Home તાજા સમાચાર gujrati બીજી ગર્ભાવસ્થા મહિલાઓના મગજમાં ‘અનોખા’ પરિવર્તન લાવે છે, નવી શોધમાં શું ખુલાસો...

બીજી ગર્ભાવસ્થા મહિલાઓના મગજમાં ‘અનોખા’ પરિવર્તન લાવે છે, નવી શોધમાં શું ખુલાસો થયો?

13
0

Source : BBC NEWS

મહિલા, હેલ્થ, બીબીસી ગુજરાતી, ગર્ભવતી મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

એમ્સ્ટરડેમ યુનિવર્સિટી મેડિકલ સેન્ટર (યુએમસી)ના એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, બીજી પ્રેગ્નન્સી માતાના મગજ પર અસામાન્ય પ્રકારના ફેરફાર કરતી હોય છે, જે માતાઓને ધ્યાન અને એકાગ્રતા લાવવામાં મદદ કરી શકે છે.

સંશોધકોએ અગાઉ પણ શોધેલું છે કે મહિલાઓના મગજમાં તેમની પહેલી ગર્ભાવસ્થા દરમિયાન પણ ઘણા ફેરફારો થતા હોય છે.

જોકે, તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બીજી ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના મગજમાં ચોક્કસ ફેરફારો થાય છે, જે મહિલાઓમાં તેમના લક્ષ્યપ્રાપ્તિ માટે ચોક્કસ ધ્યાન કેળવવું અને સમયની સાથે કામની પ્રાથમિકતા પૂરું કરવા જેવી બાબતોનો વિકાસ કરે છે.

આ તારણોએ તે સમજવામાં પણ મદદ કરી શકે છે કે કેટલીક સ્ત્રીઓમાં માતૃત્વ સંબધિત માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ કેમ થાય છે.

મહિલા, હેલ્થ, બીબીસી ગુજરાતી, ગર્ભવતી મહિલા

મોટા ભાગની મહિલાઓ તેમના જીવનમાં ક્યારેક તો ગર્ભાવસ્થાનો અનુભવ કરે છે. 2023 સુધીમાં વૈશ્વિક સ્તરે પ્રતિ મહિલા સરેરાશ જન્મ દર 2.3 હતો

યુએમસીની પ્રેગ્નન્સી બ્રેન લેબના સંશોધકોએ અગાઉ શોધી કાઢ્યું હતું કે જ્યારે કોઈ મહિલા પહેલી વાર ગર્ભવતી થાય છે, ત્યારે તેમના મગજનો તે ભાગ, જે સ્વ-ચિંતન અને તેમનાં બાળકોની લાગણીઓને સમજવા માટે મહત્ત્વપૂર્ણ છે તે વિકસે છે, જે તેમને તેમની સંભાળ રાખવામાં મદદ કરે છે.

તાજેતરના અભ્યાસમાં તેમણે 110 મહિલાને સામેલ કરી હતી, કેટલીક મહિલાઓ પહેલી વાર માતા બની રહી હતી, અન્યને તેમનું બીજું બાળક થયું હતું અને ત્રીજા જૂથમાં નિઃસંતાન મહિલાઓ હતી.

મહિલાઓની ગર્ભાવસ્થા પહેલાં અને પછી લેવામાં આવેલા મગજના સ્કેનથી તેમાં ખરેખર શું બદલાયું છે, તે જોઈ શક્યા.

બીજી પ્રેગ્નન્સી ધરાવતી મહિલાના મગજમાં એકાગ્રતા પર નિયંત્રણ અને પોતાની ઇન્દ્રિયોની પ્રતિક્રિયા આપવા સંબંધિત મગજના નેટવર્કમાં ચોક્કસ ફેરફારો જોવા મળ્યા.

ડેટાનું વિશ્લેષણ કરતી વખતે સંશોધક મિલોઉ સ્ટ્રાથોફ જણાવે છે, “આ ફેરફારો એકથી વધુ બાળકોની સંભાળ રાખવા માટે ફાયદારૂપ હોય છે.”

આ અભ્યાસમાં ગર્ભપાત કરાવનાર મહિલાઓના મગજમાં થતા ફેરફારો વિશે કોઈ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો નથી, પરંતુ સંશોધકોનું કહેવું છે કે, પ્રાપ્ત ડેટા મુજબ પ્રેગ્નન્સીના અંતિમ તબક્કામાં મગજમાં મુખ્ય ફેરફારો થાય છે.”

માનસિક સ્વાસ્થ્ય પર અસર

મહિલા, હેલ્થ, બીબીસી ગુજરાતી, ગર્ભવતી મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

અભ્યાસમાં પ્રથમ અને બીજી ગર્ભાવસ્થામાં મગજમાં થતા ફેરફારો અને માતાના માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ વચ્ચે સંબંધ પણ જોવા મળ્યો.

વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ના જણાવ્યા મુજબ, વિશ્વભરમાં આશરે 10% સગર્ભા મહિલાઓ અને 13% મહિલાઓ જેમણે હમણાં જ બાળકને જન્મ આપ્યો છે તેઓ માનસિક વિકાર, મુખ્યત્વે ડિપ્રેશનનો અનુભવ કરતી હોય છે.

યુએમસીના અભ્યાસમાં જાણવા મળ્યું છે, મહિલાના મગજના ઉપરના ભાગ, એટલે કે સેરેબ્રમના બહારના પડમાં થતા માળખાકીય ફેરફારો, ‘પેરિપાર્ટમ ડિપ્રેશન’ ગર્ભાવસ્થા દરમિયાન અથવા સુવાવડ પછી આવતી માનસિક હતાશા સાથે જોડાયેલા છે.”

પહેલી વાર માતા બનેલી મહિલાઓ માટે, આ ફેરફારો બાળકને જન્મ આપ્યા પછી તેમના માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ સાથે સંકળાયેલા હતા.

પરંતુ બીજી વાર માતા બનનારી મહિલાઓ માટે તેમની ગર્ભાવસ્થા દરમિયાન તેમના માનસિક સ્વાસ્થ્ય સાથે વધુ મજબૂત રીતે જોડાયેલા હતા.

યુએમસીના પ્રેગ્નન્સી બ્રેઇન લેબના વડા એલ્સેલિન હોઇકઝેમા કહે છે કે, ” મગજ ફક્ત પ્રથમ ગર્ભાવસ્થા દરમિયાન જ નહીં, પણ બીજી ગર્ભાવસ્થાના સમયે પણ બદલાય છે.”

તેઓ ઉમેરે છે, “પહેલી અને બીજી ગર્ભાવસ્થા દરમિયાન, મગજ સમાન રીતે તેમજ અસામાન્ય બંને રીતે બદલાય છે. દરેક ગર્ભાવસ્થા મહિલાના મગજ પર એક અનોખી છાપ છોડી જાય છે.”

લેખકોનું કહેવું છે કે, જોકે આ વિષય પર હજુ વધુ સંશોધનની જરૂર છે, પરંતુ આ પરિણામો કેટલીક મહિલાઓમાં પ્રસૂતિ પછીનું ડિપ્રેશન કેવી રીતે અને શા માટે વિકસે છે તેની ઊંડી સમજ આપીને માતાઓની સંભાળમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે.

હોઇકઝેમા કહે છે, “એ મહત્ત્વનું છે કે, આપણે સમજ્યા છીએ કે કે મગજ માતૃત્વ માટે કેવી રીતે તૈયાર થાય છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS