Home તાજા સમાચાર gujrati પૂરમાં તણાઈને પાકિસ્તાન પહોંચ્યા અને 30 મહિના બાદ ભારત પાછા આવેલા ત્રણ...

પૂરમાં તણાઈને પાકિસ્તાન પહોંચ્યા અને 30 મહિના બાદ ભારત પાછા આવેલા ત્રણ લોકોની કહાણી

4
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન પંજાબ ફિરોઝપુર

ઇમેજ સ્રોત, KuldeepBrar/BBC

વર્ષ 2023ની વાત છે. પંજાબમાં વરસાદ પછી આવેલા પૂરના કારણે સતલજ નદીના કિનારે આવલી જમીનોમાં પાણી ભરાઈ ગયાં હતાં, જેનાથી ખેડૂતોના પાકને ખૂબ મોટું નુકસાન થયું હતું.

ફિરોઝપુર જિલ્લાના કિલચે ગામના નિવાસી જોગિંદરસિંહ, ગુરમેજસિંહ અને છિંદરસિંહ પૂરના સમયે પોતાનું ટ્રૅક્ટર ઊંચી જગ્યાએ લઈ જતા હતા એ સમયે સતલજ નદીનો ધસમસતો પ્રવાહ તેમને પોતાની સાથે તાણી ગયો.

પરિવારોને કશો અંદાજ નહોતો કે તેમનું શું થયું. પછી પાકિસ્તાનથી મળેલા સમાચારો દ્વારા જાણવા મળ્યું કે તેઓ નદીના વેગીલા પ્રવાહમાં વહીને પાકિસ્તાન પહોંચી ગયા હતા.

પરિવારે સ્થાનિક નેતાઓ અને અધિકારીઓને વિનંતી કરી, પરંતુ કશું પરિણામકારી સમાધાન ન થયું.

પછી, બંને દેશની મંજૂરી પછી, પાકિસ્તાન સરકારે તાજેતરમાં આ ત્રણેયને ભારતને સોંપી દીધા.

‘પાછા આવવાની આશા નહોતી રહી’

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન પંજાબ ફિરોઝપુર

ઇમેજ સ્રોત, KuldeepBrar/BBC

જોગિંદરસિંહે જણાવ્યું, “અમારાં ખેતર બૉર્ડરની પાસે છે. ટ્રૅક્ટર પાણીમાં ફસાઈ ગયું હતું. અમે તેને બહાર કાઢવા ગયા, તો નદીના ભારે પ્રવાહમાં તણાઈને પાકિસ્તાન પહોંચી ગયા.”

તેમણે જણાવ્યું, “ત્યાં કેટલાક લોકોએ અમને બેસવા માટે કહ્યું અને પોલીસ બોલાવવામાં આવી. પોલીસે અમારી આંખો પર પટ્ટી બાંધી અને અમને પોતાની સાથે લઈ ગઈ. શરૂઆતના ચાર-પાંચ દિવસ અમારી સાથે મારપીટ પણ થઈ અને પૂછવામાં આવ્યું કે શું અમને પાકિસ્તાન મોકલવામાં આવ્યા હતા?”

“અમે તેમને જણાવ્યું કે અમારો એવો કોઈ ઇરાદો નહોતો. અમે સતલજ નદીમાં તણાઈને અહીં આવી ગયા છીએ. જ્યારે તેમને આ વાત પર ભરોસો થઈ ગયો, ત્યારે તેમણે અમને મારવાનું બંધ કરી દીધું.”

“સૌથી પહેલાં અમને કસૂર જેલ અને ત્યાર પછી લાહોર જેલમાં મોકલી દેવાયા. જેલમાં અમને અલગ રાખવામાં આવ્યા હતા. ત્યાં બીજા પણ ભારતીય કેદીઓ હતા, જે કેટલાંય વર્ષોથી જેલની સજા કાપી રહ્યા હતા, પરંતુ અમને કોઈને મળવા દેવામાં નહોતા આવતા.”

જોગિંદરે જણાવ્યું, “લગભગ 15 મહિના પછી જજસાહેબની પરવાનગીથી અઠવાડિયામાં એક વખત ઘરે વાત કરવાની તક મળી. તે જ સમયે મને જાણવા મળ્યું કે મારા પિતાનું અવસાન થઈ ચૂક્યું છે.”

“અમને કશી આશા નહોતી કે અમે ક્યારેય ભારત પાછા આવીશું, પરંતુ એક દિવસ અચાનક અમને જણાવવામાં આવ્યું કે તમને છોડી મૂકવામાં આવ્યા છે. આ સાંભળીને અમે ઘણા ખુશ થયા. અમે સરકારનો આભાર માનવા માગીએ છીએ, જેમના કારણે અમે અમારા ઘરે પાછા આવી શક્યા.”

ખુશીના લીધે બે દિવસ ઊંઘ ન આવી

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન પંજાબ ફિરોઝપુર

ઇમેજ સ્રોત, Getty Images

જોગિંદરસિંહનાં પત્ની સરોજરાનીએ જણાવ્યું, “અમને જોગિંદરસિંહ અને તેમના સાથીઓ સતલજ નદીમાં તણાઈને પાકિસ્તાન પહોંચી ગયા હોવાનું 25 દિન પછી જાહેરખબરોમાંથી જાણવા મળ્યું હતું. તેની પહેલાં અમે તેમના ખોવાયાનો રિપોર્ટ લખાવ્યા હતો.”

“જ્યારે અમને આ જાણવા મળ્યું ત્યારે ખૂબ દુઃખ થયું. બાળકો પણ રડતાં રહેતાં હતાં અને સ્કૂલે નહોતાં જતાં. ઘરમાં કમાનાર માત્ર જોગિંદરસિંહ જ હતા.”

તેમણે જણાવ્યું કે જોગિંદરસિંહ પાક લણવાનાં મશીનોના ફોરમૅન તરીકે કામ કરતા હતા. તેઓ ત્રણ ભાઈ છે અને આઠ એકર જમીનમાં સાથે મળીને ખેતી કરે છે. ત્રણ ભાઈ અલગ-અલગ રહે છે.

તેમણે કહ્યું કે ઘરનું ગુજરાન પહેલાં પણ મુશ્કેલીથી ચાલતું હતું. પૂરના લીધે જમીનનો ભાગ નદીમાં ધોવાઈ ગયો અને નદીએ જમીન પર રસ્તો બનાવી દીધો. પછી જ્યારે પાણી આવ્યું ત્યારે ચાર એકર ઘઉંનો પાક પણ ડૂબી ગયો.

તેમના પતિ પાછા આવ્યા તે વિશે તેઓ જણાવે છે, ‌”અમે ગુરુદ્વારા, મંદિરો અને મસ્જિદોમાં ખૂબ અરદાસો અને દુઆઓ કરી. અમને જોગિંદરસિંહ જીવતા હોવાની કશી આશા નહોતી, કેમ કે, સમાચારોમાં માત્ર તેમનો ફોટો જ જોયો હતો.”

“બે બાળકો પ્રાઇવેટ સ્કૂલમાં ભણતાં હતાં. ફી ન ભરવાના કારણે એક બાળકનું નામ પણ કાઢી નાખવામાં આવ્યું હતું. હવે તેઓ ઘરે પાછા આવી ગયા તેથી આખો પરિવાર ખુશ છે.”

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન પંજાબ ફિરોઝપુર

ઇમેજ સ્રોત, Getty Images

ગુરમેજસિંહે કહ્યું, “2023માં અમે ટ્રૅક્ટર ઊંચી જગ્યાએ લઈ જવા ગયા હતા, પરંતુ તેની પહેલાં જ સતલજ નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈને પાકિસ્તાન પહોંચી ગયા. ત્યાં પહોંચતાં જ સિવિલ લોકોએ અમને પકડી લીધા.”

“અમે તેમને વિનંતી કરી કે અમને અહીંની પોલીસ કે મિલિટરીને સોંપી દેવામાં આવે, જેથી અમે અમારા ઘરે પાછા જઈ શકીએ. તેમણે કોઈ વિભાગને ફોન કર્યો અને અધિકારી અમને નકાબ પહેરાવીને લઈ ગયા.”

“શરૂઆતમાં અમારી મારપીટ કરવામાં આવતી હતી, પરંતુ પછી અમે તણાઈને આવ્યા હોવાના સમાચાર આવ્યા પછી મારવાનું બંધ કરી દેવાયું. જેલમાં અમને એ જ ખાવાનું અપાતું હતું, જે અન્ય કેદીઓને મળતું હતું.”

તેમણે કહ્યું, “પહેલાં અમને પાછા આવવાની કશી આશા નહોતી. પછી જ્યારે પાછા મોકલવાના સમાચાર મળ્યા ત્યારે ખુશીના લીધે બે દિવસ ઊંઘ જ ન આવી.”

તેમણે જણાવ્યું કે તેમને ખૂબ માનસિક તણાવ થઈ ગયો હતો અને તેઓ દરરોજ ગુરુદ્વારામાં દર્શન કરવા માટે જતા હતા. તેમના ગયા પછી બાળકોના અભ્યાસને અસર થઈ અને પરિવારના સભ્યો પણ બીમાર પડ્યા. હવે તેઓ પોતાનાં બાળકો અને પરિવાર માટે કશુંક કરવા માગે છે અને સરકારના આભારી છે.

ગુરમેજસિંહનાં માતા મંજિતકોરે જણાવ્યું, “અમને અમારો પુત્ર સતલજ નદીમાં તણાઈ ગયો હોવાની ઘણા દિવસો પછી ખબર પડી હતી. પુત્ર વિના અમારું જીવન કશું જ નહોતું. અમે દરરોજ અરદાસ કરતાં રહ્યાં અને ખૂબ મુશ્કેલીભર્યા દિવસો વિતાવ્યા.”

તેમણે કહ્યું કે હવે તેઓ ખૂબ ખુશ છે અને તબિયત પણ સારી છે. “પરમાત્માનો પાડ કે તેમણે મારા પુત્રને બીજું જીવન આપ્યું છે.”

‘બધું તપાસ પર આધાર રાખે છે’

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન પંજાબ ફિરોઝપુર

ઇમેજ સ્રોત, Getty Images

વકીલ મેહરસિંહ મલ્લે જણાવ્યું કે જે લોકો પૂરમાં તણાઈને કે કોઈ બીજા કારણે સીમા પાર કરીને પાકિસ્તાન પહોંચી જાય છે, ત્યાંની સુરક્ષા એજન્સીઓ તેમની તપાસ કરે છે. ત્યાર પછી ભારતની બૉર્ડર સિક્યૂરિટી ફોર્સનો સંપર્ક કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે જ્યારે એ સ્પષ્ટ થઈ જાય કે જાણી જોઈને બીજા દેશમાં જવાનો ઇરાદો નહોતો, ત્યારે પાકિસ્તાન તેમને ભારત પાછા મોકલી દે છે. પાછા આવવા માટેની કોઈ સમયસીમા નક્કી નથી હોતી, એ બધું તપાસ પર આધાર રાખે છે.

તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનથી પાછા આવનાર દરેક વ્યક્તિ પર ભારતમાં કેસ નોંધાવવો જરૂરી નથી હોતો. તે એ વાત પર આધાર રાખે છે કે જાણી જોઈને સરહદ પાર કરવામાં આવી કે ભૂલથી.

ટેલિફોનિક માહિતી અનુસાર, બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના ઇન્સ્પેક્ટર દીપસિંહે કહ્યું, “આ જૂનો કેસ હોવાના લીધે અમારી પાસે તેનો કોઈ રેકૉર્ડ ઉપલબ્ધ નથી.”

તેમણે કહ્યું, “હવે અમારી પાસે તેમના પાછા આવવાની માત્ર માહિતી હતી. તે સિવાય અમારી પાસે બીજી કોઈ જાણકારી નથી.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS