Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ચંદનકુમાર જજવાડે
- પદ, બીબીસી સંવાદદાતા
-
10 મે 2025, 08:17 IST
અપડેટેડ 2 કલાક પહેલા
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધતો જાય છે. બંને દેશોએ એકબીજા પર કાર્યવાહી કરવાનો દાવો કરી રહ્યા છે.
ગુરુવારે સુરક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક મળ્યા પછી કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે, ‘ઑપરેશન સિંદૂર ઑનગોઇંગ ઑપરેશન છે.’
ત્યાર પછી, ગુરુવાર રાત્રે ભારતે કહ્યું કે, જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરનાં મિલિટરી સ્ટેશન પર પાકિસ્તાને હુમલો કર્યો છે, જેને નિષ્ફળ કરી દેવામાં આવ્યો. પાકિસ્તાનના સુરક્ષા મંત્રીએ હુમલાની વાતનો ઇનકાર કર્યો છે.
પાકિસ્તાને દાવો કર્યો કે તેણે ભારતના 25 ડ્રોન્સ તોડી પડ્યા છે. બીબીસી આ દાવાઓની પુષ્ટિ નથી કરતું.

ઇમેજ સ્રોત, Getty Images
આ તણાવ અંગે બંને દેશના પડોશી દેશોનું વલણ કેવું હોઈ શકે, એ જાણવા માટે બીબીસીએ કેટલાક નિષ્ણાતો સાથે વાતચીત કરી.
મિડલ ઇસ્ટ ઇનસાઇટ્સ પ્લૅટફૉર્મનાં સંસ્થાપક ડૉ. શુભદા ચૌધરી કહે છે, “જો તમે જુઓ તો ભારત અને પાકિસ્તાનના પાડોશી દેશોમાં સામાજિક-આર્થિક રીતે નીચલા સ્તરના લોકો વધુ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબો સમય સુધી સંઘર્ષ ચાલે, તો જે લોકો પર તેની આર્થિક અસર વધારે પડશે તેમની સંખ્યા ખૂબ મોટી છે.”
શુભદા ચૌધરીએ જણાવ્યું કે, આ બધા દેશોની અર્થવ્યવસ્થા કોવિડ મહામારી પછી સંઘર્ષ જ કરી રહી છે, તેથી આવા દેશો માટે આર્થિક હિત વધુ અગત્યનું છે.
તેમને લાગે છે કે ભારત અને પાકિસ્તાનના પડોશી એવા પ્રયાસો કરે છે કે આ તણાવ જલદી ખતમ થાય.
નાની અર્થવ્યવસ્થાવાળા પડોશી દેશ

ઇમેજ સ્રોત, Getty Images
અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, મ્યાનમાર અને ભુતાન જેવા પડોશી દેશો માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલો તણાવ ઘણા અર્થમાં ખૂબ મહત્ત્વનો છે.
શુભદા ચૌધરી કહે છે, “જો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ લાંબા સમય સુધી ખેંચાય તો જુદા જુદા પડોશીઓ પર તેની જુદી જુદી અસર થશે. નેપાળથી વાતની શરૂઆત કરીએ તો, નેપાળનો ભારત સાથે 60 ટકા ટ્રેડ થાય છે, તેને અસર થઈ શકે છે. પૉર્ટ અને ટ્રેડ રૂટની બાબતમાં નેપાળને મુશ્કેલી થઈ શકે છે. નેપાળ અને ભારત વચ્ચે લાંબી સરહદ છે, તેથી નેપાળ ઇચ્છશે કે આ તણાવ ઓછો થાય. જ્યારે ચીન આ પરિસ્થિતિનો ફાયદો નેપાળ સાથેના સંબંધને સુધારવામાં કરી શકે છે.”
તેમના અનુસાર, એવું જ આર્થિક સંકટ ભુતાનમાં થઈ શકે છે, કેમ કે, ભારતની અર્થવ્યવસ્થા પર અસર થાય, તો ત્યાંના પર્યટન ઉદ્યોગને પણ અસર થશે.
દક્ષિણ એશિયાની ભૂરાજનીતિના જાણકાર અને સાઉથ એશિયન યુનિવર્સિટીમાં ઍસોસિયેટ પ્રોફેસર ધનંજય ત્રિપાઠી માને છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવથી અફઘાનિસ્તાનને બાદ કરતાં બાકીના દેશો તટસ્થ રહેશે.
તેમનું માનવું છે કે અન્ય બધા પડોશી દેશ આ બાબતમાં ચૂપ જ રહેશે.

ઇમેજ સ્રોત, X/Shehbaz Sharif
ધનંજય ત્રિપાઠીનું કહેવું છે, “ભારત આ ક્ષેત્રમાં એક મોટી અર્થવ્યવસ્થા છે અને નાના પડોશી દેશ ભારત સાથે ઘણા પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓથી જોડાયેલા છે. શ્રીલંકા અને નેપાળ જેવા દેશો માટે પર્યટન દ્વારા થતી આવક ઘણી અગત્યની છે અને તેઓ ઇચ્છશે કે આ તણાવ જલદી સમાપ્ત થાય.”
ભારત અને શ્રીલંકા વચ્ચે ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ છે અને શ્રીલંકાના તાજેતરના આર્થિક સંકટના સમયમાં ભારતે તેને ખૂબ મદદ કરી છે. તાજેતરમાં જ વડા પ્રધાન મોદીએ શ્રીલંકાનો પ્રવાસ પણ કર્યો હતો.
ધનંજય ત્રિપાઠી માને છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધવાથી આ દેશો ઇચ્છશે કે બંને દેશ વાતચીત દ્વારા તેનો જલદી ઉકેલ લાવે.
વિદેશ મામલાના જાણકાર કમર આગા પણ આ વાત સાથે સહમત જણાય છે. તેમનું કહેવું છે કે, પડોશી દેશોની સાથે ભારતનો વ્યાવસાયિક સંબંધ છે.
કમર આગા કહે છે, “જો સંઘર્ષ વધે તો તે અર્થવ્યવસ્થાને અસર કરશે. કેમ કે, યુદ્ધ દરમિયાન સુરક્ષા ખર્ચ વધી જાય છે અને તેમાં રોજગાર નથી મળતો. એ સ્થિતિમાં બાંગ્લાદેશને મોટું નુકસાન થઈ શકે છે; કેમ કે, બાંગ્લાદેશની વર્તમાન સરકાર પાકિસ્તાનની નજીક જઈ રહી છે. જ્યારે બાંગ્લાદેશમાં ભારતનું મોટું રોકાણ છે.”
જોકે, અગાઉ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઘણો સારો સંબંધ હતો, પરંતુ ગયા વર્ષે બાંગ્લાદેશમાં થયેલાં આંદોલનોના કારણે તત્કાલીન વડાં પ્રધાન શેખ હસીનાએ પોતાનું પદ છોડવું પડ્યું હતું.
ત્યાર પછી બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનૂસના નેતૃત્વમાં જે વચગાળાની સરકાર બની છે, તેના ભારત સાથે અનેક બાબતોમાં મતભેદ રહ્યા છે.
કમર આગા માને છે કે, ચીને પણ ઘણા દેશોમાં રોકાણ કર્યું, પરંતુ એવું જોવા મળ્યું છે કે ચીનના રોકાણથી તેને જ વધુ ફાયદો થયો છે, તેથી માલદીવ અને શ્રીલંકા જેવા દેશો ફરીથી ભારતની નજીક આવ્યા છે.
ચીનનું વલણ

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવના લીધે ઘણા લોકોની નજર ચીનના વલણ પર છે. ચીનના પાકિસ્તાન સાથે નિકટના સંબંધ રહ્યા છે અને ભારત સાથે પણ તેનાં વેપારી હિત જોડાયેલાં છે.
બીજી તરફ, હાલના સમયે ચીન પોતે અમેરિકા સાથે ટૅરિફ-વૉરમાં ફસાયેલું છે, તેથી ચીનની પોતાની અર્થવ્યવસ્થા પર પણ સંકટ જોવામાં આવી રહ્યું છે.
ચીની વિદેશ મંત્રાલયે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં ભારતના હવાઈ હુમલાને ‘અફસોસજનક’ કહ્યો છે. બુધવારે થયેલા આ હુમલાને ભારતે ‘ઑપરેશન સિંદૂર’ નામ આપ્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અંગેના એક સવાલના જવાબમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, તેઓ વર્તમાન પરિસ્થિતિ વિશે ‘ચિંતિત’ છે.
ચીનના વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું, “ભારત અને પાકિસ્તાન એકબીજાના પડોશી છે અને હંમેશા રહેશે. તેઓ બંને ચીનના પડોશી પણ છે. ચીન દરેક પ્રકારના આંતકવાદનો વિરોધ કરે છે.”
મંત્રાલયના પ્રવક્તાએ બંને દેશોને “શાંત રહેવા, સંયમથી વર્તવા અને જે સ્થિતિને વધુ જટિલ બનાવી શકે એવી કાર્યવાહીથી બચવાની પણ અપીલ કરી છે.”
નિષ્ણાતોને લાગે છે કે ચીન એવું ક્યારેય નહીં ઇચ્છે કે પાકિસ્તાન અસ્થિર થાય, જેનાથી તેનું કરોડોનું રોકાણ નકામું વેડફાઈ જાય.
આ ઉપરાંત, ચીન, પાકિસ્તાનમાં ચાઇના-પાકિસ્તાન ઇકોનૉમિક કૉરિડોર (સીપેક) અને બેલ્ટ ઍન્ડ રોડ હેઠળ એક મોટું રોકાણ કરી રહ્યું છે.
જોકે, વિદેશ બાબતોના જાણકાર કમર આગા કહે છે, “ચીન ઇચ્છે છે કે આ સંઘર્ષ ચાલતો રહે, તે જ તેના માટે સારું છે. ચીનનાં તાજેતરનાં કેટલાંક નિવેદનો પણ એ જ દર્શાવે છે. સંઘર્ષમય પરિસ્થિતિમાં ચીનને પોતાનાં હથિયાર પાકિસ્તાનને વેચવાની તક મળશે.”
અફઘાનિસ્તાનનું વલણ કેવું રહેશે?

ઇમેજ સ્રોત, ANI
22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલા પછી અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં આ હુમલાની નિંદા કરી અને કહ્યું કે આવી ઘટના ક્ષેત્રની સુરક્ષા અને સ્થિરતાને નુકસાન પહોંચાડે છે.
ભારતના ‘ઑપરેશન સિંદૂર’ અને પાકિસ્તાન સાથે વધતા તણાવ અંગે પણ અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડીને આ તણાવની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી અને ભારત-પાકિસ્તાનને વાતચીત દ્વારા તણાવ ખતમ કરવાની અપીલ કરી.
જોકે, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે પણ તેમનો સીમાવિવાદ ચાલી રહ્યો છે.
કમર આગા કહે છે, “અફઘાનિસ્તાનની કોઈ સરકારે પાકિસ્તાન સાથેની પોતાની સરહદ એટલે કે ડૂરંડ રેખાને ક્યારેય માની જ નથી, તેથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ખૂબ જૂનો સીમાવિવાદ છે. જો ભારત-પાકિસ્તાન સંઘર્ષ વધે તો અફઘાનિસ્તાન ભારતની સાથે જોવા મળશે.”
“આ વિવાદ ભારતમાં અંગ્રેજ શાસનના સમયથી ચાલ્યો આવે છે, જ્યારે બીજું આંગ્લો-અફઘાન યુદ્ધ થયું હતું અને ડૂરંડ રેખાને બંને દેશોની સીમા નક્કી કરવામાં આવી હતી.”
વર્ષ 1893માં અફઘાન રાજા અને બ્રિટિશ શાસિત ભારતના વિદેશ મંત્રી સર મોર્ટિમર ડૂરંડ વચ્ચે થયેલી સમજૂતી પછી અફઘાનિસ્તાનનો અમુક ભાગ બ્રિટિશ ઇન્ડિયાને આપી દેવામાં આવ્યો હતો.
વર્ષ 1947માં પાકિસ્તાનના જન્મ પછી ઘણા અફઘાન શાસકોએ ડૂરંડ સમજૂતીની કાયદેસરતા પર જ સવાલ ઊભા કર્યા અને બંને દેશો વચ્ચે દુશ્મનીનાં બીજ રોપાયાં.
સુરક્ષા નિષ્ણાત સંજીવ શ્રીવાસ્તવ કહે છે, “દક્ષિણ એશિયાના મોટા ભાગના દેશો સાથે ભારતના સંબંધ સારા રહ્યા છે અને જો આ સંઘર્ષ વધે તો આ દેશોની ચિંતા વધશે.”
ઈરાન સામેની મુશ્કેલી

ઇમેજ સ્રોત, Getty Images
ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ ચાલુ અઠવાડિયે પાકિસ્તાન અને ભારતની મુલાકાત લીધી છે. ઈરાને પહલગામ હુમલાની નિંદા કરી અને તેણે બંને દેશો વચ્ચેનો તણાવ ઘટાડવા માટે મધ્યસ્થીની રજૂઆત પણ કરી.
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને પહલગામ હુમલાની નિંદા કરી અને ભારત સાથેના તણાવ અંગે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ સાથે પણ વાતચીત કરી.
ઈરાન અને પાકિસ્તાન એકબીજાના પડોશી દેશ છે અને બંને દેશ વચ્ચે લાંબી સરહદ છે.
કમર આગા કહે છે, “ઈરાન ભારત-પાકિસ્તાન સંઘર્ષને જલદીથી ખતમ થતો જોવા ઇચ્છશે, કેમ કે, જો આ ક્ષેત્રમાં સંઘર્ષ વધે, તો પાકિસ્તાન સાથે સીમા જોડાયેલી હોવાથી ઈરાનને પણ તેની અસર થઈ શકે છે.”
બીજી તરફ, ભારત અને ઈરાન વચ્ચે ઐતિહાસિક, વ્યૂહાત્મક અને આર્થિક કારણોથી વેપારસંબંધ મજબૂત રહ્યા છે.
વર્ષ 2022-23માં ભારત અને ઈરાન વચ્ચે લગભગ 2.5 અરબ ડૉલરનો વેપાર થયો. ભારતે ઈરાનને 1.9 ડૉલરની નિકાસ કરી, જ્યારે ઈરાને ભારતને 60 કરોડ ડૉલરની નિકાસ કરી.
ઈરાનના ટોચના પાંચ વેપાર સહયોગી દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. ભારત દર વર્ષે ઈરાનને લગભગ એક અબજ ડૉલરની કિંમતના ચોખા મોકલે છે.
ઈરાન ઉપર અમેરિકાના પ્રતિબંધોના લીધે ઈરાનથી ભારતમાં તેલની નિકાસ પર અસર થઈ છે. 2019 પહેલાં સુધી ભારત પોતાના દસ ટકા તેલની જરૂરિયાત ઈરાનના તેલ દ્વારા પૂરી કરતું હતું.
આ ઉપરાંત, ભારતે ઈરાનના ચાબહાર બંદરમાં લગભગ 50 કરોડ ડૉલરનું રોકાણ કર્યું છે. ભારત ચાબહાર બંદર દ્વારા અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાનાં બજારો સુધી પોતાની પહોંચ વધારવા માગે છે.
સુરક્ષા વિશેષજ્ઞ સંજીવ શ્રીવાસ્તવ કહે છે, “ઈરાનને બંને દેશો સાથે સારા સંબંધ છે અને તે ગમે તે સ્થિતિમાં એવું ઇચ્છશે કે આ સંઘર્ષ જલદી સમાપ્ત થાય અને શાંતિ સ્થાપવાના તેના પ્રયાસ ચાલુ રહેશે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS