Source : BBC NEWS

ઇમેજ સ્રોત, @HardeepSPuri
મે-1998માં ભારત ‘ઑપરેશન શક્તિ’ દ્વારા પાંચ પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યાં. પ્રથમ તબક્કામાં 11મી મેના ત્રણ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા, જ્યારે 13મી મેના રોજ વધુ બે પરીક્ષણ કરવામાં આવ્યાં.
આમ તો 1974માં ભારતે ‘ઑપરેશન સ્માઇલિંગ બુદ્ધા’ દ્વારા પોતાની ક્ષમતા અને આકાંક્ષાનો પરિચય વિશ્વને કરાવી દીધો હતો, પરંતુ 1998નાં પરીક્ષણ અગાઉ કરતાં અલગ હતાં.
તત્કાલીન ભાજપ સરકારને આ વિસ્ફોટોનું શ્રેય આપવામાં આવે છે, પરંતુ ખુદ વાજપેયીના કહેવા પ્રમાણે, ‘વાસ્તવિક જનક’ તો અન્ય એક રાજપુરુષ હતા.
આ પરીક્ષણો સીઆઈએ માટે શરમજનક હતા, કારણ કે તેના વિશે તેમને કોઈ અંદાજ ન હતો. શીતયુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું અને સોવિયેટ સંઘના વિઘટન બાદ અમેરિકા જ જગતનું એકમાત્ર ‘શક્તિકેન્દ્ર’ હતું.
માત્ર બે મહિના પહેલાં આવેલી સરકારે પરીક્ષણ કરી દેખાડ્યાં હતાં. 1998માં યુએસની ગુપ્તચર સંસ્થાઓની ભારતની ઉપર નજર તો હતી, પરંતુ અમુક યુક્તિઓને કારણે આ વખતે ભારત તેમને થાપ આપવામાં સફળ રહ્યું હતું.
અમેરિકાના રાજકારણીઓ અને મીડિયાએ પણ ગુપ્તચર સંસ્થાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. ખુદ સીઆઈએના વડાએ કહ્યું કે ‘એ ઘટનાને હું ક્યારેય ભૂલી નહીં શકું.’
ભારત દ્વારા 1998થી દર વર્ષે 11મી મેના દિવસને ‘નૅશનલ ટૅકનૉલૉજી ડે’ તરીકે ઊજવવામાં આવે છે, ‘જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન’નો નારો આપવામાં આવ્યો.
ઊંઘતું ઝડપાયું અમેરિકા

ઇમેજ સ્રોત, Harper Collins
‘વૉશિંગ્ટન પોસ્ટ’એ અનેક સૂત્રો દાવો કર્યો હતો કે “રવિવારની અડધી રાત્રે અમેરિકાના ઉપગ્રહોએ ‘એકદમ સ્પષ્ટ’ હિલચાલ નોંધી હતી. પરીક્ષણને હજુ છએક કલાકનો સમય હતો. છતાં સીઆઈએ દ્વારા ચેતવણી આપવામાં આવી ન હતી, કારણ કે અમેરિકાના અણુ કાર્યક્રમ માટે જવાબદાર ઍનાલિસ્ટોને અપેક્ષા ન હતી કે ભારત દ્વારા પરીક્ષણ કરવામાં આવશે, એટલે તેઓ ઍલર્ટ પર ન હતા.”
એક અધિકારીને ટાંકતા અખબારે લખ્યું કે તસવીરો આવી ગઈ હતી, પરંતુ ઍનાલિસ્ટો તેમના ઘરે ઊંઘી રહ્યા હતા. પરિણામસ્વરૂપે વિસ્ફટો થયા નહીં અને ભારતના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના સાર્વજનિક સ્વીકરણ અંગે ન્યૂઝ સેવાઓએ અહેવાલ ન આપ્યા, ત્યાં સુધી રાષ્ટ્રપતિ ક્લિન્ટન તથા વ્હાઇટ હાઉસના ઉચ્ચઅધિકારીઓને જાણ ન થઈ.
જ્યારે વ્હાઇટ હાઉસ દ્વારા સીઆઈએ પાસે આના વિશે જવાબ માગવામાં આવ્યો, ત્યારે તેમની પાસે કોઈ માહિતી ન હતી.
અમેરિકાના અન્ય એક અખબાર ‘ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સ’એ એક અધિકારીને ટાંકતા લખ્યું, ‘ભારતે માત્ર સીઆઈએને જ નહીં, પરંતુ સમગ્ર અમેરિકાના તંત્રને મૂર્ખ બનાવ્યું. હું એ સ્વીકારનાર પહેલો છું કે તેમણે મને પણ મૂર્ખ બનાવ્યો. અમને લાગતું હતું કે ભારત અણુ કાર્યક્રમ પર આગળ નહીં વધે. અમે ભૂલ કરી બેઠા.”
અમેરિકાની ગુપ્તચર કમિટીના વડા રિચાર્ડ સેલ્બીએ સમગ્ર ઘટનાક્રમને “બહુ મોટી નિષ્ફળતા” અને “અમેરિકાના ગુપ્તચરતંત્રની દાયકાની સૌથી નિષ્ફળતા” જેવા શબ્દો દ્વારા વખોડી કાઢી હતી. જોકે, તત્કાલીન રાષ્ટ્રપતિ ક્લિન્ટને ટેનટના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
‘વાજપેયી : ધ યર્સ ધૅટ ચૅન્જડ્ ઇન્ડિયા’માં ‘ધ ગ્રાઉન્ડ મૂવ્ઝ’ પ્રકરણમાં તત્કાલીન વડા પ્રધાનના અંગતસચિવ શક્તિ સિંહા (પૃષ્ઠ ક્રમાંક 109) લખે છે : “અમુક વર્ષો પછી હું યુએસમાં રહેતો હતો, એના આધારે ખાતરીપૂર્વક કહી શકું કે વાજપેયી (અણુ) પરીક્ષણ કરશે કે નહીં તેના વિશે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. એમનો નિષ્કર્ષ હતો કે ભારત પરીક્ષણ નહીં કરે, જે તેમના પક્ષે ખામીભરેલું આકલનુ હતું.”
“પોખરણ રેન્જમાં થઈ રહેલી હિલચાલને અમેરિકાના સેટેલાઇટ પકડી શક્યા ન હતા, જે (તેમને) ગુસ્સો અપાવનારી વધુ એક બાબત હતી. ફરી એક વખત હું ખાતરીપૂર્વક કહી શકું કે તે સેટેલાઇટે તસવીરો લીધી હતી. એ સમયે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપલબ્ધ ન હતું. એટલે વ્યક્તિએ તસવીરોનું જાતે વિશ્લેષણ કરીને જમીન ઉપર થયેલા ફેરફારો ચકાસવા પડતા હતા. યાદ રાખવું રહ્યું કે સેલફોનનો પણ શરૂઆતનો સમય હતો અને એ દિવસોમાં ઇન્ટરનેટની સ્પીડ કિલોબાઇટ્સમાં હતી.”
વિસ્ફોટો બાદ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, સંરક્ષણમંત્રી જ્યોર્જ ફર્નાન્ડીઝ, અણુ કાર્યક્રમના ‘માનસપિતા’ એપીજે અબ્દુલ કલામ વગેરેએ ઘટનાસ્થળે જઈને જાતનિરીક્ષણ કર્યું હતું. તેનો એક ઉદ્દેશ એ પણ હતો કે વિકિરણના ભયની અટકળોને વિરામ આપવો.
‘દેખાડવા અને છુપાવવાની કળા’

ઇમેજ સ્રોત, Getty Images
અણુ પરીક્ષણ વખતે ભારતની ગુપ્તચરસંસ્થા રિસર્ચ ઍન્ડ ઍનાલિસીસ વિંગમાં ઉચ્ચપદે તહેનાત વિક્રમ સૂદે તેમના પુસ્તકમાં (Unending Game: A Former R&AW Chief’s Insights into Espionage) સીઆઈએની નિષ્ફળતાનો ઉલ્લેખ કર્યો છે.
તેઓ લખે છે : “અમેરિકાના તત્કાલીન રાજદૂત ફ્રેન્ક જી. વાઇસનરે ભારતના તત્કાલીન મુખ્ય સચિવ અમરનાથ વર્મા સાથે મુલાકાત કરી હતી અને પોખરણની કેટલીક તસવીરો દેખાડી હતી. જેના વિશ્લેષણ દ્વારા અમેરિકાના ઉપગ્રહો ક્યારે પોખરણ પરથી પસાર થાય છે અને કેવી રીતે નજર રાખે છે તેના વિશેનું અનુમાન કરી શકાયું હતું. તેમણે જરૂર કરતાં વધુ દેખાડી દીધું હતું.”
“આના પછી જાસૂસીની દુનિયાની જૂની તરકીબો કામે લાગી હતી – ‘ઇરાદાઓને છુપાવો, ધ્યાન બીજે ભટકાવો અને ગુપ્તતા જાળવો. જેટલું દેખાડવાનું હોય, જ્યારે અને જેટલું દેખાડવાનું હોય, ત્યારે અને એટલું દેખાડો અને બીજું છુપાવો.’ દરરોજ અમેરિકાના સેટેલાઇટ પસાર થઈ જાય તે પછી કામગીરી હાથ ધરવામાં આવતી હતી અને કોઈપણ જાતના પુરાવા રાખ્યા વગર દરરોજ રાત્રે કામ ચાલતું રહ્યું.”
આગળ જતાં વાજપેયી સરકારમાં સૂદ RAWના વડા પણ બન્યા. જોકે ભારતે ધ્યાન ભટકાવવા માટે અન્ય એક ઉપાય પણ અજમાવ્યો હતો.
વાજપેયી સરકાર બની તેના અમુક સમયમાં જ પાકિસ્તાને વિદેશી હુમલાખોર મહમદ ઘોરીના નામ પરથી ‘ઘોરી’ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. એટલે અમેરિકાને લાગતું હતું કે ભારત પણ મિસાઇલ પરીક્ષણ કરીને તેનો જવાબ આપશે.
વર્ષો પછી સાતમા આરએન કાવ (ભારતની ગુપ્તચર સંસ્થાના સ્થાપક) સ્મૃતિ વ્યાખ્યાનમાં બોલતી વખતે પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું, “વિશ્વનો બીજો ભાગ (પશ્ચિમ) ઊંઘી રહ્યો હતો, ત્યારે ચાંદીપુર ખાતે ત્રિશૂલ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું. દર બે કલાકે એક મિસાઇલ પરીક્ષણ કરવામાં આવ્યું.”
“બીજી બાજુ, પોખરણ ખાતે મેઇન ‘ફૉકસ પૉઇન્ટ’થી દૂર પીનાકા રૉકેટનું પરીક્ષણ કરવામાં આવ્યું તથા ઍરફૉર્સનાં વિમાનોએ બનાવટી રનવેને ધ્વસ્ત કરનારા બૉમ્બનું પરીક્ષણ ચાલુ રાખ્યું. માત્ર ત્રણ લોકો અને તેમની વિશ્વાસપાત્ર ટીમ જાણતી હતી કે શું થવાનું છે.”
સીઆઈએને પાઠ મળ્યો કે…

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના તત્કાલીન ડાયરેક્ટર જ્યોર્જ ટેનટે “સમગ્ર પ્રકરણમાંથી શું બોધ લઈ શકાય” તેનું વિશ્લેષણ કરવા માટે નિવૃત્ત વાઇસ-ઍડમિરલ ડેવિડ જેરમિયાહની અધ્યક્ષતામાં કમિટીની નિમણૂક કરી અને તેને 10 દિવસમાં જવાબ આપવા જણાવ્યું.
ગુપ્તચરતંત્રની કાર્યપદ્ધતિ પ્રમાણે, શું નિષ્કર્ષ નીકળ્યો એ ગુપ્ત જ છે, પરંતુ એ ઘટનાક્રમ અંગે જે મુખ્ય વાત બહાર આવી એ હતી કે ભારત તેના અણુકાર્યક્રમ માટે ઇન્ટેલિજન્સ તથા ઍનાલિટિકલ ઇનપુટ ન મળી શક્યા, કારણ કે ભારતનો કાર્યક્રમ અમેરિકન, રશિયન, ચાઇનિઝ કે ફ્રેન્ચ સંશાધનો પર આધારિત ન હતો.
ટેનટે પોતાના પુસ્તક ‘At the Center of the Storm: My Years at the CIA’માં લખે છે, ‘ભારત દ્વારા 1998માં કરવામાં આવેલાં અણુપરીક્ષણોને હું ભૂલી નથી શકતો. હું ઇચ્છું છું કે આ એવી ઘટનાઓમાંથી છે કે ઘડિયાળના કાંટા ઊલટા ફેરવી શકું અને તેમને ભૂંસી શકું.’
ભારતના અણુ કાર્યક્રમો અંગે બે પાનામાં લખ્યું છે. તેઓ કહે છે, “બંને દેશો (ભારત અને પાકિસ્તાન) અણુ હથિયારોની ઇચ્છા, ઇરાદો અને ક્ષમતા ધરાવતા હતા અને અમે તેનાં જોખમોથી પણ વાકેફ હતા. ભારત અને પાકિસ્તાનની સરહદ વિશ્વની અન્યો કોઈ પણ સરહદ કદાચ પેલેસ્ટાઇનવાસીઓ અને ઇઝરાયલની સરહદ કરતાં પણ વધારે વિવાદાસ્પદ છે. ઉપમહાદ્વીપમાં અણુ હથિયારોનો મતલબ હતો કે લાખો લોકોનાં મૃત્યુ થઈ શકે છે.”
ભાજપ દ્વારા તેના ચૂંટણીઢંઢેરામાં અણુ પરીક્ષણની જાહેરાત કરવામાં આવી હતી, એટલે આના વિશે અમેરિકાનું ક્લિનટન વહીવટીતંત્ર આના વિશે બિલકુલ અજાણ હોય તે વાત અતિશયોક્તિભરેલી જણાય.
ટેનટે તેમના પુસ્તકમાં લખ્યું છે, ‘ભારતના રાજકારાણીઓ સાર્વજનિક રીતે જે કંઈ કહી રહ્યા હતા, તે મુજબ જ કરશે, એવું અમને નહોતું લાગતું. એક પાઠ એ મળ્યો કે ઘણી વખત ઇરાદા ગુપ્ત હોય તે જરૂરી નથી, પરંતુ તેને સાંભળવા અને જોવાની જરૂર હોય છે.’
આનો વધુ એક પરચો ટેનટને 15 દિવસમાં મળવાનો હતો. ભારતના અણુપરીક્ષણ પછી પરંપરાગત હરીફ પાકિસ્તાને જાહેરાત કરી હતી કે તે પણ અણુપરીક્ષણ કરશે.
તા. 28મી મે 1998ના દિવસે પાકિસ્તાન બલૂચિસ્તાનના ચાગઈ ખાતે રાશ કોહ પર્વતમાળામાં એકસાથે પાંચ પરીક્ષણ કર્યાં હતાં અને બે દિવસ પછી ફરી પરીક્ષણ કર્યાં હતાં. જોકે, પાકિસ્તાનની આ હિલચાલ અમેરિકાના સેટેલાઇટે ઝડપી લીધી હતી અને પાકિસ્તાનને પરીક્ષણ ન કરવા અપીલ કરી હતી, પરંતુ પાકિસ્તાનનું તંત્ર ઝૂક્યું ન હતું અને પરીક્ષણ કર્યાં હતાં.
આમ ‘ટાઇમ-ટ્વીન’ દેશો 15 દિવસના અંતરમાં સાર્વજનિક રીતે અનુક્રમે છઠ્ઠા અન સાતમા અણુ હથિયાર સંપન્ન રાષ્ટ્ર બન્યા હતા અને તેમના ઉપર આર્થિક તથા સૈન્યપ્રતિબંધ પણ લાદવામાં આવ્યા હતા.
‘કિસાન’ અને ‘જવાન’ની ભૂમિકા

ઇમેજ સ્રોત, Getty Images
1998માં ભારતે પરમાણુ પરીક્ષણ કર્યાં, પરંતુ તેનો પાયો 15 વર્ષ પહેલાં નખાઈ ગયો હતો. નિવૃત્ત મેજર જનરલ મૃણાલ સુમન તેમના પુસ્તક ‘Of Military Matters: Pokhran to Siachen’માં (પૃષ્ઠ ક્રમાંક 36-142) પર લખે છે :
113 એન્જિનિયર રેજિમૅન્ટે જાન્યુઆરી 1981માં જોધપુરના થાર રણમાં સૈન્યકવાયત હાથ ધરી રહી હતી. તે સમયે અમને 500 ફૂટ ઊંડા અને 12 ફૂટ પહોળો શાફ્ટ (ડાર) કરવાનું કહેવામાં આવ્યું હતું. જે અંગ્રેજી મૂળાક્ષર ‘ L’ આકારનો બનાવવાનો હતો. અમારા માટે આ કામ હતું, એમાં પણ આ રણવિસ્તાર હતો, એથી વધારે મુશ્કેલી હતી. લોકો તથા વાહનોની અવરજવરથી દૂર નજીકમાં કોઈ માનવવસ્તી ન હોય તેવી જગ્યા પસંદ કરવાની હતી.
એક દિવસ મારા ઉપરી અધિકારી લેફટનન્ટ કર્નલ કેસી ધિંગરા (જેઓ આગળ જતાં મેજર જનરલ બન્યા) મને ગાડીમાં લઈ ગયા. તેઓ ગાડી ચલાવી રહ્યા હતા અને હું તેમની પાસે બેઠો હતો ત્યારે તેમણે મને ‘L’ આકારના શાફ્ટ વિશે વાત કહી હતી. આ જરૂરિયાત શા માટે છે, એ અમે બંને સમજી ગયા હતા, છતાં બંનેમાંથી કોઈ ‘અણુ’ કે ‘પરીક્ષણ’ કે ‘બૉમ્બ’ જેવો શબ્દપ્રયોગ નહોતો કર્યો.
અણુવિસ્ફોટ બાદ તેના ધડાકા તથા વિકિરણને ફેલાતા અટકાવવા માટે ડાર ખોદ્યા બાદ અંદરની બાજુએ વિસ્ફોટકો મૂકવામાં આવે છે. ‘કદાચ પાણી નીકળે તો?’ એવા વિચારથી એક નહીં બે ડાર કરવાનું નક્કી કરવામાં આવ્યું.
અંતે ખેતોલાઈ તથા લોહારકી ગામ પાસેની નવ કિલોમીટરની જગ્યા પસંદ કરી. ગ્રામીણો પાસેથી સ્થાનિક ભૂગોળની માહિતી મેળવવા અમે કહાણી ઘડી કાઢી હતી કે અમે સેનાના કૅમ્પ માટે જગ્યા શોધી રહ્યાં છીએ. ક્યાં પાણી નીકળશે?
ગ્રામજનોએ સૈન્યઅધિકારીઓને જણાવ્યું કે ‘અહીં ત્રણ-ચાર કૂવા ખોદ્યા છે, તેમાંથી પાણી નથી નીકળ્યું, એટલે અહીં પ્રયાસ ન કરશો, જે જગ્યાએ બોરડી ઊગી હોય કે દરના ઢગ હોય ત્યાં પ્રયાસ કરજો. એ જમીનમાં નીચે પાણી હોવાની શક્યતા વધુ હોય છે.’
પૂનમની એક રાત્રે ખેતોલાઈના મુખી પોતાની સાથે ‘પાણીકળો’ (લાકડી દ્વારા જમીનની નીચે પાણીનું અનુમાન કરનાર) લઈ આવ્યા. અમે તેમને અમારી ‘A’, ‘B’, ‘C’ અને ‘D’ એમ ચારેય જગ્યા દેખાડી. તેણે 900થી 1400 મીટરના અંતરે આવેલી ચારેય જગ્યાને બોરડીની ડાળીથી ચકાસી અને કહ્યું કે ત્યાં જમીનની નીચે પાણી નથી એટલે મહેનત ન કરવી.

ઇમેજ સ્રોત, Harper Collins
આ માહિતી ઉત્સાહવર્ધક હતી, પરંતુ બાદમાં કેન્દ્ર અને રાજ્યના અલગ-અલગ વિભાગો પાસેથી ‘વૈજ્ઞાનિક માહિતી’ મેળવવામાં આવી.
કૅમ્પસાઇટ ઊભી થઈ ગઈ અને તેની ફરતે વાડ બાંધી દેવામાં આવી. મરુભૂમિના દેવતા બાબા રામદેવ (કે રામદેવ પીર કે રામાપીર)ના મંદિરે પૂજા કરીને કામ શરૂ કરવામાં આવ્યું.
પૂજારીએ સૈન્યઅધિકારીઓને હાથમાં કાળો અને ચીકણો પ્રસાદ આપ્યો. એ શું છે, એના વિશે ખબર ન પડી પરંતુ શ્રદ્ધાનો વિષય હોવાથી પી ગયા. વર્ષો બાદ ખબર પડી કે તે અફીણ હતું.
બે શાફ્ટમાંથી એક જગ્યાએ સર્વધર્મ પ્રાર્થનાસ્થાનની સ્થાપના કરવામાં આવી. બંને જગ્યાએ રામદેવપીરના નેજા ફરકતા રહ્યા અને વીંછી અને વાઇપરના (રસલ્સ) સામ્રાજ્યમાં કોઈ દુર્ઘટના કે અકસ્માત વગર કામ થતું રહ્યું.
સૈનિકોને પણ કંઈ જણાવવામાં આવ્યું ન હતું. કેટલાકને લાગતું હતું કે મિસાઇલ છુપાવવા માટે ડાર કરવામાં આવી રહ્યો છે, તો કેટલાકને લાગતું હતું કે પાકિસ્તાન સુધી ખોદવાની સૂરંગ બનાવવામાં આવી રહી છે, જેથી તેમને ચોંકાવીને હુમલો કરી શકાય.
કૅમ્પનો કુલ 24 કિલોમીટર જેટલો વિસ્તાર હતો. થવાને કારણે આસપાસનાં ગામડાંનાં લોકોને ઊંટગાડી લઈ જવામાં તથા અવરજવરમાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી, તો પણ અમને કદી ફરિયાદ નહોતી કરી અને સહકાર આપ્યો.
મેજર જનરલ સુમન તેમના પુસ્તકમાં લખે છે કે, ‘ઉપલબ્ધ સાર્વજનિક માહિતી પ્રમાણે, વિશ્વમાં ક્યાંય પણ રણવિસ્તારમાં આટલો ઊંડો ડાર કરવાનું કામ સેનાના એન્જિનિયરોને સોંપવામાં નથી આવ્યું. પણ અમને આપવામાં આવ્યું અને અમે કરી દેખાડ્યું.’
અહીં તહેનાત થનારી સૈન્યટુકડીઓ દ્વારા આગામી 15 વર્ષ સુધી પોખરણની આ સાઇટ વિશે ગુપ્તતા જાળવી રાખવામાં આવી. એટલું જ નહીં બંને શાફ્ટની જાળવણી કરવામાં આવી.
1998માં 58મી એન્જિનિયર રેજિમૅન્ટને શાફ્ટને વપરાશયોગ્ય બનાવવાનું તથા વિસ્ફોટક મૂકવાનું કામ મળ્યું. આને માટે આસપાસના સાધનો અને સંશાધનોને પણ રેતી જેવા રંગે રંગવામાં આવ્યા હતા, જેથી કરીને આસપાસની સાથે ભળી જાય તથા ‘અવકાશી જાસૂસ’ને (ઉપગ્રહ) થાપ આપી શકાય.
બે ‘અબ્દુલ’ની કહાણી

ઇમેજ સ્રોત, PTI
1998ના પરમાણુ વિસ્ફોટો માટેનું શ્રેય ડૉ. એપીજે અબ્દુલ કલામને આપવામાં આવે છે. જેઓ ભારત સરકારના વૈજ્ઞાનિક સલાહકાર હતા. તેમણે કહ્યું હતું કે ભારતે પોતાની સુરક્ષા માટે પરીક્ષણ કર્યાં છે અને વધુ પરીક્ષણની જરૂર નહીં રહે, કારણ કે આગળના પરીક્ષણ કમ્પ્યુટર પર જ થઈ જશે.
યોગાનુયોગ 1998ના પાકિસ્તાનના અણુવિસ્ફોટોના જનક પણ એક ‘અબ્દુલ’ (કાદીર ખાન) હતા. તેમને ‘ઇસ્લામિક અણુબૉમ્બના જનક’ ગણાવવામાં આવે છે. તેમની ઉપર યુરોપમાં કામ કરતી વેળાએ અણુ રહસ્યો ચોરવાનો આરોપ લાગ્યો હતો.
આ સિવાય ઈરાન, ઉત્તર કોરિયા તથા લિબિયાને પણ અણુ રહસ્ય વેચવાના આરોપ લાગ્યા હતા. ખાને શરૂઆતમાં તેનો સ્વીકાર કર્યો હતો, પરંતુ પછી તેમાંથી ફરી ગયા હતા. ઘણા વર્ષ તેમણે નજરકેદમાં વિતાવ્યા હતા.
ઑક્ટોબર-2021માં કોરોના અને તે પછીની જટિલતાઓને કારણે તેમનું મૃત્યુ થયું હતું. તેમની સારવારમાં ઢીલ થઈ હોવાના આરોપ મૂકવામાં આવ્યા હતા, જેના કારણે પાકિસ્તાનીઓમાં આક્રોશ ફેલાયો હતો.
2009માં ડીઆરડીઓના તત્કાલીન વડા કે. સંથાનમ, પરમાણુ વિજ્ઞાની એચએન શેઠના, પરમાણુ આયોગના પૂર્વ ચૅરમૅન પીકે અયંગરે 1998નાં પરીક્ષણોની સફળતા અંગે સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ અબ્દુલ કલામે તેનો બચાવ કર્યો હતો. બાદમાં તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહે પણ કલામના નિવેદનનું સમર્થન કરીને સફળતા અંગેના સવાલોને નિરર્થક ગણાવ્યા હતા.
અણુકાર્યક્રમના ખરા જનક

ઇમેજ સ્રોત, Getty Images
વિનય સીતાપતિએ પોતાના પુસ્તક Half – Lion, How P.V. Narasimha Rao Transformed Indiaમાં 14મું પ્રકરણ ‘ગૉઇંગ ન્યુક્લિયર’ નરસિમ્હા રાવ અને ભારતની અણુએષણા પર કેન્દ્રિત રાખ્યું છે.
તેઓ લખે છે, “2004માં નરસિમ્હા રાવના પાર્થિવદેહના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા, તેના બે દિવસ પછી અટલ બિહારી વાજપેયીએ તેમના જૂના મિત્રને અભૂતપૂર્વ અંજલિ આપી. તેમણે મે-1996માં નરસિમ્હા રાવ પછી વડા પ્રધાન બન્યા ત્યારે કહ્યું હતું, ‘સામગ્રી તૈયાર હૈ, આપ આગે બઢ શકતે હૈ.’ તેમણે નરસિમ્હા રાવને ભારતના અણુ હથિયારોના ‘ખરા જનક’ ગણાવ્યા હતા.”
વાજપેયીની એ સરકાર 13 દિવસ જ ટકી હતી અને તેમણે બહુમત સિદ્ધ ન થાય ત્યાર સુધી અણુ કાર્યક્રમ ઉપર આગળ નહીં વધવાનો નિર્ણય કર્યો. એ પછી એચડી દેવૈગૌડા તથા ઇન્દરકુમાર ગુજરાલના કાર્યકાળમાં પણ ખાસ પ્રગતિ ન થઈ. ફરી એક વખત 1998માં પૂર્ણ બહુમત સાથે વાજપેયી સરકારનું પુનરાગમન થયું, ત્યારે તેઓ આ કાર્યક્રમ ઉપર આગળ વધ્યા.
નરસિમ્હા રાવે સપ્ટેમ્બર-1995થી માર્ચ-1996 દરમિયાન અણુપરીક્ષણ કરાવવાના પ્રયાસ કર્યા હતા. આ માટે તેમણે એક નાનકડી ટીમ તૈયાર કરી હતી. પૂર્વ કૅબિનેટ સેક્રેટરી નરેશ ચંદ્રા તેના મુખ્ય સંયોજક હતા. જ્યારે આર. ચિદમ્બરમ, એપીજે અબ્દુલ કલામ તથા ડીઆરડીઓ (ડિફેન્સ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન) તથા ડીએઈના (ડિપાર્ટમેન્ટ ઑફ ઍટમિક ઍનર્જી) આંગળીના વેઢે ગણી શકાય તેટલા વિજ્ઞાનીઓને સભ્ય બનાવવામાં આવ્યા હતા.
નિવૃત્તિ પછી ચંદ્રાને ગુજરાતના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. છતાં તેઓ સંકલનનું કામ કરતા રહ્યા હતા. ગાંધીનગરમાં રાજભવન ખાતે લાલરંગનો વિશેષ ફોન મૂકવામાં આવ્યો હતો. જેથી કરીને વિજ્ઞાનીઓ કે રાવ તરત જ તેમનો સંપર્ક કરી શકે, એમ પણ સીતાપતિ તેમના પુસ્તકમાં નોંધે છે.
19મી ડિસેમ્બર 1995ના દિવસે અણુપરીક્ષણ કરવાનું નક્કી થયું હતું. ટી-30, ટી-7, ટી-3 તથા ટી-1 એમ ચાર તબક્કામાં તૈયારીઓ નક્કી કરવામાં આવી હતી. જેમાં ટી-30 તબક્કો વિસ્ફોટના 30 દિવસ પહેલાં શરૂ થવાનો હતો, જ્યારે ટી-7માં અણુહથિયારોને ‘L’ આકારના ખાડામાં અણુ હથિયારોને ઉતારવાના હતાં.
સામાન્ય રીતે ગુપ્તતા જાળવવામાં માહેર રાવે સંભવિત આર્થિક પ્રતિબંધોની સમીક્ષા પણ કરાવી હતી.
આ પહેલાં તા. 15મી ડિસેમ્બરે અમેરિકન અખબાર ‘ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સ’એ અહેવાલ પ્રકાશિત કર્યો, જેમાં અમેરિકન અધિકારીઓને ટાંકતા દાવો કર્યો હતો કે ભારતની પોખરણ રેન્જ ખાતે હિલચાલ જોવા મળી છે અને ભારત અણુપરીક્ષણ કરી શકે છે.
રાવ તથા વાજપેયી

ઇમેજ સ્રોત, Getty Images
સીતાપતિના પુસ્તકમાં ઉલ્લેખ પ્રમાણે, અમેરિકાના રાષ્ટ્રપતિ ક્લિન્ટનનો રાવની ઉપર ફોન આવ્યો, ત્યારે તેમણે આ વાતને નકારી દીધી હતી અને આવી કોઈ તૈયારીઓ થઈ રહી હોવાનો ઇન્કાર કર્યો હતો. પરીક્ષણ મોકૂફ રહ્યું.
અન્ય એક અનુમાન પ્રમાણે, વિજ્ઞાનીઓ હાઈડ્રોજન બૉમ્બનું પણ સાથે જ પરીક્ષણ કરવા માગતા હતા. એટલે તેમણે થોડો સમય માગ્યો હતો. અન્ય એક અટકળ પ્રમાણે, ભારતે ઇરાદાપૂર્વક માહિતી સાર્વજનિક કરી હતી, જેથી કરીને ‘ક્યાં-ક્યાંથી લિકેજ છે’ તે જાણી શકાય અને તેને દુરસ્ત કરી શકાય.
મે-1996માં રાવે વિજ્ઞાનીઓને પરીક્ષણ માટે તૈયારીઓ કરવા કહ્યું હતું, પરંતુ ચૂંટણી પરિણામો રાવની અપેક્ષા મુજબ આવ્યાં નહોતાં અને કૉંગ્રેસ સત્તાવિમુખ થઈ ગઈ હતી. છતાં કાર્યક્રમનું સાતત્ય જળવાય રહે તે તેમણે સુનિશ્ચિત કર્યું હતું.
જ્યારે પત્રકાર શેખર ગુપ્તાએ રાવને તેમના મૃત્યુના અમુક મહિના પહેલાં પૂછ્યું કે, ‘લગભગ બધી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેમણે છ મહિના પછી વાજપેયીને કેમ હવાલો સોંપ્યો’ ત્યારે રાવે તેમના પેટ ઉપર હાથ ફેરવતા કહ્યું, ‘અરે ભાઈ, અમુક રહસ્યોને મારી ચિતા સાથે જવા દો.’
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS