Home તાજા સમાચાર gujrati વકફ કાયદામાં સંશોધનથી સરકારને શું ફાયદો થશે?

વકફ કાયદામાં સંશોધનથી સરકારને શું ફાયદો થશે?

2
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, વકફ બોર્ડ, મુસ્લિમ, મુસલમાન, ધર્મ, ઇસ્લામ, ભારતમાં મુસ્લિમો, ગુજરાતમાં મુસલમાન, ભારતીય જનતા પાર્ટી, મોદી સરકાર, ભારત, કાયદો

ઇમેજ સ્રોત, Getty Images

  • લેેખક, ઇમરાન કુરૈશી
  • પદ, બીબીસી હિન્દી માટે
  • 7 એપ્રિલ 2025, 17:18 IST

    અપડેટેડ 5 કલાક પહેલા

વકફ સંશોધન બિલ હવે કાયદાનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. શનિવારે રાત્રે રાષ્ટ્રપતિએ તેને મંજૂરી આપી દીધી છે.

વકીલો અને જાણકારોનું કહેવું છે કે લાંબા સમય બાદ વકફ કાયદામાં લાવેલા સંશોધનનો ફાયદો સરકારને થઈ શકે છે. સંસદ અને બહાર સિવિલ સોસાયટીનો ઉગ્ર વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે જે સંશોધન પાસ કરાવ્યું, તેના પર કોર્ટમાં પણ સવાલ થશે.

વરિષ્ઠ વકીલોએ તર્ક આપ્યો છે કે સંસદનાં બંને સદનમાંથી પાસ થયેલા નવા સંશોધનથી અનેક જોગવાઈનું ઉલ્લંઘન થયું છે.

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ રઉફ રહીમે બીબીસીને કહ્યું, “એવા ઘણા મુદ્દા છે, જેના લીધે કાયદા પર કોર્ટમાં સવાલ થશે. જોકે તેનો આધાર શું છે, એ કાયદા સંબંધિત લોકો નક્કી કરશે.”

ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ (એઆઈએમપીએલબી) અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (આઈયુએમએલ) જેવી અનેક સંસ્થાઓએ અગાઉથી નવા કાયદાને કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી છે.

સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ એમઆર શમશાદે કહ્યું, “નવો કાયદો ઇસ્લામિક પરોપકાર (વકફ માટે બીજો શબ્દ)ને ખતમ નહીં કરે. પાંચ વર્ષ બાદ એ થશે કે પ્રશાસન કહેશે કે પાંચ વર્ષ પહેલાં વિવાદ થયો હતો અને સંપત્તિ પર કબજો કરી લેવાશે. એટલે કે સરકારને સૌથી વધુ ફાયદો થશે.”

રહીમે કહ્યું, “વકફનો સવાલ છે, તો મને હાલમાં કાળા દિવસો દેખાઈ રહ્યા છે. આ સંશોધન વિધેયક સારી રીતે તૈયાર કરાયું નથી, પણ એ સારી રીતે ઘડાયેલો કાયદો ચોક્કસ છે. તેની અનેક જોગવાઈ અટપટી છે, જેમાંથી સરળતાથી નીકળી શકાય તેમ નથી.”

‘વકફ જમીન પોતાનું વકફ કૅરેક્ટર ગુમાવી દેશે”

બીબીસી ગુજરાતી, વકફ બોર્ડ, મુસ્લિમ, મુસલમાન, ધર્મ, ઇસ્લામ, ભારતમાં મુસ્લિમો, ગુજરાતમાં મુસલમાન, ભારતીય જનતા પાર્ટી, મોદી સરકાર, ભારત, કાયદો

ઇમેજ સ્રોત, Getty Images

સૈયદ જફર મહમૂદ ભારતમાં મુસલમાનોની સ્થિતિ પર બનેલી જસ્ટિસ રાજિન્દર સચ્ચર કમિટીના પૂર્વ ઓએસડી છે. તેમણે બીબીસીને કહ્યું, “વકફની મોટા ભાગની સંપત્તિ પોતાનું વકફ કૅરેક્ટર ગુમાવી દેશે. બહુ ઓછી સંપત્તિ વકફ સંપત્તિના રૂપમાં બચશે. બાકીની સંપત્તિ ખતમ થઈ શકે છે.”

પૂર્વ કેન્દ્રીય મંત્રી કે રહમાન ખાને વકફ અધિનિયમમાં 2013માં સંશોધન કર્યું હતું.

તેમણે એક અનુમાન લગાવ્યું હતું કે “અંદાજે 1.25 લાખ એકર વકફ જમીન (દેશમાં 9.4 લાખ એકર) પર વિભિન્ન સરકારોએ અતિક્રમણ કરી લીધું હતું, તો વકફની સંપત્તિ નહીં રહે.”

રાષ્ટ્રીય રાજધાની સહિત વિભિન્ન રાજ્યોની અતિક્રમણ કરેલી વકફ જમીન, વકફ સંપત્તિના રખેવાળોએ કરેલા દાવાને આધીન જમીન, જેને હડપ કરી લેવાઈ હતી અથવા અતિક્રમણ કરી લેવાયું હતું, તેનું વિવરણ સરળતાથી ઉપલબ્ધ નથી.

વકફ સંપત્તિઓને કૉમર્શિયલ ઉપયોગ માટે નજીવા ભાડે અપાઈ છે. મહમૂદે કહ્યું, “સંસદમાં સરકારે એ આશ્વાસન આપ્યું છે કે વકફના કેસમાં દખલ નહીં કરાય. આ સાંભળવામાં સારું લાગે છે. પરંતુ રાજ્ય વકફ બોર્ડના લોકો જ નિર્ણય લેશે. તેમની મંજૂરી વિના કોઈ ફાળવણી નથી થતી. આથી ભવિષ્યમાં એવું પણ થતું રહેશે.”

પ્રતિનિધિત્વમાં ફરક

બીબીસી ગુજરાતી, વકફ બોર્ડ, મુસ્લિમ, મુસલમાન, ધર્મ, ઇસ્લામ, ભારતમાં મુસ્લિમો, ગુજરાતમાં મુસલમાન, ભારતીય જનતા પાર્ટી, મોદી સરકાર, ભારત, કાયદો

ઇમેજ સ્રોત, Getty Images

રહમાન ખાન કહે છે, “આ નજરિયાથી રાજ્ય વકફ બોર્ડ (એસડબ્લ્યુબી) અને કેન્દ્રીય વકફ પરિષદ (સીડબ્લ્યુસી)ની રચના પણ કરાવવી જોઈએ. સૌથી પહેલા નવા કાયદા અનુસાર મોટા ભાગના સભ્યો મુસ્લિમ હોવા જરૂરી નથી. એવું બની શકે કે જે લોકો નિર્ણય લેશે તેમાં મોટા ભાગના મુસ્લિમ નહીં હોય.”

કાયદો કહે છે કે બોર્ડ અને પરિષદમાં કમસે કમ બે બિનમુસ્લિમ સભ્ય અનિવાર્ય હશે. બીજી એક બાબત રહી ગઈ તે એ છે કે નવું સંશોધન એ પણ કહે છે કે 50 ટકાથી વધુ સભ્યો મુસ્લિમ હોવા અનિવાર્ય નથી. ભલે બંધારણીય રીતે વકફને મુસલમાનો દ્વારા સંચાલિત કરવાનું જરૂરી હોય. આપણા દેશમાં અન્ય ધર્મોના એકમો સાથે પણ આવું જ છે.

મહમૂદ કહે છે, “બંધારણનો અનુચ્છેદ 26 એ ગૅરંટી આપી છે કે પ્રત્યેક ધાર્મિક સંપ્રદાયને પોતાના મામલાની વ્યવસ્થા કરવાનો અધિકાર છે. આ સિવાય તેમને સંપત્તિનું સ્વામિત્વ રાખવાનો, તેને હાંસલ કરવાનો અને તેના પર પ્રશાસન કરવાનો અધિકાર છે.”

“આ રીતે મુસલમાનોના મૌલિક અધિકારીઓનું ઉલ્લંઘન થયું છે. તેઓ હવે કેન્દ્રીય વકફ પરિષદ અને રાજ્ય વકફ બોર્ડોમાં બહુમતીમાં નહીં રહે.”

મહમૂદ કહે છે, “ભાડવાત આભાસી રીતે ત્યાં સુધી માલિક બની શકે છે, જ્યાં સુધી કોર્ટ એવું ન કહે કે સંશોધન પર પુનર્વિચાર કરાય ત્યાં સુધી કોઈ પણ ફેરફાર ન કરવો જોઈએ.”

ગંભીર સમસ્યા શું છે?

બીબીસી ગુજરાતી, વકફ બોર્ડ, મુસ્લિમ, મુસલમાન, ધર્મ, ઇસ્લામ, ભારતમાં મુસ્લિમો, ગુજરાતમાં મુસલમાન, ભારતીય જનતા પાર્ટી, મોદી સરકાર, ભારત, કાયદો

ઇમેજ સ્રોત, Getty Images

રહીમ કહે છે કે એવી ઘણી બાબતો છે, જેના માધ્યમથી વકફની જમીન પર કબજો કરાઈ શકે છે.

તેઓ કહે છે, “પહેલું એ કે એક સરકારી ઑથૉરિટી છે, જે એ નક્કી કરશે કે કોઈ સંપત્તિ વકફ છે કે નહીં. જેવું તેમને લાગશે કે આ વકફની સંપત્તિ છે કે નહીં, તો એ સાબિત કરવું એ તમારી જવાબદારી હશે કે આ ખરેખર વકફની સંપત્તિ છે.”

રહીમે કહ્યું, “જેવા તમે આ ઑથૉરિટીની નજરમાંથી બચી જશો, ત્યાં તમે બીજામાં ફસાઈ જાવ છો. આ છે લિમિટેશન ઍક્ટ. પહેલાં લિમિટેશન ઍક્ટ હંમેશાં માટે હતો. જેમ કે સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો હતો કે વકફ હંમેશાં વકફ જ રહે છે.”

“હવે માનો કે કોઈ અતિક્રમણ છે અને તે રેકૉર્ડમાં દર્શાવ્યું નથી અથવા તો કેરટેકર સંપત્તિને અલગ કરીને વેચી મારે છે તો તમે કોર્ટ જઈ શકો છો. પરંતુ હવે તમે આવું નહીં કરી શકો, કેમ કે તમને કહેવામાં આવશે કે તમારે ત્રણ કે પાંચ વર્ષ પહેલાં કોર્ટ જવું જોઈતું હતું.”

રહીમે કહ્યું, “નવા સંશોધનથી પહેલાંની અસર બદલાઈ જશે. જેમ કે જમીન સુધાર અધિનિયમ હોય કે રાજ્યકક્ષાએ કોઈ કાયદો. કાયદો અસંગત હોઈ શકે છે. પરંતુ કોઈ વિવાદ હોય તો કયો કાયદો પ્રબળ હશે? આનાથી દાવાદલીલનો સિલસિલો શરૂ થઈ જશે. હકીકતમાં એક રસ્તો બનાવાયો છે.”

મુસલમાન હોવાનું પ્રમાણ

બીબીસી ગુજરાતી, વકફ બોર્ડ, મુસ્લિમ, મુસલમાન, ધર્મ, ઇસ્લામ, ભારતમાં મુસ્લિમો, ગુજરાતમાં મુસલમાન, ભારતીય જનતા પાર્ટી, મોદી સરકાર, ભારત, કાયદો

ઇમેજ સ્રોત, Getty Images

શમશાદ વધુ એક કારણ રજૂ કરે છે, જેનાથી નવા સંશોધનને કોર્ટમાં પડકારી શકાય છે.

તેમણે કહ્યું, “કાયદાકીય રીતે આ સંશોધન વકફની એ આખી યોજનાને અસર કરે છે, જેની ઇસ્લામમાં કલ્પના કરાયેલી છે. તેને બંધારણના અનુચ્છેદ 25 અને 26 હેઠળ પણ સંરક્ષણ મળેલું છે.”

“નવા વકફ બનાવવામાં એવી શરતો છે, જેમાં ગંભીર સમસ્યા થઈ શકે છે. નવા કાયદા અનુસાર, જો કોઈ પણ નવું વકફ બનાવવા માગે તો તેને એ સાબિત કરવું પડશે કે તે મુસલમાન છે. એ સાબિત કરવું પડશે કે તે કમસે કમ પાંચ વર્ષથી ઇસ્લામ ધર્મનું પાલન કરે છે.”

તેઓ કહે છે, “કોઈ વ્યક્તિ મુસલમાન છે એ સાબિત કરવાનો શરૂઆતનો માપદંડ શું છે? શું એ તેનાથી નક્કી થશે કે કોઈ વ્યક્તિ દાઢી વધારે છે કે પછી તે કેવી રીતે અને ક્યારે નમાજ પઢે છે. આનો હેતુ વકફના નિર્માણને પ્રતિબંધિત કરવાનો છે.”

ઘણાં જોડાયેલાં પાસાં પર શમશાદ વિરોધ દર્શાવે છે. તેમણે કહ્યું, “સરકારના અધિકારી એ નક્કી કરશે કે કોઈ વ્યક્તિ વકફને જમીન આપે તો તેનાથી ઉત્તરાધિકારીનો અધિકાર પ્રભાવિત થશે કે નહીં.”

“એક મુસલમાન તરીકે મારા સંભવિત ઉત્તરાધિકારી પાસે કોઈ અધિકાર નથી. પણ સંભવિત ઉત્તરાધિકારીને નવા વકફ બનાવવા માટે નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ આપવાનું રહેશે.”

‘વકફ બાય યૂઝર’ને હઠાવતા પણ શમશાદ અને રહીમ જેવા વકીલો નારાજ થયા છે.

શમશાદ કહે છે કે ‘વકફ બાય યૂઝર’ના સિદ્ધાંતનો અર્થ છે કે એવી સંપત્તિ જે મસ્જિદો અને કબ્રસ્તાનો જેવા ધાર્મિક કે ધર્માર્થ ઉદ્દેશ માટે નિરંતર ઉપયોગને કારણે વકફ બની જાય છે. ભલે તેને ઔપચારિક રીતે વકફ ઘોષિત ન કરી હોય.

“આ વર્તમાન વકફને પ્રભાવિત કરે છે.”

રહીમ કહે છે, “તેને હઠાવવું એ બંધારણ દ્વાર મળેલા મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે. આ સુપ્રીમ કોર્ટના અનેક નિર્ણયોની વિરુદ્ધ છે, જેમાં આ સિદ્ધાંતને યથાવત્ રાખેલો છે.”

બીબીસી ગુજરાતી, વકફ બોર્ડ, મુસ્લિમ, મુસલમાન, ધર્મ, ઇસ્લામ, ભારતમાં મુસ્લિમો, ગુજરાતમાં મુસલમાન, ભારતીય જનતા પાર્ટી, મોદી સરકાર, ભારત, કાયદો

વકફ બોર્ડોની સામે સૌથી મોટી સમસ્યા એ લોકોની સામે કોર્ટ કેસ લડવો છે, જેમાં વકફ સંપત્તિઓની રક્ષા કરવાની ઉમેદ રખાય છે, એટલે કે કેરટેકર.

રહીમ કહે છે, “નવું સંશોધન કહે છે કે જો કોઈ કેરટેકર સંપત્તિને અલગ કરવા કે તેને ખોટી રીતે વેચવામાં સામેલ હોય તો તેને સંપત્તિ વેચવા માટે માત્ર છ મહિનાની સામાન્ય કેસની સજાનો સામનો કરવો પડશે.”

“ખોટું કામ કરનારાને સંરક્ષણ અપાયું છે, જ્યારે આ રીતે કોઈ પણ અન્ય સંપત્તિના મામલામાં સજા પાંચથી દસ વર્ષની હોય છે. પછી તેનો અન્ય કાયદા સાથે ટકરાવ થાય છે.”

રહીમે કહ્યું, “નવા કાયદાને લીધે ઘણી સંપત્તિઓને ખોટી રીતે અધિગ્રહણ કરવાની જગ્યા મળી રહી છે, જેના માટે કાયદામાં કોઈ જોગવાઈ નથી. ધીમેધીમે અધિકારોની સાથેસાથે સમાધાન પણ ખતમ થઈ રહ્યું છે.”

રહીમ એ પાસાં અંગે વાત કરે છે, જે સકારાત્મક છે. તેઓ કહે છે, “નવું સંશોધન એ સુનિશ્ચિત કરે છે કે બધા વિવાદોનો ઉકેલ છ મહિનામાં આવી જશે. તેમાં સુપ્રીમ કોર્ટની સામે અપીલ કરવાની જોગવાઈ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે વકફ ટ્રિબ્યુનલનું સંચાલન એક ન્યાયાધીશ જ કરશે. બીજું કે ઘણા બધા ટ્રિબ્યુનલની પણ જરૂર છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS