Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
તામિલનાડુના પોલાચીમાં એક વ્યક્તિએ પોતાના પિતાના મૃત્યુનો દાવો કરીને તેમના અંતિમ સંસ્કારની વિધિઓ કરી, પણ તેમના પિતા જીવતા પાછા આવ્યા.
પરિવારે લાપતા થયેલા પિતાનો કથિત મૃતદેહ મેળવીને તેમના અંતિમસંસ્કારની વિધિઓ શરૂ કરી પણ પછી એ મૃતદેહ કોઇમ્બતૂરની ઈએસઆઈ હૉસ્પિટલને પાછો સોપવામાં પડ્યો હતો.
આ ઘટના પોલાચીના કાલિદાસના પરિવારની છે જેમના પિતા લાપતા થયા હતા અને બાદમાં પોલીસ સ્ટેશનમાંથી પિતાના મૃતદેહના સમાચાર મળ્યા હતા.
પરિવારનો દાવો છે કે જે વ્યક્તિનો મૃતદેહ મળ્યો તે અને લાપતા થયેલા પિતા બંને એક સરખા દેખાતા હતા એટલે આવી ભ્રામક પરિસ્થિતિ ઊભી થઈ.
પરિવારનો દાવો છે કે તેમણે અંતિમ સંસ્કાર પર હજારો રૂપિયા ખર્ચ્યા હતા.
પોલીસે કહ્યું હતું કે મૃતદેહની ઓળખ હજુ સુધી નથી થઈ શકી.
કોત્તૂર પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર જગદીસને બીબીસી તમિલને કહ્યું કે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી કારણ કે આ આયોજનબદ્ધ નથી થયું અને જો આવું થયું તો કાયદાકીય સલાહ લેવામાં આવી હોત અને કાર્યવાહી કરવામાં આવી હોત.
બંને એક સરખા દેખાતા હોવાને કારણે આવી પરિસ્થિતિ ઊભી થઈ

પોલાચીના પેટ્ટાનાયક્કનૂરના રહેવાસી કાલિદાસને ગયા શનિવારે પોતાના પિતા મરુદામુથુના લાપતા થવાની માહિતી મળ્યા બાદ અનેક જગ્યાએ પિતાને શોધવાનો પ્રયત્ન કર્યો.
તેમણે કહ્યું કે પિતા રસ્તાના કિનારે પડેલા મળ્યા બાદ કેટલાક લોકોએ તેમને ઍમ્બ્યુલન્સથી હૉસ્પિટલ પહોંચાડ્યા હતા. જોકે, એ જાણી શકાયું નથી કે તેમને ક્યાં લઈ જવાયા હતા.
કાલિદાસના પરિવારે આપેલી માહિતી અનુસાર મરુદામુથુને કાલિદાસ સહિત ત્રણ દીકરા છે. પણ તેઓ કોઈના ઘરે સ્થાયી રીતે નથી રહેતા અને કેંગમ્પલાયમમાં એકલા રહેતા હતા.
મરુદામુથુ અવારનવાર કાલિદાસના ઘરે આવતા હતા.
પિતાના ગુમ થયા બાદ કાલિદાસ પોતાના લાપતા પિતાને શોધી રહ્યા હતા ત્યારે જ તેમની પાસે ગયા રવિવારે કોટ્ટૂલ પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો.
જ્યારે તેઓ પોલીસ સ્ટેશન ગયા તો તેમને એક તસવીર બતાવવામાં આવી અને કહેવામાં આવ્યું કે આ વ્યક્તિનું મોત થયું છે અને તેનો મૃતદેહ કોઇમ્બતૂર સરકારી હૉસ્પિટલના શબઘરમાં છે.
પોલીસની આ પ્રથા છે કે કોઈ અજ્ઞાત વ્યક્તિનું મૃત્યુ થાય તો તેની તસવીર લેવામાં આવે છે, તેને વિભિન્ન પોલીસ સ્ટેશનોમાં મોકલવામાં આવે છે અને લોકોના જોવા માટે પોલીસ સ્ટેશનના નોટિસ બોર્ડ પર પણ લગાવવામાં આવે છે.
કોત્તૂર પોલીસ સ્ટેશનમાં લાગેલી તસવીરને જોઈને કેટલાક લોકોએ પોલીસને જણાવ્યું કે આ વ્યક્તિ કેંગમ્પલાયમના મરુદામુથુ હતા. ત્યાર બાદ પોલીસે કાલિદાસને બોલાવ્યા.
ઇમેજ સ્રોત, Getty Images
કાલિદાસનો પરિવાર સોમવારે મૃતદેહ મેળવવા માટે પોલીસ પાસેથી જરૂરી દસ્તાવેજો લઈ કોઇમ્બતૂર સરકારી હૉસ્પિટલ ગયો હતો.
તેમણે ઔપચારિકતાઓ અનુસાર બધા દસ્તાવેજો ત્યાં સોંપ્યા, મૃતદેહ મેળવ્યો, તેને પેત્થા નાયક્કનૂર લઈ ગયા અને અંતિમ સંસ્કારની વિધિઓ શરૂ કરી.
કાલિદાસનાં પત્ની વૈદેગીએ જણાવ્યું કે, “પોલ્લાચીથી અમારી ઘરે આવતા એક સંબંધીને સમથુર પાસે મારા સસરાને ચાલતા જોઈને ઊંડો આઘાત લાગ્યો.”
“તેમને લાગ્યું કે અમને તેમના મૃત્યુના સમાચાર મળ્યા છે તો એમણે અમને સસરાનો વીડિયો બનાવીને મોકલ્યો.”
“વીડિયો જોયા બાદ પણ અમને વિશ્વાસ નહોતો થયો. સસરાને ઑટોથી ઘર બોલાવ્યા.”
વૈદેગીએ કહ્યું કે, “જ્યાર સુધી તેઓ આવ્યા નહીં, અમને એમની વાત પર વિશ્વાસ ન થયો. તેમના આવ્યા બાદ અમને આઘાત લાગ્યો.”
“મારા પતિ કોઇમ્બતૂર સરકાર હૉસ્પિટલ ગયા હતા, કોટ્ટૂર પોલીસ સ્ટેશનમાં મારા સસરાનો ફોટો બતાવીને ઘટનાનો રિપોર્ટ લખાવાયો હતો.”
“તેમણે જણાવ્યું કે આઇસબૉક્સમાં બતાવવામાં આવેલા મૃતદેહના ચહેરા પરના ભાવ એકદમ બદલાઈ ગયા હતા કારણ કે તેમનું મૃત્યુ ત્રણ દિવસ પહેલાં થયું હતું.”
જ્યારે કાલિદાસે હૉસ્પિટલને પૂછ્યુંકે શું પિતાનાં કપડાં બદલવામાં આવ્યાં, તો તેમણે કહ્યું કે કપડાં એટલાં ગંદાં હતાં કે કોઈએ તેમને બીજાં આપ્યાં હશે. તેમણે પણ આ વાત માની લીધી.”
મરુદામુથુ રસ્તા પર પડી ગયા હતા ત્યાર બાદ તેમને ઍમ્બ્યુલન્સમાં લઈ જઈને સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા સ્વસ્થ થયા બાદ ઘરે આવવાને બદલે તેઓ કોઈ સંબંધીને ઘરે જતા રહ્યા હતા.
પોલીસે જણાવ્યું કે તેમના દીકરાઓ અને પરિવાર તેમને શોધી રહ્યો હતો, કારણ કે તેમની પાસે મોબાઇલ ફોન ન હતો અને તેઓ ક્યાં હશે તેને લઈને કોઈને ખબર નહોતી.
અમે મરુદામુથુ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો છતાં તેમનો સંપર્ક નથી થઈ શક્યો.
તેમના પુત્ર કાલિદાસે કહ્યું કે, “હું કોઈ વાત કરવા નથી માગતો કારણ કે હું માનસિક રીતે ખૂબ પરેશાન છું.”
જો મૃતદેહના અંતિમસંસ્કાર થઈ ગયા હોત તો શું કાર્યવાહી થઈ શકી હોત?
નાળિયેર છોલવાનું કામ કરતા કાલિદાસનાં પત્ની વૈદેગી અનુસાર, તેઓ અંતિમ સંસ્કાર પર પહેલાં જ હજારો રૂપિયા ખર્ચી ચૂક્યાં છે.
જ્યારે તેમને ખબર પડી કે મૃતક મરુદામુથુ નથી તો તેમણે પોલીસને માહિતી આપી અને મૃતદેહને કોઇમ્બતૂર ઈએસઆઈ હૉસ્પિટલને સોંપી દીધો.
બીબીસી તમિલ સાથે વાત કરતા કોટ્ટૂર પોલીસ ઇન્સપેક્ટર જગદીસને કહ્યું કે, “આ મામલામાં પોલીસની કોઈ ભૂલ નથી. અમે પોલીસને મૃતદેહ સોંપવા માટે કાયદાકીય દસ્તાવેજો તૈયાર કર્યા હતા કારણ કે પુત્રોએ કહ્યું હતું કે આ તેમના પિતાનો મૃતદેહ છે.”
“જ્યારે અમને ખબર પડી કે આ તેમના પિતાનો મૃતદેહ નથી તો અમે તેની અજ્ઞાત મૃતદેહ તરીકે નોંધણી કરી અને હૉસ્પિટલને પાછો સોંપી દીધો.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



