Home તાજા સમાચાર gujrati ભારત : માતાના ગર્ભમાં પ્લાસ્ટિકના કણ કેવી રીતે પહોંચ્યા? તે બાળક માટે...

ભારત : માતાના ગર્ભમાં પ્લાસ્ટિકના કણ કેવી રીતે પહોંચ્યા? તે બાળક માટે કેટલા ખતરનાક?

4
0

Source : BBC NEWS

સગર્ભા મહિલાઓની ગર્ભનાળ અને ઓરમાં પ્રદૂષણ, કોખમાં પ્રદૂષણ, પીવાના પાણીની બોટલ, ગરમ ચા તથા સંભારની કોથળીઓને કારણે શરીરમાં માઇક્રો પ્લાસ્ટિક, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મદ્રાસ હાઇકોર્ટને જણાવ્યું છે કે પાણીની બૉટલો તથા ખાંડ-મીઠાની પ્લાસ્ટિકની થેલીઓમાં માઇક્રૉપ્લાસ્ટિક (પ્લાસ્ટિકના ખૂબ જ નાના કણ) હોય છે.

ભાવિ પેઢી ઉપર આની અસર વિશે ચિંતા વ્યક્ત કરતા જસ્ટિસ સતીશકુમાર તથા જસ્ટિસ ભરત ચક્રવર્તીની ખંડપીઠે શુક્રવારે (તા. છઠ્ઠી ફેબ્રુઆરી) કેન્દ્ર સરકારને આદેશ આપ્યા હતા કે પ્લાસ્ટિક ઉપર ચેતવણી આપતાં લખાણ છાપવામાં આવે.

એક ખાનગી કૉલેજના સંશોધનમાં માતાની ગર્ભનાળમાં માઇક્રૉપ્લાસ્ટિકના કણ મળી આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. જેનું જજોએ સ્વતઃ સંજ્ઞાન લીધું હતું.

ખંડપીઠે આ કેસમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારને પ્રતિવાદી બનાવ્યા હતા અને “તેના ઉપર વિસ્તારપૂર્વક તપાસ કરવા” કહ્યું હતું.

પર્યાવણરણની સુરક્ષા સંબંધિત કેસમાં બેન્ચે કૉયમ્બતુરસ્થિત પીએસજી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ ઍન્ડ રિસર્ચનો અહેવાલ ચકાસ્યો હતો.

‘પ્લાસ્ટિકની નિર્ધારિત કરતાં વધુ માત્રા’

સગર્ભા મહિલાઓની ગર્ભનાળ અને ઓરમાં પ્રદૂષણ, કોખમાં પ્રદૂષણ, પીવાના પાણીની બોટલ, ગરમ ચા તથા સંભારની કોથળીઓને કારણે શરીરમાં માઇક્રો પ્લાસ્ટિક, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Facebook/Sudha Ramalingam

કેમિકલના ઉત્પાદનમાં ‘બિસ્ફેનૉલ એ’નો (બીપીએ) ઉપયોગ કરવામાં આવે છે. કૉલેજના સંશોધન દરમિયાન તે ઑર તથા નવજાત બાળકોની ગર્ભનાળમાં તે મળી આવ્યું હતું.

બીપીએને કારણે શરીરની ગ્રંથિઓમાં વિક્ષેપ ઊભો થાય છે, જેના કારણે આરોગ્યલક્ષી અલગ-અલગ સમસ્યાઓ સર્જાય છે.

કૉલેજની મેડિકલ ટીમે સગર્ભા મહિલાઓની સહમતિથી તેમનાં ગર્ભનાળમાંથી લોહીના નમૂના લઈને તેની તપાસ હાથ ધરી હતી.

અભ્યાસના તારણ મુજબ, “તેમાંથી શરીરના વજનદીઠ પ્રતિકિલોગ્રામે 0.43 માઇક્રૉગ્રામથી લઈને 1.1578 માઇક્રૉગ્રામ સુધી બીપીએ હોવાનું જણાય આવ્યું હતું. જે માન્ય માત્રા કરતાં વધુ છે.”

તામિલનાડુ સરકારે શું કહ્યું?

પીએસજીના રિપોર્ટ ઉપર ટિપ્પણી કરતા મદ્રાસ હાઇકોર્ટની બેન્ચે કહ્યું, “જો માતાનો ગર્ભ પ્લાસ્ટિકના કણોથી પ્રદૂષિત થઈ જતો હોય, તો આપણે ધ્યાન આપવું જ રહ્યું.”

ગત અઠવાડિયે સુનાવણી થઈ, ત્યારે તામિલનાડુ સરકાર વતી ઍડિશનલ ઍડ્વોકેટ જનરલ રવિન્દ્રન હાજર રહ્યા હતા અને જણાવ્યું હતું કે ફૂડ સેફ્ટી કમિશનરે આ અંગે વિસ્તૃત તપાસ હાથ ધરવા આઇઆઇટી (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી) મદ્રાસને જણાવ્યું છે.

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યૂટિકલ ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ ખાતે સિનિયર સાયન્ટિસ્ટ પાર્થિબન અન્નાઇકુટ્ટીના કહેવા પ્રમાણે, માણસના શરીરના વજનના પ્રતિ કિલોગ્રામ મહત્તમ 0.2 નૅનોગ્રામ બીપીએ હોવું જોઈએ. આ ધોરણ યુરોપિયન ફૂડ સૅફ્ટી ઑથૉરિટી (ઇએફએસએ) દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારે શું જવાબ દાખલ કર્યો?

સગર્ભા મહિલાઓની ગર્ભનાળ અને ઓરમાં પ્રદૂષણ, કોખમાં પ્રદૂષણ, પીવાના પાણીની બોટલ, ગરમ ચા તથા સંભારની કોથળીઓને કારણે શરીરમાં માઇક્રો પ્લાસ્ટિક, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય વતી ઍડ્વોકેટ વી. ચંદ્રશેખરન હાજર રહ્યા હતા. તેમણે એફએસએસએઆઇના (ફૂડ સૅફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા) અહેવાલને ટાંક્યો હતો.

જેમાં પ્લાસ્ટિકની બૉટલો તથા પોલિથિનની કોથળીઓમાં રહેલાં માઇક્રૉપ્લાસ્ટિકની અસરને તપાસવા માટે શું પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, તેના વિશે માહિતી આપી હતી.

ઍડ્વોકેટ વી. ચંદ્રશેખરને કહ્યું હતું કે એફએસએસએઆઇએ માઇક્રૉ અને નૅનો પ્લાસ્ટિકને ખાદ્યપદાર્થોમાં નવીન પ્રદૂષક માનીને તે કેટલી હદે પ્રવર્તમાન છે, તેના વિશેનો અભ્યાસ હાથ ધર્યો છે.

લખનૌસ્થિત કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (સીએસઆઈઆર), સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિશ ટૅક્નૉલૉજી (આઇસીએઆર-સીઆઇએફટી), કોચ્ચીસ્થિત ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રીકલ્ચર રિસર્ચ તથા બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી ઍન્ડ સાયન્સ (પિલાની) દ્વારા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

એફએસએસએઆઈનું કહેવું છે કે આ પ્રોજેક્ટનો હેતુ ખાદ્યપદાર્થોમાં કેટલું માઇક્રૉ કે નૅનો પ્લાસ્ટિક છે, તેની ચકાસણી અને વિશ્લેષણ કરવા માટેની પદ્ધતિ વિકસાવવાનો છે.

મીઠામાં માઇક્રૉ પ્લાસ્ટિક વધુ

સગર્ભા મહિલાઓની ગર્ભનાળ અને ઓરમાં પ્રદૂષણ, કોખમાં પ્રદૂષણ, પીવાના પાણીની બોટલ, ગરમ ચા તથા સંભારની કોથળીઓને કારણે શરીરમાં માઇક્રો પ્લાસ્ટિક, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Facebook/Parthiban

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે, પ્લાસ્ટિકની પાણીની બૉટલ, પૅક્ડ પીણાં, સૂકી માછલી તથા ફિશફૂડના નમૂના એકઠા કરીને તેનું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, “પ્રાથમિક તારણ મુજબ આઇડાઇઝ્ડ મીઠા, સિંધવ નમક તથા સંચળમાં મોટાપાયે માઇક્રૉપ્લાસ્ટિક હોવાનું માલૂમ પડ્યું છે.”

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, “હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ચંદીગઢ, હરિયાણા, કર્ણાટક તથા મહારાષ્ટ્રમાંથી પીવાનાં પાણીની બૉટલોના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં માઇક્રૉપ્લાસ્ટિક હોવાનું માલૂમ પડ્યું હતું.”

એફએસએસએઆઇના જણાવ્યા પ્રમાણે, આના વિશે ચર્ચા કરવા માટે એક બેઠક પણ બોલાવવામાં આવી હતી.

હાઇકોર્ટે આ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવાની તાકિદ કરીને કેસને મોકૂફ કર્યો હતો. સાથે જ આદેશ આપ્યો હતો કે પીવાના પાણીની બૉટલો ઉપર ચેતવણીદર્શક લૅબલ મારવા માટે નિર્માતા કંપનીઓને નિર્દેશ આપવામાં આવે.

ગર્ભ સુધી પ્રસરેલું ‘પ્રદૂષણ’

સગર્ભા મહિલાઓની ગર્ભનાળ અને ઓરમાં પ્રદૂષણ, કોખમાં પ્રદૂષણ, પીવાના પાણીની બોટલ, ગરમ ચા તથા સંભારની કોથળીઓને કારણે શરીરમાં માઇક્રો પ્લાસ્ટિક, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પીએસજી ખાતે ડિપાર્ટમેન્ટ ઑફ કૉમ્યુનિટી મેડિસિનના વડાં ડૉ. સુધા રામલિંગમના કહેવા પ્રમાણે, “અમારા અભ્યાસનાં પ્રાથમિક તારણો મીડિયામાં પ્રકાશિત થયાં હતાં. એ પછી હાઇકોર્ટના જજોએ અમને અહેવાલ સુપ્રત કરવા કહ્યું હતું.”

બીબીસી તામિલ સાથે વાત કરતા ડૉ. સુધાએ કહ્યું, “અમે છ મહિના કરતાં વધુ સમયથી અભ્યાસ કરી રહ્યા હતા. નાની ઉંમરમાં મેદસ્વિતા ધરાવતાં બાળકો ડાયાબિટીસ તથા કૅન્સર જેવી અનેક બીમારીથી પીડાય છે.”

ડૉ. સુધા રામલિંગમના કહેવા પ્રમાણે, આના વિશે ચીન અને અમેરિકામાં અભ્યાસ હાથ ધરવામાં આવ્યા હતા. જેના તારણ મુજબ, બાળક ગર્ભમાં હોય, ત્યારથી જ અમુક પ્રકારની બીમારીઓ ઘર કરી જતી હોય છે અને તેનું પ્રમાણ વધી રહ્યું છે.

ડૉ. સુધા રામલિંગમના કહેવા પ્રમાણે, તબીબી ભાષામાં તેને ડેવલપમેન્ટલ ઑરિજિન ઑફ હેલ્થ ઍન્ડ ડિસીઝ (DOHaD) તરીકે ઓળખવામાં આવે છે.

તેઓ કહે છે, “ખોરાકમાંથી પ્લાસ્ટિકના કણો માતાના શરીરમાં પ્રવેશ્યાં હોય તેવી શક્યતા છે. શું તે ગર્ભ સુધી પહોંચી શકે છે અને તેના કારણે મેદસ્વિતા અને ડાયાબિટીસ જેવી બીમારીઓ થઈ શકે છે કે કેમ, તેના વિશે અમે તપાસ કરી રહ્યા હતા.”

ડૉ.સુધા રામલિંગમ્ કહે છે કે બીપીએના કારણે આપણા શરીરની અન્તઃસ્રાવી ગ્રંથિઓમાં વિક્ષેપ ઊભો થાય છે.

400 સગર્ભા મહિલાઓનો અભ્યાસ

સગર્ભા મહિલાઓની ગર્ભનાળ અને ઓરમાં પ્રદૂષણ, કોખમાં પ્રદૂષણ, પીવાના પાણીની બોટલ, ગરમ ચા તથા સંભારની કોથળીઓને કારણે શરીરમાં માઇક્રો પ્લાસ્ટિક, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ડૉ. સુધા રામલિંગમ્ તથા તેમની ટીમે છ મહિનાના ગાળા દરમિયાન 400 જેટલાં સગર્ભા મહિલાઓની ઑર પણ એકઠી કરી હતી, જેને ડિલિવરી બાદ ફેંકી દેવામાં આવે છે.

ડૉ. સુધા રામલિંગમ કહે છે, “અમે જ્યાં કામ કરીએ છીએ તે સંસ્થા, ઍથિક્સ કમિટી તથા માતા-પિતાની સહમતિથી આ નમૂના લેવામાં આવ્યા હતા.”

આ તમામમાં નિર્ધારિત માત્રા કરતાં વધુ પ્રમાણમાં માઇક્રૉપ્લાસ્ટિકના સુક્ષ્મ કણો હોવાનું બહાર આવ્યું હતું.

તેઓ કહે છે, “અમે માત્ર બીપીએ કેમિકલનો જ અભ્યાસ કર્યો છે. વાસ્તવમાં માઇક્રૉપ્લાસ્ટિકમાં અલગ-અલગ પ્રકારના કેમિકલ હોય શકે છે. જેનો અભ્યાસ કરવા માટે અદ્યતન સવલતો સાથેની લૅબોરેટરીની જરૂર પડે. જેના માટેનું કામ ચાલુ છે.”

ચાની થેલી અને સંભારની કોથળી

સગર્ભા મહિલાઓની ગર્ભનાળ અને ઓરમાં પ્રદૂષણ, કોખમાં પ્રદૂષણ, પીવાના પાણીની બોટલ, ગરમ ચા તથા સંભારની કોથળીઓને કારણે શરીરમાં માઇક્રો પ્લાસ્ટિક, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Facebook/Perumal pillai

ડૉ. સુધા રામલિંગમ કહે છે કે આપણે ત્યાં હોટલોમાં પ્લાસ્ટિકની કોથળીઓમાં દૂધ, ચા અને સંભાર પાર્સલ કરવામાં આવે છે. ત્યાંથી માનવશરીરમાં માઇક્રૉપ્લાસ્ટિક પ્રવેશતું હોવાની શક્યતા છે.

તેઓ કહે છે, “તેના કારણે આપણા શરીરની આંતઃસ્રાવી ગ્રંથિઓમાં ખામી ઊભી થાય છે, જેના કારણે ઘણી બીમારીઓ થાય છે.”

તેઓ ઉમેરે છે, “આ કેમિકલ્સ ગર્ભ માટે જોખમી હોય છે અને માનસિક આરોગ્ય, હૃદય કે ડાયાબિટીસ જેવી બીમારીઓ થઈ શકે છે.”

ડૉ. સુધા રામલિંગમનું કહેવું છે કે પેપર કપ તથા સિંગલ-યૂઝવાળી ચાની થેલીઓમાં પણ માઇક્રૉપ્લાસ્ટિક હોય છે. તેઓ કહે છે, “જ્યારે તમે ગરમ ચા નાખો ત્યારે પ્લાસ્ટિક ઓગળે છે અને સુક્ષ્મકણો તમારા પેટમાં પ્રવેશે છે. આ પ્રકારે ખોરાક ન લેવો જોઈએ.”

તેઓ કહે છે કે અલગ-અલગ કારણોસર આપણાં શરીરમાં કેમિકલ પ્રવેશે છે. જેમાં બહારનું વાયુપ્રદૂષણ પણ સામેલ છે. “જોકે તે માતાના ગર્ભ સુધી પહોંચી ગયું છે તે વાત આઘાતજનક છે.”

તેઓ કહે છે, “બીપીએ જેવું જ એક કેમિકલ થૅલેટ્સ છે, જે આપણી આસપાસ બધેય હોય છે. તે રેસ્ટોરાંમાં પીરસવામાં આવતા સંભારમાં, પ્લાસ્ટિકની બૉટલોમાં અને બીજી ઘણીબધી જગ્યાએ હોય છે.”

આને કેવી રીતે ટાળવું?

સગર્ભા મહિલાઓની ગર્ભનાળ અને ઓરમાં પ્રદૂષણ, કોખમાં પ્રદૂષણ, પીવાના પાણીની બોટલ, ગરમ ચા તથા સંભારની કોથળીઓને કારણે શરીરમાં માઇક્રો પ્લાસ્ટિક, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

તિરુવલ્લુર મેડિકલ કૉલેજ ખાતે ડિપાર્ટમેન્ટ ઑફ ચાઇલ્ડ ઍન્ડ વૅલફેરના ઍસોસિયેટ પ્રોફેસર તથા ડૉ. પેરુમલ્લ પિલ્લાઈના કહેવા પ્રમાણે, પ્લાસ્ટિકના કણો ગર્ભાશયમાંથી ગર્ભ સુધી પહોંચી રહ્યા છે.

તેઓ કહે છે કે તેના કારણે લાંબાગાળે પાચનતંત્રમાં ફેરફાર થાય છે અને ગર્ભાવસ્થામાં ડાયાબિટીસ થઈ શકે છે.

ડૉ. પેરુમલ્લ પિલ્લાઈ ઉમેરે છે, “કેટલાક અભ્યાસોમાં માતાના ગર્ભમાં પીવીસી અને પૉલિમર સહિતના માઇક્રૉપ્લાસ્ટિક કણ મળી આવ્યા છે.”

આ દિશામાં મોટાં સંશોધનો ચાલી રહ્યાં છે અને લોકોએ માઇક્રૉપ્લાસ્ટિકના કણો પ્રત્યે જાગૃત થવાની જરૂર છે.

પાર્થીબન કહે છે કે કોરિયામાં પણ પીવા અને દૂધની બૉટલોમાંથી બીપીએ મળી આવ્યું હતું. તેઓ કહે છે, “તેના કારણે કિડનીની બીમારીની શક્યતા વધી ગઈ હતી.”

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS