Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images/Tanvi Naik
“હું મારા પરિવાર સાથે લંડનમાં રહું છું. અહીં આવીને અમે કેટલાંક સપનાં જોયાં હતાં, કદાચ એ સપનાં સાકાર નહીં થાય પણ અમારી પાસે અત્યારે જે કંઈ પણ છે એ તો છીનવાઈ નહીં જાય ને! અમને હવે સાચે જ ડર લાગે છે. અમને નથી ખબર કે કાલે ઊઠીને અમારી સાથે શું થશે?” આ શબ્દો યુકેમાં રહેતા અને મૂળ રાજકોટના મહેશ મંગતાણીના છે.
માત્ર મહેશ મંગતાણી જ નહીં પણ યુકેમાં છેલ્લાં થોડાં વર્ષોમાં ગુજરાતથી આવીને વસેલા મોટા ભાગના લોકોને હવે તેમનું ભવિષ્ય અહીં ‘ધૂંધળું’ લાગે છે અને તેમને લાગે છે કે યુકેની સરકારે અચાનક વિઝાના નિયમોમાં ફેરફારની જાહેરાત કરીને તેમને ‘દગો આપ્યો’ છે.
વિદેશથી યુકે આવતા લોકોની સંખ્યા ઘટાડવા માટે ઇમિગ્રેશનના નિયમોમાં થનારા ફેરફારની જાહેરાત 12મી મેના દિવસે બ્રિટનની સંસદમાં કરાઈ છે.
વિઝાના નવા નિયમો પ્રમાણે ભણવા, કામ કરવા કે સ્થાયી થવા માટે યુકે આવવું મુશ્કેલ બનશે તો સાથે જ, છેલ્લાં થોડાં વર્ષોમાં યુકેમાં વિદેશથી આવીને વસેલા લોકોને પણ આ નવા નિયમોની અસર થવાની છે.
વિઝાના નિયમોમાં શું બદલાશે?

ઇમેજ સ્રોત, Getty Images
યુકે સરકારની જાહેરાત પ્રમાણે વિદેશથી યુકેમાં આવીને ભણવા, કામ કરવા કે સ્થાયી થવા માગતા લોકો માટે એકંદરે વિઝાના નિયમો કડક થશે.
આ સાથે જ વડા પ્રધાન કિઅર સ્ટાર્મરે જાહેરાત કરી છે કે “એન્જિનિયરો, એઆઈ નિષ્ણાતો, નર્સ તથા યુકેના સમાજની પ્રગતિમાં ખરેખર યોગદાન આપી શકે તેવા લોકો” માટે ફાસ્ટ-ટ્રૅક સૅટલમેન્ટની વ્યવસ્થા કરાશે, એટલે કે આ ક્ષેત્રોના લોકોને ઓછાં વર્ષમાં યુકેમાં સ્થાયી થવાની તક આપવાની સરકારની યોજના છે.
યુકેના વિઝા અંગે કયા મહત્ત્વના ફેરફાર થશે, તે સરળ શબ્દોમાં સમજીએ:
- કૅરવર્કર વિઝા પર નવા લોકો વિદેશથી હવે યુકે આવી નહીં શકે.
- યુકેમાં સ્થાયી થવા (ILR માટે) માટે પાંચના બદલે દસ વર્ષ સુધી સ્કિલ્ડ વર્કર વિઝા પર રહેવું પડશે.
- અભ્યાસ બાદ યુકેમાં રહેવા માટે મળતા ગ્રૅજ્યુએટ વિઝાનો સમય બે વર્ષથી ઘટાડીને દોઢ
- વર્ષ કરાશે.
- જુદા-જુદા 180 વ્યવસાયના લોકો યુકેમાં કામ કરવા માટે સ્કિલ્ડ વર્કર વિઝા પર આવી નહીં
- શકે.
- જુદા-જુદા વિઝા માટે અંગ્રેજીની લઘુત્તમ લાયકાત વધારી દેવાશે.
ઉલ્લેખનીય છે કે શ્વેતપત્રમાં વિઝાના આ નવા નિયમો લાવવાની સરકારે તૈયારી બતાવી છે, તેને લાગુ કરવા માટે સંસદમાં મૂળ કાયદામાં ફેરફાર કરવા પડશે.
‘…તો મારે આ દેશ છોડી ભારત જવું પડશે’

ઇમેજ સ્રોત, Tanvi Naik
વિઝાના આ નવા નિયમો અંગે કરાયેલી જાહેરાત બાદ યુકેમાં બીજા દેશથી આવીને વસેલા લોકો ચિંતામાં મુકાયા છે.
લંડન મેટ્રોપોલિટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં મુંબઈનાં તન્વી નાયક જાન્યુઆરી 2025માં જ્યારે યુકે આવ્યાં એ ત્યારે તેઓ અહીં સ્થાયી થવાનાં સપનાં સેવતાં હતાં. જોકે, આ જાહેરાત પછી તેઓ દ્વિધામાં મુકાયાં છે.
તન્વી કહે છે કે, “મને અંદાજ હતો કે સરકાર નિયમોમાં ફેરફાર કરશે પણ આટલા જલદી અને આટલા આકરા નિર્ણયો લેવાશે એવી આશા નહોતી, હવે હું સાચે જ મૂંઝવણમાં છું. જો મારે આ દેશમાં સ્થાયી થવા માટે દસ વર્ષ રાહ જોવાનો વારો આવ્યો, તો હું આ દેશ છોડીને બીજા કોઈ દેશમાં જવાનું અથવા તો ભારત પરત જવાનું પસંદ કરીશ.”
તન્વી આગળ કહે છે કે, “મારી જેમ લાખો રૂપિયાની ફી ભરીને આવેલા અનેક વિદ્યાર્થીઓને લાગે છે કે અમારી સાથે દગો થયો છે. યુકેમાં જલદી નોકરી મળતી નથી, મોંઘવારી છે અને એ વચ્ચે સરકારની આ જાહેરાત સાચે જ ડરાવનારી છે.”
તન્વીને લાગે છે કે ગ્રૅજ્યુએટ વિઝાનો સમય ઘટાડવાનો નિર્ણય પણ અયોગ્ય છે.
તેઓ કહે છે કે, “યુકેમાં રોજગારીની સ્થિતિ એટલી ખરાબ છે કે 200 અરજી કર્યા પછી પણ હજી સુધી મને નોકરી નથી મળી અને એ સ્થિતિમાં જો સરકાર ગ્રૅજ્યુએટ વિઝાની અવધિ છ મહિના જેટલી ઘટાડી દે તો વિદ્યાર્થીઓ નોકરી ક્યાંથી શોધી શકશે!”
અનિશ્ચિતતા, ચિંતા અને સવાલો

ઇમેજ સ્રોત, Sonal Mangtani
લંડનના હેરો પરગણામાં રહેતા 43 વર્ષના મહેશ મંગતાણી મૂળ રાજકોટના છે અને અત્યારે તેઓ આઈટી ક્ષેત્રે કામ કરે છે. તેઓ પત્ની અને દીકરી સાથે 2014થી અમેરિકામાં રહેતાં હતાં પણ ગ્રીનકાર્ડ અંગેની અનિશ્ચિતતાના કારણે તેઓ થોડાં વર્ષ પહેલાં યુકે આવીને વસ્યાં હતાં.
તેમને આશા હતી કે એકાદ વર્ષમાં તેઓ યુકેમાં કાયમી રીતે રહેવાની કાનૂની મંજૂરી (Indefinite Leave to Remain) માટે અરજી કરી શકશે, જોકે હવે તેમને ડર લાગે છે કે દસ વર્ષ પૂરાં થવાની રાહ જોવી પડી શકે છે.
મહેશ કહે છે કે, “સરકારે જાહેરાત કરી ત્યારે મને થયું કે હવે શું નવેસરથી શરૂઆત કરવી પડશે? મને નથી ખબર કે અમને જૂનો કાયદો લાગુ પડશે કે નવો, અમે ભારે મૂંઝવણમાં છીએ. બધી બચત ભેગી કરીને લંડનમાં અમે ઘર વસાવ્યું હતું, માંડ બધું ઠરીઠામ થઈ રહ્યું હતું પણ હવે જો નિયમ બદલાય તો અમારે નવેસરથી શરૂઆત કરવાનો વારો આવે. અમારે કોઈ એવા દેશમાં જવું પડે જ્યાં અમને જલદી નાગરિકતા મળી શકે.”
મહેશ અને તન્વીની જેમ યુકેમાં સ્થાયી થવાનાં કે નાગરિકતા મેળવવાનાં સપનાં સેવતાં અનેક લોકોનાં મનમાં હવે પ્રશ્નો ઊઠી રહ્યા છે.
યુકેમાં રહેતા ગુજરાતીઓને શું અસર થશે?

ઇમેજ સ્રોત, YouTube/BukhariChambers
યુકેમાં તાજેતરમાં આવીને વસેલા લોકોને પણ તેની અસર થઈ શકે છે, જેમાં ગુજરાતીઓ અને ભારતીયોનો મોટો વર્ગ છે.
તાજેતરનાં વર્ષોમાં કેટલા ગુજરાતીઓ યુકેમાં આવીને વસ્યા છે તેનો આંકડો ઉપલબ્ધ નથી. માઇગ્રેશન ઑબ્ઝર્વેટરીના રિપોર્ટ મુજબ, જુલાઈ 2023થી જૂન 2024ના ગાળામાં આશરે 2,40,000 ભારતીયો યુકેમાં આવી વસ્યા છે. આ પૈકી લગભગ 1,16,000 લોકો કામ માટે અને 1,27,000 લોકો અભ્યાસ માટે યુકે આવ્યા હતા.
સોશિયલ મીડિયામાં ‘મિસ્ટર બી’ તરીકે ઓળખાતા સૉલિસિટર અલી બુખારી કહે છે કે, “યુકેમાં કામ માટે કે ભણવા માટે આવતી વ્યક્તિ અમુક વર્ષમાં સ્થાયી થવાની ગણતરી સાથે આવતી હોય છે. આ જાહેરાત પછી લોકોની ગણતરી બગડી છે અને તેઓ અનિશ્ચિતતાભરી સ્થિતિમાં મુકાઈ ગયા છે.”
લંડનના હેરોમાં આવેલા સંગત ઍડ્વાઇઝ સેન્ટરના ઍડ્વાઇઝર કાંતિ નાગડાનું કહેવું છે કે આ જાહેરાત પછી સેંકડો લોકોએ મૂંઝવણના સમાધાન માટે તેમના સેન્ટરનો સંપર્ક કર્યો છે.
તો અલી બુખારીનું કહેવું છે કે, “સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર અમને મોટા પ્રમાણમાં લોકો પૂછી રહ્યા છે કે શું આ નિયમો અમને લાગુ પડશે? એનું કારણ એ છે કે સરકારે આ અંગે સ્પષ્ટતા કરી નથી.”
સૉલિસિટર બુખારી માને છે કે જે લોકો યુકેમાં સ્કિલ્ડ વર્કર વિઝા પર છે, તેમને સ્થાયી થવા માટે દસ વર્ષ સુધી રાહ જોવી નહીં પડે.
તેઓ કહે છે કે, “સરકાર એવું ન કરી શકે. જો સરકાર તમામ લોકો પર આ કાયદો લાગુ કરવા માગતી હોય તો સંસદમાં તેને મંજૂરી લેવી પડશે અને ભૂતકાળમાં જ્યારે આવા પ્રયાસો થયા છે ત્યારે અદાલતોએ તેમાં દખલ કરવી પડી છે.”
કાંતિ નાગડાનો મત પણ આવો જ છે અને તેઓ ઉમેરે છે કે આની સૌથી વધારે અસર યુકેમાં ભણી રહેલા વિદેશી વિદ્યાર્થીઓને થઈ શકે છે.
તેઓ કહે છે કે “નિયમોમાં જો ફેરફાર થાય તો તેની સૌથી મોટી અસર યુકેમાં વસતા એવા લોકોને થશે જેમની પાસે સ્કિલ્ડ વર્કર વિઝા નહીં હોય. વિદ્યાર્થીઓની સામે સૌથી મોટો પડકાર સ્કિલ્ડ વર્કર વિઝા મેળવવાનો છે.”
તેઓ માને છે કે આ નવા નિયમોને લાગુ થવામાં હજી વખત લાગશે. આગામી દિવસોમાં પ્રકાશિત થનારા સરકારી દસ્તાવેજોમાં સ્પષ્ટ થશે કે યુકેમાં અત્યારે રહેતા લોકોને સ્થાયી થવા માટે 10 વર્ષ રાહ જોવી પડશે કે નહીં.
વિઝાના નિયમોમાં ફેરફાર શા માટે?

ઇમેજ સ્રોત, PA Media
વડા પ્રધાન કિઅર સ્ટાર્મરે 12મી મેના દિવસે સંસદમાં કહ્યું હતું કે દેશની ઇમિગ્રેશન વ્યવસ્થા ‘બિસ્માર હાલતમાં’ છે. તેમણે દાવો કર્યો હતો કે “વર્ષ 2019થી 2023 સુધીમાં નેટ માઇગ્રેશન વધીને ચારગણું થયું, અને 2023 સુધીમાં તે લગભગ દસ લાખના રેકૉર્ડ સ્તરે પહોંચી ગયું હતું.”
તેમણે કહ્યું હતું કે આ સુધારાથી “આપણે દેશની સરહદો પર નિયંત્રણ મેળવી શકીશું.” વડા પ્રધાને એવું પણ કહ્યું હતું કે, જો ઇમિગ્રેશન પર નિયંત્રણ લાવવામાં ન આવે તો યુકે ‘અજાણ્યા લોકોનો ટાપુ’ બની શકે છે.
વડા પ્રધાનની જાહેરાતની જુદા-જુદા પક્ષો અને સમુદાયોના પ્રતિનિધિઓએ ટીકા કરી છે.
મહેશ મંગતાણીને લાગે છે કે વડા પ્રધાન અને સરકાર “ખોટા લોકોને ટાર્ગેટ કરી રહ્યાં છે.”
વિઝાના નવા નિયમો ક્યારથી લાગુ થશે?

ઇમેજ સ્રોત, Getty Images
યુકેની સંસદની વેબસાઇટ પર અપાયેલી માહિતી પ્રમાણે આ શ્વેતપત્રના આધારે કોઈ પણ કાયદા કે વિઝાના નિયમોમાં તાત્કાલિક ફેરફાર થતો નથી. આ શ્વેતપત્રનો ઉદ્દેશ ભવિષ્યમાં સરકાર શું કરવા માગે છે, તે સ્પષ્ટ કરવાનો છે. આ નવા નિયમોને લાગુ કરતા પહેલાં ઇમિગ્રેશનના નિયમોમાં ફેરફાર કરવા પડશે.
વિઝાના નિયમોમાં ફેરફારો ક્યારે લાગુ થશે તે અંગે કોઈ નિશ્ચિત તારીખ જાહેર કરાઈ નથી, પણ આ ફેરફાર “આ સંસદ દરમિયાન”, એટલે કે 2029 સુધીમાં ગમે ત્યારે અમલમાં મુકાઈ શકે છે. તો કેટલાક ફેરફારો “આગામી અઠવાડિયાઓમાં” લાગુ થઈ શકે છે.
સૉલિસિટર બુખારી લોકોને અપીલ કરે છે કે, “સોશિયલ મીડિયા પર આવતી બધી જ માહિતી પર વિશ્વાસ ન કરશો. તમે તમારી જાતને શિક્ષિત કરો, તજજ્ઞોની સલાહ લો અને જાણવાનો પ્રયાસ કરો કે ખરેખર નિયમો શું છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS