Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અલ્પેશ કરકરે
- પદ, બીબીસી માટે
-
4 એપ્રિલ 2025, 10:41 IST
અપડેટેડ 8 મિનિટ પહેલા
મુંબઈની નજીકના ઉપનગર નેરુલમાં એક વ્યસ્ત સડક પર લોહીથી લથપથ એક વ્યક્તિનો મૃતદેહ મળવાથી હડકંપ મચી ગયો. પોલીસને એક શંકા થઈ અને આ શંકાને આધારે તે આરોપીની શોધ કરી રહી હતી.
આ હ્રદય કંપાવી દે એવી ઘટનાની સૂચના મળતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને કેસ દર્જ કરીને આરોપીને શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા. જોકે, કોઈ પુરાવા ન મળવાને કારણે આરોપી અંગે કોઈ ભાળ નહોતી મળી રહી.
આરોપીએ કોઈ પુરાવા છોડ્યા વગર આ ક્રુર ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે, કેટલાક દિવસો સુધી અલગ-અલગ દૃષ્ટિકોણથી તપાસ કર્યા બાદ પોલીસે આરોપીને એક રખડતા કૂતરાની મદદથી શોધી નાખ્યો.
શું ઘટના ઘટી હતી?

ઇમેજ સ્રોત, Alpesh kaekare
આ ઘટના 13 એપ્રિલ, 2024ની સવારે નવી મુંબઈના નેરુલ વિસ્તારમાં ઘટી હતી.
સવારે સાડા છથી સાત કલાક આસપાસ નેરુલ વિસ્તારમાં એક વ્યક્તિ સ્કાયવૉકની નીચે રસ્તા પર લોહીથી લથપથ પડી હતી.
ઘટનાની સૂચના મળતા નવી મુંબઈના નેરુલ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને કર્મચારી નેરુલ સેક્ટર 10 સ્થિત ઘટનાસ્થળે પહોંચ્યા.
લોહીથી લથપથ વ્યક્તિને પોલીસે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરી, જ્યાં ડૉકટરોએ તેને મૃત ઘોષિત કરી. પોલીસે આ મામલે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો અને તપાસ હાથ ધરી.
પોલીસે જુદા-જુદા દૃષ્ટિકોણથી તપાસ કરી

ઇમેજ સ્રોત, Getty Images
પોલીસ અલગ-અલગ દૃષ્ટિકોણથી તપાસ કરી રહી હતી. આ મામલાની તપાસ માટે બેથી ત્રણ પોલીસ ટીમ તહેનાત કરવામાં આવી. આ ઘટનાથી નેરુલ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો.
આ માટે ડીસીપી વિવેક પાનસરે, એસીપી રાહુલ ગાયકવાડના નેતૃત્વમાં નેરુલ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર તાનાજી ભગતના માર્ગદર્શનમાં આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સચીન ધાગે, નીલેશ શેવાલે, પોલીસ કૉન્સ્ટેબલ જીતેન્દ્ર પાટિલ, ઉમેશ પાટીલ, સંતોષ રાઠોડ, રાહુલ કેલગેંદ્રે, પોલીસ કૉન્સ્ટેબલ સાગર સોનવલકર, ગણેશ આવ્હાડ, સુહાસ બરકડે અને અન્ય પોલીસ અધિકારીઓએ આ મામલાની તપાસ શરૂ કરી.
આ કિસ્સામાં, પોલીસે ઘટનાની આસપાસના વિસ્તારમાં શેરીઓમાં આવેલી દુકાનોનાં સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું. પોલીસે આ વિસ્તારમાં બાતમીદારો અને ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઘણા લોકોને પૂછપરછ માટે અટકાયતમાં લીધા હતા.
એ સમયે તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું હતું કે મૃતક કચરો એકઠો કરવાનું કામ કરતો હતો. જોકે, આ મામલો પોલીસ માટે હજું પણ એક વણઉકેલ્યો કોયડો હતો.
એક ટીમ દિવસભર ઘટનાસ્થળની આસપાસનાં સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી હતી. બીજી ટીમ ઘટનાસ્થળે લોકોની પૂછપરછ કરી રહી હતી. પરંતુ બે દિવસ પછી પણ કંઈ નક્કર પરિણામ મળ્યું નહીં.
એક પ્રશ્નએ તપાસને વેગ આપ્યો

ઇમેજ સ્રોત, Getty Images
સીસીટીવી ફૂટેજ, શંકાસ્પદો અને સમાચાર અહેવાલોની તપાસ કરતી વખતે, પોલીસ આરોપી કે મૃતક વિશે વધુ કોઈ માહિતી મેળવી શકી ન હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી, જેના કારણે તેનું મોત થયું હતું. મૃતકના ખિસ્સામાંથી કંઈ મળ્યું ન હોવાથી, તપાસમાં મૃતક કોણ હતો તેના અંગે પણ કોઈ જાણકારી નહોતી મળી.
અંતે, સીસીટીવીની તપાસ કરતી વખતે, આસિસટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સચીન ધાગે અને તેમની ટીમે સીસીટીવીમાં મૃતક અને શંકાસ્પદ વ્યક્તિને ઝઘડો કરતા જોઈ. બાદમાં, એક સીસીટીવી ફૂટેજમાં બંને શૌચાલય વિસ્તારમાં એકબીજા સાથે દલીલ કરતા જોવા મળ્યા. બાદમાં, સીસીટીવીમાં કંઈ દેખાતું નહોતું. તેથી, તપાસ દરમિયાન ઘણી મુશ્કેલીઓ આવી.
આગળની તપાસ કરતા આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેકટર સચીન ધાગેએ ઘટનાસ્થળથી થોડે દૂર સીસીટીવી કેમેરામાં એક વ્યક્તિને જોઈ. જોકે, હુમલાખોરનો ચહેરો સ્પષ્ટ રીતે જોવા નહોતો મળી રહ્યો. અંતે સીસીટીવીમાં ધાગે અને પોલીસ ટીમે શંકાસ્પદ શખ્સની સાથે સફેદ પટ્ટાવાળો એક કાળો કૂતરો જોયો.
આ કૂતરો અન્ય સીસીટીવી ફૂટેજમાં પણ એ વ્યક્તિ સાથે જોવા મળ્યો હતો. સીસીટીવી જોતાં જણાયું કે એ કૂતરો બીજા લોકો પર ભસી રહ્યો હતો પણ શંકાસ્પદ પર નહીં. પોલીસને નવાઈ લાગી અને પ્રશ્ન થયો કે આ કૂતરો એ આ વ્યક્તિ પર કેમ નથી ભસી રહ્યો?
પોલીસને કૂતરા અને આરોપી વચ્ચે કંઈક સંબંધ હોવાની શંકા ઉપજી, એટલે પોલીસે આ કૂતરાની શોધખોળ આદરી. આવારા કૂતરાની શોધ કરવામાં આવતા પેલી શંકાસ્પદ વ્યક્તિ પણ મળી આવી.
નવી મુંબઈના નેરુલ પોલીસને આ કૂતરો નેરુલના શિરવાને વિસ્તારમાં એક સ્કાયવૉકના ફૂટપાથ પર મળ્યો. આ કૂતરો ફૂટપાથ પર એ વ્યક્તિ સાથે રહેતો હતો. કૂતરો સીસીટીવી ફૂટેજમાં જોવા મળેલા કૂતરા જેવો જ દેખાતો હતો.
પોલીસે આ વિસ્તારમાં કૂતરા વિશે પૂછપરછ કરી તો કેટલાક લોકોએ જણાવ્યું કે આ કૂતરો ભૂર્યા નામના એક યુવાન સાથે હંમેશા જોવા મળતો હતો. પોલીસે આ યુવાનને શોધવાના પ્રયાસો કર્યા.
એક દિવસ ભૂર્યા નામનો આ યુવાન સ્કાયવૉક પર સૂતેલો જોવા મળ્યો. પોલીસે એને પકડીને પૂછપરછ કરી. આ શંકાસ્પદ વ્યક્તિ પોલીસને કોઈ જાણકારી આપી રહી ન હતી. પોલીસે પોતાનો આગવો રંગ બતાવ્યો એટલે શંકાસ્પદ પોપટની જેમ બોલવા માંડ્યો.
હત્યાનું કારણ શું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
પોલીસ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર આ ઘટનાના આરોપીનું નામ ભૂર્યા ઉર્ફે મનોજ પ્રજાપતિ હતું. ભૂર્યા કેટલીક દુકાનોમાં સફાઈનું કામ કરતો હતો. મૃતક 45 વર્ષનો હતો અને મનોજ પ્રજાપતિ સાથે મારપીટ કરતો હતો અને તે સૂવા સમયે મનોજના ખિસ્સામાંથી પૈસા કાઢી લેતો હતો.
13 એપ્રિલ, 2024ના એક-બે દિવસ પહેલા પણ આમ જ થયું. 13 એપ્રિલની રાતે મૃતક અને અને મનોજ પ્રજાપતિ વચ્ચે માથાકૂટ થઈ. મનોજ પ્રજાપતિએ ગુસ્સામાં આવીને મૃતકના માથા પર ડંડાથી પ્રહારો કર્યા જેથી મૃતક લોહીલુહાણ થઈ ગયો. તપાસ કરનાર અધિકારીએ જણાવ્યું કે આરોપીએ હત્યાની પૂરી ઘટના વિશે કબૂલાત કરી લીધી છે.
‘એ બીજા પર ભસશે પણ મારા પર નહીં’
મનોજ પ્રજાપતિએ પોલીસને કૂતરા વિશે જાણકારી આપતા જણાવ્યું કે “તે એ કૂતરાને રોજ ખાવાનું આપે છે. આ કારણે કૂતરો બીજા પર ભસે છે પણ મારા પર નહીં. તે આ વિસ્તારમાં હંમેશા મારી સાથે રહે છે.”
મામલાની તપાસ કરી રહેલા તત્કાલીન આસિસટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સચીન ધાગેએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું, “આ મામલાની તપાસ કરતા અનેક મુશ્કેલીઓ આવી. આ મામલામાં એક શંકાના આધારે અમે આરોપી સુધી પહોંચ્યા હતા.”
પોલીસે જણાવ્યું, “આ તપાસમાં અમારા અનુભવી અધિકારીઓનો અનુભવ કામ આવ્યો. અમે સીસીટીવી, બાતમીદાર અને કેટલાક શંકાસ્પદની પુછપરછ કરીને આરોપીને પકડી પાડ્યો. આ તપાસમાં મહત્ત્વની કડી રખડતો કૂતરો હતો.”
આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી અને પછી એને કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે આરોપીને સજા કરી. આરોપી હાલ ન્યાયિક કસ્ટડીમાં છે.
જોકે આ મામલાની સુનાવણી થઈ ત્યાં સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી. પોલીસ તપાસમાં એટલું જાણવા મળ્યું છે કે મૃતક એક પ્રવાસી હતો અને કામ માટે મુંબઈ અને નવી મુંબઈ આવ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS