Home તાજા સમાચાર gujrati બાઇકનું એન્જિન આખી રાત ચાલુ રહ્યું, ધુમાડાથી શ્વાસ રૂંધાઈ ગયો અને જોડિયાં...

બાઇકનું એન્જિન આખી રાત ચાલુ રહ્યું, ધુમાડાથી શ્વાસ રૂંધાઈ ગયો અને જોડિયાં દીકરીઓ સહિત ચાર લોકોનાં મોત

6
0

Source : BBC NEWS

રેવતી, જેમણે જોડિયા બાળકો સહિત ત્રણ બાળકો ગુમાવ્યા

(નોંધ: આ લેખનો કેટલોક ભાગ તમને વિચલિત કરી શકે છે.)

મુરલીએ અત્યંત ભાવુક થઈને કહ્યું, “થોડા દિવસો પછી તો મારો દીકરો અમને ખવડાવતો થઈ ગયો હોત, મારો આવો દીકરો જતો રહ્યો. બંને જોડિયા દીકરીઓ પણ ગુજરી ગઈ, તેમની સાથે મારા પિતાનું પણ મૃત્યુ થયું. મને ખ્યાલ ન હતો કે મેં તેમને ઘરે રાખ્યા છે, જો મને ખબર હોત, તો અત્યારે મેં મારાં બાળકોને ગુમાવ્યાં ન હોત” .

આંધ્રપ્રદેશના અન્નમય જિલ્લાના પુંગનુરના રહેવાસી મુરલીએ પોતાના પિતા અને ત્રણ બાળકો ત્યારે ગુમાવ્યા જ્યારે મુરલીની બાઇક આખી રાત તેમના ઘરે ચાલુ રહી ગઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, પુંગનુરના થ્યાગરાજનગરમાં એક ઘરમાં રાતે ચાલુ રહી ગયેલી મોટરસાઇકલમાંથી નીકળતા ધુમાડાને કારણે એક જ રૂમમાં સૂતા એક વૃદ્ધ વ્યક્તિ સહિત ત્રણ બાળકોના શ્વાસ રૂંધાવાને કારણે મૃત્યુ થયાં હોવાનું સામે આવ્યું છે.

મુરલી થ્યાગરાજનગરમાં રહે છે, તેમની એક દુકાન છે, જેમાં તેમણે વાળંદ તરીકે કામ કરે છે.

મુરલી પોતાની જૂની મોટરસાઇકલને રિપેર માટે તેમના જ વિસ્તારના એક મિકેનિક પાસે લઈ ગયા હતા.

મિકેનિકે, મોટરસાઇકલ રિપેર કર્યા બાદ મુરલીને મોટરસાઇકલને આખી રાત ચાલુ રાખવાની સલાહ આપેલી, તેથી મુરલીએ બાઇક પોતાના ઘરે ચાલુ રાખીને મૂકી દીધી.

મુરલી અને તેમનાં પત્ની, જેમણે બાઇક નીચેના રૂમમાં ચાલુ કરીને છોડી દીધી, તેઓ ઉપરના રૂમમાં સૂતાં હતાં, જ્યારે મુરલીનો પુત્ર, બે પુત્રીઓ અને તેમના પિતા રામચંદ્ર બાઇક જ્યાં હતી તે રૂમમાં સૂતાં હતાં.

બાઇકમાંથી નીકળતા ધુમાડાથી નીચે સ્થિત આખો રૂમ ભરાઈ ગયો, આનાથી બચવાનો કોઈ રસ્તો નહોતો, જેના કારણે 70 વર્ષીય રામચંદ્ર સહિત ત્રણ બાળકોનાં મોત થયાં.

બીબીસીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

એક નાનકડા ઓરડામાં જ થઈ ગઈ ત્રણ મોત

મુરલીનું ઘર

જ્યારે બીબીસીની ટીમ પુંગનૂરના થ્યાગરાજનગર પહોંચી, ત્યારે દુર્ઘટનાનું કારણ બનેલી મોટરસાયકલ ઘરની સામે જ પાર્ક કરેલી હતી.

આ એક જૂનું મકાન છે. તેમાં ઘરની સામે એક નાનો દરવાજો હતો. અંદર જાઓ તો એક નાનો ઓટલો આવે, થોડે આગળ જાઓ તો દરવાજાની પેલે પાર બીજો એક નાનો ઓટલો હતો. તે રાત્રે ત્યાં બાઇક પાર્ક કરેલી હતી. ડાબી બાજુ એક રસોડું છે, તેમાં એક નાની બારી પણ હતી.

તેમાં વધુ અંદર જતાં, તો એક નાનો વરંડો આવે અને પછી છેડે બીજો એક નાનો રૂમ છે. તે રૂમમાં જ ચારેય લોકોનાં મોત થયાં હતાં.

મુરલી

મુરલીનો દીકરો કાર્તિક 16 વર્ષનો હતો, અને તેની બે દીકરીઓ ચરાણી અને ચંદુ જોડિયાં હતી. તેમની ઉંમર સાત વર્ષની હતી.

મુરલીએ કહ્યું, જો તેમણે બાઇક ઘરની બહાર છોડી દીધી હોત, તો તે ચોરાઈ જવાના ભય વચ્ચે તેમણે ઘરમાં મૂકી, પરંતુ તેમને કોઈ અંદાજો ન હતો કે આનું પરિણામ આટલી મોટી ગોજારી ઘટનામાં પરિણમશે.

મુરલીએ કહ્યું, “સવારે જ્યારે અમે વારંવાર ફોન કરવા છતાં ય ઘરના સભ્યોએ દરવાજો ન ખોલ્યો, ત્યારે અમે દરવાજો તોડીને અંદર ગયા તો જોયું ચાર લોકો મૃત હાલતમાં હતા.”

મુરલીએ કહ્યું હતું “મેં બાઇક રિપેર કરાવીને ઘરે મૂકી ત્યારે, મોટરસાયકલ બહાર મૂકીશ તો ચોરાઈ જશે તેવું વિચારીને મેં બાઇક અમારા રૂમમાં જ મૂકી દીધી જોકે, અમે રોજ તે જ રૂમમાં સૂઈએ છીએ. પરંતુ તે રાત્રે મોટરસાયકલના અવાજને કારણે હું અને મારાં પત્ની ઉપરના માળે નાના રૂમમાં સૂઈ ગયાં હતાં.”

મુરલીએ કહ્યું, “મારી બે દીકરીઓ અને દીકરો સહિત મારા પિતા તે રૂમમાં સૂઈ રહ્યાં હતાં. મારો દીકરો આઠમા ધોરણમાં ભણતો હતો.”

“બંને દીકરીઓ જોડિયાં હતી, તેમની ઉંમર સાત વર્ષની હતી. તેઓ બીજા ધોરણમાં અભ્યાસ કરી રહી હતી, તેમની સાથે મારા 70 વર્ષીય પિતા રામચંદ્રનું પણ અવસાન થયું.”

“હવે અમારાં ચાર સંતાનોમાંથી ફક્ત એક જ સંતાન હયાત છે”

કલાવતી

આ ઘટનાનો ભોગ બનેલાં બાળકોનાં માતા રેવતી રડી પડ્યાં હતાં, તેમણે કહ્યું, તેમનાં ચાર બાળકોમાંથી હવે તેમનું ફક્ત એક જ સંતાન જીવિત છે.

રેવતીએ કહ્યું, “તેમણે કહ્યું કે, તેઓ આખી રાત બાઇકને ચાલુ રાખવા માંગે છે. તો આ બાઇક ઘરે લઈ આવ્યા અને ચાલુ કરી દીધી.”

રેવતીનું કહેવું છે, “અમારાં બાળકો ઘરે સૂતાં હતાં. અમે સવારે 4 વાગ્યે ઊઠયા ત્યારે દરવાજો ઘણીવાર ખખડાવ્યા પછી પણ દરવાજો ખૂલ્યો નહીં. જેથી અમે દરવાજો તોડ્યો, ત્યારે અમને મારાં બાળકો મૃત હાલતમાં મળ્યાં.”

રેવતીએ આગળ વાત કરતાં જણાવ્યું, “મારી મોટી દીકરી મારાં મમ્મીના ઘરે ગઈ હતી, તેથી તે બચી ગઈ હવે અમારી પાસે આ એક જ બાળક હયાત છે.”

“ગાડીના અવાજને કારણે જ્યારે અમે છત પર સૂઈ રહ્યા હતા ત્યારે, આ ઘટના વહેલી સવારે બની.”

દાદી કલાવતીનું કહેવું છે, “હું સૌથી મોટી દીકરીને મારી સાથે લઈ ગઈ, તેથી તે બચી ગઈ.”

તેમનું કહેવું છે, “અમે બીજા ગામમાં રહીએ છીએ, પણ હું સૌથી મોટી દીકરીને મારા ગામમાં લઈ ગઈ હતી. સવારે જ્યારે મને આ વાતની ખબર પડી અને અમે આવ્યા, ત્યારે આખા ઘરમાંથી દુર્ગંધ આવી રહી હતી.”

“બાળકો બહાર મૃત હાલતમાં પડ્યા હતા. સૌથી મોટી દીકરી તે સમયે મારી સાથે હતી, તેથી તે બચી ગઈ.”

અમારી તપાસ ચાલુ છે : પોલીસ

સીઆઈ સુબ્બારાયડુ

પુંગનુર સીઆઈ સુબ્બારાયુડુએ બીબીસીને જણાવ્યું, આ એક ભયાનક દુર્ઘટના હતી.

તેમણે કહ્યું, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

સુબ્બારાયડુએ જણાવ્યું, “ઘટનાની જાણ થતાં જ અમે સ્થળે પહોંચીને નિરીક્ષણ કર્યું હતું. અમે ચારેય મૃતદેહોને પુંગનુર સરકારી હૉસ્પિટલમાં મોકલ્યા હતા અને પોસ્ટમોર્ટમ પછી પરિવારને સોંપી દીધા.”

“ઉપરાંત, અમે કેટલાક અંગો અનંતપુરની આરએફએસએલ લૅબમાં મોકલીશું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા પછી અમે આ સંદર્ભે આગળની કાર્યવાહી કરીશું.”

તેમણે કહ્યું કે, મુરલીનાં પત્ની રેવતીની ફરિયાદના આધારે આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે “ગૂંગળામણને કારણે કૃત્રિમ મૃત્યુ” તરીકે કેસ નોંધવવામાં આવ્યો છે.

સુબ્બારાયડુએ કહ્યું, “મોટરસાયકલ રિપેર કરનાર મિકેનિક અને સાક્ષીઓની પૂછપરછ કર્યા પછી, અમે કોઈ અભિપ્રાય પર આવીશું.”

મિકેનિક શું કહે છે?

બીબીસીએ મુરલીનું બાઇક રિપેર કરનાર મિકેનિકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, જેથી મુરલીને આખી રાત એન્જિન ચાલુ રાખવાનું કેમ કહેવામાં આવ્યું તે જાણી શકાય.

મિકેનિકની દુકાન ખુલ્લી હોવા છતાં, તે ત્યાં નહોતો.

બીબીસીએ તેમનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો.

મિકેનિકે સ્પષ્ટતા કરી હતી, “મેં તેમને આખી રાત બાઇક ચાલુ રાખવાનું કહ્યું નહોતું.”

મિકેનિકે કહ્યું, “મેં તેમને વાહન ચાલુ રાખવાનું કહ્યું નહોતું. મેં તેમને ફક્ત બે કલાક માટે ચાલુ રાખવાનું કહીને બાઇક સોંપી દીધું હતું.”

“મેં તેમને થોડા દિવસો માટે ફક્ત નજીકના વિસ્તારમાં જ વાહન ચલાવવાનું કહ્યું હતું. પરંતુ તે હજુ પણ ઘણા મિકેનિકોની સલાહ લે છે, તેથી મને ખબર નથી કે તેમણે આખી રાત વાહન ચાલુ રાખવા માટે કોની સલાહ લીધી.”

શું મોટરબાઇકથી નીકળતો ધુમાડો આટલો ખતરનાક છે?

મુરલી બાઈક

તિરુપતિ રુઇયા હૉસ્પિટલના પલ્મોનોલૉજિસ્ટ ડૉ. સુબ્બારાવને બીબીસીએ ‘શું લોકો ચાલતી મોટરબાઇકના ધુમાડાને શ્વાસમાં લેવાથી મૃત્યુ પામી શકે’ તે બાબતે પૂછ્યું હતું.

ડૉ. સુબ્બારાવનું કહેવું છે, “જો ધુમાડાવાળા રૂમમાં ભેજ હોય, તો કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે. કારણ કે, તેઓ ઊંઘતા હતા, તે ધીમે ધીમે હિમોગ્લોબિન પર અસર કરે છે અને તેમને શ્વાસ લેવામાં તકલીફ ઊભી કરે છે. અને શરીરને લકવાગ્રસ્ત કરે છે.”

ડૉ. સુબ્બારાવનું કહેવું છે, “જે લોકો ધુમાડો શ્વાસમાં લેતા હોય છે તેઓ કોમામાં જઈ શકે છે. રૂમ બંધ હોવાથી, નાઇટ્રોજન, પાણીની વરાળ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને હાઇડ્રોકાર્બન રૂમમાં હોય છે. આમ બધા ભેગા થઈને કાર્બન મોનોક્સાઇડ બને છે.”

તેઓનું કહેવું છે, “આ કાર્બન મોનોક્સાઇડ શ્વાસમાં આવવાને કારણે, તે હિમોગ્લોબિનમાં પ્રવેશી જાય છે. તે રૂમમાં ઑક્સિજનનું સ્તર પણ ઘટી ગયું હશે. બંધ રૂમમાં આ બધું ફેલાતું હોવાથી તે ચારેય મૃત્યુ પામ્યા હોય શકે છે.”

જો કે, પોલીસનું કહેવું છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.

કઈ સાવચેતી રાખવી જોઈએ?

સુબ્બારાવે જણાવ્યું, “ઘરમાં રહેલાં બધાં ગૅસ ઉપકરણો, ફ્રિજ, ઓવન અને હીટરમાં પૂરતું વેન્ટિલેશન હોય તેની ખાતરી કરવી મહત્ત્વપૂર્ણ છે.”

“તેમાંથી ઉત્પન્ન થતા વાયુઓ સરળતાથી બહાર નીકળી શકે તેવો રસ્તો હોવો જોઈએ. જો આ બધાને બંધ રૂમમાં રાખવામાં આવે તો અકસ્માત થવાની સંભાવના વધે છે.”

ડૉ. સુબ્બારાવે સમજાવ્યું, “કોઈપણ વિદ્યુત ઉપકરણનો ઉપયોગ કરતી વખતે વેન્ટિલેશન હોવું જરૂરી છે. બેટરીઓ ઘરની અંદર ન રાખવી જોઈએ.”

“આ બધા ખતરનાક વાયુઓનું ઉત્સર્જન કરે છે. જો પૂરતું વેન્ટિલેશન હોય, તો આવા અકસ્માતો અટકાવી શકાય છે.”

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

SOURCE : BBC NEWS