Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
તા. 31 ડિસેમ્બર 1999ની રાત હતી.
ભારત સહિત વિશ્વભરના લોકો નવું વર્ષ, નવી સદી તથા નવી સહસ્ત્રાબ્દીને આવકારવા માટે તૈયારીઓ કરી રહ્યા હતા અને પાર્ટીના મૂડમાં હતા.
આવા સમયે દિલ્હીમાં કેન્દ્ર સરકારના મંત્રીઓ, ઉચ્ચસ્તરીય સુરક્ષાઅધિકારીઓ અને સરકારી બાબુઓએ પણ રાહતનો શ્વાસ લીધો. કારણકે આ દિવસે છેલ્લા સાત દિવસથી ચાલી રહેલા વિમાન હાઇજેકિંગના તણાવભર્યા પ્રકરણનો અંત આવ્યો હતો.
આમ તો આ સમગ્ર ઘટનાક્રમમાં અનેક સુરક્ષાઅધિકારીઓએ પડદા પાછળ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેમાં હાલના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ સામેલ હતા.
ભારતનું કહેવું છે કે ‘તા. છ-સાતની મધ્ય રાત્રિએ ‘ઑપરેશન સિંદૂર’ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ભારતે ‘આઈસી-814 વિમાન અપહરણકાંડ સાથે સંકળાયેલા ચરમપંથી માર્યા ગયા’ હોવાની વાત કરી હતી.
આ સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ‘ઑપરેશન સિંદૂર’ અને વર્ષ 1999માં થયેલા વિમાન અપહરણને પગલે મુક્ત કરવામાં આવેલા ઉગ્રવાદી મૌલાના મસૂદ અઝહર વચ્ચેનું એ પ્રકરણ તાજું કરી દીધું હતું.
ઇન્ડિયન ઍરલાઇન્સનાં વિમાનને કંદહાર લઈ જવાયું

24 ડિસેમ્બર, 1999ના રોજ ઇન્ડિયન ઍરલાઇન્સની ફ્લાઇટ આઈસી 814એ નેપાળની રાજધાની કાઠમંડુથી લખનૌ જવા માટે ઉડાણ ભરી, ત્યારે તેમાં 176 પ્રવાસીઓ ઉપરાંત ચાલકદળના 15 લોકો સવાર હતા.
કૅપ્ટન દેવીશરણના નેતૃત્વમાં જ્યારે આ વિમાન જ્યારે ભારતીય હવાઈક્ષેત્રમાં પ્રવેશ્યું, ત્યારે એક બુકાનીધારી શખ્સ ઊભો થયો અને કૉકપિટમાં ઘૂસી ગયો.
તેણે પાઇલટને ધમકી આપી કે તે વિમાનને લખનૌના બદલે લાહોર લઈ જવામાં આવે અને જો એમ નહીં કરે તો વિમાનને બૉમ્બથી ઉડાવી દેશે. એ પછી વધુ ચાર બુકાનીધારી ઊભા થયા અને તેમણે વિમાનના જુદાજુદા ભાગમાં પૉઝિશન લઈ લીધી.
કૅપ્ટન દેવી શરણે વિમાનને લાહોર તરફ વાળ્યું, પરંતુ ત્યાં સુધી પહોંચવા જેટલું ઇંધણ તેમાં ન હતું, એટલે વિમાનને અમૃતસર ઍરપૉર્ટ પર ઉતારવામાં આવ્યું.
વિમાનમાં ઇંધણ ભરાતું હોય, ત્યારે ભારતની સુરક્ષા એજન્સીઓ કોઈ કાર્યવાહી કરી શકે છે, એવી આશંકા જતા અપહરણકારો અમૃતસર ઍરપૉર્ટ પર ઇંધણ ભરાવ્યા વગર જ પ્લેનને લાહોર તરફ લઈ જવાની કૅપ્ટનને ફરજ પાડી.
વિમાન લાહોરમાં ઉતર્યું, જ્યાં આપાતકાલીન સ્થિતિને જોતા તેને ઇંધણ આપવામાં આવ્યું તથા તાત્કાલિક પાકિસ્તાનનું હવાઈક્ષેત્ર છોડી દેવા તાકિદ કરવામાં આવી.
અપહરણકર્તાઓએ અહીંથી વિમાનને દુબઈ દોરી ગયા, જ્યાં 27 ભારતીયોને ઊતરવા દેવાયાં.
ભારતે દુબઈ ઍરપૉર્ટ પર વિમાનને અપહરણકર્તાઓથી છોડાવવા માટે ‘કાર્યવાહી’ કરવાની મંજૂરી માગી, પરંતુ યુએઈએ ઇન્કાર કરી દીધો.
એ પછી વિમાનને અફઘાનિસ્તાનના કંદહાર ઍરપૉર્ટ પર લઈ જવામાં આવ્યું અને અપહરણકાંડનો અંત આવ્યો ત્યાર સુધી ત્યાં સુધી તે ત્યાં જ રહ્યું.
જ્યારે અજિત ડોભાલ કંદહાર ગયા

ઇમેજ સ્રોત, Getty Images
અપહરકારોએ વિમાનના બદલામાં 100 કેદીઓને મુક્ત કરવાની અને 20 કરોડ અમેરિકન ડૉલરની માગ કરી હતી. આ કેદીઓને ભારત ‘આતંકવાદી’ માનતું હતું.
ભારત સરકારે વિમાનમાં કમાન્ડો મિશન, કૂટનીતિ સહિતના અનેક વિકલ્પો ઉપર વિચાર કર્યો.
દરમિયાન સમય મળી રહે તે માટે અપહરકારો સાથે વાટાઘાટો પણ હાથ ધરવામાં આવી. મંત્રણા કરવા માટે ભારતનાં એક પ્રતિનિધિમંડળને અફઘાનિસ્તાન મોકલવામાં આવ્યું.
આ ટીમમાં અજિત ડોભાલ સહિત બે અન્ય લોકોને મોકલવામાં આવ્યા, જેમાં ડોભાલની જેમ જ અન્ય એક ગુપ્તચરતંત્રના ફિલ્ડ એજન્ટ હતા અને બીજા વિદેશ મંત્રાલયમાં સંયુક્તસચિવ સ્તરના અધિકારી હતા.
વિમાન હાઇજેક થયું તેના એકાદ પહેલાં જ વિદેશ મંત્રી જસવંતસિંહ દાદા બન્યા હતા, એટલે તેમણે કૂટનીતિક પ્રયાસો કરવા માટે તાત્કાલિક કામે વળગી જવું પડ્યું.
એ સમયે ભારતની બાહ્ય ગુપ્તચર એજન્સી રિસર્ચ ઍન્ડ ઍનાલિસિસ વિંગના (રૉ) વડા અમરજીતસિંહ દુલત હતા.
દુલત કહે છે, “ડોભાલ કંધારથી સતતપણે મારી સાથે સંપર્કમાં હતા. એમના કુવ્વતથી જ હાઇજેકર્સ ગોંધી રખાયેલા પ્રવાસીઓને છોડવા માટે તૈયાર થયા. શરૂઆતમાં તેમની માગ ભારતીય જેલોમાં બંધ 100 આતંકવાદીઓને છોડવાની હતી, પરંતુ છેવટે ત્રણને જ છોડવા પડ્યા.”

ઇમેજ સ્રોત, ANI
કંધારમાં સમગ્ર ઘટનાક્રમને કવર કરનારા પત્રકાર શાહજાદા ઝુલ્ફીકારનું કહેવું છે કે ભારતીય અધિકારીઓએ કદાચ એવી ઘણી કોશિશ કરી હશે કે અપહરણકારોની વાત ન માને, પરંતુ એમણે જે કંઈ જોયું એનાથી તેમને સમજાઈ ગયું હશે કે આવું શક્ય નથી.
શાહજાદા ઝુલ્ફીકારના કહેવા પ્રમાણે, “ભારતીય અધિકારીઓ સમજી ગયા કે તેઓ ફસાઈ ગયા છે અને તેમાંથી નીકળવું શક્ય નથી. તેના કારણે તેમણે અપહરણકર્તાઓ સામે નમતું જોખવું પડ્યું અને જે ચરમપંથીઓને છોડાવવા માટે વિમાન અપહરણ કરવામાં આવ્યું હતું તેમને મુક્ત કરવા પડ્યા.”
અપહરણકર્તાઓની માગણી, અનુસાર ભારતીય જેલોમાં કેદ ચરમપંથીઓ મૌલાના મસૂદ અઝહર, મુશ્તાક જરગર અને અહમદ ઉમર સઈદ શેખને છોડવાનો નિર્ણય લીધો.
રૉના તત્કાલીન વડા દુલતના કહેવા પ્રમાણે, એજન્સીના ગલ્ફસ્ટ્રીમ વિમાનમાં બેસાડીને જરગર તથા અઝહરને શ્રીનગરથી દિલ્હી લાવવામાં આવ્યા.
“અમે ટેક-ઑફ કરી રહ્યા હતા, તેની થોડી સેકન્ડો પહેલાં જ સંદેશો આવ્યો કે અમે તાત્કાલિક દિલ્હી પહોંચીએ, કારણ કે દિલ્હીમાં વિદેશ મંત્રી જસવંતસિંહનું વિમાન આતંકવાદીઓને કંદહાર લઈ જવા માટે તૈયાર ઊભું હતું.”
આ ચરમપંથીઓ સાથે કંદહાર કોણ જાય, તેના વિશે વ્યાપક ચર્ચાઓ થઈ. કંદહાર ગયેલી ભારતીય ટીમનું કહેવું હતું કે એવી વ્યક્તિને મોકલવી જોઈએ, જે જરૂર પડ્યે તાત્કાલિક નિર્ણય લઈ શકે. એટલે વિદેશ મંત્રી જસવંતસિંહ તેમની સાથે ગયા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
જસવંતસિંહનું વિમાન કંદહાર ઍરપૉર્ટ ઉપર ઉતર્યું, ત્યારે ખાસ્સી વાર સુધી તાલિબાનનો કોઈ પ્રતિનિધિ તેમને મળવા ન આવ્યો.
તત્કાલીન વિદેશ મંત્રી જસવંતસિંહ તેમની આત્મકથા ‘અ કૉલ ટુ સર્વિસ’માં લખે છે, “વિવેક કાટ્જૂ (ભારતીય ટીમના સભ્ય) મારી પાસે આવ્યા અને તેમણે મને પૂછ્યું કે વિમાનના બંધક છૂટે એ પહેલાં આતંકવાદીઓને છોડવા કે નહીં. મારી પાસે તેમની વાત માનવા સિવાય કોઈ ઉકેલ ન હતો.”
જસવંતસિંહ લખે છે, “ત્રણેય નીચે ઉતર્યા. મેં જોયું કે તેમનું ખૂબ જ ઉષ્માપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. તેઓ ઉતર્યા કે વિમાનની સીડી હઠાવી લેવાઈ, જેથી કરીને અમે નીચે ન ઉતરી શકીએ.”
“નીચે ઊભેલા લોકો હર્ષોલ્લાસમાં કિકિયારીઓ પાડી રહ્યા હતા. આઈએસઆઈના લોકો ત્રણેય આતંકવાદીઓના પરિવારજનોને પાકિસ્તાનથી કંદહાર લાવ્યા હતા, જેથી કરીને તેમને ખાતરી થાય કે અમે ખરા લોકોને જ છોડ્યા છે.”
“આ અંગે ખાતરી થયા બાદ જ તેમણે ફરીથી વિમાન પાસે સીડી ગોઠવી. ત્યાર સુધીમાં અંધારું થવા લાગ્યું હતું અને ઠંડી વધવા માંડી હતી.”
શાહજાદા ઝુલ્ફીકારના કહેવા પ્રમાણે, રન-વે પાસે એક ઍમ્બુલન્સ આવી, જેમાં અપહરણકારો બેસી ગયા. એ પછી ભારતે છોડી મૂકેલા ચરમપંથીઓ પણ તેમાં બેસી ગયા.
શાહજાદા ઝુલ્ફીકાર કહે છે, અફઘાનિસ્તાનની તત્કાલીન તાલીબાન સરકારે આ લોકોને બે કલાકની અંદર દેશ છોડી દેવાનો આદેશ આપ્યો હતો. ઍમ્બુલન્સમાં બેસીને તેઓ ક્યાં ગયા તેની કોઈને જાણ ન થઈ.
તા. 31 ડિસેમ્બર 2000ના રોજ બંધકો સકુશળ પરત ફર્યા, પરંતુ એક યાત્રિક રૂપિન કતિયાલ ન ફરી શક્યા, કારણકે અપહરણકારોએ તેમની હત્યા કરી દીધી હતી.
કંદહાર અપહરણકાંડ પછી શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
જસવંતસિંહ તેમના પુસ્તકમાં લખે છે કે મુસાફરો સલામત રીતે ભારત પરત ફર્યા એ પછી અપહરણકાંડ દરમિયાન તેમની સાથે રહેલા વિદેશ મંત્રાલયના અધિકારીઓને પોતાને ઘેર બોલાવ્યા અને તેમણે શેમ્પેઇન પીધો.
અપહરણર્તા એકબીજાને ચીફ, ભોલા, શંકર, બર્ગર અને ડૉક્ટર એમ કૉડવર્ડથી જ બોલાવતા હતા.
જોકે, છઠ્ઠી જાન્યુઆરી 2000ના રોજ ભારતના વિદેશ મંત્રાલયે એક પ્રેસ વિજ્ઞપ્તી બહાર પાડીને દાવો કર્યો હતો કે ‘કંદહાર વિમાન અપહરણકાંડમાં પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનો (ઇન્ટર સર્વિસીઝ ઇન્ટેલિજન્સ) હાથ હતો.’
ભારતીય વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે, ‘હરકત-ઉલ-મુજાહિદ્દીનના (અગાઉનું નામ હરકત-ઉલ-અન્સાર) આતંકવાદીઓ તથા તેમના સમર્થકોએ અપહરણકાંડને અંજામ આપ્યો હતો.’
‘જેમાં ઇબ્રાહિમ અત્તહર (બહાવલપુર), શાહિદ અખ્તર સૈયદ (કરાચી), સન્ની અહમદ કાઝી (કરાચી), મિસ્ત્રી ઝહૂર ઇબ્રાહિમ (કરાચી) તથા શાકિર ઉર્ફ રાજેશ ગોપાલ વર્મા (શુકર) સામેલ હતા.’
અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લની હત્યાના કેસમાં ભારતીય મૂળના બ્રિટિશ ઉગ્રવાદી ઉમર શેખે જેલવાસ ભોગવવો પડ્યો.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ‘વર્ષ 1999માં છોડી મૂકેલા ત્રીજા ચરમપંથી મુસ્તાક અહમદ ઝરગરે પહલગામ હુમલાને અંજામ આપવામાં મદદ કરી હતી.’
આગળ જતાં મુક્ત કરાયેલા ચરમપંથી મૌલાના મસૂદ અઝહરે ‘જૈશ-એ-મોહમ્મદ’ની સ્થાપના કરી.
મસૂદ અઝહર અને ડોભાલ સામસામે થયા

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2005માં અજિત ડોભાલ ઇન્ટેલિજન્સ બ્યૂરોના જૉઇન્ટ ડાયરેક્ટર તરીકે નિવૃત્ત થયા. આમ છતાં ગુપ્તચરતંત્ર અને કામો સાથે તેમનો સંપર્ક જળવાયેલો રહ્યો.
ઑગસ્ટ-2005ના વિકિલિક્સ કેબલમાં ઉલ્લેખ પ્રમાણે, એક તબક્કે ડોભાલે અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમની ઉપર હુમલો કરવાનું આયોજન કર્યું હતું.
જોકે, મુંબઈ પોલીસના કેટલાક અધિકારીઓને કારણે છેલ્લી ઘડીએ અંજામ નહોતો આપી શકાયો. ડોભાલ આ પ્રકારની યોજના ઘડાઈ હોવાની વાતને નકારે છે.
વર્ષ 2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બની, ત્યારે અજિત ડોભાલને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવ્યા.
વર્ષ 2016માં પંજાબના પઠાણકોટ ઍરબેઝ ઉપર ઉગ્રવાદી હુમલો થયો હતો, જેમાં ભારત સરકાર દ્વારા મૌલાના મસૂદ અઝહરના જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાનું જણાવાયું હતું.
એ સમયે ડોભાલે ચીનના પ્રતિનિધિ સાથે સરહદ સંબંધિત મંત્રણાને રદ કરી દીધી હતી. એક ચરમપંથી હુમલાને કારણે આંતરરાષ્ટ્રીયસ્તરની બેઠક રદ કરવાના નિર્ણય બદલ તેમની ભારે ટીકા થઈ હતી.
ડોભાલના ટીકાકારોનું કહેવું છે કે તેઓ આખાબોલા અને આઉટ-ઑફ-ટર્ન બોલનારા છે. આ અંગે ડોભાલનો બચાવ કરતા દુલત કહે છે:
“ડોભાલ બધું સમજી વિચારીને જ બોલે છે. જ્યાં સુધી રોકડું પરખાવી દેવાની વાત છે, શક્ય છે કે તેઓ કેટલાક ચોક્કસ લોકો સુધી પોતાની વાત પહોંચાડવા માગતા હોય અને યોજનાપૂર્વક આવું કરી રહ્યા હોય.”
સપ્ટેમ્બર-2016માં ઉરીસ્થિત ભારતીય સૈન્યમથક ઉપર ચરમપંથી હુમલો થયો હતો, જેમાં સેનાના 19 જવાનો મૃત્યુ પામ્યાં હતાં. કોઈ એક ચરમપંથી હુમલામાં ભારતીય સેનાને નુકસાન થયું હોવાની દાયકાઓની સૌથી મોટી ઘટના હતી.
ભારતીય સૈન્ય અધિકારીઓના કહેવા પ્રમાણે, ‘જૈશ-એ-મોહમ્મદે’ આ હુમલાને અંજામ આપ્યો હતો. એ પછી ભારતે લાઇન ઑફ કંટ્રૉલની પેલે પાર આતંકવાદીઓના લૉન્ચપેડ ઉપર ‘સર્જિકલ સ્ટ્રાઇક‘ કરી હોવાની જાહેરાત કરી હતી.
વર્ષ 2019માં ભારતીય અર્ધલશ્કરી દળ સી.આર.પી.એફ.ના (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) 40થી વધુ જવાન મૃત્યુ પામ્યાં હતાં. એ પછી ભારતે પાકિસ્તાનના બાલાકોટસ્થિત જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગ કૅમ્પ ઉપર ‘ઍરસ્ટ્રાઇક‘ કરી હોવાની વાત કહી હતી.
વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી પહેલી વખત ભારતીય વાયુદળે સરહદની પેલે પાર જઈને કાર્યવાહી કરી હતી.
એપ્રિલ-2025માં જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે 26 પર્યટકોની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.
આ હુમલાની જવાબદારી ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે’ લીધી હતી. ભારતનું કહેવું છે કે તે લશ્કર-એ-તોઇબાનું જ એક સ્વરૂપ છે.
મે-2025માં ભારતે જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તોઇબા તથા હિઝબુલ મુજાહિદ્દીનનાં ઠેકાણાં ઉપર હવાઈહુમલા કરવાની વાત કહી હતી. આ સ્થળો પાકિસ્તાનપ્રશાસિત કાશ્મીર તથા પાકિસ્તાનના પંજાબમાં આવેલાં છે.
પઠાણકોટ ઍરબેઝ હુમલો, ઉરીમાં લશ્કરીમથક ઉપર હુમલા, પુલવામાની ઉગ્રવાદી ઘટના તથા પહલગામ હુમલા દરમિયાન ગુપ્તચરતંત્રની નિષ્ફળતાનો મુદ્દો પણ ચર્ચાયો છે.
કોઈપણ દેશમાં સુરક્ષાસંંબંધિત સફળતા કે ચૂકની રાષ્ટ્રીય સુરક્ષાસલાહકાર સાથે જોડીને જોવામાં આવે છે. જેઓ સુરક્ષાબળો, ગુપ્તચર એજન્સી તથા અલગ-અલગ પાંખો અને સરકારની વચ્ચે સંકલનકર્તા તરીકે કામ કરે છે.

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2022માં અપહરણકાંડ સાથે સંકળાયેલા આરોપી મિસ્ત્રી ઝહૂર ઇબ્રાહિમની કરાચીમાં અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. કથિત રીતે તેમણે જ મુસાફર રૂપિન કતિયાલનું ગળું કાપ્યું હતું. વિમાન અપહરણકાંડ વખતે મિસ્ત્રી ઝહૂરનું ગુપ્તનામ ‘ડૉક્ટર’ હતું.
જાન્યુઆરી-2025માં કૅપ્ટન દેવી શરણ પાઇલટ તરીકે નિવૃત થયા.
મે-2025માં ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઑપરેશન્સ લેફટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ એક પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું હતું કે ‘તા. છ અને સાતની મધ્યરાત્રિએ હાથ ધરાયેલા ‘ઑપરેશન સિંદૂર’માં 100થી વધુ આતંકવાદી માર્યા ગયા હતા, જેમાં યુસૂફ અઝહર, અબ્દુલ મલિક રઉફ અને મુદસ્સિર અહમદ જેવા હાઈ વૅલ્યૂ આતંકવાદી પણ સામેલ હતા.’
‘આ ત્રણેય આઈસી 814ના હાઇજેક અને પુલવામા વિસ્ફોટમાં સામેલ હતા.’
એ પછીનાં વર્ષો દરમિયાન ભારતે તેનાં વિમાનીમથકો અને પ્લેનોમાં સુરક્ષાવ્યવસ્થા વધારી. 9 /11ની ઘટનાને પગલે વિશ્વના ઍવિયેશન સેક્ટરમાં સુરક્ષાલક્ષી સુધાર થયા. એ પછી ભારતમાં વિમાન અપહરણની એક પણ ઘટના નથી ઘટી.
વર્ષ 1999માં ચરમપંથીઓ સાથે વાટાઘાટો કરનારા અજિત ડોભાલ લગભગ 11 વર્ષથી ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. જેમણે હોદ્દાની રુએ ‘ઑપરેશન સિંદૂર’ દરમિયાન સશસ્ત્રબળો, સુરક્ષા એજન્સીઓ તથા ગુપ્તચર તંત્ર વચ્ચે સંકલનકર્તાની ભૂમિકા ભજવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS