Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
અપડેટેડ 54 મિનિટ પહેલા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની દુનિયાભરનાં શૅરબજારો પર અસર યથાવત્ છે. સોમવારે એશિયાનાં શૅરબજારોમાં ભયંકર પ્રકારે ઘટાડો જોવા મળ્યો.
ભારતના બીએસઈનો સેન્સેક્સ જ્યારે બજાર ખુલ્યું ત્યારે લગભગ 3000 અંક તૂટ્યો હતો જ્યારે કે એનએસઈનો નિફ્ટી લગભગ 1000 અંક તૂટ્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
જાપાનના સૂચકાંક નિક્કેઈમાં બજાર ખુલતાંની સાથે જ 225 અંકોનો ઘટાડો નોંધાયો. એક કલાક બાદ બજાર 7.1 ટકા સુધી નીચે હતું.
દક્ષિણ કોરિયામાં પણ શૅરબજારના કોસ્પી સૂચકાંકમાં સાડા પાંચ ટકાનો ઘટાડો જોવા મળ્યો. ઑસ્ટ્રેલિયાનાં બજારો પણ ગગડ્યાં હતાં.
હૉંગ-કૉંગનો હૅંગ-સૅંગ ઇન્ડેક્સમાં 9 ટકા જેટલો ઘટાડો થયો હતો.
ચીનના શાંઘાઈનું શૅરબજાર પણ છ ટકા જેટલું તૂટ્યું હતું.
કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારનો દાવો- કોલકાતામાં રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારો થયો, પોલીસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે રવિવારે રાત્રે દાવો કર્યો કે કોલકાતાના પાર્ક સર્કસ પૉઇન્ટ વિસ્તારમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો.
મજુમદારે પોલીસ અને સરકાર સામે સવાલો પણ ઉઠાવ્યા.
જોકે કોલકાતા પોલીસે કહ્યું કે પાર્ક સર્કસ વિસ્તારમાં શોભાયાત્રા માટેની પરવાનગી લેવામાં નહોતી આવી. ઍક્સ પર નિવેદન જારી કરીને પોલીસે કહ્યું કે ફરિયાદ મળવાને કારણે મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
સુકાંત મજુમદારે ઍક્સ પર લખ્યું, “રામનવમીની શોભાયાત્રી પરત ફરી કે તરત જ કોલકાતાના પાર્ક સર્કસ સેવન પૉઇન્ટ વિસ્તારમાં હિંદુઓ પર બર્બર હુમલો કરવામાં આવ્યો. માત્ર ભગવા ઝંડા લઈ જવાને કારણે વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો અને ઘટનાસ્થળ પર અરાજકતા વ્યાપી ગઈ.”
“પોલીસ ક્યાં હતી, અને કેમ ચૂપ હતી?”
તેમણે એ પણ આરોપ લગાવ્યો કે પોલીસે નિર્દોષ હિંદુઓના રક્ષણ માટે કોઈ પગલાં નહોતા ભર્યાં.
કોલકાતા પોલીસે ઍક્સ પર લખ્યું, “પાર્ક સર્કસમાં કથિત ઘટના મામલે સ્પષ્ટ કરવામાં આવે છે કે કોઈ શોભાયાત્રા માટે પરવાનગી નહોતી લેવામાં આવી. ન આ વિસ્તારમાં કોઈ શોભાયાત્રા નીકળી હતી. એક વાહનને નુકસાન પહોંચાડવા મામલાની સૂચના મળ્યા પછી પોલીસે સ્થિતિને સામાન્ય બનાવી. આ મામલે તપાસ થઈ રહી છે. જનતાને અનુરોધ છે કે કોઈ અફવાઓ પર ધ્યાન ન આપે.”
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે ટેરિફ મામલે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત અનેક દેશો પર હાલમાં જ લગાવેલાં રેસિપ્રોકલ ટેરિફ મામલે કહ્યું કે તેઓ આ ટેરિફને કારણે પ્રભાવી થઈ રહ્યા છે. આ તેમણે ‘સારી બાબત’ ગણાવી છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ પર લખ્યું, “ચીન, યુરોપિય સંઘ અને કેટલાક અન્ય દેશો સાથે આપણી વિશાળ નાણાકીય ખાદ્ય છે. આ સમસ્યાનું સમાધાન માત્ર ટેરિફથી જ સંભવ છે. જેનાથી અમેરિકામાં અબજો ડૉલર આવી રહ્યા છે.”
તેમણે કહ્યું કે એક દિવસ લોકો સમજશે કે અમેરિકા માટે ટેરિફ એક ‘સારી વસ્તુ’ છે.
ટ્રમ્પે દાવો કર્યો કે તેમની યુરોપના અને એશિયાના દેશો સાથે વાતચીત થઈ છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે આ તમામ દેશો અમેરિકા સાથે ‘ડીલ’ કરવા માગે છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ બીજી એપ્રિલના રોજ ભારત સહિત અનેક દેશો પર અમેરિકામાં આવનારા સામાન પર ટેરિફની ઘોષણા કરી હતી. જાણકાર કહે છે કે આ પગલાંથી દુનિયામાં એક પ્રકારે ‘ટ્રેડ-વૉર’નું જોખમ વધી ગયું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS