Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Raju Karpada/FB
અપડેટેડ 4 મિનિટ પહેલા
વાંચવાનો સમય: 5 મિનિટ
આમ આદમી પાર્ટીના કિસાન સંગઠનના પ્રદેશ અધ્યક્ષ રાજુ કરપડાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે તેના પર આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે.
ઈસુદાન ગઢવીએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું છે કે ભાજપ હંમેશાં પાર્ટીમાં આવેલા નેતાઓને તોડવાની કોશિશ કરે છે.
તેમણે કહ્યું કે “રાજુ કરપડા સાથે શું થયું અને તેમની કઈ મજબૂરી છે તેની મને ખબર નથી. તેમની સાથે મારી વાત થઈ નથી પરંતુ ભાજપ હંમેશા અમારા નેતાને તોડવાની કોશિશ કરે છે.”
“રાજુ કરપડા મજબૂત આગેવાન છે અને આમ આદમી પાર્ટી અને રાજ્યના ખેડૂતો તેમનું ઘણું સન્માન કરે છે. તેમણે ખેડૂતોની સમસ્યા માટે કરેલા આંદોલનો માટે પાર્ટી આજે પણ તેમની આભારી છે.”
રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું
ઇમેજ સ્રોત, Raju Karpada/FB
આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી (આપ)માંથી રાજીનામું આપી દીધું છે.
ગુજરાત ખાતેના આમ આદમી પાર્ટીના કિસાન સંગઠનના પ્રદેશ અધ્યક્ષપદે રહેલા રાજુ કરપડાએ આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે “સવિનય નિવેદન છે કે, હું રાજુ કરપડા, આમ આદમી પાર્ટીનાં તમામ પદો પરથી અને જવાબદારીઓમાંથી તારીખ 11-02-2026થી રાજીનામું આપું છું.”
“વ્યક્તિગત કારણોને લઈને મારે માટે વર્તમાન દાયિત્વોનું નિર્વહન કરવું સંભવ નથી. પાર્ટીએ જે મને તક, સન્માન અને સહયોગ આપ્યો તેના માટે હું તેનો હ્રદયથી આભારી છું.”
ઉલ્લેખનીય છે કે બોટાદમાં આપની સભામાં પથ્થરમારા બાદ રાજુ કરપડા ચર્ચામાં આવ્યા હતા. બોટાદના હડદડ ગામે પોલીસ-ખેડૂત વચ્ચેના સંઘર્ષ મામલે હાલમાં જ 108 દિવસ જેલમાં કાઢ્યા બાદ તેઓને જામીન મળતા જેલની બહાર આવ્યા હતા.
કૅનેડાની સ્કૂલમાં ગોળીબાર, ઓછામાં ઓછા નવનાં મૃત્યુ, 20થી વધુ ઘાયલ
ઇમેજ સ્રોત, Getty Images
કૅનેડાના બ્રિટિશ કોલંબિયાના ટમ્બલર રિજ મ્યુનિસિપાલિટીમાં આવેલી શાળામાં ગોળીબાર થયો છે, જેમાં ઓછામાં ઓછા સાત લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 20થી વધુ ઘાયલ થયા છે.
આ ઘટનાને કારણે માત્ર બે હજાર 400 લોકોની વસ્તી ધરાવતા વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે.
રૉયલ કૅનેડિયન માઉન્ટેડ પોલીસે લોકોને સલામતસ્થળે રહેવા તથા બહાર નહીં નીકળવા નિર્દેશ આપ્યા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, આ ઘટના સ્થાનિક સમય મુજબ બપોરે એક વાગ્યા અને 20 મિનિટ આસપાસ ઘટી હતી. શાળામાં છ લોકો મૃત મળી આવ્યા હતા. જ્યારે સાતમી વ્યક્તિનું હૉસ્પિટલે લઈ જતી વેળાએ અવસાન થયું હતું.
આ સિવાય પાસેના એક ઘરમાંથી બે મૃતદેહ મળી આવ્યા છે. પોલીસનું માનવું છે કે હુમલાખોરે પણ આત્મહત્યા કરી લીધી છે.
અભિષેક શર્માને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN/AFP via Getty Images
ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બૅટ્સમૅન અભિષેક શર્માને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર તેમને પેટમાં ઇન્ફૅક્શન છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ ઍક્સ પર પોસ્ટ કર્યું કે “અભિષેક શર્માને પેટમાં ઇન્ફૅક્શન હોવાને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેને કારણે નામિબિયાની સામેની ટી20 વિશ્વકપની લીગ મૅચ માટે તેમનું રમવું શંકાસ્પદ છે.”
અભિષેક શર્મા છેલ્લા બે દિવસથી સારવાર હેઠળ છે.
‘ધમકી ઉપર ટકી શકવાની હિંમત ન હોય, તો ચૂપચાપ મૅચ રમો’, પાકિસ્તાનના યુ-ટર્ન વિશે ઓમર અબ્દુલ્લાહે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ
ઇમેજ સ્રોત, Getty Images
આઇસીસી ટી20 વર્લ્ડકપમાં ભારત સાથેની મૅચ રમવાનો ઇન્કાર કર્યા બાદ હવે પાકિસ્તાને તેના માટેની તૈયારી દાખવી છે.
ત્યારે જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહે પાકિસ્તાનના યુ-ટર્ન વિશે પ્રતિક્રિયા આપી છે, તેમણે કહ્યું, “હવે પાકિસ્તાને ભારત સાથે મૅચ રમવાનું પસંદ કર્યું છે. મારું તો માત્ર એટલું જ કહેવાનું થાય છે કે એવી ધમકી ન આપો કે જેની ઉપર ટકી રહેવાની તમારામાં હિંમત ન હોય.”
“તેમણે ધમકી આપી હતી કે અમે ભારત સામેની મૅચ નહીં રમીએ, પરંતુ પછી ડરી ગયા અને પોતાની ધમકી જાતે જ પાછી ખેંચી લીધી. જેમની પાસે પોતાની ધમકી ઉપર ઊભા રહેવાની હિંમત ન હોય, તેમણે ધમકી ન આપવી જોઈએ. તેમણે ચૂપચાપ આવીને મૅચમાં ઊતરવું જોઈએ અને પછી મૅચમાં જે કંઈ થાય, તે જોવું જોઈએ.”
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પાકિસ્તાનની ક્રિકેટ ટીમને તા. 15 ફેબ્રુઆરીના ભારત સામેની ટી20 વર્લ્ડકપ રમવાની મંજૂરી આપી દીધી છે. શરીફના કહેવા પ્રમાણે, મિત્રદેશોની વિનંતી બાદ તેમણે આ નિર્ણય લીધો હતો.
અજિત પવાર મૃત્યુ: સરકારે વિમાન કંપનીઓ વિશે આ આદેશ આપ્યો

તાજેતરમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી તથા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના (એનસીપી) નેતા અજિત પવાર તથા ચાર અન્યોનું વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
ત્યારે મંગળવારે ડાયરેક્ટ્રેટ જનરલ સિવિલ ઍવિએશન (ડીજીસીએ)એ આ ખાનગી કંપનીનાં તમામ વિમાનોની સૅફ્ટી ઑડિટ હાથ ધરવાના આદેશ વિશે માહિતી આપી છે. વીએસઆર સહિત 15 શિડ્યુલ્ડ ઑપરેટર્સ માટે આ આદેશ બહાર પાડવામાં આવ્યો છે.
ડીજીસીએએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર નિવેદન મૂક્યું હતું. જેમાં તેમણે લખ્યું, “તા. 28 જાન્યુઆરી 2026ના બારામતીમાં વીએસઆર વૅન્ચર્સ લિમિટેડનું લીયરજેટ 15 વિમાન વીટી-એસએસકે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. એ પછી તા. ચોથી ફેબ્રુઆરી 2026ના રોજ ડીજીસીએ તમામ મોટા ઑપરેટર્સની વિશેષ સૅફ્ટી ઑડિટ હાથ ધરવા આદેશ આપ્યો, જેમાં વીએસઆર વૅન્ચર્સ પણ સામેલ છે. આ ઑડિટ તબક્કાવાર હાથ ધરવામાંં આવશે.”
વીએસઆર વૅન્ચર્સે તા. 15 ફેબ્રુઆરી સુધીમાં ઑડિટ રિપોર્ટ સુપ્રત કરવાનો છે.
ઉલ્લેખનીય છે કે અજિત પવારનું વિમાન બારામતી ઍરપૉર્ટ ખાતે રનવે ઉપર લૅન્ડિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
ઇન્ડોનેશિયા ગાઝામાં આઠ હજાર સૈનિક મોકલશે
ઇમેજ સ્રોત, AFP via Getty Images
ઇન્ડોનેશિયાએ જાહેરાત કરી છે કે તે ગાઝામાં આઠ હજાર સૈનિક મોકલશે. જે મુખ્યત્વે તબીબી તથા ઇજનેરી કામ હાથ ધરશે. આ માટે સૈનિકોના તાલીમની કામગીરી ચાલી રહી છે.
ગત વર્ષે અમેરિકાની મધ્યસ્થીથી ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષવિરામ થયો હતો, જેમાં શાંતિસેના મહત્ત્વપૂર્ણ પાસું હતું.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડિસેમ્બર-2025માં બોર્ડ ઑફ પીસનો વિચાર વહેતો મૂક્યો હતો, જેમાં ઇન્ડોનેશિયા પણ સામેલ છે. સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા સમિતિએ આ બોર્ડને ઇન્ટરનૅશનલ સ્ટેબિલાઇઝેશન ફોર્સ સ્થાપિત કરવાના અધિકાર આપ્યા છે.
આ સશસ્ત્ર દળ હમાસના નિઃશસ્ત્રીકરણ તથા આ વિસ્તારને સેનાવિહિન બનાવવાની દિશામાં પણ કામ કરશે.
તુર્કી અને પાકિસ્તાન જેવા મુસ્લિમ દેશો પણ ગાઝામાં પોતાની સેના મોકલવા અંગે વિચારણા કરી રહ્યા છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર શાંતિ જાળવવા માટે કામ કરવા માંગે છે અને હમાસ પાસેથી હથિયાર હેઠાં મૂકાવવામાં કોઈ ભૂમિકા ભજવવા નથી માંગતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



