Source : BBC NEWS
ઇમેજ સ્રોત, @bdbnp78
બાંગ્લાદેશમાં થયેલા પાછલી ચાર સામાન્ય ચૂંટણીમાં પરિણામ જાહેર થયા બાદ જીતનારી પાર્ટીને શુભકામના પાઠવવા મામલે ભારતીય વડા પ્રધાન અન્ય વિદેશી નેતાઓ કરતાં આગળ રહ્યા.
પછી ભલે નવી દિલ્હીમાં મનમોહનસિંહ સત્તામાં રહ્યા હોય કે નરેન્દ્ર મોદી, આ સિલસિલો અપવાદ વગર જળવાઈ રહ્યો છે.
13 ફેબ્રુઆરીની સવારે આ પરંપરાનું ફરી એક વાર પાલન કરાયું, પરંતુ આ વખતે બાંગ્લાદેશમાં રાજકીય સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યાં છે.
બાંગ્લાદેશના ભાવિ વડા પ્રધાનનું નામ બદલાઈ ચૂક્યું હતું. સતત ચાર વખત ચૂંટણીમાં જીત બાદ શેખ હસીનાની નેતૃત્વવાળી આવામી લીગે આ વખતની ચૂંટણીમાં ભાગ જ ન લીધો.
13 ફેબ્રુઆરીના રોજ સવારે નવ વાગ્યાની આસપાસ નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશ નૅશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ને ચૂંટણીમાં સરસાઈ મળ્યા બાદ અભિનંદન પાઠવતી એક પોસ્ટ કરી.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું, “આ જીત બાંગ્લાદેશની જનતાએ તમારા નેતૃત્વ પર વ્યક્ત કરેલા વિશ્વાસને દેખાડે છે.”
લગભગ અડધા કલાક બાદ આ જ મૅસેજ બંગાળીમાં પણ પોસ્ટ કરાયો, જેથી આખા બાંગ્લાદેશમાં આની ગૂંજ સંભળાઈ.
બાંગ્લાદેશની ચૂંટણી કેવી રીતે થઈ
ઇમેજ સ્રોત, Getty Images
આ સંદેશો એક એવા રાજનેતા માટે હતો, જેમને ભારત તરફથી લાંબા સમયથી કોઈ ખાસ ભાવ નહોતો અપાતો. આ અભિનંદનના સ્વીકાર છતાં આને એક કૂટનીતિક યુ-ટર્ન તરીકે જોઈ શકાય છે.
ભારતમાં ઑબ્ઝર્વર આ આકલન સાથે સંમત થાય છે. બાંગ્લાદેશની હાલની રાજકીય સ્થિતિને જોતાં બીએનપીની મજબૂત સરકાર હાલ ભારત માટે સૌથી વ્યવહારિક વ્યૂહરચનાત્મક વિકલ્પ છે. તેમનું માનવું છે કે આ વિચાર દિલ્હીના વલણમાં બદલાવનો આધાર છે.
ઘણા લોકો એવો પણ અનુમાન લગાવી રહ્યા છે કે હાલમાં સંબંધોની આ ઉષ્માનું કારણ તારિક રહમાનના નેતૃત્વવાળી સરકારે દ્વિપક્ષીય સંબંધો અંગે અપાયેલાં વિશેષ આશ્વાસન પણ છે.
બીએનપીના પાછલા કાર્યકાળોમાં ભલે ગમે એ ઉતાર-ચઢાવ રહ્યા હોય, હવે ભારત જૂના મતભેદો પર ધ્યાન આપ્યા વગર આગળ વધવા તૈયાર દેખાઈ રહ્યો છે. પીએમ મોદીના મૅસેજથી આવો પણ સંકેત મળે છે.
જોકે, ભારતની તરફથી એવો પણ સંકેત અપાઈ રહ્યો છે કે બાંગ્લાદેશની નવી સરકાર સાથે વાતચીત ખાસ મુદ્દા પર આધારિત હશે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે એક દિવસ પહેલાં પોતાના નિવેદનમાં આ વાત સ્પષ્ટ કરી દીધી હતી.
સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ ફરી એક વાર કહ્યું કે બાંગ્લાદેશમાં કોઈ પણ સરકાર સાથે સંબંધ બાંગ્લાદેશમાં હિંદુઓ પર કથિત હુમલાની ચિંતાઓથી અલગ નથી રહી શકતા.
તેમ છતાં એ વાતમાં કોઈ શંકા નથી કે ભારત, બાંગ્લાદેશની વચગાળાની સરકારના અંત અને ચૂંટાયેલી રાજકીય સરકારના પુનરાગમનનું સ્વાગત કરે છે.
જ્યારે 2014માં મોદીની આગેવાનીમાં ભાજપે પ્રથમ વખત બહુમત હાંસલ કર્યું હતું, ત્યારે બીએનપીના કાર્યવાહક અધ્યક્ષ તારિક રહમાન લંડનમાં નિર્વાસનમાં રહી રહ્યા હતા.
ભાજપ અને બીએનપી બંને વ્યાપકપણે મધ્ય-દક્ષિણપંથી, રાષ્ટ્રવાદી વિચારધારા સાથે સંકળાયેલાં પક્ષો હોવાને કારણે, એવું મનાય છે કે તેમને સ્વાભાવિક રાજકીય જોડાણની આશા હતી.
ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસ ઐતિહાસિકપણે અવામી લીગ સાથે નિકટ રહી છે. તેમના સત્તામાં આવ્યા બાદ એવી આશા સ્વાભાવિકપણે પણ મહેસૂસ થઈ.
નવી સરકાર સાથે સંબંધ સુધારવાના પ્રયાસો અંતર્ગત રહમાન તરફથી પીએમ મોદીને ભેટ મોકલાઈ.
જેને ભાજપના નેતા વિજય જૉલીએ દિલ્હી પહોંચાડી. એ બાદ અનૌપચારિકપણે પણ ઘણી વાર સંપર્ક સધાયા.
પરંતુ આ પ્રયાસો સફળ ન થયા. ઓછામાં ઓછા જાહેરમાં તો નહીં. દિલ્હીના કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે ભારતીય ગુપ્તચર એજન્સીઓએ આ મામલામાં સાવધાની રાખવાની સલાહ આપી હતી.
ઢાકામાં પૂર્વ ભારતીય ઉચ્ચાયુક્ત પિનાક રંજન ચક્રવર્તી એક અલગ દૃષ્ટિકોણ રજૂ કરે છે, “વડાં પ્રધાન હસીના અમારા અને બીએનપીના કોઈ પણ જાતના સંપર્ક અંગે અત્યંત સંવેદનશીલ હતાં. આ સંવેદનશીલતા એક મહત્ત્વપૂર્ણ કારણ હતી.”
આ દરમિયાન બીએનપીનાં અધ્યક્ષ ખાલિદા ઝિયાનું સ્વાસ્થ્ય કથળતું જઈ રહ્યું હતું અને પાર્ટીની કમાન ધીરે ધીરે રહમાનના હાથમાં જઈ રહી હતી. ઔપચારિક સંપર્ક સીમિત હોવાને કારણે ભારતે થિંક ટૅન્ક, નિવૃત્ત રાજદ્વારીઓ અને સુરક્ષા અધિકારીઓ મારફતે કહેવાતી ‘ટ્રૅક ટૂ’ ચૅનલ જાળવી રાખી.
રંજન ચક્રવર્તી દિલ્હી અને બૅંકૉકમાં પણ આવી બેઠકોમાં ભાગ લીધા અંગે વાત કરે છે.
પાંચ ઑગસ્ટ 2024 બાદ બાંગ્લાદેશની સ્થિતિ બદલાઈ
ઇમેજ સ્રોત, Getty Images
પાંચ ઑગસ્ટ 2024ના રોજ બાંગ્લાદેશમાં થયેલા નાટકીય રાજકીય પરિવર્તને દિલ્હીનાં રાજકીય સમીકરણોને સંપૂર્ણપણે બદલી નાખ્યાં.
અવામી લીગની ગેરહાજરીમાં બીએનપી સ્પષ્ટપણે ભારતની પ્રથમ પસંદ બની ગઈ.
રંજન ચક્રવર્તી વર્ષ 2008થી ઢાકામાં ભારતના ઉચ્ચાયુક્ત હતા. ત્યારે સૈન્ય સમર્થિત કાર્વયાહક સરકારે રહમાનને લંડન જવા માટે મજબૂર કર્યા હતા. તેમને 2001-2006ના બીએનપી કાર્યકાલ દરમિયાન રહમાન પર લાગેલા આરોપ યાદ છે.
ચક્રવર્તી કહે છે કે, “બ્રિટનમાં 17 વર્ષ કરતાં વધુ સમય વિતાવ્યા બાદ, તેમનામાં કેટલો બદલાવ આવ્યો છે, તેનું આકલન કરવું મુશ્કેલ છે. પરંતુ જો ભારત હવે ખૂલીને સંપર્ક સાધી રહ્યું છે, વડા પ્રધાનના પત્ર, જાહેર શુભેચ્છા વગેરેથી તો એવું માની શકાય કે કેટલાંક ઉચિત આશ્વાસન મળ્યાં છે.”
એ આશ્વાસનોનો અર્થ શો છે, એ અંગે હાલ માત્ર અનુમાન કરી શકાય છે. પરંતુ દિલ્હીમાં ઘણા લોકોનું માનવું છે કે બીએનપીની તરફથી જાહેરમાં ભારતવિરોધી નિવેદનબાજીની સ્થિતિમાં પરત ફરવાની આશંકા નથી.
પાર્ટી પોતાની વિદેશનીતિને ‘બાંગ્લાદેશ ફર્સ્ટ’ સ્વરૂપે રજૂ કરે છે. પરંતુ રહમાન હાલનાં ભાષણોમાં ભારત પર સીધા અને કડવાશભર્યા હુમલા કરવાથી દૂર રહ્યા છે. તેને ભારત હકારાત્મક વલણ તરીકે જુએ છે.
દિલ્હીસ્થિતિ મનોહર પર્રિકર ઇન્સ્ટિટ્યૂટ ફૉર ડિફેન્સ સ્ટડીઝ ઍન્ડ ઍનાલિસિસનાં ફેલો સ્મૃતિ પટનાયક વધુ એક કારણ જણાવે છે.
તેઓ કહે છે કે, “ભાવિ બીએનપી સરકાર શેખ હસીનાના ભારતમાંથી પ્રત્યર્પણની માગને કદાચ વધુ આક્રમકપણે આગળ ન વધારે.”
તેઓ કહે છે કે, “મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે આને એક મોટો મુદ્દો બનાવવાની કોશિશ કરી હતી. બીએનપી કદાચ નિવેદનબાજી તરીકે આ માગ ઉઠાવતી રહે, પરંતુ તેઓ આને દિલ્હી સાથેની વ્યાપક વાતચીતમાં અવરોધ બનવા નહીં દે.”
બાંગ્લાદેશમાં લઘુમતીઓનો શું સવાલ છે?
ઇમેજ સ્રોત, Getty Images
ગત 18 મહિનામાં ભારતે બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ કથિત હિંસા અંગે વારંવાર ચિંતા વ્યક્ત કરી છે.
આ મુદ્દો વચગાળાની સરકાર સાથે સંબંદોમાં તણાવનું કારણ બની રહ્યું. બાંગ્લાદેશે આ દાવાને મોટો કરીને રજૂ કરાયો કે રાજકીય રીતે પ્રેરિત ગણાવીને ખારિજ કરી દીધ, પરંતુ ભારત પોતાના વલણ પર અડગ રહ્યું.
બીએનપીની સરકાર લઘુમતીઓની સુરક્ષાના મુદ્દાને કેવી રીતે સંભાળે છે, એ મહત્ત્વપૂર્ણ હશે.
પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રવક્તા દેબજિત સરકાર કહે છે કે બાંગ્લાદેશમાં સત્તાધારી પાર્ટી કરતાં વધુ પાયાની હકીકતમાં સુધારો વધુ મહત્ત્વપૂર્ણ રહે છે.
હાલની ઘટનાઓનો હવાલો આપતાં તેઓ કહે છે કે, “અમારા અનુભવથી ખબર પડે છે કે હિંદુઓ પર હુમલા બંધ નથી થાતા, પછી ભલે સત્તા અવામી લીગની હોય કે બીએનપીની.”
નવી સરકાર પાસેથી વધુ માનવીય અભિગમની આશા વ્યક્ત કરતા તેઓ નક્કર બદલાવ અંગે શંકામાં જ છે.
પશ્ચિમ બંગાળના અમુક વિશ્લેષકોનું માનવું છે કે મતદારો વચ્ચે આ મુદ્દાની પ્રાસંગિકતાને જોતા, આ ઓછામાં ઓછું રાજ્યમાં વિધાનસભાની આગામી ચૂંટણીની સમાપ્તિ સુધી રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ બની રહેશે.
જોકે, ભલે ક્ષેત્રીય નિવેદનબાજી ગમે એવી હોય, પરંતુ નવી દિલ્હીમાં માહોલ ખૂબ વધુ હકારાત્મક છે. ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે બાંગ્લાદેશના નવા વડા પ્રધાનનું ઊષ્માભેર સ્વાગત કર્યું છે.
આનો તર્ક સીધો છે. બાંગ્લાદેશની હાલની રાજકીય સ્થિતિમાં તારિક રહમાન ભારત માટે સારો વિકલ્પ છે – અને કદાચ એકમાત્ર પણ ખરા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



