Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
પેશાબ કર્યાની થોડી સેકન્ડો પછી અથવા શૌચાલય બહાર નીકળ્યા બાદ અચાનક પેશાબના ટીપાં પડે તેને પોસ્ટ મિક્ટુરિશન ડ્રિબલ (પીએમડી) કહેવામાં આવે છે. આ સમસ્યા ભલે નાની લાગે, પરંતુ અનેક પુરુષોનાં જીવન, આત્મવિશ્વાસ અને માનસિક આરોગ્ય પર તેની માઠી અસર થતી હોય છે.
આ બીમારી વય વધવાની સાથે થતી હોવાની ગેરસમજ છે. વાસ્તવમાં યુવાનોમાં પણ પીએમડી એટલી જ સામાન્ય છે.
પેલ્વિક ફ્લોરના સ્નાયુઓની કમજોરી, યુરિનરી ટ્રેકમાં અટકી જતા પેશાબના ટીપાં અને ખોટી રીતે કરવામાં આવતો પેશાબ તેનાં મુખ્ય કારણો છે.
યોગ્ય વ્યાયામ અને ટેકનિક વડે આ સમસ્યાને આસાનીથી નિયંત્રિત કરી શકાય છે.
પીએમડી કયા કારણસર થાય છે, તેના લક્ષણ શું છે અને તેનું નિરાકરણ કેવી રીતે કરી શકાય તે સૌથી પહેલાં જાણવું જરૂરી છે.
પેશાબ કર્યા બાદ થોડી ક્ષણોમાં તેના ટીપાં ટપકવાં, અંડરવિયર ભીનું થવાને કે ટોઈલેટમાંથી બહાર નીકળ્યા પછી અસ્વસ્થતાનો અનુભવ ઘણા પુરુષોને થાય છે.
આ સમસ્યા બહુ સામાન્ય છે, પરંતુ પુરુષો એ બાબતે વાત કરતાં મોટાભાગે ખચકાતા હોય છે.
શરમ કે મજાકના ડર અને “વય વધવાની સાથે આવું થાય જ,” એવી ગેરસમજને કારણે પીએમડીની સમસ્યાને ગંભીર ગણવાને બદલે તેના વિશે વાત કરવામાં આવતી નથી.
વાસ્તવમાં પીએમડી માત્ર વૃદ્ધોની જ સમસ્યા નથી. અનેક યુવાનોને પણ આવી સમસ્યા થાય છે.
અચાનક પેશાબ ટપકવાથી આખો દિવસ ભીનાશનો અનુભવ કરવો, કામના સ્થળે અસ્વસ્થતાનો અનુભવ થવો, કપડા પર સતત ધ્યાન આપવું અને બહાર કે પ્રવાસ કરતી વખતે તણાવ અનુભવવો આ બધાની અસર રોજિંદા જીવન તથા આત્મવિશ્વાસ પર થઈ શકે છે.
ઘણા પુરુષો આ સમસ્યાને સીધા પ્રોસ્ટેટ સાથે સાંકળે છે અને કારણ વિના ભયભીત થઈ જાય છે.
કેટલાક લોકો ઇન્ટરનેટ પર ખોટી માહિતી વાંચીને કન્ફ્યુઝ થઈ જાય છે અને કેટલાક તેની સદંતર અવગણના કરે છે.
જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે પીએમડી કોઈ ગંભીર બીમારી નથી, પરંતુ તે મોટાભાગે પેલ્વિક ફ્લોર મસલ્સની તાકાતમાં ઘટાડા, યુરેથ્રા(મૂત્ર માર્ગ)માં થોડી માત્રામાં પેશાબ ફસાઈ જવાને કારણે કે સુસ્ત જીવનશૈલીને કારણે થઈ શકે છે.
યોગ્ય વ્યાયામ અને કેટલીક આસાન તથા યોગ્ય રીતે પેશાબ કરવાથી પીએમડીનું નિરાકરણ કરી શકાય છે.
ઘણા પુરુષોને પીએમડી હોય છે, માત્ર તેના વિશે વાત કરવામાં આવતી નથી. તેથી આ સમસ્યા પાછળનું વિજ્ઞાન, કારણ અને નિરાકરણ સમજવું જરૂરી છે.
પીએમડી શું છે?
ઇમેજ સ્રોત, Getty Images
પીએમડીનો અર્થ છે પેશાબ કર્યા પછી યુરીનરી ટ્રૅક્ટમાં ફસાયેલા ટીપાનું બહાર નીકળવું.
ટૉઇલેટમાંથી બહાર આવ્યાની થોડી સેકન્ડો કે મિનિટો પછી અચાનક પેશાબના ટીપા ટપકવાં એ તેનું મુખ્ય લક્ષણ છે.
આ સમસ્યા મોટાભાગે યુરીનરી ટ્રૅક્ટના નીચલા ભાગ(બલ્બર યુરીનરી ટ્રેક્ટ)માં થોડા પ્રમાણમાં પેશાબ ફસાઈ જવાને કારણે સર્જાય છે.
પીએમડીને લીધે નબળા પેલ્વિક મસલ્સ, વધેલા પ્રોસ્ટેટ, બેઠા રહેવાની આદત, યોગ્ય રીતે પેશાબ ન કરવો કે યુરીનરી ટ્રૅક્ટના મસલ્સના તાલમેલમાં ગડબડ વધી શકે છે.
મુંબઈ નજીકના થાણેની કેઆઈએમએસ હૉસ્પિટલમાં કન્સલ્ટન્ટ યુરોલૉજિસ્ટ તરીકે કાર્યરત ડૉ. અકીલ ખાને આ બાબતે બીબીસી સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું હતું, “પીએમડી એટલે ટૉઇલેટમાંથી પેશાબ કર્યા બાદ બહાર આવ્યા પછી ટપકતાં પેશાબના ટીપાં.”
“તેનો સમાવેશ પરંપરાગત યુરિનરી ઇનકોન્ટિનન્સમાં થતો નથી. તે વોયડિંગ ડિસફંક્શનની એક અલગ કેટેગરીમાં આવે છે. તેમાં પેશાબ કર્યા પછી થોડા માત્રામાં પેશાબ યુરેથ્રામાં અટકી જાય છે અને પછી બહાર આવે છે.”
નિષ્ણાતો માને છે કે આ સમસ્યા પરેશાન કરનારી છે, પરંતુ યોગ્ય વ્યાયામ અને યોગ્ય રીતે પેશાબ કરવામાં આવે તો તેને આસાનીથી કન્ટ્રોલ કરી શકાય છે.
પેલ્વિક ફ્લોર શું છે?
ઇમેજ સ્રોત, Getty Images
પેલ્વિક ફ્લોર પેટના નીચલા ભાગમાંના મસલ્સ, ટિશ્યુઝ અને લિગામેન્ટ્સનું એક મજબૂત પણ લચીલા લેયર જેવું સ્ટ્રક્ચર હોય છે.
આ આખું સ્ટ્રક્ચર એક હેમોક અથવા સપોર્ટિંગ વેબની માફક કામ કરે છે અને પેલ્વિસમાં બ્લેડર, યુરેથ્રા, બાઉલ તથા પુરુષોમાં પ્રોસ્ટેટ જેવાં જરૂરી અંગોને ટેકો આપે છે.
માણસ ઊભો થાય કે ચાલે ત્યારે આ મસલ્સ અંગોના વજનને સહારો આપે છે અને તેને યોગ્ય સ્થિતિમાં રાખે છે.
આ સ્નાયુઓનું બીજું અને જરૂરી કામ મૂત્ર અને મળને નિયંત્રિત કરતા સ્ફિંક્ટર્સને યોગ્ય આધાર આપવાનું હોય છે.
શ્વાસ લેતી વખતે, ખાંસતી વખતે, વજન ઊંચકતી વખતે, વ્યાયામ કે કોઈ અન્ય ઍક્ટિવિટી દરમિયાન પ્રેશર વધે છે ત્યારે પેલ્વિક ફ્લોર તે પ્રેશર શોષી લે છે અને અવયવોને યોગ્ય સ્થિરતા આપે છે.
તેથી બોડી બેલેન્સ, કોર સ્ટ્રેંગ્થ અને બાઉલ કન્ટ્રોલ માટે પેલ્વિક ફ્લોર એક અત્યંત જરૂરી સ્ટ્રક્ચર છે, જેની મોટાભાગે અવગણના કરવામાં આવે છે.
પીએમડી કોને થાય? તેને પ્રોસ્ટેટ સાથે સંબંધ છે?
ઇમેજ સ્રોત, Getty Images
પીએમડીનું સૌથી સામાન્ય કારણ પેલ્વિક ફ્લોર મસલ્સની નબળાઈ કે તેનું અયોગ્ય અલાઇન્મેન્ટ હોય છે. આ સ્નાયુ મૂત્રનાં છેલ્લાં ટીપાંઓને બહાર કાઢવાનું કામ કરતા હોય છે.
પેલ્વિક ફ્લોર નબળો હોય તો મૂત્ર યુરેથ્રામાં ફસાઈ જાય છે અને પછીથી બહાર આવે છે. આ સમસ્યા માત્ર વૃદ્ધોમાં જ થાય છે એ ગેરસમજ છે.
બેઠાડુ જીવનશૈલી, વ્યાયામના અભાવ, સ્થૂળતા અને યોગ્ય રીતે પેશાબ ન કરવાથી યુવાનોમાં પણ પીએમડી થવાની શક્યતા વધે છે.
વધુ એક સામાન્ય ગેરસમજ એવી છે કે પીએમડીને પ્રોસ્ટેટ સાથે સંબંધ છે.
વાસ્તવમાં કેટલાક કિસ્સામાં વધેલા પ્રોસ્ટેટ તેમાં કારણભૂત હોઈ શકે છે, પરંતુ મોટાભાગના પુરુષો અને ખાસ કરીને યુવાનોમાં પ્રોસ્ટેટની બીમારી હોતી નથી.
તેમનામાં પીએમડી સ્ટ્રક્ચરલ સમસ્યા નહીં, પરંતુ સ્નાયુઓના કાર્ય સાથે જોડાયેલી એક ફંક્શનલ સમસ્યા છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, પીએમડીમાં પેશાબ કર્યા પછી મૂત્રના ટીપાં ટપકવાં સિવાયનાં લક્ષણો જોવા મળે તો તેની તપાસ કરાવવી જોઈએ.
પેશાબ કરતી વખતે બળતરા, પેશાબનો નબળો પ્રવાહ, પેશાબ માટે જોર કરવું પડે, વારંવાર પેશાબ કરવા જવું પડે, પેશાબમાં લોહી આવે કે પેલ્વિક વિસ્તારમાં પીડા થવા જેવાં લક્ષણો દેખાય તો યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન, યુરેથ્રલ સંકોચન અથવા પ્રોસ્ટેટમાં સોજા જેવી સ્થિતિની તપાસ કરાવવી જરૂરી છે.
નિદાન કેવી રીતે થાય? પેલ્વિક ફ્લોર વ્યાયામનું મહત્વ શું છે?
ઇમેજ સ્રોત, Getty Images
લક્ષણોના ઇતિહાસ અને એક આસાના શારીરિક તપાસ આ બીમારીનું નિદાનનું કરવામાં મદદગાર સાબિત થાય છે.
ક્યારેક યુરોફ્લોમેટ્રી કે યુરીન એનેલિસિસ જેવા ટેસ્ટ્સ પણ સૂચવવામાં આવે છે. તેના નિવારણમાં સૌથી મહત્ત્વની બાબત યોગ્ય પેલ્વિક ફ્લોર વ્યાયામ કરવો એ છે.
ડૉ. અકીલ ખાને કહ્યું હતું, “નિદાન મુખ્યત્વે લક્ષણોના ઇતિહાસ અને શારીરિક તપાસના આધારે ક્લિનિકલ હોય છે. કેટલાક કિસ્સામાં યુરિન એનાલિસિસ કે યુરોફ્લોમેટ્રી જેવા ટેસ્ટ્સની સલાહ આપી શકાય છે.”
“પેશાબ કર્યા પછી સતત ટીપાં ટપકવાં જેવી કેટલીક પેટર્ન્સ લોકો જાતે જ જોઈ શકે છે, પરંતુ કોઈ આંતરિક કારણ નથી તે સુનિશ્ચિત કરવા માટે યોગ્ય તબીબી તપાસ જરૂરી છે.”
ડૉ. અકીલ ખાને ઉમેર્યું હતું, “પીએમડીના મેનેજમેન્ટ માટે પેલ્વિક ફ્લોર વ્યાયામ સૌથી જરૂરી બાબત છે. યુરેથ્રલ મિલ્કિંગ એટલે કે પેશાબ કર્યા પછી સ્ક્રોટમના પાછલા ભાગ પર હળવું દબાણ કરવાનું હોય છે.”
“તેનાથી અંદર રહી ગયેલો પેશાબ બહાર કાઢવામાં મદદ મળે છે. કીગલ ઍક્સરસાઈઝ ખોટી રીતે કે અનિયમિત રીતે કરવાની ભૂલ પણ ઘણા લોકો કરે છે. તેના માટે યોગ્ય માર્ગદર્શન જરૂરી છે.”
“સંસર્ગની કે પ્રોસ્ટેટ વધવા જેવી કોઈ સમસ્યા ન હોય ત્યાં સુધી દવાની જરૂર પડતી નથી.”
પીએમડી સાથેની ગંભીર સમસ્યાઓનાં લક્ષણ
ઇમેજ સ્રોત, Getty Images
પીએમડીની સાથે અલગ-અલગ લક્ષણો જોવા મળતાં હોય તો તે કોઈ વધારે ગંભીર સમસ્યાનો સંકેત હોઈ શકે છે.
પેશાબમાં બળતરા, લોહી, તાવ, પેલ્વિક કે પેરિનિયલ પીડા, મૂત્રનો નબળો પ્રવાહ અથવા વારંવાર ઇન્ફેક્શન જેવાં લક્ષણો તત્કાળ તપાસની જરૂરિયાત દર્શાવે છે. આવી અવસ્થામાં સ્ટ્રિક્ચર, ઇન્ફેક્શન અથવા ઓબ્સ્ટ્રક્શન જેવી બાબતો હોઈ શકે છે.
મુંબઈની કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં યુરોલોજિસ્ટ તથા રીનલ ટ્રાન્સપ્લાન્ટના સર્જન તરીકે કાર્યરત ડો. શ્યામ વર્માએ ઉપરોક્ત બાબતે માહિતી આપી હતી.
તેમણે કહ્યું હતું, “પીએમડીની સાથે પેશાબમાં લોહી, પીડા કે ઓછા પ્રવાહ જેવા લક્ષણો પણ જોવા મળે તો એ માત્ર પીએમડી નથી. એ કદાચ આંતરિક સમસ્યા છે અને તેની તપાસ જરૂરી છે.”
પીએમડી નીચલા યુરીનરી ટ્રેક્ટમાં અન્ય સમસ્યાઓની સાથે હોય છે.
ઓવરઍક્ટિવ બ્લેડર હોવાને લીધે વારંવાર પેશાબ કરવાની લાગણી થાય છે.
તેનાથી પોસ્ટ-વૉઇડ ડ્રોપ્સ વધારે ત્રાસદાયક લાગે છે. મૂત્ર માર્ગ સંકોચાઈ ગયો હોય તો તેનો નીચેનો હિસ્સો સંપૂર્ણપણે ખાલી ન થાય તે નોર્મલ છે, પરંતુ પ્રોસ્ટેટાઇટિસમાં સોજા અને પેલ્વિક ફ્લોરના સ્નાયુઓમાં પીડાદાયક સંકોચન પીએમડીને કારણે વધી શકે છે. (પોસ્ટ વૉઇડ એટલે પેશાબ કર્યા પછીનો સમય કે સ્થિતિ)
આ વિશે ડૉ. શ્યામ વર્માએ કહ્યું હતું, “બ્લેડરની અતિસંવેદનશીલતા, સંકોચન કે પ્રોસ્ટેટાઇટિસમાં સોજો આ બધાને કારણે પેશાબ ટીપેટીપે આવી શકે છે, કારણ કે યુરિનરી ટ્રૅક્ટ સંપૂર્ણપણે ખાલી નહીં હોવાની શક્યતા વધારે હોય છે.”
પીએમડીની ક્લિનિકલ તપાસ કેવી રીતે કરવામાં આવે છે?
ઇમેજ સ્રોત, Getty Images
ટીપેટીપે પેશાબ ક્યારે થાય છે, કેટલો થાય છે, સોજો છે કે પીડા થાય છે, તેની રોજિંદા જીવન પર કેવી અસર થાય છે, વગેરે જેવી વિગતવાર માહિતી સાથે તપાસની શરૂઆત થાય છે.
એ પછી શારીરિક તપાસ અને જરૂરી હોય તો પ્રોસ્ટેટ ઇવેલ્યુએશનની સાથે યુરિન એનાલિસિસ, યુરોફ્લોમેટ્રી અને પોસ્ટ વૉઇડ રેસિડ્યૂ મેઝરમેન્ટ કરવામાં આવે છે. ચેતવણીના સંકેત દેખાય તો સિસ્ટોસ્કોપી કે ઇમેજિંગની સલાહ આપવામાં આવે છે.
પીએમડી સતત રહે, વધતું રહે, પીડાદાયક બને કે બળતરા, પેશાબમાં લોહી આવે, પ્રવાહ ધીમો પડે જેવા બીજાં લક્ષણો હોય તો તપાસ જરૂરી બને છે. ખાસ કરીને યુવાનોએ તેની અવગણના ન કરવી જોઈએ.
હલકું પીએમડી ખતરનાક હોતું નથી, પરંતુ તે કોઈ મોટી સમસ્યાનું લક્ષણ હોય તો તેનું વિલંબથી નિદાન મુશ્કેલી સર્જી શકે છે. માનસિક અસ્વસ્થતા અને જીવનની ગુણવત્તામાં ઘટાડો મોટાભાગે સૌથી મોટી સમસ્યા હોય છે.
જાત નિરીક્ષણ
ઇમેજ સ્રોત, Getty Images
પીએમડીની સમસ્યા હોય તે લોકો સાદી બ્લેડર ડાયરી રાખે તો તેમને ફાયદો થઈ શકે છે.
પેશાબનાં ટીપાં ક્યારે ટપકે છે, કેટલીવાર ટપકે છે, તેનો જથ્થો કેટલો હોય છે અને રાહ જોયા પછી પણ કોઈ ફરક પડે છે કે કેમ તેની માહિતી એ ડાયરીમાં નોંધી શકાય છે.
અલબત, આ ડાયરીનો અર્થ એવો નથી કે ડૉક્ટર પાસે તપાસ કરાવવી જરૂરી નથી. લક્ષણ વધે તો ડૉક્ટરની મદદ જરૂરી છે.
આ સંદર્ભે ડૉ. શ્યામ વર્માએ કહ્યું હતું, “ડાયરી મહત્ત્વની છે, કારણ કે પેટર્ન સ્પષ્ટ થઈ જાય છે, પરંતુ લક્ષણો યથાવત રહે તો જાતે નિરીક્ષણ કરતા રહેવાથી કામ ચાલતું નથી. તપાસ કરાવવી જ પડે છે.”
તેમણે ઉમેર્યું હતું, “કોઈ મોટું કારણ હોય ત્યારે જ દવા લેવી જરૂરી બને છે. માત્ર પીએમડી માટે બહુ ઓછી દવા આપવામાં આવે છે.”
“પીએમડી માટે પેલ્વિક ફ્લોર ટ્રેનિંગ અને યુરેથ્રલ મિલ્કિંગ સૌથી ઉપયોગી અને પુરાવા પર આધારિત ટેકનિક્સ છે.”
કિગલ્સ ઍક્સરસાઇઝ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું, “તેમાં સૌથી મોટી ભૂલ કરવામાં આવે છે. ખોટાં સ્નાયુઓ ટાઈટ કરવા, પેટ, ગ્લૂટિયસ કે જાંઘના સ્નાયુઓનો વધારે ઉપયોગ કરવો, શ્વાસ રોકી રાખવો, અનિયમિત રીતે વ્યાયામ કરવો કે પછી થોડા દિવસમાં પરિણામની આશા રાખવા જેવી ભૂલો કરવામાં આવે છે.”
“અનેક પુરુષો સ્ક્વીઝિંગ પ્રકારનો વ્યાયામ કરે છે, પરંતુ પેલ્વિક ફ્લોરને કેવી રીતે સંકોચવો એ તેમને શીખવાડવામાં આવતું નથી. વ્યાયામની ઝડપ કરતાં તેની ટેકનિક વધારે મહત્ત્વની છે.”
માનસિક આરોગ્ય પર પીએમડીની અસર
ઇમેજ સ્રોત, Getty Images
ચિકિત્સાકીય રીતે તે એટલું ગંભીર નથી, પરંતુ પીએમડીને કારણે ઘણા પુરુષોને શરમ, ચિંતા થાય છે અને આત્મવિશ્વાસમાં કમી અનુભવે છે. કપડા પર ડાઘ પડવાના ડરથી તેઓ સામાજિક પ્રસંગોમાં જવાનું ટાળતા હોય છે.
આ સંદર્ભે ડૉ. શ્યામ વર્માએ કહ્યું હતું, “પીએમડી બાબતે વાત કરતાં અનેક દર્દીઓ ખચકાય છે, પરંતુ તે સામાન્ય અને ઇલાજ લાયક સમસ્યા છે. તેથી તેમાં શરમાવા જેવું કશું જ નથી.”
તમે જીવનશૈલીમાં કોઈ મોટો ફેરફાર કરવા ઈચ્છતા હો, તમારું ડાયેટ બદલવા ઇચ્છતા હો અને શારીરિક વ્યાયામ શરૂ કરવા ઇચ્છતા હો તો ડૉક્ટર તથા ક્વૉલિફાઇડ ટ્રેનરની મદદ લેવી આવશ્યક છે.
તમારા શરીર અને લક્ષણોની તપાસ ડૉક્ટર પાસે કરાવીને તેમજ તેમની સલાહ અનુસાર જીવનશૈલીમાં ફેરફાર કરવો જ યોગ્ય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



