Source : BBC NEWS
ઇમેજ સ્રોત, @IPRTelangana
રામનવમીના પ્રસંગે ભદ્રાચલ મંદિરની બાબતમાં ચાલી રહેલો વિવાદ ફરી એક વાર સમાચારોમાં ચમક્યો છે.
થોડાં વરસો પહેલાં મંદિરના પૂજારી પર ભગવાન રામનું નામ અને ગોત્ર બદલવાનો આરોપ થયો હતો.
ભદ્રાચલમ્ દેવસ્થાનમ્નું સત્તાવાર નામ શ્રી સીતા રામચંદ્ર સ્વામી દેવસ્થાનમ્ છે. જોકે, મુખ્ય આરોપ છે કે ભગવાન રામનું નામ બદલીને રામચંદ્ર સ્વામીની જગ્યાએ રામનારાયણ સ્વામી કરી દેવાયું છે.
વરિષ્ઠ પત્રકાર વનમ્ જ્વાલા નરસિમ્હા રાવે આરોપ કર્યો છે કે આ ફેરફાર સરકારી રેકૉર્ડમાં કે બોર્ડ પર નહીં, પરંતુ પ્રતિષ્ઠિત શ્રી રામનવમી કલ્યાણમ્ સમારોહ દરમિયાન કરવામાં આવ્યો હતો. આ બાબતમાં અન્ય ત્રણ વ્યક્તિઓએ તેલંગાણા હાઈ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.
ભદ્રાચલમ્ના સ્થાનિક લોકો અને કેટલાક વિદ્વાનો દ્વારા કયો આરોપ કરાયો છે? શું ખરેખર રામનું નામ અને ગોત્ર બદલી નંખાયાં છે? વિવાદ શો છે?
આરોપ એવો છે કે, ભગવાન રામનાં લગ્ન સમારંભ દરમિયાન, વશિષ્ઠ ગોત્રનો ઉલ્લેખ કરવાને બદલે અચ્યુત ગોત્રનો પાઠ કરવામાં આવી રહ્યો છે; એ જ રીતે, એવો પણ આરોપ છે કે સીતા દેવીનું નામ અને ગૌતમ ગોત્રનો ઉલ્લેખ સીતા મહાલક્ષ્મી અને સૌભાગ્ય ગોત્ર તરીકે કરવામાં આવી રહ્યો છે.
જોકે, મંદિરના પૂજારીઓ આ આરોપોને નકારી રહ્યા છે. અને હવે આ વિવાદ કોર્ટમાં પહોંચી ગયો છે.
બીબીસીએ આ સંબંધમાં ટિપ્પણી માટે તેલંગાણા દાન મંત્રીના કાર્યાલયનો સંપર્ક કર્યો છે.
ગોત્ર અને પ્રવર શું છે?
ઇમેજ સ્રોત, Getty Images
હિન્દુ ધર્મમાં ધાર્મિક વિધિ-વિધાનો દરમિયાન ગોત્ર અને પ્રવરનો ઉલ્લેખ કરવામાં આવે છે.
સામાન્ય રીતે, ગોત્ર એ વંશના સ્થાપક પૂર્વજનું નામ હોય છે. કેટલાક કિસ્સામાં, તે વંશના સ્થાપક આધ્યાત્મિક ગુરુનું નામ પણ હોઈ શકે છે. લોકો પોતાને એક ચોક્કસ ગોત્ર સાથે જોડીને ઓળખાવે છે, જેથી એવું દર્શાવી શકાય કે તેમનો વંશ તે ચોક્કસ વ્યક્તિથી શરૂ થયો છે.
પ્રવર એ વંશના પૂર્વજથી શરૂ કરીને દાદા અને પિતા સુધીના પરિવારના મહત્ત્વની વ્યક્તિઓનો ઉલ્લેખ કરે છે. ખાસ કરીને વ્યક્તિ પોતાના વંશની મુખ્ય વ્યક્તિઓનો ઉલ્લેખ કરીને પોતાનું નામ જણાવીને કહે છે કે, હું અમુક વંશની અમુક વ્યક્તિનો પ્રપૌત્ર, પૌત્ર, પુત્ર કે પુત્રી છું. આમ, વ્યક્તિ પોતાને ચોક્કસ કુળમાં જન્મેલા કે ચોક્કસ ગુરુના શિષ્ય તરીકે ઓળખાવે છે.
આ પરંપરા બ્રાહ્મણોમાં વધુ પ્રચલિત છે. તેઓ અન્ય લોકોને પોતાનો પરિચય આપવા માટે પોતાનાં દાદા-દાદીનાં નામ કહે છે. ક્ષત્રિય જેવી વૈદિક પરંપરાઓનું પાલન કરતી જાતિઓમાં પણ પ્રવર જોવા મળે છે, પરંતુ તેનું વધારે મહત્ત્વ નથી.
હિન્દુઓની માન્યતા છે કે રામ ક્ષત્રિય છે. જોકે, રામ એક ભગવાન હોવાથી, અને લગ્ન દરમિયાન દેવો માટે પણ પ્રવરના ઉલ્લેખની પરંપરાને કારણે, રામના પ્રવરની ચર્ચા થઈ રહી છે.
પરંતુ બ્રાહ્મણોને બાદ કરતાં બાકીની જાતિઓનાં ગોત્ર અલગ હતાં. બ્રાહ્મણ પરિવારોના પૂર્વજો તરીકે ઋષિઓનાં નામ છે.
જેવાં કે, વશિષ્ઠ, ગૌતમ, અત્રિ. આમ, આ ઋષિઓનાં નામ ગોત્ર બને છે. એકંદરે, હવે બ્રાહ્મણોમાં અને કેટલાક કિસ્સામાં ક્ષત્રિયો માટે આ ગોત્રો સ્પષ્ટ છે, જ્યારે બીજી જ્ઞાતિઓની બાબતમાં અસ્પષ્ટતા અને વિવિધ દલીલો અને સિદ્ધાંતો છે.
સામાન્ય રીતે જ્યારે વૈદિક પરંપરામાં હિંદુ લગ્ન થાય, ત્યારે ગોત્રનો ઉલ્લેખ કરવામાં આવે છે.
જો કોઈ પોતાનું ગોત્ર કે પ્રવર ન જાણતા હોય, તો પૂજારી સામાન્ય રીતે વર કે કન્યા બંને પક્ષની ત્રણ પેઢીઓનો એટલે કે પિતા, દાદા અને ક્યારેક પરદાદાના નામનો ઉલ્લેખ કરાવે છે.
ખાસ કરીને હિંદુઓ દ્વારા આ ગોત્રનો ઉલ્લેખ ત્યારે કરવામાં આવે છે, જ્યારે તેઓ મંદિરમાં પૂજા કરે છે. કેટલાંક પ્રદેશોમાં ગોત્રની જગ્યાએ નક્ષત્રોનો ઉલ્લેખ કરવાની પણ પ્રથા છે.
શું મનુષ્યની જેમ ઈશ્વરનાં પણ ગોત્ર અને પ્રવર હોય છે?

હિન્દુઓની માન્યતા છે કે દેવનો લગ્ન સમારંભ કરવાથી વિશ્વમાં સુખાકારી આવે છે.
તેથી, મૂર્તિઓની લગ્નવિધિ કરવામાં આવે છે. આ પ્રસંગે ભગવાનનાં ગોત્ર અને પ્રવરનો ઉલ્લેખ કરવાની પરંપરા છે.
જોકે, બધા દેવો માટે ગોત્ર એકસમાન નથી.
હિંદુ માન્યતા પ્રમાણે, વિષ્ણુ, શિવ અને લલિતા પરભટ્ટારિકા જેવા મુખ્ય દેવતાઓનાં માતાપિતા નથી.
કેમ કે તેઓ સર્જનહાર છે. જ્યારે તેમના નામે ગોત્ર કે પ્રવરનો નામોલ્લેખ કરવાનો આવે, ત્યારે તે જ દેવતા કે દેવીનું નામ બોલવામાં આવે છે.
કહેવાય છે કે વિષ્ણુનું પ્રવર અચ્યુત ગોત્ર છે અને આદિનારાયણ અને વાસુદેવના વંશજ છે.
હકીકતમાં, આદિનારાયણ અને વાસુદેવ પણ સ્વયં વિષ્ણુનાં જ સ્વરૂપ છે, અને જ્યારે ભગવાન અથવા દેવીનું સ્વરૂપ બદલાય છે, ત્યારે તેમનાં ગોત્ર અને પ્રવર પણ બદલાય છે.
ઉદાહરણ તરીકે, હિન્દુઓ માને છે કે ભગવાન વિષ્ણુએ પોતે માનવરૂપે રામ તરીકે પૃથ્વી પર અવતાર ધારણ કર્યો હતો.
તેથી, રામનાં લગ્ન સમયે, વિષ્ણુના ગોત્રના બદલે રામના ગોત્રનો અને પ્રવરનો ઉલ્લેખ કરવામાં આવે છે.
ખાસ કરીને, વશિષ્ઠ ગોત્રનો; જેઓ રામના વંશના ગુરુ છે. ત્યાર પછી રામના દાદા રાજા અજ અને તેમના પિતા દશરથ સુધીના પ્રવરનાં નામ દર્શાવાય છે.
એવી જ રીતે, એવું કહેવાય છે કે દેવી સીતા રાજા હ્રસ્વરોમાનાં પૌત્રી અને રાજા જનકનાં પુત્રી છે.
હિન્દુઓમાં વિવિધ મંદિરોમાં દેવી-દેવતાઓનાં સ્વરૂપ અને અવતારોના આધારે ચોક્કસ ગોત્ર અને પ્રવરને મહત્ત્વ આપવાની પરંપરા છે.
ભદ્રાચલમ્માં કયો વિવાદ છે?

વનમ્ જ્વાલા નરસિમ્હા રાવ ભારપૂર્વક જણાવે છે કે ભદ્રાચલમ્માં ભગવાન રામનું નામ રામચંદ્ર, ગોત્ર વશિષ્ઠ અને પ્રવર અજ–દશરથ જ હોવું જોઈએ.
પરંતુ તેમણે આરોપ કર્યો છે કે આમાં નામ બદલીને રામનારાયણ કરવામાં આવ્યું, ગોત્ર બદલીને અચ્યુત કરવામાં આવ્યું અને પ્રવર બદલીને આદિનારાયણ–વાસુદેવ કરવામાં આવ્યું.
ખમ્મમ જિલ્લાના નિવૃત્ત પત્રકાર જ્વાલા નરસિમ્હા રાવ અને અન્ય લોકો છેલ્લા કેટલાક સમયથી આંદોલન કરી રહ્યા છે. હવે આ મામલો કોર્ટમાં ગયો છે.
જ્યારે બીબીસીએ આ મુદ્દાની સ્વતંત્ર રીતે તપાસ કરી, ત્યારે જોવા મળ્યું કે 2012 પછીના વીડિયોમાં ગોત્ર તરીકે અચ્યુત નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
જોકે, બીબીસીએ સ્વતંત્ર રીતે તપાસ નથી કરી કે 2012 પહેલાંના સમારંભોમાં કોઈ અલગ ગોત્રનો ઉલ્લેખ કરાયો છે કે નહીં.
2020માં તેમના રામનારાયણ નામનો ઉલ્લેખ છે, ઘણા સમારંભોમાં રામચંદ્ર નામનો ઉલ્લેખ પણ છે.
5 એપ્રિલ 2017એ યોજાયેલા કલ્યાણમ્ દરમિયાન અચ્યુત ગોત્રથી આવાહન કરાયું હતું અને વરરાજાને શ્રી નારાયણ સ્વામી નામથી સંબોધવામાં આવ્યા હતા. એટલે કે રામના નામને અવગણીને તેમને સીધા નારાયણ તરીકે ઓળખાવાયા હતા. જ્યારે દેવી સીતાને સીતા મહાલક્ષ્મી તરીકે સંબોધવામાં આવ્યાં હતાં.
26 માર્ચ 2018એ યોજાયેલા સમારંભમાં વરરાજા માટે અચ્યુત ગોત્ર, ભદ્રાચલ શ્રી રામનારાયણ સ્વામી તરીકે આવાહન કરાયું હતું, જ્યારે કન્યા માટે સૌભાગ્ય ગોત્ર અને સીતા મહાલક્ષ્મી નામનું સંબોધન કરાયું હતું.
જોકે, 2 એપ્રિલ 2020એ યોજાયેલા કલ્યાણમ્માં એક અલગ પ્રયોગ કરાયો હતો, જેમાં વરરાજા માટે અચ્યુત ગોત્રનો ઉલ્લેખ કરાયો અને શ્રીમન્નારાયણ સ્વરૂપમ્, શ્રી રામચંદ્ર સ્વામી તરીકે સંબોધન કરાયું હતું. કન્યા સીતા દેવી માટે સૌભાગ્ય ગોત્રનો ઉલ્લેખ કરાયો, જેમને લક્ષ્મી સ્વરૂપમ્ તરીકે વર્ણવવામાં આવ્યાં.
30 માર્ચ, 2023ના રોજ યોજાયેલા કલ્યાણમ્માં, વરરાજા માટે અચ્યુત ગોત્ર, ભદ્રાચલ શ્રી રામનારાયણ સ્વામીનો ઉલ્લેખ કરાયો અને કન્યા માટે સૌભાગ્ય ગોત્ર સીતા મહાલક્ષ્મી સંબોધન કરાયું હતું.
‘ક્ષત્રિય રામને બ્રાહ્મણ બનાવ્યા’, આ વિવાદ શું છે?
ઇમેજ સ્રોત, @IPRTelangana
“હું હવે 78 વર્ષનો છું. હું અવિભક્ત ખમ્મમ જિલ્લાનો છું. રામદાસનું મૂળ વતન નેલાકોંડપલ્લી છે, જે મારા મામાનું ગામ છે. આપણે પેઢીઓથી જે પરંપરાઓ જોઈ છે તેનાથી વિપરીત, હવે મહાવિદ્વાન પૂજારીઓએ વિચારવું પડશે કે રામચંદ્ર સ્વામીનું નામ રામનારાયણ અને સીતાને માત્ર દેવીને બદલે સીતા મહાલક્ષ્મી કહીને તેમનાં સ્વર્ગીય લગ્ન તેમનાં પ્રવરો અને ગોત્ર વાંચીને કરવાની પ્રથા બની ગઈ છે, આ પ્રથા ખરેખર યોગ્ય છે કે કેમ?”
જ્વાલા નરસિમ્હા રાવે બીબીસીને જણાવ્યું કે, “કોઈ જાણતું નથી કે રામનારાયણ નામના કોઈ ભગવાનનું અસ્તિત્વ છે. ‘અચ્યુત ગોત્રોદ્ભવાય’ (અચ્યુત ગોત્રમાં જન્મેલા) વાક્યનો પ્રયોગ કરીને તેઓએ ભગવાન રામનારાયણને શ્રી રામચંદ્રના સ્થાને સ્થાપી દીધા છે.”
“તેમણે ક્ષત્રિય શ્રી રામને ‘અચ્યુત ગોત્ર’ આપીને એક જ ક્ષણમાં બ્રાહ્મણ બનાવી દીધા. તેમણે સીતાદેવીના બદલે સીતા મહાલક્ષ્મી અને તેમના પ્રવરમાં ફેરફાર કર્યો.”
“તેમણે તેમને સૌભાગ્ય ગોત્ર આપ્યું. શ્રી રામનું વશિષ્ઠ ગોત્ર અને સીતાદેવીનું ગૌતમ ગોત્ર કેવી રીતે, શા માટે અને ક્યાં અદૃશ્ય થઈ ગયાં કે હજુ અજ્ઞાત છે.”
તેમણે કહ્યું, “કદાચ 2012માં આ પરિવર્તન થયું, જ્યારે અલગ તેલંગાણા આંદોલન થયું ત્યારે કોઈ ધ્યાન આપતું નહોતું. અમારા જેવા લોકોના ધ્યાન પર આવતાં ત્રણ-ચાર વર્ષ લાગ્યાં.”
“હું 2016થી આ વિષય પર લેખો લખી રહ્યો છું. હું જાણકાર વડીલોના ધ્યાન પર લાવી રહ્યો છું.”
નરસિમ્હા રાવે સ્પષ્ટ કહ્યું કે, “પૂજારીઓએ, કમ સે કમ, આ શુક્રવાર, 29 માર્ચે યોજાનારા કલ્યાણમ્માં રામ અને સીતાનાં સાચાં ગોત્રોનો ઉપયોગ કરવો જોઈએ.”
“જો તેઓ રામનારાયણ અને મહાલક્ષ્મી નામનાં દેવતાઓનાં લગ્ન કરાવવા માગતા હોય તો તેઓ અલગ અલગ મૂર્તિઓ સાથે અલગ પ્રસંગ તરીકે એવું કરી શકે છે.”
“તેની સામે કશો વાંધો નથી. રામનારાયણ ભગવાન હોઈ શકે છે. અમે તેનો ઇનકાર નથી કરતા. તેમના માટે બીજું મંદિર બાંધો.”
“તેમને ખૂબ ધામધૂમ અને ભવ્યતાથી ઊજવવા દો; ભલે આનાથી વધુ મોટા પાયે હોય. જોકે, આ સમારંભ સીતા અને રામનાં લગ્નનો છે.”
“સીતા રામચંદ્ર સ્વામી દેવસ્થાનમ્ તરીકે ઓળખાતા મંદિરમાંનાં દેવતાઓ સીતા અને રામ સિવાય બીજું કોઈ નહીં.”
મંદિરના પૂજારીએ શું કહ્યું?
ઇમેજ સ્રોત, Youtube/Bhaktione screengrab
જ્વાલા નરસિમ્હા રાવ કહે છે કે પૂજારીઓ જાણે છે કે તેઓ કંઈક ખોટું કરી રહ્યા છે, તેમ છતાં તેઓ પાછા હટવામાં અચકાય છે.
નરસિમ્હા રાવે કહ્યું કે, “ઘણી વાર જાણ્યે-અજાણ્યે આપણે નિર્ણય કરી લઈએ છીએ. પણ પછી આપણને ખબર પડે છે કે નિર્ણય ખોટો છે, છતાં આપણે આગળ વધીએ છીએ.”
“તેમાં પીછેહઠ કરવાની હિંમતનો અભાવ હોઈ શકે, કદાચ તીવ્ર હઠીલાપણું હોઈ શકે છે. જો હવે આપણે પાછા હટીએ તો તેમાં ચિંતા અને ડર હોઈ શકે છે કે આટલાં વર્ષો સુધી આપણે જે કર્યું છે તેના માટે આપણી ટીકા કરવામાં આવશે.”
જોકે, ભદ્રાચલમ્ દેવસ્થાનમ્ના નાયબ મુખ્ય પૂજારી મુરલી કૃષ્ણમાચાર્યલુ આ દલીલને નકારે છે.
તેમણે કહ્યું, “જ્યારથી ભદ્રાચલમ્ દેવસ્થાનમ્માં નિત્ય કલ્યાણમ્ પ્રથાની સ્થાપના કરવામાં આવી છે, ત્યારથી જો કોઈ એવું સાબિત કરી શકે કે અચ્યુત અને સૌભાગ્ય ગોત્ર સિવાય ક્યારેય વશિષ્ઠ ગોત્રનો ઉલ્લેખ થયો છે, તો હું મારા પદ પરથી રાજીનામું આપી દઈશ.”
“આનાથી વધારે કશું કહી શકું તેમ નથી. સૈદ્ધાંતિક રીતે અહીં વશિષ્ઠ ગોત્રનો ઉલ્લેખ ન કરવો જોઈએ. કારણ કે અહીં ભગવાન શ્રીમન્નારાયણ સિવાય બીજું કોઈ નથી.”
મુરલી કૃષ્ણમાચાર્યલુએ સમજાવતાં કહ્યું, “ત્રેતાયુગમાં રામનો અવતાર લેનાર શ્રીમન્નારાયણ એક વાર ભદ્રાચલમ્ આવ્યા હતા.”
“અવતાર પૂરો થયા પછી તેઓ વૈકુંઠ પાછા ગયા. ત્યાર પછી ભદ્રને તેમની દિવ્ય દૃષ્ટિ આપવા માટે ફરી એક વાર વૈકુંઠથી ઊતર્યા.”
” સમયે તેઓ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ્યા હતા. સામાન્ય રીતે બધે જ ભગવાન રામને બે હાથ છે, જ્યારે ભદ્રાચલમ્માં ચાર હાથ સાથે પ્રગટ થાય છે.”
“આ અનોખું સ્વરૂપ ભગવાન વિષ્ણુના શંખ અને ચક્રને ભગવાન રામના ધનુષ્ય અને તીર સાથે જોડે છે.”
શ્રી વૈષ્ણવ મંદિરને સ્માર્ત મંદિરમાં રૂપાંતરિત કરવા મામલે વિવાદ શું છે?
ઇમેજ સ્રોત, Getty Images
તેમણે કહ્યું કે અહીં ભગવાન રામનાં ચાર અલગ અલગ નામ છે.
“અહીં ભગવાન રામનાં ચાર નામ છે. તેમને ભદ્રાદ્રિ રામ કહેવામાં આવે છે, કેમ કે, તેઓ ભદ્રાના કહેવાથી અહીં આવ્યા હતા.”
“વૈકુંઠ રામ કહેવાય છે. કેમ કે, વૈકુંઠમાંથી આવ્યા હતા. ઓમકાર રામ કહેવામાં આવે છે. કારણ કે અહીં વિરાજમાન દેવતાઓની મૂર્તિઓના ક્રમ અને ગોઠવણી એવાં છે.”
“તેઓ રામનારાયણ તરીકે પણ ઓળખાય છે. કેમ કે, અહીંની મૂર્તિમાં તેમને શંખ, ચક્ર અને ધનુષ બાણ ધારણ કરેલાં દર્શાવવામાં આવ્યા છે.”
“સીતાને બંને હાથમાં કમળનાં ફૂલ ધારણ કરેલાં દર્શાવવામાં આવ્યાં છે, જે દેવી લક્ષ્મી તરીકે ઓળખાય છે. આ દૃષ્ટિએ જોઈએ તો રામનારાયણ નામ ખરેખર ભવ્ય નામ છે.”
તેઓ નારાયણ તરીકે એટલે કે અર્ચમૂર્તિ સ્વરૂપે પ્રગટ્યા. આગમશાસ્ત્ર અનુસાર, અચ્યુત ગોત્ર એ દેવતાને આપવામાં આવેલું નામ હોવું જોઈએ જે અર્ચમૂર્તિ સ્વરૂપે પ્રગટ્યા છે.
જો કોઈ વશિષ્ઠને તેમના ગુરુ માને છે, તો તેઓનું વશિષ્ઠ ગોત્ર કહેવામાં આવે છે. વૈકલ્પિક રીતે, જો તેમને સૂર્યવંશી ગણવામાં આવે, તો કશ્યપ ગોત્રનો ઉલ્લેખ કરી શકાય.
તેમણે કહ્યું, પરંતુ અહીં ભદ્રાચલમ્માં, આ 2012 પહેલાં કે પછીની વાત નથી; 1950ના દાયકામાં અને કોઈ પણ સમયે 1919 અને 1935નાં પુસ્તકોમાં, મંદિરના જીર્ણોદ્ધાર સમયે અને જૂના રેડિયો પ્રસારણોમાં, દરેક જગ્યાએ માત્ર અચ્યુત અને સૌભાગ્ય ગોત્રનો ઉલ્લેખ છે.
મુરલી કૃષ્ણમાચાર્યલુએ કહ્યું કે, “કોઈને એમ કહેવાનો અધિકાર નથી કે આ ભગવાન રામ નથી. નારાયણ રામ છે અને રામ નારાયણ છે. જો કોઈ નારાયણ અને રામને અલગ અલગ સ્વરૂપમાં જુએ છે, તો આપણે શું કરી શકીએ?”
“હું અહીંના પૂજારી કુટુંબની દસમી પેઢીનું પ્રતિનિધિત્વ કરું છું. શું આપણે આવા પ્રતિષ્ઠિત મંદિરમાં આવી ગંભીર ભૂલ કરીશું?”
“હવે જે લોકો હોબાળો કરી રહ્યા છે તેમનો એકમાત્ર હેતુ શ્રી વૈષ્ણવ મંદિરને સ્માર્ત મંદિરમાં પરિવર્તિત કરવાનો છે.”
“આગમની સાથે મંદિર માટે એક વિશિષ્ટ પરંપરા પણ છે. તેના પર ફક્ત પૂજારીઓની જ પકડ છે.”
“ઇતિહાસ, આગમ અને પરંપરાઓ બધું જ ચોક્કસ આચારસંહિતા દ્વારા સંચાલિત થાય છે. જ્યારે આગમશાસ્ત્ર સંબંધિત બાબત આવે છે ત્યારે અદાલત કરતાં સ્થાનિક પરંપરાગત પૂજારીઓની ભૂમિકા મહત્ત્વની છે.”
અચ્યુત ગોત્રના ઉપયોગ અંગે પૂજારીઓનો ખુલાસો
પૂજારીઓએ અચ્યુત ગોત્રનો પ્રયોગ શું કામ કરેલો એ અંગે 2012 અને 2019ના કલ્યાણ (દૈવી વિવાહ) દરમિયાન ખુલાસો કર્યો હતો.
વર્ષ 2012માં વિવાહના સ્ટેજ પરથી પૂજારીઓએ કહેલું, “આ કહાણીઓનું ઘણું મહત્ત્વ છે. ભદ્રચલમ ક્ષેત્રમાં રહેતા શ્રીરામચંદ્રમૂર્તિ… વૈકુંઠના રામ, રામ નારાયણ છે. માતા સીતા મહાલક્ષ્મી છે.”
“સ્વાભાવિકપણે જ રામચંદ્રમૂર્તિ વશિષ્ઠ ગોત્ર સાથે સંબંધ ધરાવે છે અને સીતા ગૌતમ ગોત્ર સાથે. પરંતુ ભદ્રચલમમાં વસતા શ્રીસીતા રામચંદ્ર પ્રભુનું ગોત્ર અચ્યુત ગોત્ર છે અને સીતાનું ગોત્ર સૌભાગ્ય ગોત્ર છે.”
2019માં કલ્યાણ વેદિકા ખાતે ભદ્રચલમના પૂજારીઓએ ખુલાસો કર્યો કે, “બહાર ગોત્રનાં નામ અને ભદ્રચલમ ખાતે ગોત્રનાં નામ વચ્ચે મૂંઝવણ છે.”
“ભદ્રચલમ ખાતે રામ અર્ચમૂર્તિ છે. તેઓ રાજા દશરથના પુત્ર હોવાનું કહેવાય છે, પરંતુ તેઓ અર્ચમૂર્તિ છે.”
“તેઓ સીધા વૈકુંઠમાંથી આવ્યા હતા. અર્ચમૂર્તિના પિતા હોવાની કોઈ શક્યતા નથી.” દેવોના દેવ મનાતા બ્રહ્મા સર્જક હોઈ, તેઓ જાતે જ પોતાના પિતા છે, અને પૂજારી સમજાવતાં કહે છે કે તેઓ ઋષિ ગોત્રમાંથી નથી આવતા.
આ વિવાદ અંગે હજુ તેલંગાણા હાઇકોર્ટમાં કેસ પેન્ડિંગ છે.
‘રામદાસે ક્યારેય રામનારાયણ શબ્દનો ઉપયોગ નહોતો કર્યો…’
ઇમેજ સ્રોત, @IPRTelangana
આ વિવાદને પગલે જમાલપુરમ શ્રીનિવાસ, કંચર્લા વેંકટરમણ અને તેજસ્વિની શર્મા નામના ત્રણ અરજદારો તેલંગાણા હાઇકોર્ટની શરણે પહોંચ્યા છે. ધર્મદાન વિભાગ સાથે પૂજારીઓને પણ આમાં પ્રતિવાદી બનાવાયા છે.
જમાલપુરમ શ્રીનિવાસે બીબીસીને કહ્યું કે પૂજારીઓના વકીલ કોર્ટમાં હાજર ન રહેતા 30 માર્ચ સુધી આ કેસ મુલતવી રાખવામાં આવ્યો છે, આમ, આ કેસની સુનાવણી 26 માર્ચના રોજ થવાની હતી. આનો અર્થ એ થાય છે કે આ વર્ષનાં લગ્ન કેસની સુનાવણી પહેલાં સંપન્ન થઈ જશે.
“રામદાસે લાંબાં સતક અને કીર્તન લખ્યાં છતાં તેમણે ક્યાંય રામનારાયણ શબ્દનો પ્રયોગ કેમ ન કર્યો? ઉપરાંત, રામદાસને ‘દશરથી’ તરીકે સંબોધવામાં આવ્યા.”
“પૂજારીઓના વકીલે કોર્ટમાં ‘વામનકાસ્થિટા’ શ્લોકનો ઉલ્લેખ કર્યો. એ શ્લોકમાં પણ, કોદાંદમ છે, જે રામના ધનુષ વિશે છે, સરગમ વિશે નહીં… જે વિષ્ણનું ધનુષ છે.”
“આ મામલે બનાવાયેલી સમિતિએ ત્રણ માસમાં રિપોર્ટ સબમિટ કરવાનો હતો, પરંતુ 21 માસ થઈ ચૂક્યા છે.”
“તેમ છતાં, રિપોર્ટ સબમિટ નથી કરાયો. અમે આ અંગે કોર્ટની અવમાનનાની અરજી પણ કરી છે.”
બીબીસીએ જમાલપુરમ શ્રીનિવાસને અરજી કરવાના કારણ અંગે જણાવતાં કહ્યું, “મારી પાસે સાક્ષીઓએ આપેલા પુરાવા છે જે પ્રમાણે 2006-09 દરમિયાન વશિષ્ઠ ગોત્રનો પ્રયોગ કરાયો હતો.”
“રામ રમેશ શબ્દ હોવાને કારણે, એવું કહેવાય છે કે તે રામનારાયણ છે. એ સાચી દલીલ નથી.”
“જો સીતાદેવી લક્ષ્મી હોય, તો પછી ઉપમંદિર તરીકે લક્ષ્મીદેવી મંદિર કેમ બનાવાયું?”
“જો અચ્યુત ગોત્ર રામનારાયણ હોય, તો શ્રીદેવી અને ભૂદેવીનાં લગ્ન ન થવાં જોઈએ?”
તેમણે ભદ્રચલમ ખાતેના શ્રી વૈષ્ણવ મંદિરને સ્માર્તા મંદિર બનાવવાના પ્રયાસ અંગે લાગી રહેલા આરોપોનો જવાબ આપ્યો હતો.
તેમણે કહ્યું, “શું રામનારાયણ વૈષ્ણવ છે? શું રામચંદ્ર વૈષ્ણવ નથી? પંચરાત્ર પૂજામાં કોઈ રોક નથી.”
“અમે સ્માર્તા પૂજા કરશું એવી પણ કોઈ વાત નથી. આમાં કોઈ અંગત લાભ નથી.”
સ્માર્તા અને શ્રી વૈષ્ણવ શું છે?
ઇમેજ સ્રોત, Youtube/Bhaktione screengrab
હિંદુ ધર્મની અન્ય ઘણી શાખાઓમાં સ્માર્તા અને શ્રી વૈષ્ણવ સંપ્રદાય પણ સામેલ છે.
પ્રાથમિકપણે અદ્વૈતમાં માનતા સ્માર્તા છે. અને વિશિષ્ટદ્વૈતમાં માનનારા શ્રી વૈષ્ણવ છે.
શ્રી વૈષ્ણવ માત્ર વિષ્ણુની પૂજા કરે છે. સ્માર્તા એક કરતાં વધુ દેવતાને પૂજે છે.
સ્માર્તા મુખ્યત્વે માને છે કે શિવ અને વિષ્ણુ એકસમાન અને એક છે. શ્રી વૈષ્ણવ આ વાતને નથી માનતા.
આવી જ રીતે હિંદુ મંદિરોના સંચાલન માટેના નિયમોને આગમ શાસ્ત્ર કહે છે, જુદા જુદા પંથના જુદા જુદા આગમ હોય છે.
તાજેતરના વિવાદમાં, નામ બદલીને રામનારાયણ કરવાની વાતને સમર્થન કરનારા મોટા ભાગના શ્રી વૈષ્ણવ છે, અને રામચંદ્ર નામ ચાલુ રાખવાના સમર્થકો મોટા ભાગે સ્માર્તા છે.
બીબીસીએ આ મામલે તેલંગાણાના ધર્મદાન મંત્રી કોંડા સુરેખાના કાર્યાલયનો સંપર્ક કર્યો. જોકે, મામલો ન્યાયાધીન હોવાને કારણે, તેઓ કોર્ટના નિર્ણય પ્રમાણે આગળ વધશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



