Home તાજા સમાચાર gujrati બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર, આજે વિજેતાનાં નામ જાહેર થશે

બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર, આજે વિજેતાનાં નામ જાહેર થશે

8
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, ISWOTY, બીબીસી સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર, સ્પૉર્ટ્સ

એક કલાક પહેલા

વાંચવાનો સમય: 5 મિનિટ

બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર (ISWOTY) ઍવૉર્ડ્સની છઠ્ઠી આવૃત્તિની તૈયારીઓ થઈ ચૂકી છે, જે 16 ફેબ્રુઆરી, 2026ના રોજ સાંજે સાત વાગ્યે નવી દિલ્હીમાં યોજાશે.

તમે ઍવૉર્ડ નાઇટનું જીવંત પ્રસારણ બીબીસી ગુજરાતીની વેબસાઇટ, ફેસબુક અને યૂટ્યૂબ પર જોઈ શકો છો.

આ વર્ષનાં નૉમિનીની જાહેરાત 2 ફેબ્રુઆરીના રોજ કરાઈ હતી, જેમાં પાંચ ઉત્કૃષ્ટ મહિલા ખેલાડી સ્પર્ધામાં છે: ક્રિકેટર હરમનપ્રીતકોર અને સ્મૃતિ મંધાના, ચેસ ખેલાડી દિવ્યા દેશમુખ, શૂટર સુરુચિસિંહ અને ઍથ્લીટ જ્યોતિ યાર્રાજી.

આ ઍવૉર્ડ 2025માં ભારતીય મહિલા ખેલાડીઓના યોગદાનને બિરદાવે છે અને દેશમાં રમતગમત ક્ષેત્રે મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરે છે.

પાંચ નૉમિનીને બીબીસી દ્વારા નિયુક્ત એક જૂરી દ્વારા શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યાં હતાં, જેમાં ભારતના કેટલાક સૌથી આદરણીય સ્પૉર્ટ્સ પત્રકારો, નિષ્ણાતો અને લેખકોનો સમાવેશ થાય છે.

બીબીસીએ વિજેતા નક્કી કરવા માટે પહેલી વખત ગ્રાન્ડ જૂરીની રચના કરી છે. ગ્રાન્ડ જૂરીમાં મહાન ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ, ભૂતપૂર્વ લૉંગ જમ્પર અંજુ બૉબી જ્યૉર્જ અને પૅરાલિમ્પિક મેડલ વિજેતા દીપા મલિકનો સમાવેશ થાય છે.

વિજેતાઓનાં નામની જાહેરાત 16 ફેબ્રુઆરીના રોજ આયોજિત સમારોહમાં કરવામાં આવશે. બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ ઉપરાંત, બીબીસી નીચેની શ્રેણીઓમાં જૂરી દ્વારા પસંદ કરાયેલાં ત્રણ અન્ય મહિલા ખેલાડીઓનું પણ સન્માન કરશે:

• બીબીસી પૅરાસ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર, પૅરાસ્પૉર્ટમાં શ્રેષ્ઠ દેખાવને સન્માનિત કરશે

• બીબીસી ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર, એક યુવા ખેલાડીની સિદ્ધિઓને બિરદાવશે

• બીબીસી લાઇફટાઇમ ઍચિવમેન્ટ ઍવૉર્ડ, રમતગમતમાં અસાધારણ યોગદાન બદલ રમતગમતનાં અનુભવી ખેલાડીનું સન્માન

ISWOTY શું છે?

ISWOTYએ બીબીસી ભારતીય ભાષાની એક પહેલ છે, જેનો હેતુ ભારતીય રમતગમત ક્ષેત્રે પ્રચલિત માન્યતાઓને તોડતાં મહિલાઓની નોંધપાત્ર સિદ્ધિઓને બિરદાવવાનો છે.

આ પ્લૅટફૉર્મ વિશિષ્ટ મીડિયા કવરેજ દ્વારા ભારતીય મહિલાઓ ખેલાડીઓની વિઝિબિલિટી વધારવાનો માગે છે, એક એવું ક્ષેત્ર જે પરંપરાગત રીતે પુરુષ ખેલાડીઓની તરફેણ કરે છે.

ખેલાડીઓને બિરદાવવા ઉપરાંત, ISWOTY રમતગમત ક્ષેત્રે જાતિ પ્રતિનિધિત્વ અને સમાનતા વિશે અર્થપૂર્ણ વાતચીતને પ્રોત્સાહન આપે છે.

નૉમિની વિશે વધુ જાણો.

દિવ્યા દેશમુખ, ચેસ

બીબીસી ગુજરાતી, ગુજરાત, ISWOTY, બીબીસી સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર, સ્પૉર્ટ્સ

ઇમેજ સ્રોત, BBC/Getty Images

20 વર્ષીય ચેસ ખેલાડી દિવ્યા દેશમુખે જુલાઈમાં FIDE મહિલા વર્લ્ડકપનાં પ્રથમ ભારતીય અને સૌથી નાની ઉંમરનાં ચૅમ્પિયન બનીને ઇતિહાસ રચ્યો હતો. આ સિદ્ધિએ તેમને ગ્રાન્ડમાસ્ટરનો દરજ્જો અપાવ્યો. ફાઇનલમાં દેશમુખે ગ્રાન્ડમાસ્ટર બનનારાં પ્રથમ ભારતીય મહિલા કોનેરુ હમ્પીને હરાવ્યાં, આ એક મહત્ત્વપૂર્ણ ક્ષણ હતી.

પશ્ચિમ ભારતના નાગપુર શહેરમાં 2005માં જન્મેલાં દેશમુખે પાંચ વર્ષની નાની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું હતું. બે વર્ષમાં તેઓ અંડર-7 નૅશનલ ચૅમ્પિયન બન્યાં અને 2017માં તેમણે છોકરીઓની અંડર-12 કૅટેગરીમાં વર્લ્ડ યૂથ ચેસ ચૅમ્પિયનશિપનો ખિતાબ જીત્યો.

2022માં તેમણે ચેન્નાઈમાં ચેસ ઑલિમ્પિયાડમાં ભારતની બ્રૉન્ઝ વિજેતા ટીમમાં મુખ્ય ભૂમિકા ભજવી. બે વર્ષ પછી ગૌરવભરી ક્ષણ આવી જ્યારે તેમણે વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યો અને પોડિયમમાં ટોચ પર રહેલી ટીમનો પણ ભાગ હતાં.

હરમનપ્રીતકોર, ક્રિકેટ

બીબીસી ગુજરાતી, ગુજરાત, ISWOTY, બીબીસી સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર, સ્પૉર્ટ્સ

ઇમેજ સ્રોત, BBC/Getty Images

ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં કૅપ્ટન હરમનપ્રીતકોરે નવેમ્બરમાં ભારતને પોતાનો પ્રથમ આઇસીસી મહિલા વર્લ્ડકપ અપાવ્યો. ઘરઆંગણે રમતાં કોરે ઑસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં 339 રનના મોટા લક્ષ્યનો પીછો કરતાં 88 બૉલમાં 89 રનની ઇનિંગ રમી હતી.

2017માં ઑસ્ટ્રેલિયા સામે જ વર્લ્ડકપ સેમિફાઇનલમાં તેમણે અણનમ 171 રન બનાવ્યા હતા, આ ઇનિંગને હજુ પણ મહિલા ક્રિકેટની શ્રેષ્ઠ ઇનિંગમાંની એક માનવામાં આવે છે.

હરમનપ્રીતકોરનો જન્મ 1989માં પંજાબમાં થયો હતો. તેમનાં માતાપિતા પણ રમતગમતનાં ચાહક હતાં. જન્મના દિવસે જ તેમના પિતાએ તેમના માટે “ગુડ બેટિંગ” લખેલું ટીશર્ટ ખરીદી આપ્યું. 2009માં તેમણે ડેબ્યૂ કર્યું ત્યારથી તેઓ ભારતીય ટીમની બેટિંગનો મુખ્ય આધાર બનવાની આ ભવિષ્યવાણીને સાચી પાડતાં રહ્યાં.

તેમને ટાઇમ મૅગેઝિનની 2023ની ટોચના 100 ઇમર્જિંગ લીડર્સની યાદી અને બીબીસીની 100 સૌથી પ્રેરણાદાયી મહિલાઓમાં સ્થાન મળ્યું છે. 2017માં તેમને અર્જુન પુરસ્કારથી નવાજવામાં આવ્યાં હતાં. 2026માં પદ્મશ્રી પુરસ્કાર માટે પણ તેમનું નામ આપવામાં આવ્યું છે.

સ્મૃતિ મંધાના, ક્રિકેટ

બીબીસી ગુજરાતી, ગુજરાત, ISWOTY, બીબીસી સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર, સ્પૉર્ટ્સ

ઇમેજ સ્રોત, BBC/Getty Images

ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં ઉપકપ્તાન સ્મૃતિ મંધાના પહેલેથી જ રમતનાં સર્વકાલીન મહાન ખેલાડીઓ પૈકી ગણવામાં આવે છે. 29 વર્ષીય ડાબોડી બૅટર સ્મૃતિ મંધાના વનડે ઇન્ટરનૅશનલ મૅચોમાં સૌથી વધુ સદી ફટકારવામાં બીજા ક્રમે છે અને સૌથી વધુ રન બનાવવામાં વર્તમાન ખેલાડીઓમાં ત્રીજા ક્રમે છે.

મહારાષ્ટ્રના સાંગલી શહેરમાં જન્મેલાં મંધાનાને તેમના પિતા અને ભાઈ તરફથી પ્રેરણા મળી, જેઓ બંને જિલ્લા સ્તરે ક્રિકેટ રમ્યા હતા.

2013માં ઝોનલ અંડર-19 ટુર્નામેન્ટમાં રમતી વખતે તેઓ ઘરેલુ વનડે મૅચમાં બેવડી સદી ફટકારનારાં પ્રથમ ભારતીય મહિલા બન્યાં. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમણે ઑસ્ટ્રેલિયા સામે 50 બૉલમાં સદી ફટકારી હતી – જે આ ફૉર્મેટમાં ભારતીય દ્વારા સૌથી ઝડપી સદી હતી. આ સાથે તેમણે વિરાટ કોહલીનો રેકૉર્ડ તોડ્યો હતો.

તેમને 2018 અને 2021માં બે વખત ‘આઇસીસી વીમેન્સ ક્રિકેટર ઑફ ધ યર’ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. 2019માં ભારત સરકાર તરફથી તેમને પ્રતિષ્ઠિત અર્જુન ઍવૉર્ડ મળ્યો છે.

સુરુચિસિંહ, શૂટર

બીબીસી ગુજરાતી, ગુજરાત, ISWOTY, બીબીસી સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર, સ્પૉર્ટ્સ

ઇમેજ સ્રોત, BBC/Getty Images

સુરુચિસિંહ ઉત્તર ભારતીય રાજ્ય હરિયાણાનાં રહેવાસી છે, જે શૂટર્સ પેદા કરવાનો સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે. 2024માં નૅશનલ શૂટિંગ ચૅમ્પિયનશિપમાં સાત ગોલ્ડ મેડલ જીતીને સુરુચિસિંહ સમાચારમાં ચમક્યાં હતાં.

એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં 19 વર્ષીય ખેલાડીએ સિનિયર આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવેશ કર્યો અને ઝડપથી પોતાની જાતને વૈશ્વિક મંચ પર સ્થાપિત કરી. 2025માં તેમણે બ્યુનોસ એરિસ, લિમા અને મ્યુનિકમાં યોજાયેલી ISSF વર્લ્ડકપ સિરીઝમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યા અને ત્રણેય જગ્યાએ ગોલ્ડ જીતવાની દુર્લભ સિદ્ધિ મેળવી. લિમા ખાતે તેમણે મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો.

કઝાખસ્તાનમાં યોજાયેલી એશિયન શૂટિંગ ચૅમ્પિયનશિપ 2025માં તેમણે મનુ ભાકર અને પલક ગુલિયા સાથે મહિલા ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.

સપ્ટેમ્બરમાં તેઓ ઇન્ટરનૅશનલ શૂટિંગ સ્પૉર્ટ ફેડરેશનની 10 મીટર ઍર પિસ્તોલ કૅટેગરીમાં ટોચનાં ક્રમાંકિત મહિલા શૂટર બન્યાં.

જ્યોતિ યાર્રાજી, ઍથ્લેટિક્સ

બીબીસી ગુજરાતી, ગુજરાત, ISWOTY, બીબીસી સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર, સ્પૉર્ટ્સ

ઇમેજ સ્રોત, BBC/Getty Images

એક એવા દેશમાં જ્યાં ટ્રૅક ઍન્ડ ફિલ્ડ ઇવેન્ટ્સમાં ઉચ્ચ સ્તરે બહુ ઓછી સિદ્ધિઓ મળી છે, ત્યાં યાર્રાજી 2024 પેરિસ ગેમ્સમાં ઑલિમ્પિક્સ 100 મીટર હર્ડલ્સ માટે ક્વૉલિફાય થનારાં પ્રથમ ભારતીય મહિલા બન્યાં હતાં.

અવરોધોને પાર કરવા એ યાર્રાજી માટે ક્યારેય નવી વાત નથી રહી, કારણ કે 26 વર્ષીય યાર્રાજી સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમના પિતા સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા, જ્યારે માતા ઘરકામ કરતાં હતાં.

2022માં તેમણે 100 મીટર હર્ડલ્સ માટે 13.23 સેકન્ડ લઈને નૅશનલ રેકૉર્ડ તોડ્યો. ત્યારથી તેમણે ઘણી વખત પોતાના રેકૉર્ડને પાર કર્યો છે. 2022 નૅશનલ રમતોમાં પણ તેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, સ્પ્રિન્ટ અને હર્ડલ ઇવેન્ટ્સમાં અનેક ગોલ્ડ મેડલ જીત્યા તથા વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં બ્રૉન્ઝ અને 2022 એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો.

2023માં જ્યોતિએ એશિયન ઇનડોર ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં 60 મીટર હર્ડલ્સમાં ગોલ્ડ અને એશિયન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો. આ સાથે એશિયાનાં ટોચનાં હર્ડલર તરીકે તેમની પ્રતિષ્ઠા મજબૂત થઈ. તેમણે 2025માં ગુમી ખાતે એશિયન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં 100 મીટર હર્ડલ્સમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો.

2014માં તેમણે પ્રતિષ્ઠિત અર્જુન ઍવૉર્ડ મેળવ્યો હતો.

ભારતમાં મહિલા ખેલાડીઓની સિદ્ધિઓનું સન્માન કરવા અને તેની ઉજવણી કરવા માટે 2019માં બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ શરૂ કરવામાં આવ્યો હતો. બૅડમિન્ટન ખેલાડી પીવી સિંધુને તેમાં વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં.

2020ની આવૃતિમાં વિશ્વ ચેસ ચૅમ્પિયન કોનેરુ હમ્પી વિજેતા રહ્યાં, જ્યારે વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ 2021 અને 2022ના ઍવૉર્ડ જીત્યા હતા. શૂટર મનુ ભાકરે 2024નો ઍવૉર્ડ જીત્યો હતો.

ઍથ્લીટ પીટી ઉષા અને અંજુ બૉબી જ્યૉર્જ, વેઇટલિફ્ટર કર્ણમ મલ્લેશ્વરી, હૉકી ખેલાડી પ્રીતમ સિવાચ અને ક્રિકેટર મિતાલી રાજ લાઇફટાઇમ ઍચિવમેન્ટ ઍવૉર્ડના અગાઉના વિજેતા રહી ચૂક્યાં છે.

ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ અને શૂટર અવની લેખરાને બીબીસી ઇન્ડિયન પેરાસ્પૉર્ટ્સવુમન ઍવૉર્ડ મળ્યો છે.

ક્રિકેટર શેફાલી વર્મા, શૂટર મનુ ભાકર અને તીરંદાજ શીતલદેવીને બીબીસી ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર ઍવૉર્ડ મળ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS