Source : BBC NEWS
ભારતનો પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર પર હુમલો, પાકિસ્તાને શું કહ્યું?
55 મિનિટ પહેલા
ભારત સરકારે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, ભારતીય સેનાએ ‘ઑપરેશન સિંદૂર’ શરૂ કર્યું છે.
ભારત સરકારે પોતાના નિવેદનમાં કહ્યું છે, “આ ઑપરેશનમાં પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકી માળખાંને નિશાન બનાવાયાં છે, જ્યાંથી ભારત પર આતંકી હુમલાની યોજના બનાવાઈ હતી અને તેને પાર પડાઈ હતી.”
નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે “કુલ નવ સ્થળોને નિશાન બનાવાયાં છે.”
બીજી તરફ પાકિસ્તાનની સરકારી ટીવીએ પાકિસ્તાનની સેનાના પ્રવક્તાને ટાંકીને જણાવ્યું છે કે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ત્રણ સ્થળો પર મિસાઇલોથી હુમલો કર્યો છે.
સમાચાર એજન્સી રૉઇટર્સ અનુસાર, પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં ભીષણ ગોળીબાર અને મોટા ધડાકાના અહેવાલો પણ મળી રહ્યા છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર થયેલા હુમલા બાદ ખૂબ જ તણાવપૂર્ણ થઈ ગયા છે. એ હુમલામાં 26 લોકોનાં મોત થયાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS