવાઓ વાપરનારા લોકોની સંખ્યા વધવાની શક્યતા છે.

આ દવાઓમાં ઇન્જેક્શનની સાથે-સાથે ગોળીઓનો પણ સમાવેશ થાય છે.

એ સ્પષ્ટ છે કે, આ દવાઓ સાથે મેદસ્વીપણાની સારવારમાં એક નવા યુગની શરૂઆત થઈ રહી છે.

યુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટનના મેડિસિનના પ્રોફેસર ડેવિડ કમિંગ્ઝે મને જણાવ્યું કે, આ સ્થિતિ હવે ઘટાડી શકાય, તેવી સમસ્યા બની ગઈ છે. “મેં જે દવાઓ જોઈ છે, તેમાં તે ચમત્કારિક દવાઓની સૌથી નજીક છે.”

જોકે, અન્ય શિક્ષણવિદો ચેતવણી આપે છે કે, આપણે વર્તનલક્ષી પરિવર્તનની જરૂરિયાતને અવગણવાનું જોખમ ઉઠાવી રહ્યાં છીએ, કારણ કે, ખાસ કરીને લોકો જેવા દવા લેવાનું બંધ કરે, તે સાથે જ વજન પાછું ઝડપથી વધવા માંડે છે.

તો, વજન ઘટાડવાની દવા લેવાનું વિચરતી વ્યક્તિએ શરૂઆત કરતાં પહેલાં શું ધ્યાનમાં રાખવું જોઈએ?

વજન ઘટાડવાની દવાઓ કેવી રીતે કામ કરે છે?

વજન ઉતારવા માટે ગોળીઓ અને ઇન્જેક્સન લેવાય, ડાયાબિટીસ ટાઇપ-2, વજન કેટલું હોવું જોઈએ બીએમઆઈ, ઓઝેમ્પિક અને માઉન્જારો, બીબીસી ગુજરાતી સાથે સમજો,

ઇમેજ સ્રોત, Getty Images

વજન ઘટાડનારી દવાઓ પેટ ભરાઈ ગયું હોય, તે વખતે આપણા શરીરને સંકેત આપતા હોર્મોન્સની નકલ કરીને વ્યક્તિની ભૂખ દબાવી દે છે.

સૌથી સામાન્ય હોર્મોન્સ ગ્લુકાગોન-લાઇક પેપ્ટાઇડ 1 (જીએલપી-1 અને ગ્લુકોઝ-ડિપેન્ડન્ટ ઇન્સ્યુલિનિઓટ્રોપિક પૉલિપેપ્ટાઇડ (જીઆઇપી) તરીકે ઓળખાય છે.

આ દવાઓ આપણા કોષોની સપાટી ઉપર રહેનારા વિશિષ્ટ અણુઓ સાથે બંધાઈ જાય છે, જે જીએલપી-1 અને જીઆઇપી રિસેપ્ટર્સ તરીકે ઓળખાય છે. આપણે ધરાઈ ગયાં હોઈએ, ત્યારે શરીરને સંકેત આપવામાં તેની ચાવીરૂપ ભૂમિકા રહે છે.

સામાન્યપણે, આ દવાઓ લેનારી વ્યક્તિનું વજન શરૂઆતનાં થોડાં અઠવાડિયાંમાં જ ઊતરવા માંડે છે.

આ દવાઓ માત્ર સ્થૂળ લોકોનું વજન ઉતારવા માટે જ મંજૂરી ધરાવતી હોવા છતાં તબીબી દૃષ્ટિએ સ્થૂળ ન ગણાતા હોય, તેવા લોકો માટે પણ તેનું ખાનગી બજાર ઝડપથી વૃદ્ધિ પામી રહ્યું છે.

આ દવાઓની લોકપ્રિયતા વધી રહી છે, કારણ કે, દવાઓ અત્યંત અસરકારક હોય છે.

72 અઠવાડિયાંમાં 14થી 20 ટકા જેટલું વજન ઊતરી જતું હોય છે, પણ 10થી 15 ટકા લોકોના વજનમાં નજીવો ઘટાડો થાય છે. આવા લોકોને “નૉન-રિસ્પૉન્ડર્સ” કહેવામાં આવે છે.

જીએલપી-1ની અસરની નકલ કરતી વજન ઘટાડનારી દવાઓ લોકોને ઝડપથી વજન ઉતારવામાં મદદરૂપ નીવડી શકે છે, પણ ઊતરેલું વજન લાંબા સમય સુધી જાળવી રાખવું પડકારરૂપ હોય છે.

ગ્લાસગો યુનિવર્સિટી ખાતે કાર્ડિયોમેટાબૉલિક મેડિસિનના પ્રોફેસર તથા બ્રિટિશ સરકારના ઓબેસિટી હેલ્થકેર ગોલ્સ પ્રોગ્રામની આગેવાની લઈ રહેલા નવીદ સત્તાર જણાવે છે, “જીએલપી-1 એ સસ્તા અને કેલરીથી ભરચક ખોરાક ધરાવતા આધુનિક સમયના સ્થૂળતા વધારનારા વાતાવરણ સામે આપણું રક્ષણ કરતા “રાસાયણિક કવચસમાન” છે.”

સત્તાર વજન ઉતારતી દવાઓ બનાવનારી કંપનીઓ સાથે તબીબી પરીક્ષણોમાં સલાહકાર તરીકે કામ કરી ચૂક્યા છે. જોકે, તેઓ તેમાં કોઈ હિસ્સો ધરાવતા નથી.

તેઓ કહે છે, “દરેક જગ્યાએ ખોરાક ઉપલબ્ધ છે અને કોઈપણ વ્યક્તિ ફોન ઉઠાવીને અડધો કલાકની અંદર 10,000 કેલરી ધરાવતા ખોરાકનો ઑર્ડર આપી શકે છે.”

દવાઓ બંધ કરતાંવેંત વજન પાછું વધવા માંડશે.

50 કે તેના કરતાં વધુ બીએમઆઈ ધરાવનારી વ્યક્તિઓ માટે વજન વ્યવસ્થાપન કાર્યક્રમ ચલાવનારા કમિંગ્ઝ કહે છે કે, જો કોઈ સ્થૂળ વ્યક્તિ વજન ઉતારતી દવાઓ લેવાનું શરૂ કરે, તો તે વ્યક્તિએ એ સમજી લેવું જોઈએ કે, તેમણે લાંબા સમય સુધી આ દવા લેવી પડે, તેવી શક્યતા છે.

કમિંગ્ઝના દર્દીઓ વજન ઘટાડતી દવાઓ લેવાનું શરૂ કરે, તે પહેલાં તેમને પૂછતા હોય છે કે, તેમણે ક્યાં સુધી આ દવાઓ લેવી પડશે?

સામાન્ય રીતે તો, તેઓ લગભગ એકાદ વર્ષ પછી દવા લેવાનું બંધ કરી દેતા હોય છે.

9,000 કરતાં વધુ દર્દીઓને આવરી લેતા વૈજ્ઞાનિક અભ્યાસોના એક વિશ્લેષણ પ્રમાણે, સારવારની સરેરાશ અવધિ 39 અઠવાડિયાં રહી હતી.

લોકો માનતા હોય છે કે, તેઓ તેમના મનોબળથી વજન ઘટાડવાનું ચાલુ રાખી શકે છે, પણ પુરાવા સૂચવે છે કે, આવું કશું થતું નથી.

કમિંગ્ઝના તારણ પ્રમાણે, લોકો વિવિધ કારણોસર દવા બંધ કરતાં હોય છે, જેમાં સારવારનો ખર્ચો, વીમા કંપની દ્વારા કવરેજ બંધ કરી દેવું કે પછી લાંબા સમય સુધી દવાઓ ઉપર રહેવાની અનિચ્છા, વગેરેનો સમાવેશ થાય છે.

અને જ્યારે લોકો દવાઓ લેવાનું બંધ કરી દે છે, ત્યારે તેમનું વજન ફરી પાછું વધવા માંડે છે.

તાજેતરના અભ્યાસમાં માલૂમ પડ્યું હતું કે, વર્તણૂક બદલવા પર કેન્દ્રિત વજન ઘટાડવાના ઉપચારના મુકાબલે વજન ઘટાડવાની દવાઓ બંધ કરી દીધા પછી વજન ચારગણી ઝડપે વધવા માંડતું હોય છે.

અન્ય એક અભ્યાસમાં જોવા મળ્યું હતું કે, વજન ઘટાડવાની દવાઓ લેનારા લોકોએ દવા લેવાનું બંધ કરી દીધાનાં આઠ અઠવાડિયાં પછી તેમનું વજન 1.5 કિલોગ્રામ (3.3 પાઉન્ડ) વધી ગયું હતું.

એટલું જ નહીં, સમય વીતવા સાથે વજન વધતું જ ગયું હતું. સમાન અભ્યાસમાં એ પણ જોવા મળ્યું હતું કે, ઊંચા બ્લડ પ્રેશર જેવી આરોગ્યલક્ષી અન્ય સમસ્યાઓ પણ પાછી ઉદ્ભવી હતી.

નવા સંશોધનમાં એ પણ માલૂમ પડ્યું છે કે, વજન ઘટાડવાની દવાઓ બંધ કરનારા લોકોનું વજન એક વર્ષ પછી ઘટેલા વજનના આશરે 60 ટકા જેટલું પાછું વધી જતું હોય છે.

સત્તાર કહે છે કે, વજન ઝડપથી પાછું વધવા માટે સંશોધકો જેને “ફૂડ નૉઇસ” કહે છે, તે સ્થિતિ જવાબદાર હોય છે, જેમાં સતત ખોરાકના જ વિચારો આવ્યા કરે છે.

આપણે “ઓબેસોજેનિક” ગણાતા ખોરાકના વાતાવરણ વચ્ચે જીવીએ છીએ, અર્થાત્, આપણે સ્થૂળતાનું જોખમ વધારે, એવી ખોરાકની પસંદગીઓ કરવા માટે પ્રેરતા વાતાવારણમાં રહીએ છીએ.

આમાં હોર્મોન્સ પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે કોઈ વ્યક્તિ વજન ઘટાડવાનો પ્રયત્ન કરે, ત્યારે તે શક્તિશાળી હોર્મોનલ રિસ્પૉન્સને ટ્રિગર કરે છે, જે તમારા શરીરને ઘટાડેલું વજન પાછું મેળવવા પ્રેરે છે.

કમિંગ્ઝ સમજાવે છે કે, તેના કારણે, દિમાગ કેલરીમાં થયેલા ઘટાડાને ઊર્જાની કમી ગણી લે છે.

આથી, વજન ઘટાડવાની દવા બંધ કર્યા પછી ભૂખ ઉત્તેજિત કરનારાં હોર્મોન્સ વધે છે, જ્યારે ઊર્જા (એનર્જી) બળવાનો દર (ચયાપચયનો દર) ઘટે છે.

કમિંગ્ઝ કહે છે, “જો જૈવિક સંરક્ષણ પૂરતું મજબૂત હોય, તો તેનાથી દવાની અસરકારકતા ઘટી શકે છે.”

જીવનશૈલીમાં ફેરફાર

વજન ઉતારવા માટે ગોળીઓ અને ઇન્જેક્સન લેવાય, ડાયાબિટીસ ટાઇપ-2, વજન કેટલું હોવું જોઈએ બીએમઆઈ, ઓઝેમ્પિક અને માઉન્જારો, બીબીસી ગુજરાતી સાથે સમજો,

ઇમેજ સ્રોત, Getty Images

સત્તારે નોંધ્યું છે કે, જીવનશૈલીમાં ફેરફાર લાવનારા લોકો પૈકીના કેટલાક લોકો માટે ડોઝ ઘટાડવો અથવા તો દવાનો તૂટક-તૂટક ઉપયોગ શક્ય બની શકે છે.

તેમણે જણાવ્યું હતું કે, કેટલાક લોકો ખરેખર તેમના આહારમાં પાયાગત ફેરફારો કરતા હોય છે.

“અન્ય લોકોને શરૂઆત કરી હતી, તેના કરતાં ઓછા ડોઝની જરૂર પડી શકે છે, પણ ખોરાકની સ્થિતિ સમાન જ રહેતી હોવાને લીધે મોટાભાગના લોકોએ દવાનો થોડો ડોઝ લેતા રહેવાની જરૂર પડતી જ હોય છે.”

આ ઉપરાંત, વજન ઉતારતી દવાઓ લેવાની સાથે-સાથે જીવનશૈલીમાં સુધારો કરવાથી વજન અસરકારક રીતે ઘટતું હોવાના પુરાવા મોજૂદ હોવા છતાં, લોકો જીવનશૈલીમાં ફેરફાર ન કરવો પડે, એટલે વજન ઘટાડવાની દવાઓ લેતા હોય છે, તેને લઈને પણ ચિંતા પ્રવર્તી રહી છે.

નિષ્ણાતોએ તાજેતરમાં જ પુરાવાની વૈજ્ઞાનિક સમીક્ષામાં એવી ચેતવણી આપી છે કે, જ્યારે વજન ઉતારવાની દવા લેનારા લોકો માટે વર્તનલક્ષી અને જીવનશૈલી સંબંધિત સહાયનો અભાવ હોય, ત્યારે તેવા લોકોમાં પોષક તત્ત્વોની કમી સર્જાઈ શકે છે.

“આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે, લોકો પર્યાપ્ત માત્રામાં પ્રોટીન, વિટામિન્સ તથા ખનીજ તત્ત્વો મેળવી રહ્યા હોય,” એમ કૅમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે ન્યૂટ્રિશન ઍન્ડ બિહેવિયરલ સાયન્ટિસ્ટ તથા અહેવાલનાં મુખ્ય લેખિકા મેરી સ્પ્રિકલીએ જણાવ્યું હતું. “તમે કમજોરી કે મસલ લૉસ જેવાં લાંબા ગાળાનાં અણધાર્યાં પરિણામો નથી ઇચ્છતાં અને આપણે એક સ્વાસ્થ્યલક્ષી સમસ્યાને બદલે બીજી નોતરવા નથી માગતાં.”

મેરી અને તેમના સાથીઓ નોંધે છે કે, આ દવાઓને કારણે ભૂખ સાવ ઓછી થઈ જતી હોવાથી દર્દીઓનો ખોરાક ઘણો ઘટી જાય છે. જો દર્દીને લાંબા ગાળાની સહાય ન મળે અને આહારની પસંદગીઓ નબળી રહે, તો તે એક “ગુમાવેલી તક” પુરવાર થઈ શકે છે.

વજન ઘટાડવાની દવાથી ઝડપથી પરિણામ નથી મળતું

વજન ઉતારવા માટે ગોળીઓ, ડાયાબિટીસ ટાઇપ-2, વજન કેટલું હોવું જોઈએ બીએમઆઈ, ઓઝેમ્પિક અને માઉન્જારો, બીબીસી ગુજરાતી સાથે સમજો,

ઇમેજ સ્રોત, Getty Images

આથી જ, વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને જણાવ્યું હતું કે, એકલી દવાથી “સ્થૂળતાનો પડકાર નાથી શકાશે નહીં”. પ્રારંભિક દરમિયાનગીરીઓ, સ્ક્રીનિંગ અને તંદુરસ્ત વાતાવરણનું સર્જન કરવું પણ એટલું જ મહત્ત્વપૂર્ણ હોવાનું સંગઠને જીએલપી-1 દવાઓનો ઉપયોગ કરવા અંગેની તેની માર્ગદર્શિકામાં જણાવ્યું હતું.

સત્તાર જણાવે છે, “લોકોની દવા ચાલુ હોય, તે સમયે જીવનશૈલીમાં ફેરફાર કરવો સરળ છે. તે સમયે વ્યક્તિ પાસે આહાર વિશે વિચારવાની તક હોય છે.”

પરંતુ, બ્રિટનની લફબરો યુનિવર્સિટી ખાતે બિહેવિયરલ મેડિસિનનાં પ્રોફેસર અમાન્ડા ડેલી કહે છે કે, વર્તનલક્ષી પરિવર્તન અત્યંત પડકારજનક છે. તેઓ કહે છે કે, એક વખત જીએલપી-1 દવા લેવાનું બંધ કરી દીધા પછી વજન કેટલું ઝડપથી વધી શકે છે, તે વિશે લોકોને બહેતર સમજૂતી પૂરી પાડવી જરૂરી છે.

વજન ઘટાડનારી દવાઓ લેનારા લોકો માટે વર્તણૂક અને જીવનશૈલી સંબંધિત સહાયનો અભાવ હોય, ત્યારે તેમનામાં પોષક તત્ત્વોની ઊણપ સર્જાઈ શકે છે.

તેઓ કહે છે કે, સ્થૂળતા દીર્ઘકાલીન અને ફરીથી ઊથલો મારી શકે, તેવી સમસ્યા છે. તેનો અર્થ એ કે, આ સ્થિતિ માત્ર દવાથી “મટી શકતી નથી”.

આથી જ, દર્દીઓ આહારમાં ફેરફાર કરે અને શારીરિક પ્રવૃત્તિ વધારે, તે સુનિશ્ચિત કરવા માટે ઉમેરારૂપ સહાય અને “રેપ-અરાઉન્ડ કેર” (સર્વાંગી કાળજી) જરૂરી બની રહે છે.

તેઓ જણાવે છે કે, ખાનગી પ્રોવાઇડર્સ આ ઉમેરારૂપ સહાય પૂરી પાડે છે કે કેમ, તે સ્પષ્ટ નથી. અને આ બાબત ચિંતાજનક છે, કારણ કે, ઘણા લોકો ખાનગી રાહે દવા મેળવે છે અને તેમની સારવાર, કાળજી સતત ચાલુ રહે, તેનું નિરીક્ષણ કરવું મુશ્કેલ છે.

સૂક્ષ્મ-સંકેતો વર્તનમાં બદલાવ લાવવા માટે સહાયરૂપ

વજન ઉતારવા માટે ગોળીઓ, ડાયાબિટીસ ટાઇપ-2, વજન કેટલું હોવું જોઈએ બીએમઆઈ, ઓઝેમ્પિક અને માઉન્જારો, બીબીસી ગુજરાતી સાથે સમજો,

ઇમેજ સ્રોત, Getty Images

આ પૈકીની કેટલીક સમસ્યાઓ દૂર કરવા માટે સ્ટેનફોર્ડ સ્થિત સંશોધકોએ જીવનશૈલીમાં સહાય તથા પ્રોત્સાહન આપી શકાય, તે અંગે અભ્યાસ કર્યો છે.

તાજેતરના જ એક અભ્યાસમાં સંશોધકોએ – નાના સંકેતો અથવા તો માઇક્રોસ્ટેપ્સ જીએલપી દવાઓ લેનારા લોકોમાં વર્તણૂક પરિવર્તનને પ્રોત્સાહિત કરવામાં મદદરૂપ બની શકે છે કે કેમ, તે અંગે પરીક્ષણ કર્યું હતું.

“શ્રેષ્ઠ આરોગ્ય હાંસલ કરવામાં દવાઓ ઉપરાંત પણ ઘણું બધું સામેલ હોય છે.”

આ નાના ફેરફારો પોષણ, શારીરિક પ્રવૃત્તિ, ઊંઘ અને તણાવના વ્યવસ્થાપન પર કેન્દ્રિત હતા. સૌથી મહત્વની વાત એ છે કે, સૂક્ષ્મ પગલાં નાનાં અને વ્યવસ્થિત હતાં, જેમકે, ખાંડયુક્ત પીણાને બદલે પાણી પીવું, બપોરના ભોજન પછી કોફી ન પીવી, તણાવની સ્થિતિમાં ઊંડા શ્વાસ લેવા કે પછી પાંચ મિનિટ માટે ખુલ્લી હવામાં જવું.

તેમણે જોયું કે, તેનાથી વર્તનલક્ષી અપેક્ષાઓમાં સુધારો થયો હતો. અભ્યાસમાં સામેલ સ્ટેનફોર્ડ સ્કૂલ ઓફ મેડિસિન ખાતે ક્લિનિકલ એસોસિયેટ પ્રોફેસર માયા ઍડમે જણાવ્યું હતું કે, આ “અપેક્ષા” જ વર્તનલક્ષી બદલાવ માટેનું પ્રથમ આવશ્યક પગલું છે.

“શ્રેષ્ઠ આરોગ્ય હાંસલ કરવામાં દવાઓ ઉપરાંત પણ ઘણું બધું સામેલ હોય છે. અમે જોયું કે, લોકોને આ નાના સંકેતો આપવા અસરકારક બની શકે છે,” એમ તેમણે જણાવ્યું હતું.

તેઓ આ પગલાંને “નિષ્ફળ જવા માટે ખૂબ નાના” ગણાવે છે, કારણ કે, રોજબરોજના નાના ફેરફારો અને આદતો સુદ્ધાં સમય વીતવા સાથે મોટું પરિવર્તન લાવતાં હોય છે.

વજન ઊતારવાની દવાઓની કેવી આડઅસરો થઈ શકે?

વજન ઉતારવા માટે ગોળીઓ, ડાયાબિટીસ ટાઇપ-2, વજન કેટલું હોવું જોઈએ બીએમઆઈ, ઓઝેમ્પિક અને માઉન્જારો, બીબીસી ગુજરાતી સાથે સમજો,

ઇમેજ સ્રોત, Getty Images

ડેલી કહે છે કે, દવાઓની જાણીતી આડઅસરોને ધ્યાનમાં લેતાં, લોકોને પરિવર્તન લાવવા માટે જરૂરી સાધનો આપવા માટે આ પ્રકારની દરમિયાનગીરીઓ આવશ્યક બની રહે છે.

“તેમાં પાચનતંત્રની સમસ્યાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત, સ્વાદુપિંડમાં સોજો અને પિત્તાશયમાં પથરીની સમસ્યામાં વધારો થતો હોવાનું પણ જોવા મળ્યું છે.”

“તે ઉપરાંત, ખાસ કરીને જે લોકો વ્યાયામ ન કરતા હોય, તેમનામાં મસલ લોસ (સ્નાયુઓને થતું નુકસાન) પણ ચિંતાનો વિષય છે. તાજેતરના જ એક અભ્યાસમાં હાડકાં અને સાંધાની સ્થિતિ સાથે પણ સંબંધ જોવા મળ્યો હતો.”

એક મહત્ત્વના અભ્યાસમાં આ દવાઓ હૃદયના બહેતર આરોગ્ય, ઓછા સંક્રમણ તથા ડિમેન્શિયા (વિસ્મરણની બિમારી)ના ઓછા કિસ્સા સાથે જોડાયેલી જોવા મળી હતી.

હવે આપણી પાસે જીએલપી-1 દવાઓની અસરકારકતા અંગેનો ઘણાં વર્ષોનો ડેટા મોજૂદ હોવા છતાં હજુ સુધી આપણે એ નથી જાણતા કે, તેનાં લાંબા ગાળાનાં પરિણામો શું હશે અથવા તો સમય જતાં તેનાં પરિણામો ઘટવા માંડશે કે કેમ.

વળી, ગર્ભાવસ્થા દરમિયાન વજન ઘટાડવાની દવા ન લેવાની સલાહ અપાતી હોવાથી આ દવાઓ ગર્ભાવસ્થાનાં પરિણામો કે ભાવિ પેઢીઓને કેવી રીતે અસર કરે છે, તે અંગેના ડેટાનો પણ અભાવ છે.

પરંતુ, સત્તાર અને કમિંગ્ઝ, બંને કહે છે કે, સ્થૂળતા સાથે જીવનારા લોકો માટે આરોગ્યનાં નકારાત્મક પરિણામોને જોતાં, દવાઓની આડઅસરો તુલનાત્મક રીતે સાવ મામૂલી લાગે છે.

ખાસ કરીને તે વજન સંબંધિત વિવિધ બીમારીઓથી પીડિત લોકો માટે છે.

હૃદય રોગ, કૅન્સર અને સ્ટ્રોક વિશ્વભરમાં મૃત્યુનાં મુખ્ય કારણો છે અને તે તમામ સ્થૂળતા સાથે જોડાયેલાં છે.

વજન ઘટાડવાની દવાઓમાં કેવા ફેરફાર થઈ રહ્યા છે?

વીડિયો જુઓ

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS