Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
એક કલાક પહેલા
રશિયાના ઉફા શહેરમાં એક હુમલા દરમિયાન ચાર ભારતીય વિદ્યાર્થી ઘાયલ થયા છે. આ માહિતી રશિયા ખાતેના ભારતીય રાજદૂતાલયે આપી છે.
ભારતીય રાજદૂતાવાસે ઍક્સ પોસ્ટમાં લખ્યું, “ઉફામાં હુમલાની એક દુઃખદ ઘટના ઘટી છે, જેમાં ચાર ભારતીય વિદ્યાર્થી સહિત અનેક લોકો ઘાયલ થયા છે.”
ભારતીય દૂતાવાસે માહિતી આપી હતી કે ઘાયલ વિદ્યાર્થીઓની મદદ માટે તેમનો એક અધિકારી ઉફાનો પ્રવાસ ખેડી રહ્યો છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ, રશિયાના ઉફા શહેરની એક યુનિવર્સિટીમાં ચાકુબાજીની ઘટના ઘટી હતી, જેમાં ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા છે.
પ્રારંભિક રિપોર્ટો મુજબ, બાશ્ખોર્તોસ્તાન ગણરાજ્યના ઉફામાં સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી ખાતે એક હૉસ્ટેલમાં ચાકુ લઈને એક કિશોર ઘૂસ્યો હતો અને તેણે ત્યાં રહેતા વિદ્યાર્થીઓ ઉપર હુમલો કર્યો હતો.
ઇસ્લાલામાબાદ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ વિશે પાકિસ્તાને શું કહ્યું?
ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના ગૃહ મંત્રી મોહસિન નકવીનું કહેવું છે કે ઇસ્લામાબાદમાં શિયા ઇમામવાડામાં થયેલા બૉમ્બ વિસ્ફોટના માસ્ટરમાઇન્ડ સહિત ચાર લોકો ધરપકડ કરવામાં આવી છે.
શનિવારે એક પત્રકાર પરિષદ દરમિયાન ક્વીએ કહ્યું હતું કે માસ્ટરમાઇન્ડ આઇએસઆઇએસ સાથે જોડાયેલો અફઘાન નાગરિક છે. જ્યારે અન્ય ત્રણે વિસ્ફોટમાં મદદ કરી હોવાની આશંકા છે.
નકવીના કહેવા પ્રમાણે, તમામ પ્લાનિંગ અને ટ્રેનિંગ અફઘાનિસ્તાનમાં થયા હતા.
તેમણે કહ્યું, “અમે જે લોકોની ધરપકડ કરી છે, તેમણે બ્લાસ્ટ અંગે સંપૂર્ણ માહિતી આપી છે. હુમલાખોરને ક્યાંથી લાવવામાં આવ્યો અને કેવી રીતે ટ્રેનિંગ આપવામાં આવી.”
નકવીએ ફરી કહ્યું હતું કે પાકિસ્તાનમાં થઈ રહેલા ‘આતંકવાદના મૂળિયા’ અફઘાનિસ્તાનમાં છે. બીજી બાજુ, અફઘાનિસ્તાનની સરકાર પાકિસ્તાનના આરોપોને નકારતી રહી છે.
અફઘાનિસ્તાન ઉપરાંત પાકિસ્તાને ભારતની સંડોવણીની પણ વાત કહી છે. શનિવારે પત્રકારપરિષદ દરમિયાન ક્વીએ કહ્યું કે ‘અફઘાનિસ્તાનથી ઑપરેટ થઈ રહેલા આતંકવાદી નેટવર્કને ભારત ફંડ કરે છે.’
જોકે, નકવીએ પોતાના દાવાને ટેકો આપતા કોઈ પુરાવા રજૂ નહોતા કર્યા. બીજી બાજુ, ભારતનું વિદેશ મંત્રાલય આ આરોપોને નકારી ચૂક્યું છે.
ભારતના વિદેશ મંત્રાલયે શુક્રવારે બહાર પાડેલાં નિવેદનમાં કહ્યું હતું, “ઇસ્લામાબાદની એક મસ્જિદમાં જે બૉમ્બ વિસ્ફોટ થયો છે, તે નિંદનીય છે અને ભારત તેમાં માર્યા ગયેલાંઓ પ્રત્યે શોક વ્યક્ત કરે છે.”
“પાકિસ્તાન પોતાની સામાજિક સમસ્યાઓને ગંભીરતાપૂર્વક ઉકેલવાને બદલે પોતાની ઘરેલુ સમસ્યાઓ માટે બીજાને દોષ આપીને પોતાની જાતને છેતરી રહ્યું છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે.”
“ભારત આવા આધારહીન આરોપોને નકારે છે.”
ઉલ્લેખનીય છે કે આ વિસ્ફોટમાં 30 વધુ લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે 170થી વધુ લોકો ઘાયલ થયા છે.
ભારતનાં મેઘના સજ્જનારે એશિયા શૂટિંગ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ જીત્યો
ઇમેજ સ્રોત, @SWRRLY
ભારતના મેઘના સજ્જનારે એશિયન ચૅમ્પિયનશિપમાં મહિલાઓની 10 મીટરની ઍર રાયફલ ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો છે. મેઘના ગર્ભવતી છે અને તેમને આઠમો મહિનો ચાલી રહ્યો છે.
શનિવારે નવી દિલ્હીસ્થિત ડૉ. કરણીસિંહ શૂટિંગ રેન્જ ખાતે ચાલી રહેલી રાયફલ અને પિસ્તોલ ઇવેન્ટ્સમાં મેઘનાએ આ સિદ્ધિ હાંસલ કરી હતી.
ભારતના વિખ્યાત બૅડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ પણ મેઘનાને અભિનંદન પાઠવ્યા હતા.
પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં પીવી સિંધુએ લખ્યું, “આઠ મહિનાના પ્રેગનન્ટ હોવા છતાં રેન્જમાં જઈને બ્રૉન્ઝ મેડલ જીત્યો. મેઘના, મારી દોસ્ત, તને આમ કરતાં જોઈને મારા મનમાં ખૂબ જ સન્માન અને પ્રશંસાની ભાવના જાગી રહી છે.”
તેમણે લખ્યું, “તારા જેવી સશક્ત મહિલાઓ માત્ર પ્રેરણા નથી આપતી, પરંતુ અમને બધાંને થોડો વધુ આત્મવિશ્વાસ અપાવે છે. આમ જ આગળ વધતી રહે અને પ્રેરણા આપતી રહે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



