Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Hindustan Times via Getty Images
ભારતના યુવાનોની કથા વિરોધાભાસથી ભરપૂર છે. તેમાં વિપુલતા પણ છે અને અછત પણ છે, આશા પણ છે અને ભટકાવ પણ છે.
બ્રિટીશ અર્થશાસ્ત્રી જૉન રૉબિન્સને એક વખત મજાકમાં કહ્યું હતું તેમ, “ભારત વિશે તમે જે કંઈ સાચું કહી શકો, તેનાથી ઊલટું પણ એટલું સાચું હોય છે.”
બહુ થોડા અભ્યાસોએ આ વિરોધાભાસને સ્પષ્ટ રીતે દર્શાવ્યો છે, પરંતુ અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના તાજેતરના ‘સ્ટેટ ઑફ વર્કિંગ ઇન્ડિયા’ રિપોર્ટમાં આ વિરોધાભાસને એકદમ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યો છે.
મુખ્ય આંકડાઓથી શરૂઆત કરીએ તો ભારતમાં વિશ્વની સૌથી વધુ યુવા વસ્તી છે અને અહીં 15થી 29 વર્ષની વયના 367 મિલિયન યુવાનો છે, જે કામ કરવા લાયક વસ્તીનો એક-તૃતિયાંશ ભાગ છે.
એ યુવાનો પૈકીના 263 મિલિયન અભ્યાસ કરતા નથી અને સંભવિત કાર્યસમૂહના ભાગરૂપ છે.
આ એક એવો વસ્તીવિષયક લાભ છે, જેણે પૂર્વ એશિયાના આર્થિક ચમત્કારોને શક્ય બનાવ્યા હતા. તેમ છતાં આંકડાઓની આ સમૃદ્ધિની પાછળ વધારે ચિંતાજનક ગણિત છુપાયેલું છે.
પહેલી નજરે તેમાં આશાવાદી રહેવાનું કારણ દેખાય છે.
ભારતમાં ઉચ્ચશિક્ષણમાં વૃદ્ધિ
ઇમેજ સ્રોત, Hindustan Times via Getty Image
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, છેલ્લા ચાર દાયકામાં ભારતે તેના શૈક્ષણિક પરિદૃશ્યને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે.
હાઇસ્કૂલ્સ અને કૉલેજોમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓની સંખ્યામાં, ભારતમાં વિકાસના સ્તરની સાથે જબરો ઉછાળો આવ્યો છે. લૈંગિક અસમાનતામાં ઘટાડો થયો છે. જાતિગત બંધનો હજુ સંપૂર્ણપણે ખતમ થયાં નથી, પરંતુ તેમાં ઘટાડો જરૂર થયો છે.
2007થી 2017 દરમિયાન સૌથી ગરીબ પરિવારોના વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ લેવાનું પ્રમાણ આઠ ટકાથી વધીને 17 ટકા થઈ ગયું છે.
વધારે શિક્ષિત અને સારી રીતે કનેક્ટેડ યુવા વર્ગ હવે લેબર માર્કેટમાં પ્રવેશી રહ્યો છે. જૂના કામદારોની સરખામણીએ વધુ યુવા કામદારો ખેતીવાડી છોડીને લાંબા સમયથી અન્ય ક્ષેત્રોમાં ઝડપભેર જઈ રહ્યા છે અને મૅન્યુફૅક્ચરિંગ તથા સર્વિસ સેક્ટરમાં પણ પોતાના માટે તકો શોધી રહ્યા છે.
કાગળ પર આ એક ઉત્તમ ડેમૉગ્રાફિક ડિવિડંડના (વસ્તીવિષયક લાભ) પ્રારંભ જેવું લાગે છે.
રિપોર્ટ જણાવે છે કે “ભારતીય યુવાનો અગાઉ ક્યારેય આટલા શિક્ષિત અને કનેક્ટેડ ન હતા.”
ભારતીય યુવાનોમાં શિક્ષણ વધ્યું, પણ…
ખરાબ બાબત એ છે કે શિક્ષણથી રોજગાર સુધીનો પ્રવાસ હજુ પણ ખરાબ રીતે ક્ષત-વિક્ષત છે.
વધુને વધુ પડકારજનક બની રહેલી લેબર માર્કેટમાં ગ્રૅજ્યુએટ લોકોમાં બેરોજગારીનો દર ચોંકી જવાય એટલી હદે વધારે છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ, છેલ્લાં પાંચ વર્ષમાં પગાર આપતી નોકરીઓનું સર્જન પૂરતાં પ્રમાણમાં થયું નથી.
રિપોર્ટ જણાવે છે કે 15થી 25 વર્ષના લગભગ 40 ટકા ગ્રૅજ્યુએટ્સ અને 25થી 29 વર્ષના લગભગ 20 ટકા ગ્રૅજ્યુએટ્સ બેરોજગાર છે. ઓછું ભણેલા લોકોની સરખામણીએ આ પ્રમાણ ઘણું વધારે છે. આ પૈકીના બહુ ઓછા લોકોને એક વર્ષમાં કોઈ સ્થિર અને પગારવાળી નોકરી મળે છે.
કોઈ વ્યક્તિના જીવન-ચક્ર દરમિયાન લેબર માર્કેટ્સમાં કેવું પરિવર્તન થાય છે, તેને પણ આ સ્થિતિ કેટલીક હદે દર્શાવે છે. રિપોર્ટનાં મુખ્ય લેખિકા અને અર્થશાસ્ત્રી રોઝા અબ્રાહમે મને કહ્યું હતું, “તમે યુવાન હો ત્યારે પ્રતિક્ષા કરો છો અને તમારી બેરોજગારી નોંધાવો છો.”
રોઝા અબ્રાહમના જણાવ્યા મુજબ, તમે સમય સાથે એ સમૂહ પર નજર કરશો તો જણાશે કે બેરોજગારીનો દર ઘટતો જાય છે. 20 વર્ષની વય સુધીમાં એ પૈકીના ઘણા લોકો કામ કરતા થઈ જાય છે.
તેઓ દલીલ કરે છે કે પ્રારંભિક બેરોજગારી, લોકોની રાહ જોવાની ક્ષમતાની સાથે, “અપેક્ષાઓ અને ઉપલબ્ધ તકો વચ્ચેની અસંગતતાને” દર્શાવે છે. સમયની સાથે “તમે નરમ પડો છો, સંપર્કો વધારો છો અને જે કામ મળે તેને અપનાવી લો છો” અને આવી તક પ્રાઇવેટ સેક્ટરમાં જ મળે છે.
ભારતમાં બેરોજગારીનાં કારણો
ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images
બ્રિટિશ અર્થશાસ્ત્રી માર્ક બ્લાઉગે 1969માં The Causes of Graduate Unemployment in India (ભારતમાં બેરોજગારીનાં કારણો) નામનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું. તેમાં તેમણે શિક્ષણ અને રોજગાર વચ્ચેના અંતરને દર્શાવ્યું હતું, જે 1950ના દાયકાથી સ્પષ્ટ દેખાતું હતું. 1983થી 2023ની વચ્ચે ગ્રૅજ્યુએટ બેરોજગારી સતત ઊંચા સ્તરે, લગભગ 35થી 40 ટકા, રહી હતી.
જે બાબત બદલાઈ છે એ છે તેનું પ્રમાણ. ભારતમાં હવે દર વર્ષે લગભગ 50 લાખ સ્નાતકો બહાર નીકળે છે, પરંતુ 2004-05થી વાર્ષિક માંડ 28 લાખ ગ્રૅજ્યુએટ્સને નોકરી મળી છે અને તેમાં પગારદાર કામ ઓછા યુવાઓને મળ્યું છે.
વ્યાપક લેબર માર્કેટ પણ આવી જ મિશ્ર કથા જણાવે છે.
કોવિડ-19 મહામારી પછીનાં બે વર્ષમાં ભારતમાં 83 મિલિયન નોકરીઓનો ઉમેરો થયો હતો. કુલ રોજગારનું પ્રમાણ 49 કરોડથી વધીને 572 મિલિયન થયું હતું. તેમાં પુરુષો તથા સ્ત્રીઓ બંનેને લાભ મળ્યો હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
તેમ છતાં એ પૈકીના અડધોઅડધ રોજગાર કૃષિ ક્ષેત્રમાં હતા. તેમાં મહિલાઓની હિસ્સેદારી વધારે હોય છે અને તે સામાન્ય રીતે ઓછી ઉત્પાદકતા અને પ્રચ્છન્ન બેરોજગારીની (disguised unemployment) ઓળખ છે.
બીજા શબ્દોમાં કહીએ તો અર્થતંત્ર રોજગાર તો પેદા કરી રહ્યું છે, પરંતુ તે એવા રોજગાર નથી, જેનાથી લોકોની આજીવિકામાં કોઈ મોટું પરિવર્તન થાય.
મહિલાઓમાં રોજગારી વધી રહી છે, પરંતુ ત્યાં પણ પરિસ્થિતિ બે હિસ્સામાં વિભાજિત છે.
મહિલાઓની ભાગીદારીમાં વિરોધાભાસ
ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images
એક તરફ શિક્ષિત અને કૌશલ્યવાન મહિલાઓનો નાનો પણ સતત વધતો સમૂહ આઇટી, ઑટોમોબાઇલ મૅન્યુફેક્ચરિંગ અને બિઝનેસ સર્વિસીસ જેવા ક્ષેત્રોમાં પગારદાર નોકરી કરી રહ્યો છે. રોઝા અબ્રાહમના જણાવ્યા મુજબ, ખાસ કરીને તામિલનાડુ અને ગુજરાત જેવા રાજ્યોમાં આ પરિવર્તન વધારે જોવા મળી રહ્યું છે.
બીજી તરફનો હિસ્સો ઘણો વધારે મોટો છે. સ્વરોજગાર અને પગાર ન મળે તેવા કે ઘર આધારિત કામો કરતી મહિલાઓનું પ્રમાણ વધ્યું છે. આવાં કામ મોટાભાગે ઘર-પરિવારમાં કે પારિવારિક વ્યવસાયોમાં જ કરવામાં આવે છે. આ સ્થિતિ તકના અભાવને બદલે જરૂરિયાત કે મજબૂરીનો સંકેત આપે છે.
તેનું પરિણામ એ આવ્યું છે કે હિસ્સેદારીમાં આંકડાકીય વૃદ્ધિ થઈ છે, પરંતુ તેનાથી ગુણાત્મક અંતર છુપાઈ ગયું છે. ઉપરના સ્તરે તકો છે, પરંતુ નીચેના સ્તરે મજબૂરી છે.
શિક્ષણનો, ખાસ કરીને ઉચ્ચ શિક્ષણનો ઝડપભેર વિસ્તાર થયો છે. તેને મુખ્યત્વે ખાનગી સંસ્થાઓએ વેગ આપ્યો છે, પરંતુ તેમાં પણ કેટલીક બાંધછોડ કરવી પડી છે.
કૉલેજો અને યુનિવર્સિટીઓની સંખ્યા 1991ના લગભગ 1,600થી વધીને લગભગ 70,000 થઈ ગઈ છે. માત્ર 2001થી 2010 વચ્ચેના દાયકામાં જ તેમાં 150 ટકા વધારો થયો હતો. તેમાં લગભગ 80 ટકા પ્રાઇવેટ છે, જે 1950થી 1980ના દાયકાની સ્થિતિથી બિલકુલ અલગ છે. એ સમયે આ ક્ષેત્રમાં સરકારી અને પ્રાઇવેટ સંસ્થાઓની હિસ્સેદારી લગભગ સમાન હતી.
શિક્ષણ સુધીની પહોંચ વધી છે, પરંતુ તેની ગુણવત્તામાં મોટો તફાવત છે. શિક્ષકોની કમી છે અને પ્રાદેશિક સ્તરે મોટું અંતર છે. ગરીબ પરિવારોના વિદ્યાર્થીઓની હિસ્સેદારી વધી તો છે, પરંતુ એન્જીનિયરિંગ અને મેડિકલ જેવા પ્રોફેશનલ કોર્સીસ આજે પણ બહુ મોંઘા છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ખાસ કરીને ખાનગી સંસ્થાઓ મારફતે વ્યાવસાયિક શિક્ષણનો પણ વિસ્તાર થયો છે, પરંતુ રોજગાર સાથેનું તેનું જોડાણ આજે પણ નબળું છે.
સપાટીની નીચે તણાવના સંકેત
ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images
સપાટીની નીચે તણાવના સંકેત પણ જોવા મળી રહ્યા છે.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ઉચ્ચ શિક્ષણમાં યુવાનોનું પ્રમાણ 2017 પછી સતત ઘટી રહ્યું છે. 2017માં તે 38 ટકા હતું, જે 2024ના અંત સુધીમાં ઘટીને 34 ટકા થવાનું અનુમાન છે, તેનું મુખ્ય કારણ એ છે કે વધારે યુવાનો પોતાના પરિવારની આવકમાં મદદરૂપ થવાને પોતાની જરૂરિયાત સમજવા લાગ્યા છે.
રોઝા અબ્રાહમે કહ્યુ હતું, “ગ્રૅજ્યુએટ્સ સહિતના આવા વધારે પુરુષો તેમના પરિવારની ખેતી કે વ્યવસાયમાં કામ કરીને કુટુંબની આવક વધારવામાં મદદ કરી રહ્યા છે. અગાઉ આ કામ મુખ્યત્વે મહિલાઓ કરતી હતી. આ ચિંતાજનક પરિવર્તન છે.”
માઇગ્રેશન તેની સાથે કામ પાર પાડવાનો મહત્ત્વનો ઉપાય બની ગયું છે.
બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા ગરીબ રાજ્યોના યુવા કામદારો તામિલનાડુ અને કર્ણાટક જેવાં વધારે સમૃદ્ધ, પરંતુ વૃદ્ધ થતી જતી વસ્તીવાળાં રાજ્યો ભણી પલાયન કરી રહ્યા છે. જ્યાં તક મળે ત્યાં જાય છે.
આવું આવાગમન અસમાનતાને સંતુલિત કરવામાં તો મદદ કરે છે, પરંતુ વાસ્તવિકતાને પણ વધારે ઉજાગર કરે છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ભારતનું લેબર માર્કેટ આજે પણ અસમાન તકોનું એક મિશ્રણ બની રહ્યુ છે.
ભારતમાં શિક્ષણનો વિસ્તાર થયો છે, શિક્ષણ સુધીની પહોંચ બહેતર બની છે અને ભારતની ક્ષમતામાં વધારો થયો છે, તે એકદમ સ્પષ્ટ છે, પરંતુ ભારત આ સિદ્ધિઓને ઉત્પાદક તથા સારા પગારવાળી નોકરીઓ મોટા પાયે સર્જવા સાથે સંપૂર્ણપણે સાંકળી શક્યું નથી.
ઘણા અર્થશાસ્ત્રીઓ કહે છે કે ભારતનું ગ્રૉથ મૉડલ આ મુશ્કેલ પરિસ્થિતિને સમજવામાં મદદ કરે છે.
પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયાના મોટાભાગના દેશોએ ઓછા કૌશલ્યવાળા શ્રમિકોને રોજગાર આપવા માટે મૅન્યુફૅક્ચરિંગનો આશરો લીધો હતો. આવા દેશોથી વિપરીત ભારતનો વિસ્તાર કૌશલ્ય આધારિત સેવાઓ – ખાસ કરીને આઈટી અને કૉમ્યુનિકેશન્શ વડે થયો છે. તેનાથી વિપરીત નિકાસ આધારિત મૅન્યુફૅક્ચરિંગ નબળું રહ્યું છે.
તેનું પરિણામ નબળું લેબર માર્કેટ છે. ભણેલા-ગણેલા લોકો માટે તકો તો છે, પરંતુ બાકીના બધા માટે બહુ ઓછા વિકલ્પો છે. એ ઉપરાંત સમય પણ ભારતના પક્ષમાં નથી.
સમયની સાથે અને સામે દોટ
વીડિયો જુઓ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS



