Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા, અમદાવાદથી
-
19 નવેમ્બર 2023
અપડેટેડ 3 કલાક પહેલા
એક વર્ષ પહેલાં ટી-20 ક્રિકેટથી સંન્યાસ લઈ ચૂંકેલા રોહિત શર્માએ હવે ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે.
બુધવારના તેમણે ઇન્સ્ટાગ્રામ પર આ માહિતી આપી. જોકે તેઓ વનડે ફૉર્મેટમાં ભારતીય ટીમમાં રમતા રહેશે.
રોહિતે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી સ્ટોરીમાં કહ્યું કે, ” હું બસ એટલું કહેવા માગું છું કે હું ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ રહ્યો છું, સફેદ જર્સીમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે બહુ સન્માનની વાત છે. આટલાં વર્ષોમાં મળેલા પ્રેમ અને સમર્થન માટે તમારા બધાનો આભાર. હું વનડે ક્રિકેટમાં ભારત માટે રમતો રહીશ.”
રોહિતની કપ્તાનીમાં ભારતે ટી20 વર્લ્ડ કપ 2024 જીત્યો હતો. પછી તેમણે ટ20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. રોહિતે ટેસ્ટ ક્રિકેટમાં 67 ટેસ્ટ મૅચોની 116 ઇનિંગ્સમાં 40.57ની સરેરાશ સાથે 4,301 રન બનાવ્યા છે જેમાં 12 સદીઓ અને 18 અર્ધસદી સામેલ છે.

ઇમેજ સ્રોત, AAMIR QURESHI/AFP VIA GETTY IMAGES
નવેમ્બર 2023માં જ્યારે ઑસ્ટ્રેલિયાએ વનડે વલ્ડ્રકપના ફાઇનલમાં ભારતને હરાવ્યું ત્યારે કરોડો ભારતીયો સાથે કૅપ્ટન રોહિત શર્માની આંખો ભીની હતી પણ લગભગ આઠ મહિનાની અંદર જ તેમણે એ કરી બતાવ્યું જેના માટે તેમને ઇતિહાસમાં યાદ રાખવામાં આવશે.
બારબાડોસમાં રમાયેલા ટી20 વર્લ્ડકપના ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવ્યું.
પરંતુ ભારતીય ટીમના સૌથી સફળ કૅપ્ટન્સમાં એક ગણાતા રોહિત શર્માની અહીં સુધીની સફર ઘણી મુશ્કેલ રહી છે.
નાનપણનો સંઘર્ષ

ઇમેજ સ્રોત, Getty Images
આ વાત છે વર્ષ 1999ની. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લૅન્ડમાં મોહમ્મદ અઝરુદ્દીનની કપ્તાની હેઠળ વર્લ્ડકપ રમી રહી હતી.
બીજી તરફ મુંબઈના એક ઉપનગર, બોરિવલીમાં 12 વર્ષના રોહિત શર્મા માટે તેમના પિતા અને પરિવારજનો તેમને ક્રિકેટ કૅમ્પમાં મોકલવા માટે નાણાં ભેગાં કરી રહ્યા હતા.
એક ટ્રાન્સપૉર્ટ એકમના ગોડાઉનમાં કામ કરતા તેમના પિતાની આવક ઘણી ઓછી હતી. નાણાકીય સંસાધનોના અભાવ વચ્ચે રોહિત એ દરમિયાન તેમના દાદા અને કાકા રવિ શર્માના ઘરે જ રહેતા હતા.
પરંતુ એક મૅચ અને એક સ્કૂલે તેમની ક્રિકેટ કારકિર્દીની દિશા જ બદલી નાખી.
એ જ વર્ષે રોહિત શર્મા બોરિવલીના સ્વામી વિવેકાનંદ ઇન્ટરનૅશનલ સ્કૂલ વિરુદ્ધ એક મૅચ રમી રહ્યા હતા. એ દરમિયાન જ એ સ્કૂલના કોચ દિનેશ લાડે તેમની રમત જોઈને સ્કૂલના માલિક યોગેશ પટેલને રોહિતને સ્કૉલરશિપ આપવાની ભલામણ કરી.
હવે 54 વર્ષના થઈ ચૂકેલા યોગેશ પટેલ અનુસાર, “અમારી સ્કૂલના કોચે અમને કહેલું કે આ છોકરો ક્રિકેટ બાબતે ઘણો કૌશલ્યવાન છે, પરંતુ તેનો પરિવાર આપણી સ્કૂલની માસિક 275 રૂપિયાની ફી ભરી શકે એમ નથી, તેથી તેને સ્કૉલરશિપ આપી દો.”
તેઓ જણાવે છે કે, “મને એ વાતનો રાજીપો છે કે અમે એ નિર્ણય લીધો અને આજે રોહિત ભારતીય ટીમના કપ્તાન છે. અમારા કોચની ભલામણ યોગ્ય હતી.”
નાણાકીય તંગી

ઇમેજ સ્રોત, YOGESH PATEL
આ નિર્ણયનાં વર્ષો બાદ રોહિત શર્માએ જાતે ઇએસપીએનક્રિકઇન્ફો ડોટ કૉમને આપેલી એક મુલાકાતમાં કહેલું, “કોચની ઇચ્છા હતી કે હું વિવેકાનંદ સ્કૂલમાં પ્રવેશ મેળવીને ક્રિકેટ રમવાનું શરૂ કરી દઉં પરંતુ મારી પાસે પૈસા નહોતા. બાદમાં તેમણે મને સ્કૉલરશિપ અપાવી દીધી અને મને ચાર વર્ષ સુધી મફત ભણતર સાથે રમવાની તક મળી ગઈ.”
આ નવી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યાના અમુક મહિનામાં જ તેમણે 140 રનની અણનમ ઇનિંગ રમી, જેની મુંબઈનાં સ્કૂલો, મેદાનો અને ક્રિકેટ સમીક્ષકોમાં ઘણી ચર્ચા થઈ.
મુંબઈના શિવાજી પાર્ક પર ક્રિકેટના પાઠ શીખતાં શીખતાં સચીન તેંડુલકર, વિનોદ કાંબલીથી માંડીને પ્રવીણ આમરે જેવા ક્રિકેટરો મોટા થયા છે.

ઇમેજ સ્રોત, YOGESH PATEL
આ જ મેદાન પર આજેય ડઝનો નેટ્સ ચાલે છે, જે પૈકી એક અશોક શિવલકરની છે, જે એ તબક્કામાં ખેલાડી તરીકે રમતા હતા.
અશોક શિવલકર કહે છે કે, “મને યાદ છે કે રોહિત શર્મા પહેલાં પોતાની સ્કૂલની તરફથી ઑફ સ્પિન બૉલિંગ કરતા હતા. તે બાદ તેમના કોચે તેમનામાં રહેલી બેટિંગની પ્રતિભાને ઓળખી કાઢી.”
“તે બાદ રોહિતે મુંબઈની ખ્યાતનામ કાંગા ક્રિકેટ લીગથી માંડીને મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશનની ટુર્નામેન્ટમાં જબરદસ્ત પર્ફૉર્મન્સ કરવાનું શરૂ કરી દીધું હતું.”
વિવેકાનંદ સ્કૂલના માલિક યોગેશ પટેલ આજે પોતાના નિર્ણય અંગે રાજીપો વ્યક્ત કરતાં જણાવે છે કે, “રોહિતે કોવિડ-19 દરમિયાન મને મારા ખબરઅંતર પૂછવા માટે કૉલ કર્યો હતો. મેં કહ્યું બસ લોકોની મદદ કરતા રહો. એને જોઈને ખૂબ રાજીપો અનુભવું છું.”
નવો રોલ

ઇમેજ સ્રોત, YOGESH PATEL
ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ ફાઇનલ પહેલાં રોહિત ટુર્નામેન્ટમાં ન માત્ર પોતાના કપ્તાનીના કૌશલ્યથી પરંતુ પોતાની ધાકડ બેટિંગથી પણ છાપ છોડી ચૂક્યા છે.
વર્ષ 2019માં વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનારા રોહિતે આ ટુર્નામેન્ટમાં નવી વ્યૂહરચના સાથે રમીને મોટા સ્કોરની પરવા કર્યા વિના પ્રથમ પાવરપ્લેમાં બૉલરો સામે આક્રમક વલણ દાખવ્યું છે.
આનાથી ન માત્ર શુભમન ગિલને વિકેટ પર ટકી રહેવાની તક મળી છે બલકે મધ્ય ક્રમમાં કોહલી, અય્યર અને રાહુલને પણ ઇનિંગમાં ચિંતામુક્ત રીતે રમવાનો મોકો મળ્યો છે.
આ વર્લ્ડકપની પ્રથમ મૅચમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ તેઓ ખાતું ખોલાવ્યા વગર આઉટ થયા પરંતુ તે બાદ રોહિત શર્માના બૅટથી નીકળેલા રન તેમની પ્રતિભાની કહાણી બયાન કરે છે.
131, 86, 48, 46, 87, 4, 40, 61 અને 47 રનની ઇનિંગોમાં તેમનો સ્ટ્રાઇક રેટ 124.15નો રહ્યો છે. જે અત્યંત પ્રશંસાપાત્ર પ્રદર્શન છે, તેમના આ પ્રદર્શને ભારતને ન માત્ર સારી શરૂઆત અપાવી બલકે મોટા ટાર્ગેટનો પીછો કરવાનું કામ પણ સરળ બનાવી દીધું.
આ ટુર્નામેન્ટ જીતીને વર્લ્ડકપ પર કબજો કરવા સિવાય માત્ર એક જ કસર બાકી રહી હોય એવું લાગે છે.
એ છે વર્લ્ડકપમાં જે ઑસ્ટ્રેલિયાની ટીમ સામે તેઓ ખાતું પણ નહોતું ખોલાવી શક્યા, તેની સામેની ફાઇનલમાં જબરદસ્ત સ્કોર ખડો કરીને આ વાતની કસર કાઢી લેવી.


SOURCE : BBC NEWS