Home તાજા સમાચાર gujrati મ્યાઉં…મ્યાઉં…એ શહેર જ્યાં બિલાડીઓનું રાજ છે..અહીં કેવી રીતે રહે છે 2.5 લાખ...

મ્યાઉં…મ્યાઉં…એ શહેર જ્યાં બિલાડીઓનું રાજ છે..અહીં કેવી રીતે રહે છે 2.5 લાખ બિલાડીઓ?

6
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ગુજરાત, બિલાડી, પ્રાણી,

ઇમેજ સ્રોત, Marcel Heijnen

ઑટ્ટોમન કાળના “કેટ સિટર્સ” (બિલાડીની દેખભાળ કરનારાઓ)થી માંડીને આધુનિક સમયના માર્ગોના રખેવાળો સુધી, ઇસ્તાંબુલનો તેની બિલાડીઓ પ્રત્યેનો સ્નેહ સદીઓથી ચાલ્યો આવે છે.

ઇસ્તાંબુલના વળાંક લેતા રસ્તા, મસ્જિદો, મેટ્રો સ્ટેશનો અને કાફૅમાં રોજ એક નાજુક સંતુલન અચૂક જાળવી રાખવામાં આવે છે.

તુર્કીના આ સૌથી વિશાળ શહેરમાં 1.5 કરોડ કરતાં વધુ લોકો જગ્યા મેળવવાની મથામણ કરે છે.

આ શહેર બૉસ્ફોરસની બંને બાજુએ યુરોપ તથા એશિયામાં વિસ્તરેલું છે – બરાબર એવી રીતે, જેવી રીતે કોઈ પાલતૂ બિલાડી અડધી સોફા ઉપર અને અડધી કૉફી ટેબલ ઉપર શરીર ટેકવીને બેઠી હોય.

આ એકદમ ઉચિત દૃશ્ય છે, કારણ કે, અહીં અંદાજે અઢી લાખ બિલાડીઓ પણ વસે છે.

આ શહેરના તાણા-વાણા અને ઇતિહાસમાં બિલાડીઓ એ હદે પ્રસરી ગઈ છે કે, શહેરના દરેક ખૂણે વેચાતા કામળાની માફક તે પણ સર્વવ્યાપી છે. આ એક સહિયારું શહેર છે, પ્રેમ અને જીવનથી છલકાતું શહેર.

સિટી કેટ્સ ઑફ ઇસ્તાંબુલના લેખક અને ફોટોગ્રાફર માર્સેલ હેઇજેને જણાવ્યું હતું કે, “ઇસ્તાંબુલની બિલાડીઓ ન તો પાલતૂ છે કે ન તો રખડતી બિલાડીઓ છે, બલ્કે આ બંનેનું મિશ્રણ છે. તે બિલાડીઓ કોઈ ચોક્કસ લોકોની માલિકીની નથી હોતી, પણ બિલાડીઓ જ્યાં રહેતી હોય, તે વિસ્તારોના સમુદાયો તેમની કાળજી લેતા હોય છે.”

બિલાડી પ્રત્યેનું આ સમર્પણ કાંઈ નવું નથી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ગુજરાત, બિલાડી, પ્રાણી,

ઇમેજ સ્રોત, Marcel Heijnen

બિલાડીઓ પ્રત્યે સ્થાનિક શ્રદ્ધાનો આવો ભાવ તેમણે અન્યત્ર ક્યાંય નથી જોયો.

કૅટ મ્યુઝિયમ ઇસ્તાંબુલનાં સહ-સ્થાપક ફાતિહ દાગલી જણાવે છે, “દરેક નગરપાલિકામાં એક પશુચિકિત્સા વિભાગ આવેલો હોય છે, જે તેના વિસ્તારમાં રખડતાં પ્રાણીઓની મદદ કરે છે અને રખડતી બિલાડીઓ માટે વિના મૂલ્યે નસબંધીની સેવા પૂરી પાડે છે.”

“ખાનગી પશુ ચિકિત્સાલયો પણ રખડતી બિલાડીઓ માટે રાહત દરે સેવાઓ પૂરી પાડે છે અને રહીશો ઘણી વખત પશુ ચિકિત્સકોની ફી ચૂકવે છે.”

બિલાડીઓ પ્રત્યેનો આવો લગાવ કોઈ નવી વાત નથી.

હેઇજેન કહે છે, “રખડતી બિલાડીઓ પ્રત્યેનો લગાવ ઇસ્તાંબુલમાં ઑટ્ટોમનના શાસનકાળથી ચાલ્યો આવે છે.”

“આ ગાળા દરમિયાન, સ્થાનિક સંસ્થાઓએ રખડતાં પશુઓની કાળજી લેવામાં આવે, તે સુનિશ્ચિત કર્યું. વળી, “મંકાસી” (બિલાડીની સંભાળ લેનાર) નામની એક નોકરીની શરૂઆત થઈ, તે પછી તો રખડતાં પશુઓ પ્રત્યેનો પ્રેમ એક પૂર્ણકાલીન વ્યવસાયમાં પરિવર્તિત થઈ ગયો.”

“મંકાસીને શહેરની બિલાડીઓને ભોજન પૂરું પાડવાનું કામ સોંપવામાં આવ્યું હતું અને રહેવાસીઓ મંકાસી પાસેથી ભોજન ખરીદીને સ્વયં બિલાડીઓને ખવડાવે, તેવો વિકલ્પ પણ તેમાં રાખવામાં આવ્યો હતો.”

દાગલી કહે છે, “ફોનિશિયન કાળથી જ દરિયાઈ વેપારીઓ ઉંદરોથી બચવા માટે જહાજો પર બિલાડીઓ રાખતા હતા.”

તેઓ ઉમેરે છે કે, રોમન અને ઑટ્ટોમન યુગ દરમિયાન, જ્યારે રેશમ અને મસાલાનાં વ્યાપારી જહાજોનું ઇસ્તાંબુલનાં વ્યસ્ત બંદરો પર આગમન થતું હતું, ત્યારે તેમની સાથે અગણિત બિલાડીઓ પણ આવી પહોંચતી હતી.

‘સૌથી શાંત નાગરિક’

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ગુજરાત, બિલાડી, પ્રાણી,

ઇમેજ સ્રોત, Marcel Heijnen

આજે, ઇસ્તાંબુલના રહીશો ઘરની અંદર અને ઘર બહારની જગ્યા ખુશી-ખુશી તેમના શહેરની બિલાડીઓ સાથે વહેંચે છે.

એટલું જ નહીં, વિશ્વભરના બિલાડી-પ્રેમીઓ આ શહેરને “કૅટસ્તાંબુલ”નું હુલામણું નામ આપ્યું છે અને ઘણા પ્રવાસીઓ બિલાડીઓને કારણે જ શહેરની મુલાકાત લે છે.

મારા પ્રવાસ દરમિયાન, મેં જોયું છે કે, ઇસ્તાંબુલ જેવા ભારે શોરબકોરભર્યા વ્યસ્ત શહેરમાં પણ બિલાડીઓ અહીંની સૌથી શાંત નાગરિકો સાબિત થઈ છે.

ગલાટા ટાવર જોવા માટે ચઢાણ કર્યા પછી શ્વાસ લેવા માટે હું બાંકડા પર બેસું કે પછી દરિયાકાંઠે બેસીને શહેરને નિહાળી રહ્યો હોઉં, તે સમયે ઇસ્તાંબુલની આ બિલાડીઓએ મને અમુક વખત અરાજકતાભરી લાગતી જગ્યાઓ પર પણ શાંતિનો અનુભવ કરાવ્યો છે.

જરા થોભીને બિલાડીને પોતાના ખોળામાં લેવાની ઇચ્છા ધરાવનારા અન્ય લોકોની આવી જ કાળજી લેતી અગણિત બિલાડીઓ મેં જોઈ છે, સરહદ કે ભાષાના અવરોધ વિનાનું એક મૈત્રીપૂર્ણ આમંત્રણ.

અહીં સૌકોઈ, રસ્તા પર ફરતી બિલાડીઓ સુદ્ધાં આવી ભલમનસાઈની હકદાર છે.

હેઇજેન જણાવે છે તેમ, જ્યારે ઇસ્તાંબુલની કોઈ બિલાડી એક ઝોકું લેવા માટે તમારા ખોળા પર પસંદગી ઉતારે છે અને કબાબ, કેસર, મકાઈ અને તાજી મેકેરલની સોડમ તમારી ચારેકોર પ્રસરી રહી હોય છે, તે સમયે ઇસ્તાંબુલ ઇન્દ્રિયો ઉપર વધુ સુખદ પ્રભાવ ઊભો કરે છે.

“અત્યંત ખાસ શહેર”

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ગુજરાત, બિલાડી, પ્રાણી,

ઇમેજ સ્રોત, Jeff Bogle

શહેરો તેમની નરમાશ બદલ નથી ઓળખાતાં. તે લોકો માટે બનેલાં હોય છે, માર્ગો, ઇમારતો અને પુલ જેવી સુવિધાઓ ધરાવતાં હોય છે અને ઈંટ, કૉન્ક્રીટ, કાચ અને સ્ટીલ જેવી મજબૂત સામગ્રીઓમાંથી બનેલાં હોય છે.

હેઇજેન કહે છે, “કોઈ અન્ય પ્રજાતિ તે મિશ્રણમાં પોતાનું સ્થાન બનાવે, તે સાચે જ વિશિષ્ટ બાબત છે. સ્થાનિકોને આ સાથી પૃથ્વીવાસીઓની કાળજી લેતા જોવા તેથીયે વધુ આનંદપ્રદ છે.”

વિશ્વનાં કેટલાંક ઓછાં અનુકૂળ સ્થળોએ માર્ગો પર રખડતાં પ્રાણીઓનું જીવન ઘણું કઠોર હોય છે, તેનાથી ઊલ્ટું, ઇસ્તાંબુલની બિલાડીઓ સુખ-શાંતિથી રહે છે.

ફાતિહના ઐતિહાસિક વિસ્તારમાં પ્રસિદ્ધ બ્લ્યુ અને હાગિયા સોફિયા મસ્જિદો જોવા માટે ટહેલતાં તમને સુલો નામની બિલાડી જોવા મળી શકે છે.

સુલતાનહમેત સ્ક્વેરમાં પ્રવાસીઓ ગોળમટોળ ભૂખરા અને સફેદ રંગની આ બિલાડી સાથે ફોટા પડાવતા જોવા મળશે.

તે હંમેશાં તેની સંભાળ રાખતા દુકાનદાર પાસે જ રહે છે. પર્વતીય વિસ્તારોમાં અને બોસ્ફોરસના કિનારે બિલાડીઓ બાંકડાઓ ઉપર, સીડીઓ ઉપર આરામ કરે છે અને બપોરે ઝોકું લેવા માટે લાકડાંનાં બનેલાં બિલાડીઓ માટેનાં ઘરોમાં ભરાઈ જાય છે.

બજારો તથા મેટ્રો સ્ટેશનોની બહાર પસાર થઈ રહેલી ભૂખી બિલાડીઓ માટે જુદાં-જુદાં પાત્રોમાં સૂકા ભોજન અને પાણી ભરીને મૂક્યાં હોય છે.

વળી, સ્થાનિકો અને પ્રવાસીઓ તેમના કાફેના ભોજનનો અમુક ભાગ બિલાડીઓને આપતા હોય છે.

દુકાનદાર પાળે છે બિલાડીઓ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ગુજરાત, બિલાડી, પ્રાણી,

ઇમેજ સ્રોત, Marcel Heijnen

ઘણી દુકાનો બિલાડીઓને પાલતૂ પ્રાણી તરીકે પણ રાખે છે, જે મુલાકાતીઓને અંદર આવવા માટે આકર્ષવાની અસરકારક પ્રયુક્તિ છે.

હેઇજેન કહે છે, “બિલાડીઓ અને માનવીઓ વચ્ચેના સહજીવનના સબંધની શરૂઆત વિશ્વના આ ભાગમાંથી થઈ હતી. ઑટ્ટોમન યુગ દરમિયાન બિલાડીઓને વ્યવહારુ કારણોસર પાળવામાં આવતી હતી.”

“તે સંગ્રહ કરેલા ભોજનને જંતુઓથી બચાવવામાં મદદ કરતી હતી.”

વર્તમાન સમયમાં બિલાડીઓનું કામ બદલાઈ ગયું છે. તેઓ અનૌપચારિક ટુરિસ્ટ ઍમ્બેસેડર્સ બની ગઈ છે, જે આ વ્યસ્ત શહેરના માહોલને ખુશનુમા બનાવી દે છે.

ઇસ્તાંબુલની ઘણી રખડતી બિલાડીઓ તમારા પગમાં અને તમારી તસવીરોમાં જોવા મળશે.

આ શહેર છોડીને જાઓ, તે પછી પણ તેમના ચહેરા, તેમના પંજા અને તેમનું “મ્યાંઉ…મ્યાંઉ” તમારા દિમાગ અને હૃદયમાં લાંબા સમય સુધી છવાયેલાં રહેશે.

જ્યારે આપણે ઘરે અને પ્રવાસ દરમિયાન શાંતિથી અન્યો સાથે આપણી જગ્યા, આપણું ભોજન અને આપણું જીવન વહેંચીએ છીએ, ત્યારે શું થઈ શકે છે, તેનું આ બિલાડીઓ આકર્ષક ઉદાહરણ છે.

બિલાડી, ઇસ્તાંબુલ, તુર્કી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Marcel Heijnen

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS