Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
અપડેટેડ એક કલાક પહેલા
યુકે અને ભારત વચ્ચે છેલ્લાં ત્રણ વર્ષથી વેપાર મુદ્દે વાટાઘાટો ચાલી રહી હતી. તે કરાર મંગળવારે આકાર પામ્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા ઍક્સ ઍકાઉન્ટ પર જાહેરાત કરી કે એક વેપાર કરાર નક્કી થયો છ જે બંને દેશો માટે લાભદાયક છે.
આ કરાર હેઠળ બંને દેશોના માલ પરના ટેરિફ ઘટાડવામાં આવશે.
યુકે ભારમાંથી ફૂટવેર અને કપડાંની નિકાસ પર છૂટછાટ આપશે. જ્યારે ભારત યુકેના નિકાસકારોને કાર, સૌંદર્ય પ્રસાધનો, તબીબી ઉપકરો, વ્હિસ્કી તથા ખાદ્ય પદાર્થો પર વધારે રાહત આપશે.
વડા પ્રધાન મોદીએ લખ્યું કે, “ભારત અને યુકે એક ઐતિહાસિક સીમાચિહ્ન પર પહોંચ્યાં છે, એક મહત્ત્વાકાંક્ષી તથા પરસ્પર લાભદાયક મુક્ત વેપાર કરાર (એફટીએ) અને બેવડા ટૅક્સેશન કરાર (ડીટીએ) સફળતાપૂર્વ પૂર્ણ કર્યા છે.”
“આ કરાર બંને દેશોનાં અર્થતંત્રમાં વેપાર, રોકાણ અને રોજગારીના સર્જનને વેગ આપશે.”
યુકેના વેપાર સચિવ જોનાથન રેનૉલ્ડ્સે કહ્યું હતું કે આ કરાર યુકેના લોકોને ભારે લાભકારી બનશે.
યુકે અને ભારત વચ્ચે 2024માં 41 બિલિયન પાઉન્ડનો વેપાર થયો હતો. યુકે સરકાર અનુસાર આવનારા દિવસોમાં આ વેપારમાં વધારો થશે. યુકેનો અંદાજ છે કે ભારત અને યુકે વચ્ચે 2040 સુધીમાં દર વર્ષે 25 અબજ પાઉન્ડનો વધારો થઈ શકે છે.
પોરબંદર: હિરલબા જાડેજાને રૂ. 70 લાખના ખંડણી કેસમાં ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલાયાં

ઇમેજ સ્રોત, Hitesh Thakrar
પોરબંદરના રૂપિયા 70 લાખના ખંડણી કેસનાં આરોપી હિરલબા જાડેજાને સ્થાનિક અદલાતે શુક્રવાર બપોરે બાર વાગ્યા સુધી રિમાન્ડ પર મોકલી આપ્યાં છે.
પોરબંદરસ્થિત બીબીસી ગુજરાતીના સહયોગી હિતેષ ઠકરાર જણાવે છે, “આ પહેલાં હિરલબા જાડેજાના રિમાન્ડ મંજૂર થયાં હતાં, પરંતુ એ દરમિયાન બે વખત તેમની તબિયત લથળી હતી, જેથી તેમને પોરબંદરની ભાવસિંહજી હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં.”
“બીજી વખત તેમની તબિયત કથળી એ પછી તેમને વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં મંગળવારે તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું.”
“આ કેસમાં હિતેષ ઓડેદરા તથા વિજય ભીમા પણ સહઆરોપી છે. વિજય ભીમા કથિત રીતે વિદેશ નાસી છૂટવાની ફિરાકમાં હતા ત્યારે તેમને મુંબઈ ઍરપૉર્ટ પાસે એક હોટલમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા.”
નોંધનીય છે કે ઇઝરાયલમાં કામ કરતાં મૂળતઃ પોરબંદર જિલ્લાનાં એક મહિલાએ સોશિયલ મીડિયા ઉપર વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે આરોપ મૂક્યો હતો કે તેમના પિતા, પતિ તથા પુત્રને હિરલબા જાડેજા દ્વારા તેમના નિવાસસ્થાન સૂરજ પૅલેસમાં ગોંધી રાખવામાં આવ્યા છે.
તેમની પાસે કોરા ચેકમાં સાઇન કરાવવામાં આવી છે તથા સોનાના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી છે.
હિરલબા પોરબંદરના બહુચર્ચિત જાડેજા પરિવારનાં વહુ છે. તેમના ભત્રીજા કાંધલ જાડેજા કુતિયાણાની બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે. હિરલબાના પતિ ભૂરા મુંજા તથા તેમનાં જેઠાણી સંતોકબહેન જાડેજા ધારાસભ્ય રહ્યા છે. સરમણ મુંજા તેમના જેઠ થાય.
બાંગ્લાદેશ પાછાં ફર્યાં પૂર્વ વડાં પ્રધાન ખાલિદા ઝિયા, દેશમાં રાજકીય હીલચાલ વધી- ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, BSS
પૂર્વ વડાં પ્રધાન અને બાંગ્લાદેશ નૅશનલિસ્ટ પાર્ટીનાં ચૅરપર્સન ખાલિદા ઝિયા લંડનમાં ચાર મહિનાની સારવાર લીધા બાદ પોતાના દેશ પાછા આવ્યાં છે.
મંગળવારની સવારે તેઓ હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પહોંચ્યાં.
ખાલિદા ઝિયા સાથે તેમનાં વહુ ઝુબૈદા રહમાન પણ બાંગ્લાદેશ પરત આવ્યાં છે. તેમનાં વહુ લગભગ 17 વર્ષ પછી બાંગ્લાદેશ આવ્યાં છે.
તેેમની સાથે ત્રણ ખાનગી ડૉક્ટર પણ હતા. બીએનપીના નેતાઓ અને કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરવા માટે ઍરપૉર્ટ પાસે બૅનર, પોસ્ટર અને ઝંડો લઈને ઊભા જોવા મળ્યા હતા.
ખાલિદા ઝિયા આઠ જાન્યુઆરીના સારવાર માટે લંડન ગયાં હતાં. 79 વર્ષનાં ખાલિદા ઝિયા લિવર સિરોસિસ, કિડનીની સમસ્યા અને હૃદયરોગ જેવી કેટલીક બીમારીઓથી પીડિત છે. તેમને લંડનના એક ક્લિનિકમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં.
બાંગ્લાદેશમાં ગયા વર્ષે ઑગસ્ટમાં વિદ્યાર્થીઓના વિરોધ બાદ શેખ હસીનાની સરકાર ઊથલી ગઈ હતી. ત્યાર પછી બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર કામકાજ સંભાળી રહી છે. આ સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મ યુનૂસ છે.
વચગાળાની સરકાર પર દેશમાં ચૂંટણી કરાવીને વિજેતા પાર્ટીને સત્તા આપવાની જવાબદારી છે પરંતુ કેટલાક નિષ્ણાતો વચગાળાની સરકારની ચૂંટણી યોજવાની કટિબદ્ધતા પર શંકા વ્યક્ત કરે છે.
મોહમ્મદ યુનૂસની વચગાળાની સરકારે ચૂંટણીની કોઈ તારીખ જાહેર કરી નથી.
કહેવામાં આવે છે કે કેટલાક સુધારો બાદ ચૂંટણી કરાવી શકાય છે. પરંતુ તેની તારીખ નથી જણાવાઈ. હવે ખાલિદા ઝિયાના બાંગ્લાદેશ પરત ફર્યાં બાદ અંતરિમ સરકાર પર ચૂંટણી કરાવવાનું દબાણ વધશે.
મૉક ડ્રિલ: ભાજપે દેશના નાગરિકોને શું અપીલ કરી?

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપે મૉક ડ્રિલને લઈને દેશના નાગરિકો, ભાજપ કાર્યકર્તાઓ, નેતાઓ અને વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે તેઓ આગળ આવીને વૉલંટિયર કરે.
ભાજપે પોતાના ઍક્સ ઍકાઉન્ટ પર લખ્યું છે કે, “ગૃહ મંત્રાલયે બધાં રાજ્યોને સાતમી મેના દિવસે એક મૉક ડ્રિલ કરવાના નિર્દેશ આપ્યા છે. તેનો ઉદ્દેશ્ય એ જોવાનું છે કે કોઈ પણ આપાત પરિસ્થિતિમાં આપણી તૈયારીઓ કેટલી મજબૂત છે.”
ભાજપે જણાવ્યું હતું કે આ ડ્રિલમાં હવાઈ હુમલાની ચેતવણી આપનારા સાઇરન વગાડવામાં આવશે, લોકો અને વિદ્યાર્થીઓને શીખવવામાં આવશે કે હુમલા જેવી પરિસ્થિતિમાં પોતાને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય. જરૂરી સરકારી અને મહત્ત્વપૂર્ણ ઇમારતોને છુપાવવા (કૅમોફ્લાજ)ની તૈયારી જેવી ગતિવિધિઓ સામેલ છે.
રશિયા અને યુક્રેને ડ્રોન હુમલા અંગે એકબીજા પર કેવા આરોપ મૂક્યા?

ઇમેજ સ્રોત, Getty Images
રશિયાએ દાવો કર્યો છે કે કુર્સ્ક ક્ષેત્રમાં યુક્રેનના હુમલામાં ત્રણ લોકોનાં મોત થયાં છે. યુક્રેને દાવો કર્યો છે કે રશિયન હુમલામાં ચાર લોકોનાં મોત થયાં છે.
કુર્સ્કના ગવર્નર એલેક્ઝાન્ડર ખિનશ્ટાઈને કહ્યું કે કુર્સ્ક ક્ષેત્રમાં યુક્રેનના હુમલામાં ત્રણ લોકોનાં મોત થયાં છે અને સાત લોકોને ઈજા થઈ છે.
તેમણે કહ્યું કે યુક્રેનના હુમલા પછી સાત લોકોને હૉસ્પિટલે લઈ જવાયા હતા.
બીજી તરફે યુક્રેનના અધિકારીઓનું કહેવું છે કે યુક્રેનમાં રાતભર અને આજે સવારે રશિયાના હુમલામાં ચાર લોકોનાં મોત થયાં છે.
સ્થાનિક સૈન્ય અધિકારીઓના કહેવા પ્રમાણે રશિયાએ ગાઇડેડ બૉમ્બ, મોર્ટાર અને રૉકેટ દ્વારા ગામ પર હુમલો કર્યો હતો. તેમના કહેવા મુજબ ઉત્તર સુમી ક્ષેત્રમાં ત્રણ લોકો માર્યા ગયા અને સાતને ઈજા થઈ હતી.
યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું કે દક્ષિણ શહેર ઓડેસામાં ડ્રોન હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે, પૂર્વના શહેર ખારકીએવમાં ડ્રોન હુમલામાં ચાર લોકો ઘાયલ થયા હતા.
મૉક ડ્રિલ પર સંજય રાઉતનો સવાલ, ‘શું મોદીજીની આ તૈયારી છે?’

ઇમેજ સ્રોત, ANI
પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. હવે ભારતીય ગૃહ મંત્રાલયે દેશમાં મૉક ડ્રિલ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેના વિશે શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે.
સંજય રાઉતે કહ્યું કે, “સરકાર મૉક ડ્રિલ કરવા માગતી હોય તો ઠીક છે. પરંતુ મૉક ડ્રિલ શું હોય છે? કાલે સંપૂર્ણ બ્લૅકઆઉટ થઈ જશે. સાયરન વાગશે. ટ્રાફિક અટકી જશે. અમે 1971માં આ જોયું છે.”
તેમણે કહ્યું કે તે વખતે કૉમ્યુનિકેશનનું કોઈ સાધન ન હતું. પરંતુ હવે સાધન છે અને લોકોને શું કરવું એ જણાવી શકાય છે.
સંજય રાઉતે કહ્યું કે, “યુદ્ધ તો થાય છે, પરંતુ યુદ્ધ પછીની જે પરિસ્થિતિ હોય તે બહુ ગંભીર હોય છે. તેના માટે તમામ દળોએ સાથે મળીને વાતચીત કરવી પડશે.”
તેમણે સવાલ કર્યો કે, “શું આ મોદીજીની તૈયારી છે? જો ખરેખર યુદ્ધ કરવું હોય તો બધાને સાથે લેવા જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું છે કે વિશેષ સત્ર બોલાવો. અમારી આ પહેલેથી માગ રહી છે. વાતચીત કરો. દેશ સંકટમાં છે, યુદ્ધની સ્થિતિમાં છે, તો અમે તમારી સાથે છીએ.”
પોપ તરીકે પોતાના એઆઇ ફોટો અંગે ટ્રમ્પે કહ્યું, ‘મને ખબર નથી કે તસવીર કોણે બનાવી’

ઇમેજ સ્રોત, @realDonaldTrump
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોપ તરીકે સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવેલી પોતાની એઆઇ તસવીર પર પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે કહ્યું કે આ તસવીર ક્યાંથી આવી તે તેઓ નથી જાણતા.
તાજેતરમાં ટ્રમ્પના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર વ્હાઇટ હાઉસના ઍક્સ એકાઉન્ટ પર એક ફોટો શૅર કરવામાં આવ્યો હતો.
તસવીરમાં ટ્રમ્પને પોપ જેવા સફેદ પોશાકમાં, ટોપી ધારણ કરીને અને ગળામાં ક્રૉસ પહેરેલા દેખાડવામાં આવ્યા છે. તેમને ગંભીર મુદ્રામાં એક આંગળી ઉઠાવતા દેખાડવામાં આવ્યા હતા.
તેના પર કૅથલિક જૂથોએ સખત વાંધો ઉઠાવ્યો હતો. ન્યૂ યૉર્ક સ્ટેટ કૅથલિક કૉન્ફરન્સે ટ્રમ્પ પર ધાર્મિક લાગણીની મજાક ઉડાવવાનો આરોપ મૂક્યો હતો.
રૉઇટર્સના રિપોર્ટ પ્રમાણે પોપની ટ્રમ્પ તરીકેની તસવીર પર પાંચમી મેએ એક રિપોર્ટરે સવાલ કર્યો હતો. તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે તે તસવીર તેમણે નહોતી બનાવી.
ટ્રમ્પે કહ્યું કે, “મારો આનાથી કોઈ સંબંધ નથી. કોઈએ પોપની જેમ પોશાક પહેરેલી મારી તસવીર બનાવી અને ઇન્ટરનેટ પર લગાવી દીધી. આ તસવીર ક્યાંથી આવી તે મને નથી ખબર. શક્ય છે કે એઆઇથી તસવીર બનાવાઈ હોય. મને તેના વિશે કોઈ ખબર નથી.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS