Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
ચેતવણીઃ લેખનો કેટલોક ભાગ વાચકોને વિચલિત કરી શકે છે.
મ્યાનમારમાં તાજેતરમાં આવેલા ભૂકંપ પછી માંડલેના રસ્તા પર ભયંકર વિનાશનાં દૃશ્યો જોવાં મળી રહ્યાં છે.
અમે જે રસ્તા પર ગયાં, ખાસ કરીને શહેરના ઉત્તર અને મધ્ય ભાગમાં જ્યાં ગયાં ત્યાં ક્ષતિગ્રસ્ત ઇમારતો જોવાં મળી. ઘણી બિલ્ડિંગો કાટમાળના ઢગલાંમાં ફેરવાઈ ગઈ હતી.
અમે જેટલી ઇમારતો જોઈ તેમની કમસે કમ એક દીવાલ પર તિરાડ પડેલી હતી. તેથી આ ઇમારતોની અંદર જવું બહુ જોખમી કામ હતું.
શહેરની મુખ્ય હૉસ્પિટલમાં દર્દીઓની સારવાર ઇમારતની બહાર જ કરવામાં આવતી હતી.
મ્યાનમારની સૈન્ય સરકારે જણાવ્યું કે ભૂકંપ પછી કોઈપણ વિદેશી પત્રકારને દેશમાં ઘૂસવાની મંજૂરી નહીં આપે. તેથી અમે ત્યાં અંડરકવર ગયાં હતાં. અમારે બહુ સાવધાની રાખવી પડી કારણકે, ઘણી જગ્યાએ બાતમીદારો અને ગુપ્ત એજન્ટો હાજર હતા જેઓ સામાન્ય લોકો પર નજર રાખતા હતા.
પોતાના દીકરાની રાહ જોતાં માતા

41 વર્ષનાં નાન સિન હેને કહ્યું કે, “મને આશા છે કે તે જીવીત હશે. ભલે તેની સંભાવના ઓછી હોય.”
નામ સિન છેલ્લા પાંચ દિવસથી એક પાંચ માળની ધ્વસ્ત ઇમારતની સામે પોતાના દીકરાની રાહ જોઈ રહ્યાં છે.
તેમનો 21 વર્ષીય પુત્ર સાઈ હાન એક મજૂર છે, જેઓ આ ઇમારતમાં ઇન્ટિરિયરનું કામ કરતા હતા.
આ ઇમારત અગાઉ એક હૉટલ હતી જેને પછી ઑફિસમાં રૂપાંતરિત કરવામાં આવતી હતી.
નાન સિન કહે છે, “તેઓ તેને આજે બહાર કાઢી લેશે, તો તે બચી જવાની આશા રહેશે.”
મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો ત્યારે ઇમારતનો નીચેનો ભાગ ધસી પડ્યો અને ઉપરનો ભાગ રસ્તા તરફ નમી ગયો. એવું લાગે છે જાણે ઇમારત ગમે ત્યારે પડી શકે છે.
સાઈ હાન અને બીજા ચાર મજૂર અંદર ફસાયેલા હતા.
બચાવકાર્ય ક્યાં સુધી પહોંચ્યું?

અમે જ્યારે ત્યાં પહોંચ્યાં ત્યારે ઇમારતમાં બચાવ કાર્ય શરૂ પણ થયું ન હતું અને બચાવ કાર્ય ક્યારે શરૂ થશે તેનો અંદાજ નહોતો. જમીન પર સહાયનો તીવ્ર અભાવ હતો અને તેનું મુખ્ય કારણ દેશની રાજકીય પરિસ્થિતિ હતી.
ભૂકંપ પહેલાં જ મ્યાનમારમાં અશાંતિ હતી. ત્યાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું હતું, જેના કારણે અત્યાર સુધીમાં લગભગ 35 લાખ લોકો બેઘર થઈ ગયા છે. આ આફત પછી પણ સેનાએ બળવાખોર જૂથો સામે તેની સૈન્ય કાર્યવાહી ચાલુ રાખી છે.
આનો અર્થ એ થયો કે સુરક્ષાદળો રાહત અને બચાવ કામગીરીમાં વધુ મદદ કરી શકતા નથી. અમુક જગ્યાઓ સિવાય અમને માંડલેમાં મોટી સંખ્યામાં સૈનિકો જોવા મળ્યા ન હતા.
લશ્કરી સરકારે આંતરરાષ્ટ્રીય મદદ અપીલ કરી છે જે જવલ્લે બનતી ઘટના છે. પરંતુ બ્રિટન અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત અન્ય ઘણા દેશો સાથેના તણાવપૂર્ણ સંબંધોને કારણે આ દેશોએ મદદનું વચન તો આપ્યું છે, પરંતુ વાસ્તવમાં કંઈ થયું નથી. હાલમાં ભારત, ચીન અને રશિયા જેવા દેશોથી આવેલા બચાવ કર્મચારીઓ મ્યાનમારમાં સક્રિય છે.

હાલમાં જે ઇમારતોમાં વધુ લોકો ફસાયા હોવાની શક્યતા છે ત્યાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. જેમ કે સ્કાય વિલા કૉન્ડોમિનિયમ કૉમ્પ્લેક્સ જ્યાં એક સમયે હજારો લોકો રહેતા હતા અને યુ હ્યા થીન બૌદ્ધ ઍકેડેમી જ્યાં ભૂકંપના સમયે ઘણા બૌદ્ધ ભિક્ષુઓ પરીક્ષા આપતા હતા.
ભારતીય ડિઝાસ્ટર ટીમનું નેતૃત્વ કરી રહેલા નીરજસિંહ બૌદ્ધ ઍકેડમીમાં બચાવ કામગીરી કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે ઇમારત ‘પૅનકેક’ની જેમ તૂટી પડી હતી. એક સ્તરની ઉપર બીજો સ્તર તૂટી પડ્યો.
તેમણે બીબીસીને જણાવ્યું કે, “જે રીતે ઇમારતો ધરાશાયી થઈ, તેમાંથી જીવીત લોકો મળવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે. પરંતુ અમે હજુ પણ આશાવાદી છીએ અને અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ.”
આકરા તડકામાં અને 40 ડિગ્રી સેલ્સિયસ ગરમીમાં બચાવ ટુકડીઓ ડ્રીલ અને કટર વડે કૉંક્રીટના મોટા ટુકડાને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવામાં તીવ્ર દુર્ગંધ ફેલાતી જાય છે જેને સહન કરવી મુશ્કેલ છે.
બચાવ દળને ચારથી પાંચ મૃતદેહ મળે છે, પરંતુ એક મૃતદેહને કાઢવામાં કેટલાય કલાકો લાગી જાય છે.
સ્વજનોના મૃતદેહોની રાહ જોતા લોકો

બૌદ્ધ ઍકેડેમીના કૅમ્પસમાં કામચલાઉ તંબુ નીચે સાદડી પાથરીને બેઠેલા વિદ્યાર્થીઓના પરિવારોના ચહેરા ચિંતા અને ઉદાસીથી છલકાય છે. તેમને જેવી ખબર પડી કે અહીંથી એક મૃતદેહ મળી આવ્યો છે, તરત તેઓ ઍમ્બ્યુલન્સ તરફ દોડી ગયા.
કેટલાક લોકો બચાવ કર્મચારીની આસપાસ એકઠા થઈ જાય છે, જેઓ પોતાના મોબાઇલ ફોન પર મૃતદેહની તસવીરો બતાવી રહ્યા છે.
પરિવાર માટે આ સૌથી મુશ્કેલ ક્ષણ છે. તેઓ તસવીરને ધ્યાનથી જુએ છે. તેઓ જાણવાનો પ્રયાસ કરે છે કે શું મૃતદેહ તેમના કોઈ સ્વજનનો છે કે નહીં. પરંતુ મૃતદેહ એટલી હદે વિકૃત થઈ ગઈ છે કે તેની ઓળખ કરવી શક્ય નથી. અંતે, મૃતદેહને શબઘરમાં મોકલવામાં આવે છે, જ્યાં ફૉરેન્સિક તપાસ દ્વારા તેની ઓળખ કરવામાં આવશે.
29 વર્ષીય યુ થુઝાનાના પિતા પણ આ પરિવાર પૈકી એક છે. હવે તેમને પોતાના પુત્રના બચવાની કોઈ આશા નથી.
યુ હ્લા આંગે રડતાં રડતાં કહ્યું, “મારા પુત્રની આવી હાલત થઈ હશે તે વિચારીને હું તૂટી ગયો છું. હું અંદરથી બહુ દુ:ખી છું.”

મ્યાનમારમાં અનેક ઐતિહાસિક સ્થળોને પણ નુકસાન થયું

માંડલેમાં ઘણા ઐતિહાસિક સ્થળોને નોંધપાત્ર નુકસાન થયું છે, જેમાં માંડલે મહેલ અને મહામુનિ પેગોડાનો સમાવેશ થાય છે, પરંતુ અમે ત્યાં જઈને નુકસાન હદ જોઈ શક્યા ન હતાં.
ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં જવું અને પીડિતો તથા તેમના પરિવારોને મળવું સરળ નહોતું, કારણકે, લશ્કરી સરકારના ડરને કારણે લોકો પત્રકારો સાથે વાત કરતા અચકાતા હતા.
પેગોડાની નજીક એક ધરાશાયી ઇમારતની બહાર અમે એક બૌદ્ધ યુગલને અંતિમ સંસ્કાર કરતાં જોયું. આ ઘર યુ હ્યા આંગ ખાઇંગ અને તેમનાં પત્ની દૉ મમાર્થેનું હતું. બંનેની ઉંમર 60 વર્ષથી વધુ હતી.
તેમના દીકરાએ અમને કહ્યું, “હું તેમની સાથે રહેતો હતો પરંતુ ભૂકંપ આવ્યો ત્યારે હું બહાર હતો. તેથી હું બચી ગયો. મેં મારા માતા-પિતાને એક જ ક્ષણમાં ગુમાવ્યા.”
તેમના મૃતદેહોને તાલીમબદ્ધ બચાવ કાર્યકરોએ નહીં, પરંતુ સ્થાનિક લોકોએ બહાર કાઢ્યા હતા. યુ હ્યા આંગ ખાઇંગ અને તેમનાં પત્ની દૉ મમાર્થેનો મૃતદેહ કાઢવામાં બે દિવસ લાગી ગયા. તેઓ એકબીજાને ભેટી પડ્યા હોય એવી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા.
ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં મદદ માટે ઝૂરતા લોકો

મ્યાનમારની સૈન્ય સરકાર અનુસાર ભૂકંપમાં અત્યાર સુધીમાં 2,886 લોકોનાં મોત થયાં છે. પરંતુ વહીવટીતંત્રની બચાવ ટુકડીઓ હજુ સુધી ઘણી જગ્યાએ પહોંચી શકી નથી, તેથી સાચો મૃત્યુઆંક કહેવો મુશ્કેલ છે.
માંડલેમાં ઉદ્યાનો અને ખુલ્લાં મેદાનો હવે કામચલાઉ કૅમ્પમાં ફેરવાઈ ગયાં છે. લોકો મહેલની આસપાસના ખાડાના કિનારે તંબુ બાંધીને જીવવા માટે મજબૂર છે. શહેરભરના લોકો પોતાના ઘરની બહાર સાદડીઓ અને ગાદલા પર સૂઈ રહ્યા છે કારણ કે તેમને ડર છે કે કોઈપણ સમયે ઇમારતો તૂટી શકે છે.
માંડલેમાં લોકો ભયમાં જીવી રહ્યા છે અને તેનું એક કારણ છે. શુક્રવારથી ત્યાં દરરોજ રાત્રે ભૂકંપના મોટા આંચકા અનુભવાઈ રહ્યા છે.
પરંતુ લોકો માત્ર ડરના કારણે બહાર સૂઈ જાય છે એવું નથી. તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. ભૂકંપમાં તેમનાં ઘરો ધરાશાયી થઈ ગયાં છે.
72 વર્ષીય દૉ ખિન સૉ મ્યિંટને અમે મળ્યાં ત્યારે તેઓ પાણી ભરવા માટે લાઇનમાં ઊભાં હતાં. તેમની સાથે તેમની નાનકડી પૌત્રી પણ હતી.
તેમણે કહ્યું, “હવે હું કંઈપણ વિચારી શકતી નથી. ભૂકંપ આવ્યો તે ક્ષણને યાદ કરીને મારું હૃદય હજી પણ કાંપી ઉઠે છે.”
“અમે જેમતેમ કરીને બહાર દોડી ગયા, પરંતુ મારું ઘર સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. હવે હું એક ઝાડ નીચે રહું છું. આવો, જુઓ.”
દૉ ખિન કપડાં ધોવાનું કામ કરે છે અને તેમનો દીકરો અપંગ છે.
દૉ ખિન કહે છે, “મારે હવે ક્યાં જવું? હું બહુ તકલીફમાં છું. હું કચરાના ઢગલા પાસે રહું છું. કેટલાક લોકોએ મને ચોખા અને થોડાક કપડાં આપ્યાં. અમે હજી પણ એ જ કપડાં પહેરીએ છીએ જે અમે ભાગતી વખતે પહેર્યાં હતાં.”

“અમને બચાવવા કોઈ નથી આવ્યું. કૃપા કરીને અમારી મદદ કરો,” આટલું કહીને તે રડવાં લાગી.
તેમની નજીક ઊભેલી અન્ય એક વૃદ્ધ મહિલાએ અશ્રુભીની આંખો સાથે કહ્યું, “આજે હજુ સુધી કોઈએ ખાવાનું નથી વહેંચ્યું. અમે બધા સવારથી ભૂખ્યાં છીએ.”
અમે ત્યાં મોટાભાગે રાહત સામગ્રીનું વિતરણ કરતી નાની વૅન જોઈ, જેમાં બહુ ઓછો સામાન હતો. આ રાહત સામગ્રી કેટલાંક સ્થાનિક લોકો અને સંસ્થાઓ દ્વારા મોકલવામાં આવી હતી. પરંતુ જરૂરિયાતમંદ લોકોની સંખ્યા એટલી વધારે હતી કે આ સહાય અપૂરતી હતી. જે કંઈ રાહત સામગ્રી ઉપલબ્ધ હતી તે મેળવવા માટે અફરાતફરી મચી ગઈ હતી.
માંડલેની મુખ્ય હૉસ્પિટલના કેટલાક ભાગોને નુકસાન થયું છે અને સ્થિતિ પહેલાથી જ ખરાબ હતી. હવે દર્દીઓને હૉસ્પિટલની બહાર પથારી પર રાખવામાં આવી રહ્યા છે.
14 વર્ષનાં શ્વે ગ્યે થુન ફીયોને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. તેમની આંખો લાલ થઈ ગઈ હતી. તેઓ ભાનમાં હતાં, પરંતુ કંઈ પણ જવાબ આપતાં ન હતાં. તેમના પિતા તેમને આરામ આપવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા હતા. હૉસ્પિટલમાં ડૉકટરો અને નર્સોની સંખ્યા ઘણી ઓછી હતી. તેથી તેમના પરિવારના સભ્યો જ દર્દીઓની સંભાળ લેતા હતા.
ઝાર ઝારને પેટમાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેનું પેટ ફૂલી ગયું હતું. તેની પુત્રી પાછળ બેસીને તેને ટેકો આપી રહી હતી અને ગરમીથી રાહત આપવા માટે તેના હાથથી પંખો લગાવી રહી હતી.

અમે હૉસ્પિટલમાં લાંબો સમય રહી શક્યા નહીં કારણ કે અમને ડર હતો કે પોલીસ કે સેના અમને પકડી લેશે.
બચાવ કાર્ય ધીમે-ધીમે ઘટવા લાગ્યું છે ત્યારે હૉસ્પિટલમાં મોટા ભાગે ઈજાગ્રસ્ત લોકોના બદલે મૃતદેહો જ લાવવામાં આવી રહ્યા છે.
નાન સિન હેનને પોતાનો પુત્ર ફસાઈ ગયો હોવાના સમાચાર મળ્યા પછી તૂટી પડેલી ઇમારતની બહાર રાહ જોઈ રહ્યાં હતાં. શરૂઆતમાં તેઓ શાંત દેખાતાં હતાં, પરંતુ હવે તેના ચહેરા પર દર્દ અને ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.
તેમણે કહ્યું, “હું દિલથી ભાંગી ગઈ છું. મારો પુત્ર મને અને તેની નાની બહેનોને ખૂબ પ્રેમ કરતો હતો. તેણે અમારી સંભાળ રાખવા માટે દિવસ-રાત મહેનત કરી.”
“હવે હું મારા પુત્રનો ચહેરો જોવા માંગુ છું, પછી ભલે તે આ દુનિયામાં ન હોય. હું તેનો મૃતદેહ જોવા માંગુ છું. મારી ઈચ્છા છે કે તેઓ મારા પુત્રના મૃતદેહને શોધવા માટે તમામ પ્રયાસો કરે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS