Source : BBC NEWS

પાકિસ્તાને જણાવ્યું છે કે સિંધુ જળ કરાર સ્થગિત કરવાના ભારતના નિર્ણય સામે મધ્યસ્થી માટે તેઓ વિશ્વ બૅન્કનો સંપર્ક કરશે.
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે બીબીસીને આપેલી એક મુલાકાતમાં કહ્યું છે કે સિંધુ જળ કરાર બાબતે ભારત હવે કોઈ કાર્યવાહી કરશે તો તેને યુદ્ધનું એલાન ગણવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાનને પાણીથી વંચિત રાખી શકે નહીં. એ પાકિસ્તાનનો અધિકાર છે.
મુંબઈના 26/11ના કથિત હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ બાબતે પાકિસ્તાની સંરક્ષણ પ્રધાનને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના લોકો હવે નિષ્ક્રિય થઈ ગયા છે. ભારતે પાકિસ્તાન પાસે હાફિઝ સઈદના પ્રત્યાર્પણની માંગ કરી છે.
‘આ યુદ્ધનું એલાન માનવામાં આવશે’

બીબીસીના સંવાદદાતા આઝાદેહ મોશીરીએ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફને સિંધુ જળ કરારને સ્થગિત કરવાના ભારતના નિર્ણય બાબતે સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ભારત એકતરફી રીતે આ કરારમાંથી પાછું હટી શકે નહીં.
આ મામલે મધ્યસ્થી માટે પાકિસ્તાને વર્લ્ડ બૅન્ક કે અન્ય કોઈનો સંપર્ક સાધ્યો છે કે કેમ એવો સવાલ તેમને પૂછવામાં આવ્યો હતો.
તેના જવાબમાં તેમણે કહ્યું હતું, “અમે આ મુદ્દે વર્લ્ડ બૅન્કમાં રજૂઆત કરીશું, કારણ કે તેની મધ્યસ્થતામાં આ કરાર થયો હતો. આ કરાર 1960માં થયો હતો અને લાંબા સમય સુધી સફળ રહ્યો છે, પરંતુ ભારત તેમાંથી એકતરફી રીતે પાછું હટી શકે નહીં.”
સિંધુ જળ કરારને સ્થગિત કરતી વખતે ભારત દ્વારા આપવામાં આવેલી “ચેતવણી” વિશે પૂછવામાં આવ્યું ત્યારે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે આવું થશે તો તેને યુદ્ધનું એલાન ગણવામાં આવશે.
તેમણે કહ્યું હતું, “આવું કરીને તમે અમને એ પાણીથી વંચિત રાખશો, જે અમારો અધિકાર છે. ભારતે અમારા તે અધિકારને સ્વીકાર્યો છે. આ વાત સિંધુ જળ કરારમાં લખેલી છે. અમે ઇચ્છીએ છીએ કે કરાર ચાલુ રહે.”
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ઉગ્રવાદી હુમલા પછી ભારતની કાર્યવાહીના અનુસંધાને પાકિસ્તાનમાં ગુરુવારે નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલની બેઠક યોજવામાં આવી હતી.
સિંધુ જળ કરારને સ્થગિત કરવાના ભારતના નિર્ણયનો તે બેઠકમાં અસ્વીકાર કરતાં જણાવવામાં આવ્યું હતું કે આ કરાર હેઠળ પાકિસ્તાનના હિસ્સામાં પાણીના પ્રવાહને રોકવાના કે અન્યત્ર વાળવાના કોઈપણ પ્રયાસને યુદ્ધની કાર્યવાહી ગણવામાં આવશે અને તેનો પૂરી તાકાતથી જવાબ આપવામાં આવશે.
હાફિઝ સઈદ પર શું બોલ્યા પાકિસ્તાનના રક્ષા મંત્રી

ઇમેજ સ્રોત, Getty Images
ખ્વાજા આસિફને પૂછવામાં આવ્યું હતું કે પાકિસ્તાનની તેને ત્યાં સક્રિય ઉગ્રવાદી જૂથો પર નજર રાખવાની અને તેમના કોઈ હુમલાની જવાબદારી હોવાનું માને છે કે કેમ?
આ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું, “આ બધા બેકાર થઈ ગયા છે. બેકાર એટલે નિષ્ક્રિય થઈ ગયા છે. તેઓ વિલુપ્ત થઈ ગયા છે.”
એ પછી બીબીસીના પત્રકારે સવાલ કર્યો હતો, “હાફિઝ સઈદ જેવા લોકો, જેમના માટે અમેરિકાએ ઇનામ જાહેર કર્યું છે તેમના માટે પણ તમે આવું વિચારો છો?”
આ પ્રશ્નના જવાબમાં પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને કહ્યું હતું, “આવા લોકો આઉટડેટેડ થઈ ચૂક્યા છે. હવે તેઓ આર્કાઈવનો હિસ્સો છે.”
ભારત માને છે કે પાકિસ્તાનમાં રહેતા હાફિઝ સઈદ 2008માં મુંબઈ પર કરવામાં આવેલા હુમલા અને ભારતમાં ઉગ્રવાદી કાર્યવાહીમાં સામેલ છે.
ભારતે તેના પ્રત્યાર્પણની માગણી પાકિસ્તાન સમક્ષ કરી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ અને અમેરિકા બન્નેએ હાફિઝને ‘વૈશ્વિક આતંકવાદી’ની યાદીમાં સામેલ કર્યો છે. અમેરિકાએ તેના માટે એક કરોડ ડૉલરનું ઇનામ જાહેર કર્યું છે. હાફિઝ સઈદને પાકિસ્તાનના સૌથી મોટા ઉગ્રવાદી સમૂહ લશ્કર-એ-તૈયબાનો સ્થાપક માનવામાં આવે છે.
ભારત માને છે કે હાફિઝ સઈદ સામે ભારતમાં અદાલતી કાર્યવાહી કરી શકાય એટલા માટે તેના પ્રત્યાર્પણની માગણી કરવામાં આવી છે.
પાકિસ્તાની સંરક્ષણ પ્રધાનને પૂછવામાં આવ્યું હતું કે પાકિસ્તાની જમીન પરથી કાશ્મીરમાં ઉગ્રવાદી હુમલાનો લાંબો ઇતિહાસ છે. આ બાબતે તમે શું કહેશો.
તેમણે જવાબમાં કહ્યું હતું, “હું તમને જણાવી દઉં કે પાકિસ્તાન તરફથી ભારતમાં ઘૂસણખોરી કરવી અશક્ય છે, કારણ કે નિયંત્રણ રેખા પર બન્ને તરફે લાખો સૈનિકો હાજર હોય છે.”
‘અમે તૈયારી કરી લીધી છે’
પહલગામ હુમલા પછી પાકિસ્તાન વિરુદ્ધ ભારત દ્વારા લેવામાં આવેલા પગલાં વિશેના સવાલના જવાબમાં ખ્વાજા આસિફે કહ્યું હતું, “ભારતે છેલ્લા 24 કલાકમાં જે કર્યું છે તેનો જવાબ જ અમે આપી રહ્યા છીએ. અમે ચૂપચાપ તેને જોઈ શકીએ નહીં. અમે તેનો એ જ શૈલીમાં જવાબ આપવાનો હતો.”
બીબીસીના પત્રકારે સવાલ કર્યો હતો કે આ રાજદ્વારી રીતે “જેવા સાથે તેવા” જેવું છે. આનાથી સંઘર્ષની સ્થિતિ નથી સર્જાતી?
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને કહ્યું હતું, “હું આશા રાખું છું કે આવું ન થાય, પરંતુ પરિસ્થિતિ એવી છે કે સંઘર્ષની સ્થિતિ આવી શકે છે. છતાં મને આશા છે કે એવું ન થાય.”
બીબીસીના પત્રકારે સવાલ કર્યો હતો કે આવી સ્થિતિ છે ત્યારે પાકિસ્તાની સૈન્ય તરફથી કેવી તૈયારી કરવામાં આવી રહી છે?
આ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું, “અમારે તૈયારી કરવાની નથી. અમે તૈયાર છીએ. અમે કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર છીએ.”
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાનને પૂછવામાં આવ્યું હતું કે તમારો દેશ કાશ્મીરમાં સક્રિય ઉગ્રવાદી જૂથોને હથિયાર તથા પૈસા સતત આપી રહ્યો હોવાના આક્ષેપ ભારત સતત કરતું રહ્યું છે. આ વિશે આપ શું કહેશો?
તેમણે કહ્યું હતું, “કાશ્મીરમાં જે કંઈ થઈ રહ્યું છે તેની સાથે અમારે કોઈ સંબંધ નથી.”
ભારતીય પોલીસે નોટિસ કાઢીને કહ્યું છે કે પહલગામ હુમલામાં બે પાકિસ્તાની નાગરિકો સામેલ હતા. આ બાબતે તમે શું જાણો છો, એવો સવાલ ખ્વાજા આસિફને કરવામાં આવ્યો હતો.
તેમણે જવાબમાં કહ્યું હતું, “અમે આ વિશે કશું જાણતા નથી. છેલ્લા 48 કલાકમાં ભારતીય મીડિયામાં આ વિશે કશું પ્રકાશિત થયું નથી, પરંતુ તેમણે કોઈ વાર્તા ઘડી કાઢી હશે તો તેની મને ખબર નથી.”
પહલગામ હુમલા પછી પાકિસ્તાન વિરુદ્ધની ભારતની કાર્યવાહીના જવાબમાં પાકિસ્તાને પણ અનેક પગલાં લેવાની જાહેરાત ગુરુવારે કરી હતી.
વડા પ્રધાન શાહબાઝ શરીફના અધ્યક્ષપદે ગુરુવારે ઇસ્લામાબાદમાં યોજાયેલી નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણયોમાં ભારત સાથેના દ્વિપક્ષીય કરારને સ્થગિત કરવાના, હવાઈ ક્ષેત્ર તથા સીમા બંધ કરવાના અને વ્યાપારને સ્થગિત કરવાના નિર્ણયનો સમાવેશ થાય છે.
ભારતની માફક પાકિસ્તાને પણ સંરક્ષણ સલાહકારો અને તેમના સહાયકોને દેશ છોડી દેવા જણાવ્યું છે. એ ઉપરાંત પોતાના રાજદ્વારી કર્મચારીઓની સંખ્યા પણ મર્યાદિત કરી નાખી છે.
સિંધુ જળ કરાર સ્થગિત કરવાના ભારતના નિર્ણયનો અસ્વીકાર કરતાં, નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલની બેઠક બાદના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આ કરાર હેઠળ પાકિસ્તાનના હિસ્સાના પાણીના પ્રવાહને રોકવાના કે અન્યત્ર વાળવાના કોઈ પણ પ્રયાસને યુદ્ધની કાર્યવાહી માનવામાં આવશે.
ભારતે કરી હતી આ કાર્યવાહી

ઇમેજ સ્રોત, Getty Images
એ અગાઉ કાશ્મીરના પહલગામમાં ઉગ્રવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા પછી ભારતે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે સલામતી મામલાઓની કેબિનેટ કમિટી(સીસીએસ)ની બેઠક યોજી હતી.
એ પછી પાકિસ્તાન સાથેના સિંધુ જળ કરારને સ્થગિત કરવામાં આવ્યો હતો. અટારી બૉર્ડરને બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે હવે પાકિસ્તાની નાગરિકો સાર્ક વિઝા એક્ઝેમ્પશન સ્કીમ (એસવીઈએસ) હેઠળ ઈસ્યુ કરવામાં આવેલા વિઝા પર ભારતનો પ્રવાસ કરી શકશે નહીં.
ભારતે ઇસ્લામાબાદ સ્થિત તેના હાઈ કમિશનના સંરક્ષણ-લશ્કરી, નૌકાદળ અને વાયુસેનાના સલાહકારોને પણ પાછા બોલાવી લેવાનો નિર્ણય કર્યો હતો. બંને હાઈ કમિશનમાં આ પદો નાબૂદ કરવામાં આવ્યાં હતાં.
બન્ને હાઈ કમિશનમાંથી આ સૈન્ય સલાહકારોના પાંચ સપોર્ટ સ્ટાફને પણ પાછા બોલાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS