Home તાજા સમાચાર gujrati ભારતમાં આંતરજ્ઞાતીય લગ્નોનું પ્રમાણ હજુ પણ કેમ સાવ ઓછું છે?

ભારતમાં આંતરજ્ઞાતીય લગ્નોનું પ્રમાણ હજુ પણ કેમ સાવ ઓછું છે?

2
0

Source : BBC NEWS

ભારતમાં ઇન્ટરકાસ્ટ લગ્ન કેમ ઓછા થાય છે, આંતરજ્ઞાતીય લગ્નમાં કેવી મુશ્કેલીઓ આવે, પરિવારને કેવી રીતે મનાવવો, આંતરજ્ઞાતીય લગ્ન માટે સરકારી સહાય મળે કે સ્કીમ છે, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

  • લેેખક, દીપક મંડલ
  • પદ, બીબીસી સંવાદદાતા
  • 3 એપ્રિલ 2025, 15:28 IST

    અપડેટેડ 7 કલાક પહેલા

વર્ષ 1996નો સમય. બનારસના નિવાસી શ્યામસુંદર દુબેએ દિલ્હી આવીને કેન્દ્ર સરકારના મંત્રાલયમાં પોતાની નવી નોકરી શરૂ કરી હતી.

નવા કર્મચારીઓની એ બૅચમાં ઝારખંડનાં સુનીતા કુશવાહા પણ હતાં.

બંને વચ્ચેનો સંબંધ ગાઢ બન્યો અને એકાદ વર્ષ પછી તેમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

પરંતુ, શ્યામસુંદર અને સુનીતા, બંનેમાંથી કોઈના પરિવારજનો આંતરજાતીય લગ્નને મંજૂરી આપવા માટે તૈયાર નહોતા.

દુબેના પરિવારજનોને એ મંજૂર નહોતું કે, ઓબીસી સમુદાયની કોઈ છોકરી તેમના પરિવારમાં આવે.

સુનીતાનાં માતા-પિતાની નજર પણ કુશવાહા સમુદાયના ‘સારા છોકરા’ પર હતી.

પરિવારજનોની મંજૂરી ન મળવાથી શ્યામસુંદર અને સુનીતાએ દિલ્હીમાં કોર્ટ મૅરેજ કર્યાં.

બંનેના પરિવારોએ વર્ષોના બહિષ્કાર પછી તેમને સ્વીકાર્યાં.

દિલ્હીમાં રહેતાં પત્રકાર પૂજા શ્રીવાસ્તવે પણ જ્યારે 2013માં પોતાના સહકર્મચારી પવિત્ર મિશ્રા સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો, ત્યારે બંનેના પરિવારમાં તેનો વિરોધ થયો.

બંને ભારતીય સમાજમાં ઉચ્ચ ગણાતી જાતિઓ સાથે સંબંધ ધરાવે છે, પરંતુ, તેમના પરિવાર આ આંતરજ્ઞાતીય પ્રેમલગ્નને સંમતિ આપવા માટે તૈયાર નહોતા.

પરિવારની મંજૂરી ન મળવાથી આ પત્રકાર જોડીએ પણ અદાલતમાં લગ્ન કરવા પડ્યાં.

જ્ઞાતિની દીવાલો

ભારતમાં ઇન્ટરકાસ્ટ લગ્ન કેમ ઓછા થાય છે, આંતરજ્ઞાતીય લગ્નમાં કેવી મુશ્કેલીઓ આવે, પરિવારને કેવી રીતે મનાવવો, આંતરજ્ઞાતીય લગ્ન માટે સરકારી સહાય મળે કે સ્કીમ છે, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઉત્તરાખંડના શહેર હલ્દ્વાનીમાં રહેતા સંજય ભટ્ટ અને કીર્તિ આર્યાનાં લગ્નનો તો ભટ્ટ સમાજ દ્વારા ખૂબ વિરોધ થયો. ભટ્ટ બ્રાહ્મણ છે અને કીર્તિ દલિત.

હલ્દ્વાનીમાં તેઓ જે મહોલ્લામાં રહે છે, ત્યાં મોટા ભાગે ભટ્ટ (બ્રાહ્મણ) લોકો જ છે. તેઓ એકબીજાના સંબંધીઓ છે.

એક અનુસૂચિત જાતિની છોકરી સાથે સંજય ભટ્ટનાં લગ્ન એ, આ પરિવારોમાં ચર્ચાનો વિષય બની ગયો. 2016માં જ્યારે સંજયે કીર્તિ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો, ત્યારે તેમના સંબંધીઓએ તેમનાં માતાપિતા પર એ વાતનું દબાણ કરવાનું શરૂ કરી દીધું કે, તેઓ પોતાના પુત્રને સમજાવે.

સંજય પોતાનો નિર્ણય બદલવા તૈયાર નહોતા અને તેમનાં માતાપિતાને આ મંજૂર નહોતું.

સંજયે કીર્તિ સાથે આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યાં. તે સમયે બંનેમાંથી કોઈના સંબંધી ત્યાં હાજર નહોતા.

લગ્ન પછી સંજયે શહેરમાં જ બીજી જગ્યાએ મકાન શોધવું પડ્યું.

સાત વર્ષ પછી જ્યારે સંજય અને કીર્તિ એક બાળકનાં માતાપિતા બન્યાં, એ બાદ સંજયના ઘરના લોકો સાથે તેમનો વાતચીતનો વ્યવહાર શરૂ થયો.

આ ત્રણેય કહાણીઓ એ બતાવે છે કે, ભારતીય સમાજમાં આંતરજ્ઞાતીય લગ્નોને પરિવારની મંજૂરી મળવી હજી પણ કેટલું મુશ્કેલ છે.

આંતરજ્ઞાતીય લગ્નોની કાચબાચાલ

ભારતમાં ઇન્ટરકાસ્ટ લગ્ન કેમ ઓછા થાય છે, આંતરજ્ઞાતીય લગ્નમાં કેવી મુશ્કેલીઓ આવે, પરિવારને કેવી રીતે મનાવવો, આંતરજ્ઞાતીય લગ્ન માટે સરકારી સહાય મળે કે સ્કીમ છે, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

શહેરીકરણ, મહિલાઓમાં શિક્ષણ, કામના સ્થળે તેમની વધતી હાજરીની સાથે મહિલા-પુરુષોના હળવામળવાના અવસર વધ્યા હોવા છતાં ભારતમાં આંતરજ્ઞાતીય લગ્ન હજુ પણ ખૂબ ઓછાં થાય છે.

દેશમાં આંતરજ્ઞાતીય લગ્ન અંગેના કોઈ ચોક્કસ આંકડા પ્રાપ્ત નથી; કેમ કે, કેન્દ્રે સામાજિક-આર્થિક અને જ્ઞાતિ-આધારિત વસ્તીગણતરીના આંકડા જાહેર નથી કર્યા.

પરંતુ, સૅમ્પલ સર્વેના આધારે કરવામાં આવેલા અભ્યાસો પરથી એ સ્પષ્ટ છે કે, ભારતીય પરિવારોમાં આંતરજ્ઞાતીય લગ્નનો વિરોધ ખૂબ વધારે છે.

2018માં આંતરજ્ઞાતીય લગ્ન વિશે માહિતી એકત્ર કરવા માટે 1,60,000 પરિવારનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેનું પરિણામ દર્શાવે છે કે, 93 ટકા લોકોએ પરિવારો તરફથી નક્કી થયા મુજબ લગ્ન કર્યાં હતાં. માત્ર ત્રણ ટકાએ પ્રેમલગ્ન કર્યાં હતાં.

માત્ર બે ટકા પ્રેમલગ્નને પરિવારની મંજૂરી મળી શકી હતી.

ભારતમાં બહુસંખ્યક હિંદુ પરિવારોમાં મોટા ભાગનાં ‘અરૅન્જ્ડ મૅરેજ’ (પરિવાર તરફથી નક્કી કરેલાં) એક જ જ્ઞાતિની અંદર થાય છે.

ભારતમાં ઇન્ટરકાસ્ટ લગ્ન કેમ ઓછા થાય છે, આંતરજ્ઞાતીય લગ્નમાં કેવી મુશ્કેલીઓ આવે, પરિવારને કેવી રીતે મનાવવો, આંતરજ્ઞાતીય લગ્ન માટે સરકારી સહાય મળે કે સ્કીમ છે, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આ સર્વે અનુસાર, અનેક દાયકાઓ પછી પણ આંતરજ્ઞાતીય લગ્નને મંજૂરી મળવાનો દર ખૂબ ઓછો છે.

2018માં થયેલા સર્વેમાં જે વૃદ્ધો (80 વર્ષની ઉંમર ધરાવતા) સાથે વાત કરવામાં આવી, તેમાંથી 94 ટકાએ પોતાની જ જ્ઞાતિમાં લગ્ન કર્યાં હતાં.

આ સર્વે અનુસાર, 21ની ઉંમર અથવા ત્યાર પછી લગ્ન કરનારાઓમાં 90 ટકાએ પોતાની જ જ્ઞાતિનાં યુવક અથવા યુવતી સાથે લગ્ન કર્યાં હતાં.

એટલે કે, આટલા દાયકાઓના અંતરાલ પછી પણ પોતાની જ જ્ઞાતિમાં લગ્ન કરનારનો આંકડો ફક્ત ચાર ટકા ઘટ્યો હતો.

નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વે-3ના 2005-2006ના આંકડાના આધારે કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, ભારતમાં બધાં ધર્મ અને સમુદાયો વચ્ચે આંતરજ્ઞાતીય લગ્નનો આંકડો 11 ટકા હતો.

તેના અંતર્ગત, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મેઘાલય અને તામિલનાડુમાં જે લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો, તેમાં 95 ટકા લોકોએ કહ્યું હતું કે તેમનાં લગ્ન જાતિની અંદર જ થયાં છે.

પંજાબ, ગોવા, કેરળમાં સ્થિતિ થોડી સારી હતી. ત્યાં 80 ટકા લોકોએ કહ્યું હતું કે તેમણે પોતાની જાતિમાં લગ્ન કર્યાં.

ઇન્ડિયન સ્ટેટસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના રિસર્ચરોએ ઇન્ડિયન હ્યૂમન ડેવલપમેન્ટ સર્વે અને નૅશનલ સૅમ્પલ સર્વે 2011-12ના આંકડાનો આધાર ટાંકીને 2017ના એક પેપરમાં દર્શાવ્યું હતું કે, લોકો શિક્ષિત હોવા છતાં ભારતીય સમાજમાં જ્ઞાતિનું બંધન ઘટ્યું નથી.

મોટા ભાગના લોકો પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરવાને પ્રાધાન્ય આપે છે.

આ સર્વેમાં જે લોકોને સવાલ પૂછવામાં આવ્યા હતા, તેમાં દરેક જ્ઞાતિ, સમુદાય અને ધર્મના લોકો સામેલ હતા.

આંતરજ્ઞાતીય લગ્નોમાં કેવી અડચણો આવે છે?

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

આંતરજ્ઞાતીય અને આંતરધર્મીય લગ્ન કરવાથી પરિવારમાં અસુરક્ષા અથવા હિંસાનો સામનો કરનારાં યુગલોને સુરક્ષા આપવાનું અને લૈંગિક સમાનતા માટે કામ કરનાર એનજીઓ ‘ધનક’ના કૉ-ફાઉન્ડર આસિફ ઇકબાલનું કહેવું છે કે, આંતરજ્ઞાતીય પ્રેમલગ્નની બાબતમાં હજુ પણ પરિવારોમાં સ્થિતિ સરળ નથી.

‘ધનક’ની પાસે ઘણી વાર એવાં આંતરજ્ઞાતીય અને આંતરધર્મીય સંબંધ ધરાવનારાં યુગલો આવે છે, જેમનાં લગ્નનો તેમના પરિવાર અથવા સમુદાયમાં વિરોધ થતો હોય.

આસિફ કહે છે, “ભારતીય પરિવારોમાં હજુ પણ આંતરજ્ઞાતીય લગ્નની મંજૂરીનો દર ઝાઝો નથી. તેના બદલે આવાં લગ્ન કરનાર દંપતી માટે પરિવારની બહાર સ્થિતિ વધુ સારી છે. કેમ કે, રાજ્ય તેમને સુરક્ષા આપે છે. લગ્નનું સર્ટિફિકેટ મળતાં જ પોલીસ અને અદાલત તેમની સુરક્ષા કરવા માટે આગળ આવી જાય છે.”

તેમણે કહ્યું, “ગામડાંમાં આંતરજ્ઞાતીય લગ્ન મામલે હિંસા અને વિવાદ વધુ જોવા મળે છે. શહેરોમાં હિંસાની સ્થિતિ નથી દેખાતી. કેમ કે, આંતરજ્ઞાતીય લગ્નોને રાજ્ય અને અદાલતો તરફથી સંરક્ષણ મળ્યું છે. જોકે, શહેરી પરિવારોમાં પણ આંતરજ્ઞાતીય અને આંતરધર્મીય લગ્નોને સ્વીકારવાનું વલણ ખૂબ ઓછું છે.”

વિવેકકુમાર દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ સોશિયલ સિસ્ટમમાં સમાજશાસ્ત્રના પ્રોફેસર છે.

તેઓ આંતરજ્ઞાતીય લગ્નની સંખ્યા ઓછી હોવા બાબતે આશ્ચર્ય પ્રકટ નથી કરતા. તેમનું માનવું છે કે, તેનાં મૂળ ભારતીય સમાજના બંધારણમાં છે.

ભારતમાં ઇન્ટરકાસ્ટ લગ્ન કેમ ઓછા થાય છે, આંતરજ્ઞાતીય લગ્નમાં કેવી મુશ્કેલીઓ આવે, પરિવારને કેવી રીતે મનાવવો, આંતરજ્ઞાતીય લગ્ન માટે સરકારી સહાય મળે કે સ્કીમ છે, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

વિવેકકુમાર કહે છે કે, ભારતમાં પાંચ-સાત ટકા આંતરજ્ઞાતીય લગ્ન પણ થાય છે તો તે અહીંની વસ્તીના ધોરણે ખૂબ મોટી સંખ્યા છે. જોકે, આવાં લગ્ન વધવાની ગતિ ધીમી છે.

તેઓ કહે છે, “ભારતમાં હજુ પણ 68 ટકા વસ્તી ગામડાંમાં રહે છે. હજુ સુધી એક જ ગામમાં રહેનાર યુવક-યુવતીઓ વચ્ચે ભાઈબહેનનો સંબંધ માનવાની પરંપરા ચાલે છે, પછી તે કોઈ પણ જાતિનાં કેમ ન હોય. ભારતમાં બહુસંખ્યક હિંદુઓમાં ભાઈબહેન વચ્ચે લગ્ન નથી થતાં. તેથી આંતરજ્ઞાતીય લગ્ન ઓછાં છે.”

વિવેકકુમારનું માનવું છે કે યુનિવર્સિટીમાં છોકરીઓની સંખ્યા ઓછી હોવાના કારણે પણ આંતરજ્ઞાતીય લગ્ન ઓછાં જોવા મળે છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં છોકરા-છોકરીઓ એક સાથે ભણે છે. જેમ જેમ અહીં છોકરીઓની સંખ્યા વધશે, આંતરજ્ઞાતીય લગ્ન વધુ થશે.

તેઓ એવું પણ કહે છે કે, ભારતમાં છોકરીઓની સરખામણીએ છોકરાના વિચારો વધુ પરંપરાવાદી છે અને હજુ પણ તેઓ પુરુષપ્રધાનતાના બંધનમાં બંધાયેલા છે અને દહેજ લઈને લગ્ન કરવાનું પસંદ કરે છે.

વિવેકકુમારનું કહેવું છે કે, પરિવાર તરફથી નક્કી કરાયેલાં આંતરજ્ઞાતીય લગ્નમાં વરપક્ષને દહેજ મળે છે, તેથી માતાપિતા પુત્રની ઇચ્છાથી થતાં આંતરજ્ઞાતીય લગ્નનો વિરોધ કરે છે. કેમ કે, એવાં લગ્નમાં દહેજ મળવાની સંભાવના ઓછી હોય છે.

અન્ય સમાજોમાં પણ આંતરજ્ઞાતીય લગ્નમાં મુશ્કેલી

ભારતમાં ઇન્ટરકાસ્ટ લગ્ન કેમ ઓછા થાય છે, આંતરજ્ઞાતીય લગ્નમાં કેવી મુશ્કેલીઓ આવે, પરિવારને કેવી રીતે મનાવવો, આંતરજ્ઞાતીય લગ્ન માટે સરકારી સહાય મળે કે સ્કીમ છે, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ભારતમાં બહુસંખ્યક હિંદુઓની સાથે મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી જેવા અલ્પસંખ્યક સમુદાયમાં પણ જ્ઞાતિવિભાજન છે.

ઇસ્લામ સૈદ્ધાંતિક રીતે દરેક મુસલમાનને સમાન માને છે, પરંતુ ભારતીય મુસ્લિમોમાં પણ આંતરજ્ઞાતીય શાદીમાં પરિવારની મંજૂરીનો દર ખૂબ ઓછો છે.

દેશમાં પછાત અને દલિત મુસલમાનોના હકો માટે લાંબું આંદોલન કરનાર રાજકીય નેતા અને સામાજિક કાર્યકર્તા અલી અનવર કહે છે કે, ઇસ્લામ અનુસાર બધા મુસલમાન સમાન છે. પરંતુ, ભારતમાં મુસલમાનોમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ રહેલો છે.

અનવર કહે છે કે, મુસલમાનોમાં ઊંચી જાતિઓ એટલે કે અશરાફ અને અજલાફ (પછાત) અરજાલ જાતિઓ (દલિત મુસલમાન)નાં યુવક-યુવતીઓમાં આંતરજ્ઞાતીય લગ્નોનું પ્રમાણ ખૂબ ઓછું છે.

તેઓ કહે છે કે, મુસ્લિમોની 20થી 25 કરોડ (અંદાજિત) વસ્તીમાં આવાં લગ્નોનું પ્રમાણ એટલું ઓછું છે કે તેને નગણ્ય માનવી જોઈએ.

અલી અનવરે બીબીસીને કહ્યું, “પાંચ-છ દાયકા પહેલાં તો ભારતીય મુસલમાનોમાં આ પ્રકારની શાદી ખૂબ ઓછી જોવા મળતી હતી. પરંતુ, છેલ્લાં 20-30 વર્ષમાં મુસલમાનોમાં આવી આંતરજ્ઞાતીય શાદીઓ જોવા મળી રહી છે, જેને પરિવારોની મંજૂરી મળી રહી છે.”

જોકે, તેમાં એક ધ્યાનાકર્ષક બાબત છે. અનવર કહે છે કે, “મુસલમાનોમાં ઊંચી જાતિના ગણાતા લોકો પોતાની પુત્રીઓની શાદી પછાત જાતિઓના એવા મુસલમાન યુવકો સાથે કરાવવા તૈયાર હોય છે, જેઓ ઊંચા સરકારી હોદ્દા પર હોય અથવા સારો બિઝનેસ ધરાવતા હોય.”

“પરંતુ પુત્રવધૂ લાવવાના સમયે તેઓ ઊંચી જાતિઓના મુસલમાન પરિવારોને જ પ્રાથમિકતા આપે છે. આવા લોકો પુત્રવધૂ લાવતા સમયે વંશાવળી શોધવા લાગે છે. કહે છે કે પછાત જ્ઞાતિમાંથી પુત્રવધૂ લાવીને શું ખાનદાનની ‘હડ્ડી’ ખરાબ કરશો.”

અલી અનવર કહે છે. “મુસલમાનોમાં અશરાફ અને અજલાફની વચ્ચે તો છોડો, અજલાફ અને અરજાલ એટલે કે દલિત મુસલમાનોની વચ્ચે પણ લગ્નસંબંધો ખૂબ ઓછા છે. આવી શાદીઓને પ્રોત્સાહિત કરવા માટે અમે પછાત આંદોલન દ્વારા પહેલ કરી હતી, પરંતુ પરિસ્થિતિમાં ઝાઝો ફરક નથી પડ્યો.”

ગાંધી, આંબેડકર અને લોહિયા દ્વારા પ્રોત્સાહન મળ્યું

ભારતમાં ઇન્ટરકાસ્ટ લગ્ન કેમ ઓછા થાય છે, આંતરજ્ઞાતીય લગ્નમાં કેવી મુશ્કેલીઓ આવે, પરિવારને કેવી રીતે મનાવવો, આંતરજ્ઞાતીય લગ્ન માટે સરકારી સહાય મળે કે સ્કીમ છે, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં લાંબા સમયથી આંતરજાતીય લગ્નોની તરફેણ કરવામાં આવે છે.

આવાં લગ્નોને જ્ઞાતિઓમાં વહેંચાયેલા ભારતીય સમાજમાં સમરસતા લાવનારું મહત્ત્વનું સાધન માનવામાં આવ્યું.

પછીથી તેમણે એમ કહેવાનું શરૂ કર્યું હતું કે, તેઓ એવાં જ લગ્ન સમારંભમાં ભાગ લેશે, જેમાં વર અને વધૂમાંથી એક હરિજન હોય.

ભારતમાં દલિતોના મોટા નેતા બીઆર આંબેડકરે આંતરજ્ઞાતીય લગ્નની ખૂબ જ તરફેણ કરી. તેમણે પોતાના પ્રસિદ્ધ ભાષણ (જે તેમને કરવા નહોતું દેવાયું અને પછી પુસ્તિકારૂપે છપાયું) ‘એનિહિલેશન ઑફ કાસ્ટ’માં કહ્યું હતું કે, જ્ઞાતિ તોડવાની સાચી દવા આંતરજ્ઞાતીય લગ્નો છે.

આંબેડકર માનતા હતા કે ભારતીય સમાજમાં જ્ઞાતિઓની વચ્ચે ‘રોટી-બેટીનો સંબંધ’ સ્થપાવાથી એકતા વધશે.

તેમણે સૂચન કર્યું હતું કે, સરકારી કર્મચારીઓ માટે આંતરજ્ઞાતીય લગ્ન ફરજિયાત કરી દેવાં જોઈએ.

1970ના દાયકામાં સર્વોદયી નેતા જયપ્રકાશ નારાયણના ‘સંપૂર્ણ ક્રાંતિ’ આંદોલન દરમિયાન આંતરજ્ઞાતીય લગ્નો અને અટક (જાતિસૂચક) ન લગાડવાનું ચલણ ખૂબ વધ્યું.

આ આંદોલનમાં સામેલ મોટી સંખ્યાનાં યુવક-યુવતીઓએ જ્ઞાતિની બહાર લગ્ન કર્યાં અને અટક લગાડવાનું છોડી દીધું.

પરંતુ, ત્યાર પછી દેશનાં રાજકીય આંદોલનોમાં આ પ્રકારના સામાજિક સુધારાની તરફેણ ઓછી જોવા મળી.

માનવામાં આવ્યું કે, વધતા જતા શહેરીકરણ, ઔદ્યોગિકીકરણ અને શિક્ષણનો પ્રસાર આપમેળે જ જ્ઞાતિનાં બંધોનો તોડી નાખશે. પરંતુ, એવું થતું હોય તેવું દેખાતું નથી.

ભારતીય અખબારોમાં છપાતી મેટ્રોમોનિયલ્સ એટલે કે લગ્ન માટે અપાતી જાહેર ખબરોમાં જ્ઞાતિઓની કૉલમ અચૂક હોય છે, જે ‘જ્ઞાતિબાધ નથી’વાળી કૉલમ કરતાં ખૂબ મોટી હોય છે.

ભારતમાં ઇન્ટરકાસ્ટ લગ્ન કેમ ઓછા થાય છે, આંતરજ્ઞાતીય લગ્નમાં કેવી મુશ્કેલીઓ આવે, પરિવારને કેવી રીતે મનાવવો, આંતરજ્ઞાતીય લગ્ન માટે સરકારી સહાય મળે કે સ્કીમ છે, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સામાજિક કાર્યકર અને દલિત મહિલાઓના સંઘર્ષને પોતાની કવિતાઓના વિષય બનાવનાર કવયિત્રી અનીતા ભારતીએ આંતરજ્ઞાતીય લગ્નો ઓછાં હોવાનાં કારણો અંગે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, “ભારતમાં જ્ઞાતિવ્યવસ્થા થોડી ઢીલી પડી છે, પરંતુ, હજુ પણ આંતરજ્ઞાતીય લગ્નોને વધુ પ્રોત્સાહન મળતું નથી. સમાજમાં તેની સપૉર્ટ સિસ્ટમ નથી.”

અનીતા ભારતી કહે છે, “આપણે પોતાની આસપાસ જોઈએ છીએ કે આંતરજ્ઞાતીય લગ્ન કરનારા લોકોએ સંઘર્ષ કરવો પડે છે. ઘણાં દંપતીઓને પોતાનાં માતાપિતાને મનાવવામાં વરસો લાગી જાય છે અને ઘણાંને તો તેમની મરજી વિરુદ્ધ લગ્ન કરવાં પડે છે.”

“હકીકતમાં, જ્યાં સુધી આપણે જ્ઞાતિવ્યવસ્થાના બંધનને નહીં તોડીએ, આવી મુશ્કેલીઓ રહેવાની. હું તો એમ કહીશ કે, આંતરજ્ઞાતીય જ નહીં, આંતરધર્મીય લગ્નોને પણ પ્રોત્સાહન મળે તો જ ભારત સુંદર સમાજવાળો દેશ બનશે.”

2014માં નરેન્દ્ર મોદી સરકાર આવ્યા પછી કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે ડૉક્ટર આંબેડકર ફાઉન્ડેશન દ્વારા આવાં યુગલો માટેની રકમ વધારીને અઢી લાખ રૂપિયા કરી દીધી હતી.

આ સ્કીમની શરત એ હતી કે લગ્ન કરનાર યુગલમાંથી કોઈ એક (વર કે વધૂ) દલિત હોય.

શરૂઆતમાં આ સ્કીમ હેઠળ દર વર્ષે 500 દંપતીને આ રકમ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું.

પરંતુ 2014-15માં માત્ર પાંચ દંપતીને આ રકમ મળી. 2015-16માં ફક્ત 72 દંપતીને આ રકમ મળી; જોકે, 552 લોકોએ અરજી કરી હતી.

2016-17માં 736 અરજીમાંથી ફક્ત 45 મંજૂર થઈ. જ્યારે 2017-18માં 409 અરજીમાંથી માત્ર 74 મંજૂર થઈ.

અનીતા ભારતી અનુસાર, આ નિયમ મુજબ ફક્ત એવાં આંતરજ્ઞાતીય દંપતીની અરજી મંજૂર કરવામાં આવે છે, જેમનાં લગ્ન હિંદુ મૅરેજ ઍક્ટ અનુસાર થયાં હોય.

જ્યારે ઘણાં આંતરજ્ઞાતીય લગ્ન સ્પેશિયલ મૅરેજ ઍક્ટ હેઠળ રજિસ્ટર્ડ થાય છે. આ અરજી માટે સાંસદ, ધારાસભ્ય અથવા કલેક્ટરની મંજૂરી જરૂરી હોય છે. સાથે જ, આ યોજના અંગે લોકોમાં વધુ જાગૃતિ પણ નથી.

ઘણાં રાજ્યોએ પણ આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપવા માટે યોજનાઓની જાહેરાત કરી છે.

તેના અંતર્ગત જુદાં જુદાં રાજ્યમાં દસ હજાર રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધી આપવામાં આવે છે. રાજસ્થાન સરકાર સૌથી વધુ પાંચ લાખ રૂપિયા આપે છે.

અપેક્ષા હતી કે આ પ્રકારની યોજનાઓથી આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન મળશે, પરંતુ, નિયમ-કાયદાની આંટીઘૂંટીના લીધે તેનો લાભ વધુ લોકો સુધી નથી પહોંચી શકતો.

આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપવા માટે માતાનું શિક્ષિત હોવું ઘણી વાર નિર્ણાયક સાબિત થાય છે.

આ અભ્યાસમાં કહેવાયું છે કે, વરની માતા જેટલી વધુ શિક્ષિત હશે, આંતરજ્ઞાતીય વહુનો સ્વીકાર કરવાની તેમની સંમતિ એટલી જ વધી જશે.

(આ સ્ટોરીમાં જે આંતરજ્ઞાતીય જોડીઓની વાત કરવામાં આવી છે, તેમના આગ્રહથી તેમનાં નામ બદલવામાં આવ્યાં છે.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS