Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
તમે ઇઝરાયલની ખ્યાત ઍર ડિફેન્સ સિસ્ટમ ‘આયરન ડોમ’ કે ‘ડેવિડ્સ સ્લિંગ’ વિશે જાણતા હશો, જેને ઍન્ડ્વાન્સ્ડ મિસાઇલ શિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે.
ભલે ઈરાન તરફથી મિસાઇલ હુમલો થાય, હમાસે રૉકેટ ફાયર કર્યાં હોય કે હૂતી વિદ્રોહીઓના ડ્રોન હોય, જ્યારે આ શસ્ત્રો ઇઝરાયલી હવાઈ ક્ષેત્રમાં પ્રવેશે, ત્યારે તેને ઑટોમૅટિક સંરક્ષણ પ્રણાલીઓની મદદથી હવામાં જ નષ્ટ કરી દેવાય છે.
યુદ્ધની સ્થિતિમાં કોઈ પણ દેશની વાયુ સંરક્ષણ પ્રણાલી ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. સંરક્ષણ પ્રણાલીમાં ઍન્ટિ-મિસાઇલ પ્રણાલીઓની સાથોસાથ રડાર અને અન્ય ઉપકરણો સામેલ છે, જે હુમલો કરનાર વિમાનોને શોધી કાઢે છે અને તેના પર નજર રાખે છે.
ભારતે એક દિવસ અગાઉ ‘ઑપરેશન સિંદૂર’ અંતર્ગત પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં ઘણાં સ્થળોએ હુમલા કર્યા. ભારતનું કહેવું છે કે તેનું નિશાન ‘આતંકવાદી ઠેકાણાં’ હતાં.
ભારતનું એવું પણ કહેવું છે કે આ કાર્યવાહી પહલગામમાં 26 પર્યટકોની હત્યા માટે જવાબદાર લોકો વિરુદ્ધ હતી.
પાકિસ્તાની સૈન્ય અનુસાર છ મેની રાત્રે 1:05 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી ચાલેલા આ ઑપરેશન દરમિયાન પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં મસ્જિદો અને નાગરિકોને નિશાન બનાવાયાં હતાં.
જ્યારે ભારતે કહ્યું કે તેણે કેવળ ‘આતંકી માળખાં’ને ટાર્ગેટ કર્યાં.
ભારતે એ વાત પણ સ્પષ્ટ નથી કરી કે આ હુમલામાં કયા પ્રકારનાં હથિયારોનો ઉપયોગ કરાયો હતો, પરંતુ પાકિસ્તાની સૈન્ય પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ કહ્યું કે ભારતે છ સ્થળોએ વિભિન્ન હથિયારોનો ઉપયોગ કરીને કુલ 24 હુમલા કર્યા.
પાકિસ્તાની સૈન્ય પ્રવક્તાએ એવો પણ દાવો કર્યો કે ભારતના મિસાઇલ હુમલાના જવાબમાં પાકિસ્તાને ભારતીય વાયુ સૈન્યનાં પાંચ ફાઇટર વિમાન અને એક ડ્રોનને તોડી પાડ્યાં.
ભારતે આ દાવા પર કોઈ પ્રતિક્રિયા નથી આપી. બીબીસી સ્વતંત્રપણે આ દાવાની પુષ્ટિ નથી કરતું.
મિસાઇલ પડવાની ઘટના પહેલવહેલી નથી

ઇમેજ સ્રોત, Getty Images
એવું પહેલી વાર નથી બન્યું કે ભારત તરફથી કોઈ મિસાઇલ પાકિસ્તાની ધરતી પર પડી હોય.
માર્ચ 2022માં ભારતની બ્રહ્મોસ મિસાઇલ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મિયાં ચન્નૂ શહેર પાસે પડી હતી. જોકે, તેમાં કોઈ જાનહાનિ નહોતી થઈ.
જોકે, ભારતે આ ઘટના બાબતે એક નિવેદનમાં કહ્યું હતું કે મિસાઇલ ભૂલથી પાકિસ્તાન તરફ છોડવામાં આવી હતી.
પાકિસ્તાની સૈન્યના ઇન્ટર-સર્વિસિઝ પબ્લિક રિલેશન્સ (આઇએસપીઆર)ના મહાનિદેશક બાબર ઇફ્તિખારે મીડિયાને વિસ્તૃત જાણકારી આપતાં કહ્યું હતું કે પાકિસ્તાની ક્ષેત્રમાં પ્રવેશ કરનારી એ ‘ભારતીય મિસાઇલ’ સપાટીથી સપાટી પર ફાયર કરાતી સુપરસોનિક મિસાઇલ હતી.
એ સમયે પાકિસ્તાને દાવો કર્યો હતો કે પ્રારંભિક તપાસથી ખબર પડે છે કે આ મિસાઇલ એક સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ હતી, જે ધ્વનિની ગતિથી ત્રણ ગણી વધુ ઝડપે યાત્રા કરવામાં સક્ષમ હતી.
એવો પણ દાવો કરાયો હતો કે આ મિસાઇલ પાકિસ્તાની સીમાની અંદર ત્રણ મિનિટ અને 44 સેકન્ડ સુધી રહી. એ બાદ પાકિસ્તાની સીમાની અંદર 124 કિલોમીટર દૂર જઈને નષ્ટ થઈ ગઈ.
પાકિસ્તાની સૈન્ય સૂત્રોએ પણ એવો દાવો કર્યો હતો કે પાકિસ્તાનની ઍર ડિફેન્સ સિસ્ટમે ભારતીય શહેર સિરસાથી મિસાઇલ લૉન્ચ બાદથી જ તેના પર નજર રાખવાનું શરૂ કરી દીધું હતું.
તેની સંપૂર્ણ ઉડાણ અવધિ દરમિયાન તેના પર નજર રખાઈ.
બાલાકોટ બાદ બંને દેશોએ સંરક્ષણ ખરીદીમાં વધારો કર્યો

ઇમેજ સ્રોત, Getty Images
2019 બાદ બંને દેશોએ નવાં સંરક્ષણ ઉપકરણ ખરીદ્યાં છે. ઉદાહરણ તરીકે, ભારતીય વાયુ સૈન્ય પાસે હવે ફ્રાન્સનિર્મિત 36 રાફેલ ફાઇટર પ્લેન છે.
પાકિસ્તાની સૈન્યનો દાવો છે કે તેમણે ભારતના હાલના હુમલાનો બદલો લેતાં બે રાફેલ વિમાનો તોડી પાડ્યાં છે, પરંતુ ભારતે આના પર કોઈ પ્રતિક્રિયા નથી આપી.
આ દરમિયાન, લંડનસ્થિત ઇન્ટરનૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટ્રેટેજિક સ્ટડીઝ અનુસાર, આ જ સમયગાળા દરમિયાન પાકિસ્તાને ચીન પાસેથી ઓછામાં ઓછાં 20 જે-10 ફાઇટર વિમાન હાંસલ કર્યાં છે, જે પીએલ-15 મિસાઇલોથી સજ્જ છે.
ઍર ડિફેન્સની વાત કરીએ તો 2019 બાદ ભારતે રશિયન એસ-400 ઍન્ટિ-ઍરક્રાફ્ટ મિસાઇલ સિસ્ટમ હાંસલ કરી લીધી, જ્યારે પાકિસ્તાનને ચીન પાસેથી HQ-9 ઍર ડિફેન્સ સિસ્ટમ હાંસલ થઈ.
રેડિયો પાકિસ્તાન અનુસાર, પાકિસ્તાન વાયુ સેનાએ હાલમાં જ એક નિવેદનમાં કહ્યું કે તેની વાયુ સંરક્ષણ ક્ષમતાઓમાં ‘ઍડ્વાન્સ્ડ એરિયલ પ્લૅટફૉર્મ્સ, ઉચ્ચથી મધ્ય ઊંચાઈવાળી ઍર ડિફેન્સ સિસ્ટમ, અનમૅન્ડ કૉમ્બેટ એરિયલ વિહિકલ સામેલ છે. આ સિવાય તેની પાસે સ્પેસ, સાઇબર અને ઇલેક્ટ્રૉનિક વૉરફેરની સાથોસાથ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત સિસ્ટમો પણ છે.’
પરંતુ પાકિસ્તાન પર ભારતના હુમલા બાદ કેટલાક મહત્ત્વપૂર્ણ સવાલો ઊઠ્યા છે.
શું પાકિસ્તાનની વાયુ સંરક્ષણપ્રણાલી ભારતથી આવતી મિસાઇલોને પૂરતી હદ સુધી રોકવામાં સક્ષમ છે? અને પાકિસ્તાન ભારતથી આવેલી મિસાઇલોને હવામાં જ નષ્ટ કરવામાં કેમ અસમર્થ રહ્યું?
પાકિસ્તાનની ઍર ડિફેન્સ સિસ્ટમ મિસાઇલ ઇન્ટરસેપ્ટ કરી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાની વાયુ સેનાના પૂર્વ વાઇસ ઍર માર્શલ ઇકરામુલ્લાહ ભટ્ટીએ બીબીસી ઉર્દૂ સાથેની વાતચીતમાં કહ્યું કે પાકિસ્તાનની ઍર ડિફેન્સ સિસ્ટમ પાસે ઓછા અંતર, મધ્યમ અંતર અને લાંબા અંતરની સપાટીથી સપાટી માર કરનાર ક્રૂઝ અને બૅલિસ્ટિક મિસાઇલોને રોકવાની ક્ષમતા છે.
તેમણે કહ્યું કે પાકિસ્તાને પોતાની ડિફેન્સ સિસ્ટમમાં ઘણી મિસાઇલ સિસ્ટમોને સામેલ કરી છે, જેમાં ચીનનિર્મિત HQ-16 FE ડિફેન્સ સિસ્ટમ પણ સામેલ છે, જે પાકિસ્તાનને આધુનિક સંરક્ષણ મિસાઇલ પ્રણાલીની ક્ષમતા પ્રદાન કરે છે અને સપાટીથી સપાટી માર કરનાર મિસાઇલો, ક્રૂઝ મિસાઇલો અને યુદ્ધપોતો વિરુદ્ધ અસરકારક છે.
જોકે, જ્યારે હવાથી જમીન પર માર કરનાર મિસાઇલોને રોકવાની વાત આવે છે, તો એવી કોઈ સંરક્ષણપ્રણાલી નથી.
જોકે, એ ખબર નથી પડી કે ભારતે મિસાઇલો હવાથી ફાયર કરી હતી કે જમીનથી.
પૂર્વ ઍર કમોડોર આદિલ સુલ્તાને બીબીસીને જણાવ્યું કે વિશ્વમાં અત્યાર સુધી એવી કોઈ સંરક્ષણપ્રણાલી નતી બની, જે ફૂલપ્રૂફ સુરક્ષા પૂરી પાડી શકે. ખાસ કરીને એવી સ્થિતિમાં જ્યારે પાકિસ્તાન અને ભારત જેવા દેશો, જેમની સીમા એકબીજાને અડકીને આવેલી છે અને કેટલાંક સ્થળોએ આ અંતર અમુક મીટરનું જ છે.
તેમણે કહ્યું કે ત્યાં હવાથી જમીન પર માર કરનારી મિસાઇલના હુમલાને 100 ટકા રોકવા અશક્ય છે.
તેમણે જણાવ્યું કે એક જ સમયે જુદી જુદી દિશાઓમાંથી આવતી મિસાઇલોને રોકવા માટે કોઈ પણ ડિફેન્સ સિસ્ટમની ક્ષમતાની એક મર્યાદા હોય છે.
તેમણે કહ્યું કે જોકે આ આધુનિક સંરક્ષણપ્રણાલીઓ ખૂબ કારગત છે, પરંતુ 2,500 કિલોમીટરથી વધુ લાંબી પૂર્વી સીમા પર આવી ડિફેન્સ સિસ્ટમ સ્થાપિત કરવું અને આ સીમામાંથી કોઈ મિસાઇલ પ્રવેશ ન કરી શકે એ સુનિશ્ચિત કરવું શક્ય નથી.
આદિલ સુલતાન અનુસાર, આવું કરવા માટે અબજો ડૉલરની જરૂર પડશે અને બૉર્ડર નિકટ હોવાને કારણે એ ઝાઝી અસરકારક નહીં હોય.
હવામાંથી સપાટી પર માર કરનારી મિસાઇલો રોકવાનું મુશ્કેલ કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
ઇકરામુલ્લાહ ભટ્ટીએ કહ્યું કે ભારતે આ મિસાઇલો કદાચ હવાથી જમીન તરફ ફાયર કરી હશે અને જો હવાથી જમીન પર માર કરનારી મિસાઇલોની વાત કરીએ, તો એ આજકાલ ખૂબ જ આધુનિક થઈ ગઈ છે.
તેમણે જણાવ્યું કે, “તેની ઝડપ ખૂબ જ વધી ગઈ છે, જે મૅક 3 (3,675 કિમી/ કલાક)થી મૅક 9 (11,025 કિમી/કલાક) સુધી છે અને અમેરિકા, રશિયા કે ચીન સહિત કોઈ પણ દેશ પાસે આટલી ઝડપથી આવતી મિસાઇલોને રોકવાની ક્ષમતા નથી.”
ઇકરામુલ્લા ભટ્ટી જણાવ્યું કે હવામાંથી લૉન્ચ કરાયેલ મિસાઇલોને રોકવામાં વધુ એક પડકાર એ છે કે તેની ઉડાણનો સમયગાળો ખૂબ ઓછો હોય છે અને તમારી પાસે પ્રતિક્રિયા માટે ખૂબ જ મર્યાદિત સમય હોય છે, જ્યારે તેનાથી વિપરીત જમીનથી જમીન પર માર કરનારી મિસાઇલોને રોકી શકાય છે, કારણ કે તેની ઉડાણનો સમયગાળો વધુ હોય છે.
પાકિસ્તાન વાયુ સેનાના પૂર્વ કમોડોર આદિલ સુલતાને કહ્યું કે વિશ્વની કોઈ પણ સંરક્ષણપ્રણાલી ભૌગોલિકપણે જોડાયેલા પ્રતિદ્વંદ્વી દેશોના હુમલાને 100 ટકા નથી રોકી શકતી.
જોકે, તેમણે કહ્યું કે આનાથી નુકસાન ઘટી જાય છે, આદિલ સુલતાને જણાવ્યું કે આવી ડિફેન્સ સિસ્ટમમાં બચાવ માટે એ પણ મહત્ત્વપૂર્ણ છે કે હુમલો કેવો છે. જો હવામાંથી જમીન પર માર કરનારી મિસાઇલો એક જ સમયે જુદી જુદી દિશામાંથી લૉન્ચ કરાય તો તેને રડાર પર ઓળખવી અને તરત જવાબ આપવો થોડું અઘરું બની જાય છે.
જો આપણે સપાટીથી સપાટી પર માર કરનારી મિસાઇલો કે ક્રૂઝ મિસાઇલોની વાત કરીએ તો તેની તહેનાતીની માહિતી હોય છે અને તમે તેના પર નજર રાખી શકો છો.
ઍર કમોડોર આદિલ સુલતાને કહ્યું છે કે ફાઇટર પ્લેનની સાથે હવામાં યુદ્દની સ્થિતિ ખૂબ અલગ હોય છે.
તેમણે કહ્યું, “જમીનથી હવા કે જમીનથી જમીન પર માર કરનારી સંરક્ષણપ્રણાલીમાં તમને આ મિસાઇલોની ક્ષમતા, સંભવિત પ્રક્ષેપણ સ્થાન અને સંભવિત રસ્તા અંગે ખબર હોય છે. પરંતુ હવાઈ યુદ્ધમાં આપણને એ નથી ખબર હોતી કે મિસાઇલ ક્યાંથી લૉન્ચ કરાશે અને તમારે તમારી જાતને તમામ બાજુએથી બચાવવાની હોય છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS