Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રજનીશકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
-
27 એપ્રિલ 2025, 19:40 IST
અપડેટેડ 3 કલાક પહેલા
જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતેના ચરમપંથી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ છે. બંને દેશોએ એકબીજા સામે કૂટનીતિક પગલાં લેવાની જાહેરાત કરી છે.
ભારત તરફથી સિંધુ જળ સંધિને મોકૂફ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. બીજી બાજુ, પાકિસ્તાને 1972ના શિમલા કરારને મોકૂફ કરવાની વાત કહી છે, જેને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
ભારતે સિંધુ જળ સંધિને મોકૂફ કરવાની જાહેરાત કરી, ત્યારથી જ પાકિસ્તાનમાં માગ થઈ રહી હતી કે તેણે શિમલા કરારમાંથી હઠી જવું જોઈએ.
શિમલા કરારમાંથી હઠવા પાકિસ્તાનમાં આંતરિક દબાણ

ઇમેજ સ્રોત, x/ForeignOfficePk
પાકિસ્તાનના વિખ્યાત પત્રકાર હામિદ મીરે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “પાકિસ્તાનમાં નવી ચર્ચા ચાલી રહી છે. જો ભારત વિશ્વબૅન્કની મધ્યસ્થતાથી થયેલી સિંધુ જળ સંધિને અલવિદા કહેવા પ્રમાણે પ્રતિબદ્ધ હોય, તો પાકિસ્તાને પણ શિમલા કરારમાંથી ખસી જવું જોઈએ, જેમાં કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા સામેલ નથી.”
પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના પૂર્વ વડા પ્રધાન રાજા મોહમ્મદ ફારૂક હૈદર ખાને ઍક્સ પર લખ્યું, “ભારતે સિંધુ જળ સંધિમાંથી ખસી જવાનો એકતરફી નિર્ણય લીધો છે. તેનો જવાબ આપણે શિમલા કરારમાંથી ખસી જઈને આપવો જોઈએ, વિશેષ કરીને કાશ્મીર સંબંધિત બાબતોમાં.”
કેટલાક પાકિસ્તાનીઓનું માનવું છે કે શિમલા કરારને મોકૂફ કરી દેવાથી પાકિસ્તાનને ફાયદો થશે, કારણ કે તેના કારણે પાકિસ્તાન દ્વારા કાશ્મીરના મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ નહોતું થઈ શકતું. પરંતુ હવે પાકિસ્તાન કોઈ પણ જાતના રાજકીય અવરોધ વગર કાશ્મીરના મુદ્દાને દરેક આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ઉઠાવશે.
ઉલ્લેખનીય છે કે શિમલા કરાર મોકૂફ નહોતા થયા થયા, તે પહેલાં પણ પાકિસ્તાને આ મુદ્દાને આંતરરાષ્ટ્રીયસ્તરે ઉઠાવ્યો હતો. પાકિસ્તાની વિશ્લેષકોને લાગે છે કે હવે આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય મીડિયામાં ઉઠાવી શકાશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો શિમલા કરાર શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ડિસેમ્બર-1971માં ભારત-પાકિસ્તાનના યુદ્ધ બાદ વર્ષ 1972માં ભારત અને પાકિસ્તાન વચ્ચે શિમલા ખાતે કરાર થયા હતા. બંને દેશો વચ્ચે પ્રવર્તમાન કડવાશને દૂર કરવા માટે આ ઔપચારિક કરારને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવ્યો હતો.
શિમલા કરાર મુજબ બંને દેશો તેમની વચ્ચે પ્રવર્તમાન સમસ્યાઓનું સમાધાન દ્વિપક્ષીય વાટાઘાટો અને શાંતિપૂર્ણ રીતે લાવવામાં આવશે.
1971ના યુદ્ધ પછીની સ્થિતિ મુજબ બંને દેશની સેનાઓ જ્યાં હતી તેને લાઇન ઑફ કંટ્રોલ નિર્ધારિત કરવામાં આવી. બંને દેશો વચ્ચે નક્કી થયું હતું કે તેઓ આ રેખાનું સન્માન કરશે તથા તેમાં ફેરફાર કરવા અંગે એકતરફી નિર્ણય નહીં લે.
બંને દેશ નિર્ધારિત સીમાને સ્વીકારીને એકબીજાના વિસ્તારોમાંથી સૈનિકોને પાછળ હઠાવવા માટે પણ સહમત થયા હતા.
શિમલા કરાર મોકૂફ થવાથી શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
શિમલા કરાર મોકૂફ થવાથી શું થઈ શકે તેના વિશે વાત કરતા દિલ્હીસ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ખાતે દક્ષિણ એશિયા અધ્યયન કેન્દ્રના પ્રોફેસર મહેન્દ્ર લામા કહે છે :
“શિમલા કરાર અગાઉથી જ મૃતાવસ્થામાં છે, પરંતુ સિંધુ જળ સંધિની દરેક લાઇન હજુ પણ સાબૂત છે. એક મૃત કરાર અને એક અસરકારક સંધિની સરખામણી ન થઈ શકે. પાકિસ્તાન એ કરારને સમાપ્ત કરવાની વાત કરી રહ્યું છે, જેની હત્યા ખુદ પાકિસ્તાને પહેલાંથી જ કરી નાખી છે.”
પ્રો. લામા કહે છે, “સિંધુ જળ સંધિ મોકૂફ થવાથી પાકિસ્તાન પર ભારે અસર થશે. તેનાથી પાકિસ્તાનની 80 ટકા વસતીને અસર થશે, કારણ કે સિંધુ નદીમાંથી 70 ટકા પાણી પાકિસ્તાનને મળે છે. પાકિસ્તાનનું 80 ટકા કરતાં વધુનું કૃષિ ઉત્પાદન આ પાણી ઉપર આધારિત છે. જો તે બંધ થઈ જશે, તો પાકિસ્તાનને ભારે મુશ્કેલી પડશે.”
“જ્યાર સુધી શિમલા કરારનો સવાલ છે, તેનો કોઈ અર્થ નથી સરતો. પાકિસ્તાન દ્વારા દરરોજ તેનો ભંગ કરવામાં આવે છે. સારું છે કે તે આ કરારમાંથી ખસી ગયું.”
‘મૃત કરારની અંતિમવિધિ થઈ’

ઇમેજ સ્રોત, Getty Images
થિંક ટૅન્ક ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના સિનિયર ફેલો તથા પાકિસ્તાની બાબતોના નિષ્ણાત સુશાંત સરીનના કહેવા પ્રમાણે, પાકિસ્તાન શિમલા કરારમાંથી ખસી ગયું છે અને તેના કારણે ભારતને જરા પણ આંચકો નહીં લાગે.
સરીનના કહેવા પ્રમાણે, “હવે, કાશ્મીર અંગે મોટા નિર્ણયો લેવામાં ભારતને મદદ મળશે. રસપ્રદ બાબત તો એ છે કે પાકિસ્તાને લાંબા સમયથી શિમલા કરારને ત્યજી દીધો છે. પાકિસ્તાને ક્યારેય આ કરારનું પાલન નહોતું કર્યું.”
“જો પાકિસ્તાને આ કરારનું પાલન કર્યું હોત તો કારગિલનું યુદ્ધ ન થયું હોત. દરરોજ સીમાઓ ઉપર ગોળીબાર ન થતો હોત અને આતંકવાદીઓને આશરો ન આપ્યો હોત. આ સંજોગોમાં પાકિસ્તાન જો મૃત કરારની અંતિમવિધિ કરવા માગે છે, તો ભલે કરી નાખે.”
શું ભારતે જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને નાબૂદ કરીને શિમલા કરારનો ભંગ નથી કર્યો? શું ભારતે ક્યારેય શિમલા કરાર નથી તોડ્યો? આ સવાલના જવાબમાં પ્રો. મહેન્દ્ર લામા જણાવે છે:
“અનુચ્છેદ 370ની નાબૂદીએ શિમલા કરારનો ભંગ નહોતો. એ ભારતીય બંધારણની બાબત હતી અને સંસદ પાસે બંધારણીય સુધાર કરવાના અધિકાર છે. જો પાકિસ્તાન શિમલા કરારમાંથી ખસી જશે, તો પણ ભારત ઉપર તેની કોઈ અસર નહીં થાય.”
શું ભારત સિંધુ જળ સંધિને તોડીને તેના પાણીનો સંગ્રહ કરી શકશે? પ્રો. લામાનો મત છે, “હાલ સંગ્રહ નથી થઈ શકતો, પરંતુ કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણયની શરૂઆત આવી રીતે જ થાય. પાણીના અમુક અંશને સાચવવાની વ્યવસ્થા ભારતે કરી છે અને આગામી વર્ષો દરમિયાન આ ક્ષમતામાં વૃદ્ધિ થશે.”
શું ચીન પાકિસ્તાનને રાજી રાખવા બદલો લેશે?

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનપ્રશાસિત કાશ્મીર સરકારમાં સચિવપદે રહેલા વરિષ્ઠ વકીલ રાજા મોહમ્મદ રઝાકે ઍક્સ પર લખ્યું, “સિંધુ જળ સંધિ અંગે ભારત એકતરફી નિર્ણય ન લઈ શકે. ભારતને ભાન હોવું જોઈએ કે બ્રહ્મપુત્રા નદીની બાબતમાં તે લોઅર રિપેરીઅન (નીચાણવાસમાં) છે. એટલે કે બ્રહ્મપુત્રા નદી ચીનમાંથી ઉદ્દભવે છે. બાંગ્લાદેશ જતાં પહેલાં તે ભારતમાંથી પસાર થાય છે. પૂર્વોત્તર ભારત મહદંશે બ્રહ્મપુત્રા નદી પર નિર્ભર છે. ચીન પણ ભારત અંગે આ પ્રકારનો નિર્ણય લઈ શકે છે.”
શું ચીન આ પ્રકારનો નિર્ણય લઈ શકે? તે અંગે પ્રો. મહેન્દ્ર લામાનું કહેવું છે, “જો ચીન બ્રહ્મપુત્રા નદી અંગે આ પ્રકારનો કોઈ નિર્ણય લે, તો બાંગ્લાદેશને ખૂબ જ ખરાબ અસર થશે. મને નથી લાગતું કે પાકિસ્તાનને રાજી કરવા માટે ચીન બે દેશોને પરેશાન કરશે.”
સિંધુ નદી પણ ચીનમાંથી નીકળે છે. આ સંજોગોમાં જો ભારત દ્વારા સિંધુ નદીના પાણીને પાકિસ્તાન જતું અટકાવવામાં આવે, તો શું ચીન ચૂપ રહેશે?
પ્રો. લામા કહે છે, “સિંધુ નદી તિબેટમાંથી નીકળે છે અને મને નથી લાગતું કે ચીન દ્વારા તિબેટમાં જળસંગ્રહ થઈ શકશે. જો કરે, તો પણ એ પાણી પાકિસ્તાન સુધી નહીં પહોંચે.”
‘આ 1971નું પાકિસ્તાન નથી’

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2016માં ઉરીના હુમલા બાદ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પાણી અને લોહી એકસાથે ન વહી શકે. પાકિસ્તાન પણ આવી જ વાત કરી રહ્યું છે. તેનું કહેવું છે કે જો તેના અસ્તિત્વ પર સંકટ આવશે અને પાણી નહીં વહે તો લોહી વહેશે.
ભારતમાં પાકિસ્તાનના હાઈકમિશરપદે રહેલા અબ્દુલ બાસિતે એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું, “અમને 133 મિલિયન એકર ફૂટ પાણી મળે છે અને તે મળતું રહેવું જોઈએ. જો આ પાણી નહીં મળે અને અમારી નદીઓમાં પાણી નહીં આવે, તો લોહી વહેશે. આ વર્ષ 1971નું પાકિસ્તાન નથી. આ 1998 પછીનું પાકિસ્તાન છે. અમારી પાસે પરમાણુ બૉમ્બ છે. એ વાત તમારે ધ્યાને લેવી જોઈએ.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS