Home તાજા સમાચાર gujrati પાકિસ્તાનનો સાથ આપનાર તુર્કી ભારતની નારાજગીની ચિંતા કેમ નથી કરતું?

પાકિસ્તાનનો સાથ આપનાર તુર્કી ભારતની નારાજગીની ચિંતા કેમ નથી કરતું?

2
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભારત-પાકિસ્તાન સંઘર્ષ, તુર્કી, ભારતનું ઑપરેશન સિંદૂર

ઇમેજ સ્રોત, Getty Images

“પાકિસ્તાન, તુર્કી દોસ્તી જિંદાબાદ!”

આ શબ્દ તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યા છે.

મંગળવારે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે અર્દોઆનનો આભાર માન્યો અને પછી તેમણે આ અંદાજમાં શહબાઝ શરીફને જવાબ આપ્યો.

ભારત અને પાકિસ્તાન જ્યારે સંઘર્ષ દરમિયાન સામસામે આવી ગયાં હતાં, ત્યારે તુર્કીએ ખૂલીને પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું.

આવું પહેલી વાર નથી બન્યું કે તુર્કીએ ભારત-પાકિસ્તાનના કોઈ મામલામાં પાકિસ્તાનનો સાથ આપ્યો હોય. સંયુક્ત રાષ્ટ્ર જેવા આંતરરાષ્ટ્રીય મંચો પર તુર્કીએ ઘણી વખત પાકિસ્તાનનો સાથ આપ્યો છે.

ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં તુર્કી

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભારત-પાકિસ્તાન સંઘર્ષ, તુર્કી, ભારતનું ઑપરેશન સિંદૂર

ઇમેજ સ્રોત, Getty Images

ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ શરૂ થયો એ બાદ 9 મેના રોજ અર્દોઆને પાકિસ્તાનના સમર્થનમાં ઍક્સ પર પોસ્ટ કર્યું હતું.

તેમણે પાકિસ્તાનના લોકોને ભાઈની માફક ગણાવ્યા અને તેમના માટે અલ્લાહથી દુઆની વાત કહી હતી. સાથે જ તેમણે પહલગામ હુમલાની આંતરરાષ્ટ્રીય તપાસવાળા પાકિસ્તાનના પ્રસ્તાવનું પણ સમર્થન કર્યું હતું.

હુમલાના અમુક દિવસ બાદ ટર્કિશ ઍરફોર્સનું સી-130 જેટ પાકિસ્તાનમાં લૅન્ડ થયું હતું. જોકે, તુર્કીએ આ લૅન્ડિંગ ઈંધણ ભરવા માટે થઈ હોવાનું કહ્યું હતું.

આ સિવાય સંઘર્ષ પહેલાં તુર્કી યુદ્ધપોત પણ કરાચી પૉર્ટ પર હતું અને તુર્કીએ આ વાતને પારસ્પરિક સદ્ભાવ સાથે જોડી હતી.

સંઘર્ષ દરમિયાન ભારતે દાવો કર્યો હતો કે 8 મેના રોજ પાકિસ્તાને મોટો ડ્રૉન હુમલો કર્યો હતો, જે તુર્કી નિર્મિત સોનગાર ડ્રોન હતાં.

જોકે, પાકિસ્તાનના સંરક્ષણમંત્રીએ હુમલાની વાતથી ઇનકાર કર્યો હતો.

સોનગાર ડ્રોન હથિયાર લઈ જવામાં સક્ષમ યુએવી એટલે કે માનવરહિત હવાઈ વાહન છે, જેને તુર્કીની ડિફેન્સ ફર્મ આસિસગૉર્ડ દ્વારા ડિઝાઇન અને વિકસિત કરાયાં છે.

તુર્કી પશ્ચિમ એશિયામાં એકમાત્ર એવો દેશ હતો જે પાકિસ્તાનની સાથે હતો. ખાડીના અન્ય દેશો પાકિસ્તાનનું સમર્થન કરવાથી દૂર રહ્યા હતા.

ભારતનો સાથ કેમ નથી આપતું તુર્કી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભારત-પાકિસ્તાન સંઘર્ષ, તુર્કી, ભારતનું ઑપરેશન સિંદૂર

વર્ષ 2023ના ફેબ્રુઆરી માસમાં તુર્કી અને સીરિયામાં ખતરનાક ભૂકંપ આવ્યો હતો. હજારો લોકોનાં મૃત્યુ થયાં અને લાખો બેઘર થઈ ગયા હતા.

ભારત સરકારે રાહત અને બચાવ માટે તુર્કી અને સીરિયામાં ‘ઑપરેશન દોસ્ત’ શરૂ કર્યું. આ ઑપરેશન અંતર્ગત ભારતથી વિમાન મારફતે તુર્કીમાં રાહતસામગ્રી પણ મોકલવામાં આવી હતી.

ત્યારે ભારતમાં તુર્કીના તત્કાલીન રાજદૂત ફિરાત સુનેલે કહ્યું હતું કે, “આ ઑપરેશન ભારત અને તુર્કી વચ્ચેની દોસ્તીને દર્શાવે છે અને દોસ્ત હંમેશાં એકબીજાની મદદ કરે છે.”

આ એક માનવીય મદદ હતી, પરંતુ આશા કરાઈ રહી હતી કે આનાથી બંને દેશોના સંબંધ બહેતર બનશે.

તુર્કી ભારતને દોસ્ત ગણાવે છે અને પાકિસ્તાનને ભાઈ.

જ્યારે જ્યારે બંનેમાંથી એકને પસંદ કરવાનું હોય છે ત્યારે મોટા ભાગના પ્રસંગોએ તુર્કી પાકિસ્તાન સાથે જોવા મળે છે.

આજે ભારત સાઉદી અરેબિયા અને યુએઈ સાથે મજબૂત સંબંધ હોવાનો દાવો કરે છે, જે ઐતિહાસિકરૂપે પાકિસ્તાનના નિકટના દેશો રહ્યા છે. પરંતુ તુર્કી આ મામલામાં અલગ કેમ છે?

ડૉ. ઓમૈર અનસ તુર્કીની અંકારા યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય સંબંધ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે.

તેઓ આ સવાલના જવાબમાં કહે છે કે, “ભારતના સાઉદી અરેબિયા અને યુએઈ સાથેના સંબંધ આજના સમયમાં જરૂરી થઈ ગયા છે, કારણ કે ભારતે ઑઇલ ખરીદવાનું છે. આ સિવાય ભારતના લાખો કામદારો આ દેશોમાં કામ કરે છે. જ્યારે તુર્કી અને ભારત વચ્ચે વેપારી સંબંધ ઓછા છે અને એકબીજા પરની નિર્ભરતા ઝાઝી નથી. તેથી તુર્કી એટલી ચિંતા નથી કરતું, જ્યારે સાઉદી અરેબિયા અને યુએઈ તટસ્થ રહે છે કાં તો ભારત સાથે સમભાવ વ્યક્ત કરે છે.”

તુર્કી અને ભારત વચ્ચે રાજદ્વારી સંબંધ વર્ષ 1948માં સ્થાપિત થયા હતા. પરંતુ ઘણા દાયકા પસાર થવા છતાં બંને નિકટના ભાગીદાર નથી બની શક્યાં.

મોદી અને અર્દોઆન (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, Getty Images

તુર્કી અને ભારત વચ્ચે તણાવનાં બે મહત્ત્વનાં કારણો માનવામાં આવે છે. પ્રથમ કાશ્મીર મામલામાં તુર્કીનું પાકિસ્તાન તરફી વલણ અને બીજું શીત યુદ્ધમાં તુર્કીનું અમેરિકન જૂથ સાથે સામેલ હોવું, એ પણ એવા સમયે જ્યારે ભારત બિનજોડાણવાદની વકીલાત કરી રહ્યું હતું.

શીત યુદ્ધ સંયુક્ત રાજ્ય અમેરિકા અને સોવિયેટ સંઘ વચ્ચે વર્ષ 1947થી 1991 સુધી ચાલેલી એક લાંબી રાજકીય અને સૈન્ય સ્પર્ધા હતી.

જ્યારે શીત યુદ્ધ કમજોર પડવા લાગ્યું હતું ત્યારે તુર્કીના ‘પશ્ચિમ તરફી’ અને ‘ઉદાર’ રાષ્ટ્રપતિ મનાતા તુરગુત ઓઝાલે ભારત સાથેના સંબંધોને પાટે લાવવાના પ્રયત્નો કર્યા હતા.

1986માં ઓઝાલે ભારતની મુલાકાત લીધી હતી. આ સમયગાળામાં ઓઝાલે બંને દેશોનાં દૂતાવાસોમાં સૈન્ય પ્રતિનિધિઓની ઑફિસ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એ બાદ 1988માં ભારતના તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ તુર્કીની મુલાકાત લીધી હતી. રાજીવ ગાંધીની મુલાકાત બાદ બંને દેશોના સંબંધો ઘણા મોરચે સુધર્યા હતા

પરંતુ તેમ છતાં કાશ્મીર મામલામાં તુર્કીનું વલણ પાકિસ્તાન તરફી જ રહ્યું, તેથી સંબંધો વધુ નિકટના ન બની શક્યા.

વર્ષ 2014માં નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા અને વર્ષ 2014માં જ અર્દોઆન વડા પ્રધાનમાંથી રાષ્ટ્રપતિ બન્યા. વર્ષ 2017માં અર્દોઆન રાષ્ટ્રપતિ તરીકે ભારત આવ્યા, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ક્યારેય તુર્કીના આધિકારિક પ્રવાસ પર ન ગયા.

વર્ષ 2019માં વડા પ્રધાન મોદી તુર્કી જવાના હતું, પરંતુ યુએનજીએમાં અર્દોઆને કાશ્મીર મુદ્દે આપેલા એક નિવેદન બાદ આ મુલાકાત ટાળી દેવાઈ હતી.

પાકિસ્તાનનું સતત સમર્થન કર્યા બાદ સવાલ એ ઊઠે છે કે શું તુર્કીને ભારતની નારાજગીની ચિંતા નથી હોતી?

દિલ્હીસ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં પશ્ચિમ એશિયા અધ્યયન કેન્દ્રના પ્રોફેસર એકે પાશા કહે છે કે, “અમેરિકા ફૅક્ટરના કારણે તુર્કીને એ વાતની ચિંતા નથી કે ભારત શું વિચારશે. ભારત અમેરિકાની નિકટ છે અને તુર્કીના અમેરિકા અને યુરોપ સાથે પાછલાં ઘણાં વર્ષોથી સારા સંબંધ નથી.”

તુર્કી અને પાકિસ્તાનનાં સામાન્ય હિત

અર્દોગાન

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાન અને તુર્કીની ઇસ્લામિક ઓળખ લાંબા સમયથી બંને દેશો વચ્ચે મજબૂત ભાગીદારીનો આધાર રહી છે.

પરંતુ આ વાત અહીં સુધી જ મર્યાદિત નથી. સંકટના સમયે બંને દેશ એકબીજા સાથે જોવા મળે છે.

શીત યુદ્ધ દરમિયાન પાકિસ્તાન અને તુર્કી સેન્ટ્રલ ટ્રીટી ઑર્ગેનાઇઝેશન અને ક્ષેત્રીય સહયોગ વિકાસ જેવાં સંગઠનોમાં એક સાથે હતાં.

પાકિસ્તાને સાઇપ્રસમાં ગ્રીસ વિરુદ્ધ તુર્કીના દાવાનું સતત સમર્થન કર્યું છે. આના માટે પાકિસ્તાન વર્ષ 1964 અને 1971માં સૈન્ય સહાયતા આપવાના વાયદા કરી ચૂક્યું છે.

તુર્કી પણ કાશ્મીર મામલે સતત પાકિસ્તાનનું સમર્થન કરતું આવ્યું છે.

5 ઑગસ્ટ, 2019ના રોજ જ્યારે ભારતે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરી દીધો હતો ત્યારે બીજા મહિને સપ્ટેમ્બરમાં જ અર્દોઆને સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધિત કરતાં વિશેષ દરજ્જાને ખતમ કરવાની વાતનો વિરોધ કર્યો હતો.

જોકે, ડૉ. અનસનું કહેવું છે કે પાચળા અમુક સમયથી અર્દોઆને કાશ્મીરના મુદ્દાને મોટા મંચો પણ નથી ઉઠાવ્યો.

તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆને 24 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધિત કરતાં કાશ્મીરનો ઉલ્લેખ ન કર્યો. આવું વર્ષો બાદ થયું છે, જ્યારે અર્દોઆને સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરનો મુદ્દો નથી ઉઠાવ્યો.

પરંતુ પ્રોફેસર એકે પાશાનું માનવું છે કે કાશ્મીર અંગે અર્દોઆનનું વલણ ભવિષ્યમાં વધુ કડક થઈ જશે.

વર્ષ 2003માં વડા પ્રધાન અને 2014માં રાષ્ટ્રપતિ બન્યા બાદ અર્દોઆન દસ કરતાં વધુ વખત પાકિસ્તાનની મુલાકાત લઈ ચૂક્યા છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં જ તેમણે તાજેતરમાં પાકિસ્તાનની મુલાકાત કરી હતી અને તેમણે પાકિસ્તાનને પોતાનું ‘બીજું ઘર’ ગણાવ્યું હતું.

આ દરમિયાન બંને દેશો વચ્ચે 24 સમજૂતીઓ પર સહી થઈ અને પાંચ બિલિયન ડૉલર વેપારના લક્ષ્ય પર સંમતિ સધાઈ.

અર્દોઆન અને શરીફ

ઇમેજ સ્રોત, Getty Images

ડૉ. ઓમૈર અનસ કહે છે કે, “પાછલા બે દાયકામાં તુર્કીની નેટો પર પકડ કમજોર પડી છે. તેથી 20 વર્ષમાં તુર્કીએ રશિયા, ચીન અને પાકિસ્તાન સાથે સંબંધ બનાવ્યા છે. જો નેટોમાં કંઈક થાય તો તુર્કી માટે પાકિસ્તાન પણ એક મહત્ત્વપૂર્ણ દેશ હશે.”

“બીજું પાસું એ છે કે હથિયારોના મામલામાં એક તરફ પશ્ચિમના દેશો છે અને બીજી તરફ ચીન અને તુર્કી પણ આ ક્ષેત્રે પ્રગતિ સાધી રહ્યાં છે. ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં તુર્કી પોતાનાં હથિયારોનું પરીક્ષણ કરી રહ્યું હતું અને એ ઇચ્છે છે કે તેનાં હથિયાર આખું વિશ્વ ખરીદે.”

ભૂ-રાજકીય રીતે તુર્કી ખાડી ક્ષે6માં સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના નેતૃત્વના પડકારનો સામનો કરી રહ્યું છે. આ દેશોની અસર ઘટાડવા માટે પણ એ પાકિસ્તાન અને મલેશિયા જેવા બિન-ખાડી મુસ્લિમ દેશો સાથે સંબંધ મજબૂત બનાવી રહ્યું છે.

આ સાથે જ તુર્કી હિંદ મહાસાગર પર પોતાનું ધ્યાન વધુ કેન્દ્રિત કરી રહ્યું છે. હાલનાં વર્ષોમાં તુર્કીની નેવી અને પાકિસ્તાની નેવીએ હિંદ મહાસાગરમાં ઘણા સંયુક્ત યુદ્ધાભ્યાસ કર્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS