Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Gopal Shoonya/BBC
4 કલાક પહેલા
વાંચવાનો સમય: 6 મિનિટ
એક શૌર્યવાન રાણીએ માત્ર પાંચ હજાર સૈનિકો સાથે રણમેદાને પડી મોગલ સામ્રાજ્યની સેનાને ‘પરાજયનો સ્વાદ ચખાડ્યો’ હતો. એ રાણીને લીધે 5 ઑક્ટોબરના દિવસને ભારતના ઇતિહાસમાં સ્થાન મળ્યું છે. આ દિવસ શૌર્યવાન રાણીનો જન્મદિવસ છે. જેમણે ભારતમાં પોતાની હાક મનાવનાર શક્તિશાળી મોગલ સામ્રાજ્યના બાદશાહ અકબરના વિશાળ સૈન્ય સામે બાથ ભીડી હતી.
રણમેદાનમાં પોતાની નાનકડી સેના સાથે તેઓ જે બહાદુરીથી લડ્યાં અને મેદાનમાંથી પીછેહઠ કરવા કરતાં પ્રાણનું બલિદાન આપવાનું સ્વીકાર્યું એ વાતે તેમનાં જીવન અને બલિદાનને ભારતના ઇતિહાસમાં ‘અદ્વિતીય’ સ્થાન અપાવી દીધું.
મોગલ બાદશાહ અકબરની જીવનકથા લખનાર અબુલ ફઝલ અને અન્ય ફારસી લેખકોએ રાણી દુર્ગાવતી અને તેમની બહાદુરીનાં વખાણ કર્યાં છે.
અબુલ ફઝલના લખાણમાં રાણીને ‘સૌંદર્ય, શૌર્ય અને પુરુષ જેવી હિંમત અને બહાદુરીનો સમન્વય’ ગણાવ્યાં હતાં.
આ નોંધનાં ઘણાં વર્ષો બાદ બ્રિટિશ કર્નલ સ્લીમેને રાણી દુર્ગાવતીને “ગર્હા-કટંગાના સાર્વભૌમ શાસકોમાં સૌથી વધુ સન્માનીય શાસક” ગણાવ્યાં છે.
અબુલ ફઝલની નોંધમાં રાણીનાં વખાણ કરતાં લખાયું છે કે, “રાણીનું નિશાન લગભગ અચૂક હતું. દુર્ગાવતી શિકાર પર જતાં. કહેવાય છે કે આ દરમિયાન જો તેમની વાઘ પર નજર પડી જાય તો તેઓ વાઘનો શિકાર ન કરે ત્યાં સુધી પાણી ન પીતાં.”
‘પ્રતિદ્વંદ્વી’ના ઇતિહાસમાં સન્માનજનક સ્થાન પામેલાં આ રાણીના જીવનને ઘણા ક્રાંતિકારી અને પ્રેરણારૂપ ગણાવે છે.
પિયર અને સાસરા પક્ષની કીર્તિ આગળ વધારનાર રાણી દુર્ગાવતી
ઇમેજ સ્રોત, indianculture.gov.in
ભારત સરકારની ભારતીય સંસ્કૃતિની માહિતી રજૂ કરતી આધિકારિક વેબસાઇટ ઇન્ડિયનકલ્ચર ડોટ ગવર્નમેન્ટ ડોટ ઇન પર રાણી દુર્ગાવતી અને તેમનાં શૌર્ય-શાસનની ગાથા આલેખાયેલી છે.
રાણી દુર્ગાવતીનો 1524માં ઉત્તર-મધ્ય ભારતના ખ્યાત ચંદેલ રાજવંશમાં થયો હતો.
દુર્ગાષ્ટમીના દિવસે જન્મને થવાને કારણે તેમનાં માતાપિતાએ તેમને દુર્ગા નામ આપેલું.
દુર્ગાવતીના પૂર્વજોનુંય નામ ઇતિહાસમાં નોંધાયેલું છે. ચંદેલ રાજવંશને ભૂતકાળમાં મોહમ્મદ ઘોરીના આક્રમણનો બહાદુરીભેર સામનો કરવા અને ખજૂરાહોનાં મંદિરોના નિર્માણ માટે યાદ કરાય છે.
હાલના મધ્યપ્રદેશના જબલપુર ખાતે આવેલી રાણી દુર્ગાવતી વિશ્વવિધ્યાલયના પેજ પર રાણી અને તેમના વંશ વિશેના લખાણમાં લખાયું છે કે “રાણી દુર્ગાવતીએ પોતાની સિદ્ધિઓથી તેમના પૂર્વજોની શૌર્યની પરંપરા અને કળા સંરક્ષણના વારસાને વધુ તેજોમય બનાવ્યાં હતાં.”
18 વર્ષની વયે દુર્ગાવતીનાં લગ્ન ગર્હા-કટંગાના ગોંડ રાજાના પુત્ર દલપત શાહ સાથે થતાં ચંદેલ વંશ અને ગોંડ રાજવંશ વચ્ચેના સંબંધો વધુ ગાઢ થયા.
ગર્હા-કટંગા (બાદમાં ગર્હા-મંડલ) રાજ્ય તૈમુરના આક્રમણ બાદ આ વિસ્તાર પર દિલ્હી સલ્તનતની નામ પૂરતી હાજરીનો અંત આણી રાજા યાદવરાયે પોતાનું રાજ સ્થાપેલું.
રાજ્યનું નામ ક્ષેત્રના પ્રમુખ નગર ‘ગર્હા’ અને આજના જબલપુરથી ચાર માઇલના અંતરે આવેલ ‘કટંગા’ ગામના સંયોજનથી બન્યું હતું.
આ રાજ્યમાં હાલના મધ્યપ્રદેશના મંડલા, જબલપુર, નરસિંઘપુર, હોશંગાબાદ, ભોપાલ, સાગર અને દામોહ જિલ્લા અને છત્તીસગઢના કેટલાક વિસ્તારો સામેલ હતા. આ એક ગાઢ જંગલ અને પહાડો-ટેકરીઓ વચ્ચે વ્યૂહરચનાની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ વિસ્તારમાં વસેલું રાજ્ય હતું. રાજ્યમાં એ સમયે કુલ્લે 52 કિલ્લા હતા.
પતિના મૃત્યુ બાદ દુર્ગાવતીએ સંભાળી શાસનની ધુરા
ઇમેજ સ્રોત, indianculture.gov.in
વર્ષ 1548માં પતિના મૃત્યુ બાદ સગીર પુત્ર બિર નારાયણને ગાદીએ બેસાડી બે વિશ્વાસુ મંત્રી – અધર કાયસ્થ અને માન બ્રાહ્મણની મદદથી રાણી દુર્ગાવતીએ રાજ્યના શાસનની ધુરા હાથમાં લીધી.
તેમના રાજમાં પ્રજાના વૈભવ અને રાજ્યની સમૃદ્ધિ પણ ચર્ચાનો વિષય રહેતી. કહેવાય છે કે રાજ્યના નાગરિક સ્વર્ણ મુદ્રામાં કરની ચૂકવણી કરતા.
પ્રજાવત્સલ રાણીએ પોતાની પ્રજાની ભલાઈને ધ્યાને રાખીને રાજ્યમાં રાનીતાલ, ચેરિતાલ અને અધરતાલ નામે જળાશયોનું નિર્માણ કરાવેલું.
પ્રજાના કલ્યાણની સાથોસાથ તેમણે રાજ્યના સંરક્ષણ ક્ષેત્રેય મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
રાજ્યમાં ફાટી નીકળતા બળવાને કડક હાથે ડામવાની સાથોસાથ તેમણે શક્તિશાળી પાડોશી રાજ્યો સામે બાથ ભીડીને પોતાના રાજ્યની સુરક્ષા સુનિશ્ચિત કરેલી.
તેમના રાજ્યમાં ઘણાં નગરો-શહેરો અને ગામોનો સમાવેશ થતો. રાજ્યની પ્રજા મોટા ભાગે ગોંડ આદિવાસી હતી. જે રાજ્યના 23 હજાર ગામમાં વસતા હતા. જે પૈકી 12 હજારમાં રાણીનું પ્રત્યક્ષ શાસન હતું. જ્યારે બાકીનાં તેમના આધિપત્ય હેઠળ હતાં.
ઘોડેસવાર, પાયદળ અને હાથી સહિત રાજ્યની સૈન્યતાકત પણ નોંધપાત્ર હતી.
એ સમય દરમિયાન માળવાના શાસક બાજ બહાદુરને હરાવી મોગલ બાદશાહ અકબરના સામ્રાજ્યની સીમા છેક રાણી દુર્ગાવતીના રાજ્ય સુધી વિસ્તરી ચૂકી હતી.
મોગલ સેનાપતિઓએ માળવા પર કબજો કર્યાના થોડા સમયમાં જ નજીકનાં રેવા અને પન્ના સામ્રાજ્યોને પોતાને આધીન લાવી દીધાં. જેથી રાણી દુર્ગાવતીના રાજ્ય પર મોગલ સામ્રાજ્યના હુમલાનો ખતરો દરેક પસાર થતા દિવસ સાથે વધતો જઈ રહ્યો હતો.
મિત્રતાની આડશમાં રાણી દુર્ગાવતીના રાજ્ય પર હુમલાની તૈયારી
નોંધ પ્રમાણે રાણીના પાડોશના સૂબા કારા-માનિકપુરના મોગલ ગવર્નર અસફ ખાને ગર્હા-કટંગાની સૈન્યશક્તિનો તાગ મેળવવા અને રાજ્યમાં ગુપ્તચરતંત્ર ગોઠવવા માટે રાણી દુર્ગાવતીના રાજ્ય સાથે મિત્રતા કરી અને બંને વિસ્તારના લોકો વચ્ચે મુક્ત વેપારને પ્રોત્સાહન આપ્યું.
આ સમય સુધી રાણીને મોગલ સેનાપતિના મનસૂબાનો કોઈ અંદાજ નહોતો. તકનો લાભ લઈ અસફ ખાને રાણીના રાજ્યની સરહદે આવેલા ગામે છાપા મારવાનું ચાલુ રાખ્યું અને વર્ષ 1564માં એક દિવસ ‘કોઈ પણ જાતની ઉશ્કેરણી વગર’ જ રાજ્ય પર હુમલો કરી દીધો.
મોગલ મનસૂબાથી અજાણ રાણીનું સૈન્ય રાજ્યની અન્ય સીમાઓ પર તહેનાત હતું. સામેની બાજુએ મોગલ સરદારે ગર્હા-કટંગાની સરહદે ભારે સંખ્યામાં સૈનિકો ખડકી દીધા.
પોતાના મંત્રીની ભલામણથી વિપરીત તેમણે જીવ કરતાં સ્વાતંત્ર્યને વધુ મહત્ત્વ આપ્યો અને માત્ર 500 સૈનિકો સાથે જંગે ચડવાનું ઠરાવ્યું.
પોતાના નાનકડા એવા સૈન્ય સાથે ગાઢ જંગલમાંથી પસાર થતાં રાણી સાથે રાજ્યના લોકો જોડાતા ગયા અને જોતજોતામાં 500નું સંખ્યાબળ પાંચ હજારનું થઈ ગયું. છતાં આ સંખ્યાબળ મોગલોની તાલીમબદ્ધ વિશાળ સેના સામે મોટો પડકાર ઊભો કરી શકે એવો નહોતો. આ અસમાનતા અને સંખ્યાબળની દેખીતી મર્યાદાય રાણી અને તેમના પ્રામાણિક સૈનિકોનું મનોબળ ન તોડી શકી.
આખરે રાણી મોગલ સૈન્યનો સામનો કરવા નરહી ગામે પહોંચી ગયાં.
નરહી એ વ્યૂહરચનાની દૃષ્ટિએ ખૂબ જ સારું સ્થળ હતું. જેની ચારેકોર પહાડ હતા અને બીજી બાજુ નર્મદા અને ગોર નદીના વહેણને કારણે આ સ્થળે પહોંચવા અને નીકળવાનું કામ અતિ પડકારજનક હતું.
દુર્ગાવતીનું સૈન્ય અહીં રોકાયું. રાણીએ અંતિમ મુકામે પોતાના સૈનિકોને તેમની ઇચ્છાનુસાર યુદ્ધભૂમિ છોડી જવાની પરવાનગીય આપી. પરંતુ રાણીના પરાક્રમભર્યા શબ્દોનો જાદુ કંઈક એવો હતો કે એકેય સૈનિકે યુદ્ધભૂમિ ન છોડી.
રાણી દુર્ગાવતીની સેના વતી નરહીના પહાડી રસ્તાની સુરક્ષામાં તહેનાત સેનાપતિ અર્જુનદાસ ભાઈ મોગલો સાથે લડતાં લડતાં મૃત્યુ પામ્યા. અને આ ઘટના બાદ રાણીની આગેવાનીમાં મોગલ અને ગર્હા-કટંગાનાં સૈન્યો વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થયું.
રાણીએ દુશ્મન સેના પહાડી રસ્તામાં પ્રવેશી શકે એ હેતુથી ધીમી ગતિએ આગળ વધવા જણાવ્યું. બાદમાં રાણીની આગેવાનીમાં સૈન્યે ચારે બાજુથી પહાડી રસ્તા વચ્ચે રહેલી મોગલ સેના પર હુમલો કરી દીધો.
એ દિવસે રાણીનો યુદ્ધવ્યૂહ કામ લાગ્યો. રાણી દુર્ગાવતી પોતાના નાનકડા સૈન્યને બળે એ દિવસે શક્તિશાળી મોગલ સૈન્યને હરાવવામાં કામિયાબ રહ્યાં. અચાનક થયેલા આક્રમણથી હતપ્રભ મોગલ સૈન્ય એ દિવસે પીછેહઠ કરવા મજબૂર બની ગયું.
આ દિવસે મોગલોના 300 સૈનિકોનાં મૃત્યુ થયાં અને બાકીનાને રાણીના સૈન્યે પીછો કરી ખદેડી મૂક્યા.
યુદ્ધના શરૂઆતના દિવસે મહત્ત્વપૂર્ણ વિજય મેળવ્યા બાદ રાણીએ એ રાત્રે યુદ્ધ સમિતિની મોગલ સૈન્ય પર રાત્રિ દરમિયાન હલ્લો બોલવાની પેશકશ કરી હતી. જેથી મોગલોને યુદ્ધમેદાનમાં મોટાં હથિયારો લાવતાં રોકી શકાય. પરંતુ તેમના સેનાપતિઓએ તેમની આ રજૂઆત સ્વીકારવા સંમત ન થયા.
યુદ્ધના બીજા જ દિવસે રાણીની બીક સાચીય ઠરી. બીજા દિવસે અસફ ખાને યુદ્ધમેદાનમાં પોતાનાં મોટાં હથિયાર લઈ આવ્યાં. છતાં આ બહાદુર રાણીએ સામનો કરવાનો નિર્ણય કર્યો.
પોતાનું કવચ ધારણ કરી રાણી હાથી પર યુદ્ધમેદાને પહોંચ્યાં. બીજા દિવસેય રાણીના સૈન્યે મોગલ સૈન્યને ઓછામાં ઓછું ત્રણ વખત પાછું ધકેલ્યું.
પરંતુ બાદમાં તેમના પુત્ર બિર નારાયણ ગંભીરપણે ઈજાગ્રસ્ત થતા તેમને યુદ્ધમેદાનથી દૂર લઈ જવા પડ્યા. રાણી દુર્ગાવતીને એક તીર કપાળે અને એક ગરદને વાગ્યું ત્યાં સુધી તેઓ પણ શૌર્યભેર ઝઝૂમ્યાં.
ઈજાને કારણે બેહોશ થઈ ગયેલાં રાણી હોશમાં આવતાં તેમને સમજાયું કે હવે પરાજય નિશ્ચિત છે.
‘દુશ્મન’ને હાથ લાગવાનું નિશ્ચિત માની પોતાના મહાવતનો સુરક્ષિત જગ્યાએ મૂકી આવવાનો પ્રસ્તાવ રાણીએ ફગાવી દીધો.
તેમણે પોતાના જ ખંજર વડે મહાવતને પોતાની હત્યા કરવા મનાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ મહાવતે ખચકાટ અનુભવતાં પોતે જ પોતાનો ચાકુ હૃદયમાં ઉતારી જીવન ટૂંકાવી દીધું.
24 જૂન, 1564ના એ દિવસે રાણીએ નિરાશા અને અપમાનનો સામનો કરવા કરતાં મૃત્યુને ગળે લગાડવાનું પસંદ કર્યું. તેમના સૈનિકોએ જબલપુરથી 12 માઇલના અંતરે આવેલ એક સ્થળે તેમની અંતિમ વિધિ કરી.
રાણી દુર્ગાવતીની મૃત્યુતિથિ બની ‘બલિદાન દિવસ’
રાણી દુર્ગાવતીના ઘણા સૈનિકોએ મોગલો સામે શરણાગતિ સ્વીકાર્યા છતાં ગર્હા-કટંગા પર કબજો કરવામાં અસફ ખાનને સમય લાગ્યો.
રાણીના પુત્ર બિર નારાયણે પણ રણમેદાનમાં જીવ ગુમાવ્યો. સ્ત્રીઓએ ‘જોહર’ કર્યું.
આખરે રાજ્ય પર સંપૂર્ણ કબજો કરી અસફ ખાને ભારે લૂંટ ચલાવી.
રાણી દુર્ગાવતીએ યુદ્ધભૂમિ પર દાખવેલા શૌર્યની યાદમાં જે સ્થળે તેઓ ‘વીરગતિ’ને પ્રાપ્ત થયાં એ સ્થળે એટલે કે આજના જબલપુર ખાતે મેમોરિયલ સ્થપાયું છે.
તેમના પાટનગર ચૌરાગઢનો કિલ્લો આજે એક ટુરિસ્ટ આકર્ષણમાં પરિવર્તિત થઈ ચૂક્યો છે.
વર્ષ 1983માં જબલપુર યુનિવર્સિટીનું નામ બદલીને રાણી દુર્ગાવતી યુનિવર્સિટી કરાયું હતું.
1988માં ભારત સરકારે તેમના માનમાં પોસ્ટલ સ્ટૅમ્પ જાહેર કર્યો હતો.
આ સિવાય ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે વર્ષ 2018માં ‘આઇસીજીએસ રાણી દુર્ગાવતી’ નામની પોતાની ત્રીજી ઇનશોર પેટ્રોલ વેસલ કમિશન કરી હતી.


SOURCE : BBC NEWS



