Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Rajubhai Karpada/FB
થોડા મહિના પહેલાં બોટાદ એપીએમસીના હડદડ કૉટન સબયાર્ડમાં કપાસની ખરીદી ચાલતી કથિત કડદા પ્રથા તથા ખેડૂતોએ ભોગવવી પડતી કથિત હાલાકીનો મુદ્દો ઉઠાવ્યા બાદ ચર્ચામાં આવેલા રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાંથી પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ ફરી એક વાર સમાચારમાં આવી ગયા હતા.
બુધવારે ‘વ્યક્તિગત કારણો’ આગળ ધરીને રાજીનામું આપનાર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કિસાન સંગઠનના પ્રદેશ અધ્યક્ષપદે રહેલા રાજુ કરપડાએ બાદમાં ગુરુવારે એક પત્રકાર પરિષદ યોજીને આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
રાજીનામાનું સૌથી મુખ્ય અને મોટું કારણ તેમણે એ આપ્યું કે તેઓ બોટાદના હડદડ ગામે થયેલી ધમાલના કેસમાં જેલમાં હતા ત્યારે આપના નેતાઓએ તેમને કાનૂની મદદ કરી ન હતી.
તેમણે આપના નેતા અને વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું નામ આપ્યા વગર તેમની સામે નિશાન તાકીને કહ્યું કે “તેમને ચૂંટણીમાં જીતાડવા માટે પરિવાર કરતાં પણ વધારે મહત્ત્વ આપ્યું હતું. પરંતુ જેલવાસ દરમિયાન જે કડવા અનુભવો થયા તેના કારણે મેં રાજીનામું આપ્યું છે.”
આમ આદમી પાર્ટીના વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજુ કરપડાના નિવેદન બાદ પ્રતિક્રિયા આપી છે.
તેમણે કહ્યું કે “રાજુભાઈ પ્રત્યે મને નારાજગી નથી. દુ:ખ એ વાતનું છે કે તેમણે ભાજપનો હાથો બનીને ખેડૂતના નિસાસા લીધા છે. ખેડૂતોને આશા જાગી હતી એવે સમયે તેમણે આ પાપ કર્યું છે. જેલ જવાથી બચવા માટે તેમણે ખેડૂત આંદોલનનો બલિ ચડાવ્યો.”
“જેલની બીકે તેઓ આવા આરોપો લગાવશે, બોલશે એવું હું માની શકતો નથી. મારાથી નારાજગી હોય તો દિલ્હી ફરિયાદ કરવી હતી, સોશિયલ મીડિયા પર બધું લખવું જોઈતું હતું. પાર્ટીએ રાજુભાઈના સમર્થનમાં 8 જનસભાઓ કરી હતી. કેજરીવાલ પણ રાજકોટ આવ્યા હતા.”
એક સમયે આમ આદમી પાર્ટીના નેજા હેઠળ ખેડૂતોના પ્રશ્નો ઉઠાવીને સ્થાનિક રાજકારણમાં એક ચર્ચિત નામ બની જનાર રાજુ કરપડાના રાજીનામા બાદ હવે તેમના આ પગલાથી આમ આદમી પાર્ટીને કેટલું નુકસાન થશે એ અંગે પણ ચર્ચા ઊપડી છે.
બીજી તરફ આમ આદમી પાર્ટીએ રાજીનામા પાછળ ‘ભાજપનું દબાણ’ હોવાના આક્ષેપ કર્યા છે અને ‘રાજુ કરપડાએ જેલ જવાથી બચવા માટે ખેડૂતઆંદોલનનો બલિ ચઢાવ્યા’ની વાત કરી છે.
રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે એક ખેડૂતનેતા તરીકે ઊભરી આવેલા રાજુ કરપડાના રાજીનામાથી સૌરાષ્ટ્રમાં પકડ જમાવી રહેલી આમ આદમી પાર્ટીને ભારે નુકસાન થશે.
શું છે આખો મામલો?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
હડદડમાં કથિત કદડા પ્રથા સામે ખેડૂતોના વિરોધપ્રદર્શનનું રાજુ કરપડાએ નેતૃત્વ લીધું હતું. પછી કિસાન મહાપંચાયત ઉગ્ર બની હતી. અંતે ટોળાને વિખેરવા પોલીસે ટિયરગૅસના શૅલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો. સાથે જ પોલીસે 65 લોકોની ધરપકડ કરી હતી.
આ પ્રકરણમાં રાજુ કરપડા, પ્રવીણ રામ સહિતના નેતા અને સ્થાનિક ખેડૂતો સાથે જેલમાં ગયા હતા. જોકે, ધરપકડના 108 દિવસ બાદ સુધી જેલમાં રહ્યા બાદ 1 ફેબ્રુઆરીના રોજ જામીન પરથી છૂટ્યા બાદ દસ દિવસમાં તેમણે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું હતું.
આપના નેતા પ્રવીણ રામે પત્રકારો સાથેની વાતચીતમાં આક્ષેપ કર્યો હતો કે રાજુ કરપડા જેલમાં હતા ત્યારથી ડરી ગયા હતા, અને ભાજપના દબાણ ને કારણે તેમણે રાજીનામું આપ્યું છે, પક્ષના આંતરિક વિખવાદને કારણે નહીં.
તો સામેની બાજુએ રાજુ કરપડાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, “પક્ષમાં મારું કદ વધતાં કાવાદાવા થવા લાગ્યા હતા અને હું વધુ દિવસ જેલમાં રહું એવા પ્રયાસો થયા હતા. પહેલાં આમ આદમી પાર્ટીના નેતાઓએ કાનૂની સહાય આપવાની વાત કરી હતી, પણ પાછળથી હાથ ખેંચી લીધા હતા. મને જેલમાં રહેવાનો અફસોસ નથી, પણ મારા ભરોસે જે ખેડૂતો જેલમાં આવ્યા હતા એમને છોડાવવાનો કોઈ પ્રયાસ થયો નહોતો.”
“એટલું જ નહીં અમારી જામીન અરજીની ત્રણ-ત્રણ મુદ્દત સુધી કોઈ હાજર રહ્યા ન હતા, વીસાવદરની ચૂંટણીમાં ઘરે ઘરે ફરી મેં મત માગ્યા, એ લોકોએ મારા ખેડૂતોને મદદ ના કરી. એટલું જ નહીં હડદડના આંદોલન પછી ખેડૂતો ના પ્રશ્નો વધુ ગૂંચવાયા હતા. મારા ભરોસે જે ખેડૂતો લડવા તૈયાર થયા હતા, તેમને મુશ્કેલીઓ સહન કરવી પડતાં એટલે મેં મનોમંથન કરી પક્ષ છોડવાનું નક્કી કર્યું છે, હું બહાર રહીને ખેડૂતોના પ્રશ્નો માટે પહેલાંની જેમ લડીશ.”
રાજુ કરપડાના રાજીનામાની આપ પર કેવી અસર પડશે?
ઇમેજ સ્રોત, SACHIN PITHVA
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્યે બીબીસી ગુજરાતી સાથે રાજુ કરપડાના રાજીનામાની રાજકીય અસરો વિશે વાત કરી હતી.
તેમણે કહ્યું કે, “ગુજરાતમાં આપ પાસે આમ કોઈ મજબૂત સંગઠન નથી, માત્ર બે-ત્રણ આક્રમક ચહેરાથી આમ આદમી પાર્ટી ગુજરાત માં મજબૂત છે, એ સિવાય આમ આદમી પાર્ટીનાં ગુજરાતમાં ખાસ ઊંડાં મૂળિયાં નથી.”
“રાજુ કરપડા યુવાન અને આક્રમક નેતા છે, એટલે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની સમસ્યા સારી રીતે સમજી શકે છે, અને ખેડૂતોના પ્રશ્નો ને યોગ્ય વાચા આપે છે. જેના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોમાં એ ઘણા લોકપ્રિય છે .”
આચાર્ય આ મુદ્દે વધુ વાત કરતાં કહે છે કે, “કરપડા પાસે પક્ષને મજબૂત કરવા માટેની વ્યૂહરચના હતી. તેમણે વર્ષ 2022ની ચૂંટણી બાદ વિશ્લેષણ કર્યા પછી કચ્છ અને સૌરાષ્ટ્રમાં આયોજન કર્યું હતું.”
રાજુ કરપડાનાં રાજકીય કૌશલ્યો અંગે ધ્યાન દોરતાં જગદીશ આચાર્ય આગળ જણાવે છે કે, “હડદડના આંદોલનની ભાવનગરની ભાવનગર પશ્ચિમ, મહુવા, ગઢડા અને બોટાદ જેવી ચાર વિધાનસભાની બેઠકો પર અસર પડે એમ હતી. આ બેઠકો પર આમ આદમી પાર્ટી ગત વિધાનસભાની ચૂંટણીમાં 15%થી વધુ વોટ લાવી હતી, જયારે કચ્છમાં માંડવીમાં 2022માં આપને મત મળ્યા હતા. બીજી તરફ તેમણે અબડાસા, અંજાર અને ગાંધીધામની બેઠકો પર અસર કરે એવાં ખેડૂતઆંદોલન કચ્છમાં કર્યાં.”
“એટલું જ નહીં, તેઓ માત્ર સુરેન્દ્રનગર પૂરતા સીમિત ખેડૂત નેતા નથી, જૂનાગઢ અને જામનગર સુધી એ ખેડૂતોમાં સ્વીકાર્ય છે, એટલે એ ખેડૂતોના સત્તાવિરોધી મત આપ તરફ લાવી શકે એવા નેતા હતા. રાજુ કરપડાના રાજીનામાથી આપની ગ્રામીણ વિસ્તારોમાં બની રહેલી આપની પકડ પર તેની અસર પડશે.”
રાજકીય વિશ્લેષક વિદ્યુત જોશી માને છે કે રાજુ કરપડાના રાજીનામાથી આપમાં આંતરિક વિખવાદ બહાર આવ્યો છે, હવે એના કારણે આપ ની છાપ પર અસર પડશે.
“રાજુ કરપડા અને આપના સામસામા આક્ષેપ-પ્રત્યાક્ષેપને પગલે કૉંગ્રેસથી આપ તરફ ઢળી રહેલા ગ્રામીણ ખેડૂતો પર તેની નકારાત્મક અસર પડશે.”
ઇમેજ સ્રોત, AAP Gujarat/FB
વિદ્યુત જોશી કહે છે કે, “આગામી સમયમાં આવી રહેલી મિનિ વિધાનસભા જેવી મ્યુનિસિપલ કૉર્પોરેશન, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં આની મોટી અસર પડશે, એટલું જ નહીં, આપના સંગઠનનું માળખું કૉંગ્રેસ કરતાં પણ વધુ નબળું છે, ત્યારે આ વિખવાદ બાદ આપના બીજી હરોળના નેતાઓની સક્રિયતા પર પણ અસર પડશે. આક્રમક નેતાઓના ચહેરાથી ચાલતી પાર્ટી આપને રાજુ કરપડાના રાજીનામાથી ઘણી માઠી અસર પડશે.”
વરિષ્ઠ પત્રકાર પ્રફુલ્લ ત્રિવેદી કહે છે કે રાજુ કરપડા ‘આક્રમક નેતામાંથી રાજકારણની સૂઝ ધરાવતા નેતા’ બની ગયા હતા.
“એ સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોના પ્રશ્નોને વાચા આપતા હતા. જેની અસર માત્ર ગ્રામીણ વિસ્તારો જ નહીં, પરંતુ સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવાં શહેરોમાં સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારમાંથી આવેલા લોકોને પણ તેની વાતની અસર થતી.”
“સુરતમાં વર્ષ 2022ની ચૂંટણીમાં આપ છ વિધાનસભાની બેઠક પર બીજા નંબરે હતી, જ્યાં સૌરાષ્ટ્રથી સુરતમાં આવીને વસેલા લોકોનું પ્રભુત્વ છે, તો અમદાવાદ રાજકોટ અને વડોદરાની કેટલીક બેઠક પર પણ આપે તાકાત બતાવી હતી. આ વિસ્તારનો અભ્યાસ કરી રાજુ કરપડા કામ કરી રહ્યા હતા.આમ, રાજુ કપરાડાના રાજીનામાથી આપને માત્ર ગ્રામીણ જ નહીં, શહેરી વિસ્તારની કેટલીક બેઠકો પર પણ અસર થશે.”
આ અંગે બીબીસી ગુજરાતીએ ગુજરાત ભાજપ અને કૉંગ્રેસનો સંપર્ક સાધીને તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો, ભાજપના પ્રવક્તા પ્રશાંત વાળા અને કૉંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કાઠવાડિયાએ આ આમ આદમી પાર્ટી નો આંતરિક મામલો હોવાથી કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો.
અગાઉ, સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા બેઠક પર ભાજપના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ આપના નેતાઓના આરોપોનો જવાબ આપતા બીબીસી ગુજરાતીના સહયોગી સચીન પીઠવાને અગાઉ જણાવ્યું હતું કે, “ભાજપ એ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે તથા તેણે આવા કાવાદાવા કરવાની જરૂર નથી. રાજુભાઈનો અંતરાત્મા વહેલો જાગ્યો, એટલે તેમણે આપમાંથી રાજીનામું આપ્યું છે.”
જોકે, તેમણે રાજુ કરપડા ભાજપમાં જોડાશે કે નહીં તેના કોઈ સંકેતો આપ્યા નહોતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



